ભારતનો એ વિસ્તાર જ્યાં રાત પડે અને વરુઓના ભયથી ગામલોકો ફફડવા લાગે - ગ્રાઉન્ડ રિપોર્ટ

વરુ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સૈયદ મોજિજ ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત-નેપાળ સરહદ ઉપર તરાઈના તળપ્રદેશ બહરાઇચમાં વરુઓના ત્રાસથી લોકોમાં ભયનું વાતાવરણ છે. વરુઓનું આ ટોળું નાગરિકોને વિશેષ કરીને બાળકોને નિશાન બનાવી રહ્યું છે.

જુલાઈ મહિનાથી અત્યારસુધીમાં વરુઓએ છ બાળકોને શિકાર બનાવ્યાં છે તથા 26 લોકો તેમના હુમલાનો ભોગ બન્યા છે.

ઉત્તર પ્રદેશ વનવિભાગ દ્વારા વરુઓને પકડવા માટે નવ ટીમ, ચાર પાંજરાં તથા છ કૅમેરા, થર્મલ ડ્રોન કામે લગાડવામાં આવ્યાં છે. આમ છતાં હજુ સુધી માત્ર ત્રણ વરુ જ પકડી શકાયાં છે.

વનવિભાગ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે વરુઓ દ્વારા માણસો ઉપર હુમલા કરવામાં નથી આવતા, પરંતુ યુપીમાં તેમને આદત પડી ગઈ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

માનવ તથા વન્યજીવ વચ્ચેના સંઘર્ષ માટે જળવાયુ પરિવર્તન પણ અપ્રત્યક્ષ રીતે જવાબદાર છે.

30 ગામોને અસર, લોકો નારાજ

બહરાઇચ જિલ્લાના એક ગામડાના લોકોની તસવીર
ઇમેજ કૅપ્શન, વરુઓને કારણે બહરાઇચનાં 30 જેટલાં ગામના લોકોમાં ફફડાટ

બહરાઇચના ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર (ડીએફઓ) અજિતપ્રતાપ સિંહના કહેવા પ્રમાણે, "આ વિસ્તારના ગ્રામીણોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાનાં નાનાં બાળકોને ઘરની બહાર ન સુવડાવે. આ વિસ્તરનાં મોટા ભાગનાં ઘરોમાં દરવાજા નથી, જેથી વરુઓ ઘરમાં પ્રવેશી જાય છે."

સિંહે ઉમેર્યું, "સામાન્ય રીતે વરુઓ માણસો ઉપર હુમલા નથી કરતા, પરંતુ એવું લાગે છે કે અકળ સંજોગોમાં તેમણે ભૂલેથી માણસો ઉપર હુમલા કર્યા અને હવે તેમને આદત પડી ગઈ છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉત્તર પ્રદેશના વનમંત્રી અરુણકુમાર સકસેનાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અમે નથી ઇચ્છતા કે કોઈ વ્યક્તિ કે વન્યજીવનો પ્રાણ જાય. અમે અત્યારસુધીમા ત્રણ વરુઓને પકડી પાડ્યાં છે."

બહરાઇચના મહસી તાલુકાના લગભગ 100 વર્ગ કિલોમીટરમાં આવેલાં 25-30 ગામડાંમાં વરુઓનો ભય ફેલાઈ ગયો છે.

ડીએફો અજિતપ્રતાપ સિંહના કહેવા પ્રમાણે, ચોમાસાને કારણે ઘાઘર નદીમાં જળસ્તર વધી જાય છે તથા તેની કોતરોમાં વરુઓની બખોલમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે તેઓ માનવસતીવાળા વિસ્તારોમાં ઘૂસી જાય છે. પહેલાં તેઓ માણસો અને બાળકોને ભૂલથી નિશાન બનાવે છે અને પછી તેમને આદત પડી જાય છે."

અગાઉ આ વિસ્તારમાં દીપડાનો આતંક હતો, હવે વરુઓનો ભય પ્રવર્તમાન છે.

બીબીસીની ટીમે બહરાઇચ જિલ્લાનાં અનેક ગામોની મુલાકાત લીધી. આવા જ એક મૈકુપુરવા વિસ્તારમાં રાતના સમયે વરુઓએ આઠ વર્ષના ઉત્કર્ષને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે તેનાં માતા જાગી રહ્યાં હતાં, જેણે ઉત્કર્ષને જકડી રાખ્યો. તેમનો અવાજ સાંભળીને ગ્રામજનો એકઠા થઈ ગયા અને ઉત્કર્ષનો જીવ બચી ગયો.

મૈકુપુરવા ગામના સરપંચ અનુપસિંહે બીબીસીને કહ્યું, "17 એપ્રિલે આ પ્રકારની પહેલી ઘટના ઘટી હતી. એ પછી અમે તથા વનવિભાગની ટીમોએ રોન મારવાનું શરૂ કર્યું હતું. અમે એક ગામમાં હોઈએ છીએ, ત્યારે અન્ય કોઈ ગામડામાંથી વરુના હુમલાની ઘટના સામે આવે છે."

"લાંબા સમય પછી વરુઓ દ્વારા માણસો ઉપર હુમલા કરવાનું શરૂ કર્યું છે. કેટલાંક વર્ષો પહેલાં પણ આવી ઘટના નોંધાઈ હતી."

ડીએફઓના કહેવા પ્રમાણે, "લગભગ 20 વર્ષ અગાઉ ગોંડા, બહરાઇચ તથા બલરામપુરના ત્રણ જિલ્લામાં વરુઓના હુમલાને કારણે 32 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. એ પછી વરુઓના હુમલા નહોતા થયા."

તેમણે ઉમેર્યું, "મહસીમાં પાંચથી છ વરુઓનું ટોળું છે, જે માણસો ઉપર હુમલા કરે છે. ગત વખતે પણ આવી જ સ્થિતિ હતી, એટલે સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે."

ડીએફઓના કહેવા પ્રમાણે, "ક્યારેક અમે વરુઓને પકડી લઈએ છીએ. ત્યારે ક્યારેક સ્થાનિકો જાનવરને વનવિભાગ પાસેથી ખૂંચવીને તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે." પરંતુ આવા લોકોની સામે વન્ય સંરક્ષણ ધારા હેઠળ પોલીસમાં કેસ દાખલ કરાવવામાં આવે છે. બહરાઇચમાં વનવિભાગની ટીમ ઉપર હુમલો કરવાના આરોપ સબબ ત્રણ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

'વીજળી ગઈ, વરુ આવ્યાં'

વીડિયો કૅપ્શન, ટ્રેનની અડફેટે આવીને ગીરના 'ભગત' સિંહનું મૃત્યુ, 'રુદ્ર'સિંહ હવે તેની યાદમાં શું કરે છે?

વરુઓના હુમલાથી બચવા માટે ગ્રામીણો રોન મારે છે, પરંતુ એ એટલું સરળ નથી. રાત્રે વીજળી ન હોવાના કારણે અંધારામાં પહેરો ભરવો મુશ્કેલ બની જાય છે. મૈકુપુરવા ગામના રામલાલના કહેવા પ્રમાણે, "વરુઓ દ્વારા અંધારાનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને અમે આ અંગે જિલ્લાધિકારીને રજૂઆતો કરી છે. જો રાત્રિના સમયે વીજળી હોય તો અમારું કામ સરળ બને."

તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કરતા રામલાલે કહ્યું, "17 ઑગસ્ટની રાત્રે હિંદુપુરવા ગામેથી વરુઓ ચાર વર્ષીય સંધ્યાને ઉઠાવી ગયાં હતાં."

માતા સુનિતાનાં કહેવા પ્રમાણે, "લાઇટ ગઈ કે બે મિનિટમાં વરુઓએ હુમલો કર્યો. અમે કંઇક સમજીએ તે પહેલાં તેઓ સંધ્યાને લઈને નાસી છૂટ્યાં હતાં."

21 ઑગસ્ટના વરુઓએ ભટોલી ગામ ખાતે એક બાળકીનો શિકાર કર્યો હતો. હિંદુપુરવા પાસેના નસીરપુર ગામ ખાતે પણ વરુઓએ એક બાળકી ઉપર હુમલો કર્યો હતો, પરંતુ પિતાએ બાળકીને પકડી રાખી હતી, જેના કારણે તે બચી જવા પામી હતી. જોકે, આ ઝપાઝપીને કારણે બાળકીને ખાસ્સી ઈજા પહોંચી હતી.

જાનવરો ફટાકડાનો અવાજ સાંભળીને પ્રાણીઓ નાસી છૂટે છે. એટલે વનવિભાગ દ્વારા પ્રાણીઓને ફટાકડા આપવામાં આવ્યા છે. ડીએફઓ અજિતપ્રતાપ સિંહના કહેવા પ્રમાણે, "આ વિસ્તારમાં ખૂબ જ ગરીબી છે અને લોકો પાસે પાક્કાં મકાન પણ નથી, જેથી કરીને તેઓ ઘરની બહાર ઊંઘે છે અને જોખમ વધી જાય છે."

વનવિભાગનું વૃતાંત

ડીએફઓની તસવીર
ઇમેજ કૅપ્શન, ડીએફઓના કહેવા પ્રમાણે, વૃદ્ધ અને લંગડું વરૂ સૌથી જોખમી હોવાની શક્યતા

ડીએફઓ અજિતપ્રતાપ સિંહના કહેવા પ્રમાણે, "ત્રણ વરુ પકડાયાં હતાં, જેમાંથી એકનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું છે. અન્ય એક નર-માદાને લખનૌના પ્રાણીસંગ્રહાલય ખાતે મોકલી દેવાયાં છે. આ ટોળાનું વૃદ્ધ વરુ લંગડું છે. તે સૌથી વધુ ખૂંખાર હોવાની શક્યતા છે, એટલે તેને પકડવા માટે પ્રયાસ થઈ રહ્યા છે."

ગ્રામજનોએ બીબીસી સાથેની વાતચીત દરમિયાન એક લંગડા તથા બે નાની ઉંમરનાં વરુઓની હાજરીની પુષ્ટિ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તાર માટે 20 લાખની ફાળવણી કરવામાં આવી છે. ડીએફઓ સિંહના કહેવા પ્રમાણે, "વરુઓના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ લાખની આર્થિક સહાયતા પ્રાપ્ત થાય છે. જિલ્લાતંત્ર દ્વારા ચાર લાખ તથા વનવિભાગ દ્વારા એક લાખ આપવામાં આવે છે."

વર્ષ 2020માં બહરાઇચની આસપાસના વિસ્તારોમાં વરુઓ દ્વારા હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. એ દુધવા ટાઇગર રિઝર્વના બફર ઝોનમાં આવેલાં આઠ ગામમાં વરુઓના હુમલાઓને કારણે 21 લોકો ઘાયલ થઈ ગયા હતા.

ડ્રોન ઉપર આધાર

આકાશમાં ઉડતા ડ્રોનની તસવીર

વનવિભાગ દ્વારા વરુઓને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ખેડૂતો અને ઘાસ કાપવાવાળાઓની પૂછપરછ કરીને સગડ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

બહરાઇચના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર મહમદ સાકિબે બીબીસીના કહેવા પ્રમાણે, "શેરડીનો પાક ઊંચો થઈ ગયો છે, જેના કારણે વરુઓને શોધવામાં મુશ્કેલી પડી રહી છે."

"આ સિવાય ડ્રોન ગરમ થઈ જાય છે, જેના કારણે તે કામ કરતું બંધ થઈ જાય છે. જ્યારે વરુઓની હાજરી વિશે માહિતી મળે છે ત્યારે સ્થાનિકોની મદદથી ઘેરાબંદી કરીએ છીએ અને જાળ પાથરીએ છીએ. આ સિવાય પાંજરુ પણ તૈયાર રાખીએ છીએ. અમે એ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે પકડવા જતા વરુઓને ઈજા ન પહોંચે."

વનમંત્રીના કહેવા પ્રમાણે, "માનવ અને પશુઓ વચ્ચે સંઘર્ષ અટકાવવા વનવવિભાગ દ્વારા ફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. કોઈ જાનહાનિ ન થાય માટે સંવેદનશીલ ગામોની યાદી તૈયાર કરીને અસુરક્ષિત વિસ્તારનું ગૂગલ મૅપિંગ કરીને વન્યજીવ પ્રભાવિત વિસ્તારોનું આયોજનપૂર્વક વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે."

"સમયાંતરે યોગ્ય મંજૂરી લઈને પાંજરામાં મારણ મૂકીને વન્યજીવોને પકડવા પ્રયાસ થઈ રહ્યા છે."

વાઇલ્ડ લાઇફ એસઓએસના અહેવાલ પ્રમાણે, હવામાન તથા જળવાયુપરિવર્તનની અસર વન્યજીવ, તેમની સંવનની ઋતુ તથા માઇગ્રૅશન પર પણ જોવા મળી રહી છે. જેના કારણે પણ માણસો અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે.

લખનૌ યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ સાયન્સ ખાતે સંયોજક પ્રાધ્યાપક અમિતા કનૌજિયાના કહેવા પ્રમાણે, "આ સંઘર્ષ કોઈ નવી વાત નથી. વરુઓની વચ્ચે સામાજિક માળખું ખૂબ જ મજબૂત હોય છે. તેઓ બેથી 10ના સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ ઑક્ટોબર મહિનામાં આવતા સંવનનકાળ પહેલાં સલામત સ્થળની શોધ કરે છે. એ પછી બાળકો પુખ્ત થાય, ત્યાં સુધી તેમનું પાલનપોષણ કરે છે અને તેમને શિકાર કરતા પણ શીખવે છે."

કનોજિયાના કહેવા પ્રમાણે, "રખડતાં શ્વાનોની શોધમાં તેઓ માનવવસતિ તરફ આવી જાય છે. એ દરમિયાન ભૂલથી માણસો ઉપર હુમલા કરે છે, એ પછી તેમને આદત પડી જાય છે."

વરૂની તસવીર

શું જળવાયુ પરિવર્તનને કારણે આ સંઘર્ષ થઈ રહ્યો છે. તેના જવાબમાં કનોજિયા કહે છે, "પ્રત્યક્ષ તો અસર નથી થતી, પરંતુ અપ્રત્યક્ષ અસર હોય છે. જેમ કે, ભારે પાણી ભરાવાને કારણે તેમની કોતર અને બખોલોમાં પાણી ભરાઈ જાય છે. તેમના માટે ભોજન મેળવવું મુશ્કેલ બની જાય છે અને તેઓ બાળકોને ઉઠાવી જાય છે."

વન્યજીવ વિજ્ઞાની બ્રાયન રૉયલના કહેવા પ્રમાણે, "વરુઓ પ્રકૃતિના લાંબા અંતરના જૉગરોમાંથી એક છે. એક વરુ દરરોજ 10-12 કલાક સુધી દોડી શકે છે. જેના કારણે તેના ટોળાનું ક્ષેત્ર બહુ લાંબું હોય છે. વરુઓ પગદંડી, રસ્તા ઉપરથી પસાર થાય છે, કારણ કે તેની ઉપર ચાલવું પસંદ કરે છે, કારણ કે ત્યાંથી પસાર થવું સરળ હોય છે.

નૉર્વે પ્રકૃતિ સંશોધન કેન્દ્રની એનઆઈએનએ રિપોર્ટને ટાંકતા ઇન્ટરનેશનલ વુલ્ફ સેન્ટર લખે છે કે, વર્ષ 2002થી 2020 દરમિયાન વિશ્વભરમાં વરુઓ દ્વારા હુમલા થયા, જેમાંથી 78 ટકા એટલે કે લગભગ 380 હડકવાને કારણે થયા હતા. આ સિવાય 67 શિકાર માટે તથા 42 સલામતી કે ઉશ્કેરણીને કારણે કરવામાં આવ્યા હતા.

સેન્ટરના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ચારથી છ હજાર વરુ વસે છે, જેમાંથી 400થી 1100 જેટલા હિમાલયની તળેટીમાં રહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.