પતિએ છૂટાછેડાની અરજી કરીને દાવો કર્યો કે 'પત્ની અશ્લીલ વીડિયો જુએ છે', કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિજયાનંદ અરુમુગમ
- પદ, બીબીસી તમિલ
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે પોતાના એક આદેશમાં કહ્યું છે કે, 'પત્ની દ્વારા પૉર્ન ફિલ્મો જોવાની અને હસ્તમૈથુન કરવાની વાતને પતિની સતામણી ન ગણી શકાય.'
ગત 19 માર્ચે હાઈકોર્ટના જજોએ આ કેસમાં કરુર ફેમિલી કોર્ટના પતિને છૂટાછેડા ન આપવાના નિર્ણયને માન્ય રાખતા ઉપરોક્ત વાત કહી હતી.
આ દંપતીનાં લગ્ન 2018માં થયાં હતાં.
આ બંનેનાં બીજાં લગ્ન હતાં. બંને પોતાના અગાઉનાં જીવનસાથીઓથી છૂટાછેડા લઈ ચૂક્યાં હતાં. જોકે, ડિસેમ્બર, 2020થી હવે તેઓ બંને એકબીજાથી અલગ રહે છે.
પત્નીએ કરુર સબ-ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાના 'વૈવાહિક અધિકારો'ના પુન:સ્થાપન માટે કેસ કર્યો હતો.
જોકે, સામેની બાજુએ પતિએ પત્ની સામે ઘણા આક્ષેપો કરીને કોઇમ્બતૂરની કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી હતી.
બંને કેસો કરુર ફેમિલી કોર્ટે પતિના આક્ષેપો માન્ય ન રાખી અરજી ફગાવી દીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, પતિએ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચમાં ફેમિલી કોર્ટના આદેશ સામે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં પણ તેમણે કેટલાક આક્ષેપો કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અરજીમાં તેમણે લખ્યું હતું કે તેમનાં પત્ની ખૂબ જ ખર્ચો કરે છે, સાથે જ તેમને પૉર્નોગ્રાફી જોવાની ટેવ છે. આ સાથે પતિએ આક્ષેપ કર્યો હતો કે તેમનાં પત્ની હસ્તમૈથુન કરે છે અને ઘણો સમય સુધી મોબાઇલ સાથે વળગેલાં રહે છે.
તેમણે પોતાનાં પત્ની પર પોતાને જાતીય સમાગમ વડે ફેલાતા રોગનો ચેપ લગાડ્યાનો પણ આરોપ કર્યો, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું.
મદુરાઈ બેન્ચના જજોએ કહ્યું કે, "આ આક્ષેપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ નથી કરાયા."
મહિલાના પ્રાઇવસીના અધિકાર અંગે જજોએ પોતાના નિર્ણયમાં કહ્યું કે, "પ્રાઇવસી એ એક મૂળભૂત અધિકાર છે. આ અધિકાર લગ્નગ્રંથિથી જોડાયેલા લોકો માટે પણ છે. લગ્ન બાદ, સ્ત્રી એક પત્ની બને છે. પત્નીની વ્યાખ્યામાં જાતીય સ્વતંત્રતાનાં ઘણાં પાસાં સામેલ છે."

જજોએ કહ્યું - 'ડેટા નથી'

ઇમેજ સ્રોત, Getty Images
જજોએ કહ્યું, "મહિલા દ્વારા હસ્તમૈથુનને લાંછન ન ગણી શકાય." જજોએ ઉમેર્યું કે જો પુરુષ હસ્તમૈથુન કરે તો તેના કારણે વૈવાહિક જીવનને અસર પડે છે, "પરંતુ મહિલા દ્વારા આવું કરાય તો તેનાથી વૈવાહિક જીવનને અસર થશે એ રજૂ કરતા કોઈ ડેટા નથી."
જજોએ પોતાના નિર્ણયમાં એવું પણ નોંધ્યું કે, "પૉર્નોગ્રાફી જોવી અને હસ્તમૈથુન કરવાને પતિની સતામણી ન કહી શકાય."
તેમણે પોતાના નિર્ણયમાં આગળ જણાવ્યું કે, "પૉર્નોગ્રાફી જોવાને કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે. જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને પૉર્ન જોવાની ફરજ પાડે તો એ ન ચલાવી લેવાય. જો આ કૃત્ય વૈવાહિક સંબંધને અસર પહોંચાડે તો પગલાં લઈ શકાય."
જજોએ કહ્યું, "કોઈ પણ પ્રકારનું વ્યસન ખરાબ હોય છે." તેમણે ઉમેર્યું, "પૉર્ન જોવું એ પણ આ જ કૅટેગરીમાં આવે છે. એ ચલાવી ન લેવાય, કારણ કે તેમાં મહિલાઓને ખરાબ રીતે રજૂ કરાય છે."
પતિની અરજી ખારિજ કરતાં જજોએ કહ્યું, "અરજદારે પત્ની સામે કરેલા આક્ષેપો સાબિત કરી શકાયા નથી. જો એ સાચા હોય તો પણ કાયદા મુજબ એ છૂટાછેડાનો આધાર ન બની શકે."
'આને જુદી રીતે જોવાની કોઈ જરૂર નથી'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડિયન ડેમૉક્રેટિક વીમેન્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ યુ. વાસુકીએ કહ્યું કે, "પતિના આરોપો સાબિત કરી શકાયા નથી. પત્નીએ તેમના પરના તમામ આરોપોથી ઇનકાર કર્યો છે. અહીં મુદ્દો આ આરોપો સાચા છે કે ખોટા એ નથી. મહત્ત્વની વાત એ છે કે કોર્ટે આને કઈ રીતે જોયું છે."
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "મહિલા અને પુરુષો માટે જુદા જુદા માપદંડો રજૂ કરાયા છે, જેમાં દારૂ પીવાનું અને સિગારેટ સામેલ છે. આને લોકોને આવું બધું કરવાની પ્રેરણા સ્વરૂપે ન જોવું જોઈએ."
યુ. વાસુકી કહે છે કે, "વ્યક્તિગત અધિકારો બધા માટે છે."
"જો પુરુષ આવું કરે તો તેમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ જ્યારે મહિલા આવું જ બધું કરે તો તેની તેના કારણે મૂંઝવણ પેદા થાય છે. તેના કારણે આ નિર્ણય વિવાદાસ્પદ બને છે."
વરિષ્ઠ વકલી શાંતાકુમારીએ કહ્યું, "જ્યારે પુરુષ-મહિલા માટે કાયદો સમાન હોય તો તેને માત્ર મહિલા માટે અલગ ગણવાની જરૂર નથી."
તેઓ કહે છે કે, "જો પ્રશ્ન એ હોય કે કોઈ વ્યક્તિને પૉર્નોગ્રાફી જોવાનો હક છે કે કેમ તો ત્યાં મહિલા અને પુરુષના હક સમાન છે એવું ગ્રાહ્ય રાખવામાં કોર્ટ બરાબર છે."
તેમણે એવું પણ કહ્યું કે ભારતીય સમાજમાં મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે તેમને અપાયેલા અધિકારો કરતાં વધુ અધિકારો માગવામાં આવે એ વાત ખરાબ માનવામાં આવે છે.
તેમણે કહ્યું કે તેઓ આ નિર્ણયનું સ્વાગત કરે છે, કારણ કે તે મહિલાના વ્યક્તિગત અધિકારોને ટેકો આપે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તામિલનાડુ પ્રોગ્રેસિવ લૉયર્સ ઍસોસિયેશનનાં ઉપપ્રમુખ દમયંતીએ કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયથી બિલકુલ સંમત નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "મહિલાની પ્રાઇવસીનું રક્ષણ જરૂર છે. મહિલા એકાંતમાં પૉર્નોગ્રાફી જુએ તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ સાથે જ આપણે એ વાત અંગે પણ સાવચેત રહેવાની જરૂર છે કે આનાથી ફૅમિલીમાં કોઈ તકલીફ ન ઊભી થવી જોઈએ કે આ વાત છૂટાછેડામાં ન પરિણમવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












