ત્રણ વર્ષના બાળકના નામકરણ અંગે માતાપિતા વચ્ચે થયેલો વિવાદ કોર્ટ પહોંચ્યો, વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
બાળકના નામ મામલે પતિ-પત્ની વચ્ચે મતભેદ થવો એ સામાન્ય વાત છે, પરંતુ ભાગ્યે જ આ મતભેદ કોર્ટ સુધી પહોંચે છે.
પરંતુ આવું જ કંઈક બન્યું ભારતના કર્ણાટક રાજ્યમાં એક દંપતી સાથે. જેઓ તેમના પુત્રના નામ મામલે ત્રણ વર્ષથી ઝઘડી રહ્યાં હતાં, આ વિવાદનો અંત લાવવા માટે બંને કોર્ટે સુધી પહોંચ્યાં હતાં.
આશ્ચર્યજનક વાત તો એ છે કે દંપતી વચ્ચેના ઝઘડાએ એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.
આ વિવાદની શરૂઆત થઈ હતી વર્ષ 2021માં. પત્નીએ આ વર્ષે પુત્રના જન્મ બાદ થોડાં અઠવાડિયાં માટે પોતાનાં માતાપિતા પાસે રહેવા ગયાં હતાં. ભારતમાં ડિલિવરી બાદ સામાન્ય રીતે મહિલાઓ આરામ અને રિકવરીના હેતુસર પોતાનાં માતાપિતાના ઘરે જાય છે.
સામાન્ય સંજોગોમાં પતિ પિયર ગયેલી પોતાની પત્ની અને બાળકને પાછાં લઈ આવે છે.
પરંતુ આ કિસ્સામાં એ સમયે 21 વર્ષીય પત્નીએ જ્યારે પોતાના પતિએ બાળક માટે પસંદ કરેલ નામ સ્વીકારવાની ના પાડી દેતાં પતિ ક્યારેય પત્નીને પાછી લેવા તેમનાં માતાપિતાના ઘરે ગયા જ નહીં.
હુંસુરનાં મદદનીશ સરકારી વકીલ સૌમ્યા એમએન અનુસાર આ દરમિયાન પત્નીએ પુત્ર માટે 'આદિ' નામ પસંદ કર્યું. આ નામ તેમણે પોતાના નામના પ્રથમ અક્ષર અને પોતાના પતિના નામના એક એક અક્ષરના સંયોજનથી બનાવ્યું હતું.
ધીરેધીરે મહિનાઓ વર્ષોમાં પરિવર્તિત થતાં ગયાં, આ ગાળા દરમિયાન પત્ની પોતાના પતિ પાસેથી નાણાકીય સહાયની માગ સાથે મૈસુરુ જિલ્લાના હુંસુર ટાઉનની સ્થાનિક કોર્ટની શરણે ગયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમના વકીલ એમઆર હરીશે બીબીસી હિંદીને જણાવ્યું કે આ સમય સુધી મામલો એટલો બધો વણસી ચૂક્યો હતો કે પત્ની હવે પતિથી છૂટાછેડાની માગ કરી રહ્યાં હતાં.
તેમણે કહ્યું, "તેઓ એક ગૃહિણી હોવાને કારણે ભરણપોષણની માગ કરી રહ્યાં હતાં."
શરૂઆતમાં આ કેસ સ્થાનિક કોર્ટમાં દાખલ કરાયો હતો, જે પાછળથી લોકઅદાલતમાં મોકલી દેવાયો. નોંધનીય છે કે લોકઅદાલતમાં મધ્યસ્થી વડે વિવાદોનો અંત લાવવામાં આવે છે.
આ વિવાદમાં કોર્ટે જાતે બાળક માટે ઘણાં નામ સૂચવ્યાં, પરંતુ પતિ-પત્ની વચ્ચે આ નામો અંગે શરૂઆતમાં સંમતિ ન સાધી શકાય. પરંતુ આખરે કોર્ટે બાળક માટે સૂચવેલ એક નામ પર બંને રાજી થઈ ગયાં.
મદદનીશ સરકારી વકીલ સૌમ્યા જણાવે છે કે હવે બાળકનું નામ 'આર્યવર્ધન' પાડવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે 'ખાનદાની અથવા ઉમદા ચારિત્ર્યવાળું.'
બાળકના નામકરણ બાદ પતિ-પત્નીએ ફૂલહાર કર્યા અને લગ્નજીવન ખુશીથી પસાર કરવા ઘરે પરત ફર્યાં.
જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે ભારતીય કોર્ટે બાળકના નામ અંગેના વિવાદનું નિરાકરણ લાવ્યું હોય.
ગત સપ્ટેમ્બર માસમાં, કેરળમાં એક બાળકને એટલા માટે શાળામાં ઍડમિશન નહોતું અપાયું, કારણ કે તેના જન્મપ્રમાણપત્રમાં કોઈ નામ નહોતું.
આ મુદ્દે બાળકનાં માતા કોર્ટ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેમણે બાળકનું નામ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નોંધણી અધિકારીએ આવું કરવાની ના પાડી દીધી હતી. કારણ કે બાળકના પિતા હાજર નહોતા. નોંધનીય છે કે બાળકનાં માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા.
આ મામલાનો અંત લાવવા કેરળ હાઇકોર્ટે હુકમ કર્યો હતો. હાઇકોર્ટે જન્મનોંધણી કાર્યાલયને આદેશ કર્યો હતો કે તે બાળકનાં માતા દ્વારા અપાયેલ નામ અને બાળકના પિતાનું નામ રજિસ્ટર કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












