You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બુલડોઝર ઍક્શન' અંગે સુપ્રીમ કોર્ટે દિશા-નિર્દેશ આપ્યા પછી હવે જૂના મામલાઓનું શું થશે?
'અપના ઘર હો, અપના આંગન હો,
ઇસ ખ્વાબ મેં હર કોઈ જીતા હૈ.
ઇંસાન કે દિલ કી યે ચાહત હૈ
કિ એક ઘર કા સપના કભી ન છૂટે.'
બુલડોઝર વડે કોઈના ઘર કે મકાનને તોડી પાડતા પહેલાં સરકાર કે વહીવટીતંત્રે શું કરવું જોઈએ તે અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશ આપ્યા છે.
'બુલડોઝર ઍક્શન'નો નિર્ણય કવિ પ્રદીપની આ ચાર પંક્તિઓથી શરૂ થાય છે. એમ કહી શકાય કે આ પંક્તિઓનો અર્થ એ દિશા-નિર્દેશનો સાર છે.
આ નિર્ણય બે ન્યાયાધીશોની ખંડપીઠે આપ્યો છે. આ બૅન્ચમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન હતા. બે જજોની ખંડપીઠે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પર ગુનો કર્યાનો આરોપ હોય એ જ કારણસર તેના ઘર કે મિલકતને તોડી પાડવી એ કાયદાના શાસનની વિરુદ્ધ છે.
આ ચુકાદામાં બૅન્ચે નોટિસ આપવા, સુનાવણી કરવા અને મકાનને જમીનદોસ્તના આદેશ રજૂ કરવા સંબંધિત અનેક દિશા-નિર્દેશ આપ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધરાતલ પર શું અસર થશે?
કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે આ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. તેનાથી તોડફોડની ગેરકાયદેસર ગતિવિધિઓ અટકશે.
કોર્ટે કહ્યું કે ઘર અથવા કોઈ મિલકત તોડતા પહેલાં ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપવી પડશે. જો કોઈ પણ રાજ્યના કાયદામાં આનાથી વધુ લાંબી નોટિસની જોગવાઈ હોય તો તેનું પાલન કરવું પડશે.
રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નોટિસ આપવાની રહેશે. કથિત ગેરકાયદે બાંધકામ પર પણ તે નોટિસ ચોંટાડવી પડશે.
નોટિસ પર અગાઉની તારીખ ન આવી જાય આ માટે, નોટિસની એક નકલ કલેક્ટર/જિલ્લા મેજિસ્ટ્રેટને પણ ઈ-મેઇલ કરવાની રહેશે.
દિશા નિર્દેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નોટિસમાં એ પણ લખવામાં આવશે કે કયા કાયદાનું ઉલ્લંઘન થયું છે. આ કેસમાં સુનાવણી ક્યારે થશે? જ્યારે સુનાવણી થશે ત્યારે તેની સંપૂર્ણ વિગતો પણ રેકૉર્ડ કરવાની રહેશે.
એમાં કહેવામાં આવ્યું છે કે સુનાવણી પછી અધિકારીઓએ આદેશમાં કારણ પણ જણાવવાના રહેશે. એ પણ જોવું પડશે કે મિલકતનો એક ભાગ ગેરકાયદેસર છે કે સમગ્ર મિલકત ગેરકાયદેસર છે. જો ડિમોલિશનને બદલે દંડ કે અન્ય કોઈ સજા થઈ શકે તો એને અનુસરવામાં આવશે.
મિલકત તોડી પાડવા અથવા તોડી પાડવાના આદેશ સામે કોર્ટમાં અપીલ કરવાની કાયદામાં જોગવાઈ હોય તો તેનું પાલન કરવું જોઈએ.
દિશા-નિર્દેશ અનુસાર, જો આવી કોઈ જોગવાઈ ન હોય તો પણ, ઑર્ડર આવ્યા પછી, મિલકતનાં માલિક/માલકણને ગેરકાયદેસર બાંધકામને સુધારવા માટે 15 દિવસનો સમય મળશે. જો આમ ન થાય તો જ તેને તોડવાની કાર્યવાહી થઈ શકે છે.
આનાથી શું પરિવર્તન આવશે?
કોર્ટે કહ્યું કે તેનો આદેશ દરેક રાજ્યને મોકલવામાં આવે. આ અંગે તમામ અધિકારીઓને જાણ કરવી જોઈએ.
આ નિર્ણય બાદ કોઈપણ વિધ્વંસક કાર્યવાહીમાં સરકાર અને તેના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના આ દિશા -નિર્દેશનું પાલન કરવું પડશે.
જો આવું ન થાય, તો તેઓએ તેમની અંગત મિલકતમાંથી નુકસાનની ભરપાઈ કરવી પડશે. તેમને દંડ પણ થઈ શકે છે. આ સૂચનાથી અધિકારીઓની જવાબદારી વધશે તેવી અપેક્ષા છે.
આ ઉપરાંત, સુનાવણી દરમિયાન, ઘર અથવા મિલકતને તોડી પાડવાના ઘણા કેસોમાં, પીડિતોએ જણાવ્યું હતું કે તેમને મળેલી નોટિસમાં અગાઉની તારીખ હતી.
કોર્ટે આ પરિસ્થિતિઓને ટાળવા માટે સૂચનાઓ પણ આપી છે. જેમ કે કલેક્ટરને ઈ-મેઇલ કરવો, વેબસાઇટ પર તમામ દસ્તાવેજ નિયમિતપણે અપલોડ કરવા વગેરે.
કેટલાક અરજદારોએ જણાવ્યું હતું કે તેઓ પર આરોપ લગાવવામાં આવ્યા અથવા ગુનો કર્યા પછી તરત જ તેમની મિલકત તોડી પાડવામાં આવી હતી.
કોર્ટ દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશ અનુસાર, નોટિસ અને અંતિમ આદેશ બંને વચ્ચે ઓછામાં ઓછો 15 દિવસનો સમય હોવો જોઈએ. હવે અપેક્ષા રાખવી જોઈએ કે હવેથી આવી કાર્યવાહી બંધ થઈ જશે.
આ તમામ બાબતો વિશે કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી દેશમાં 'બુલડોઝર ઍક્શન'ના નામે કરવામાં આવી રહેલી કાર્યવાહીને અસર થશે.
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, "આ નિર્ણય 'બુલડોઝર ન્યાય' પર રોક લગાવશે."
...પરંતુ જૂના મામલાઓનું શું?
કોર્ટ જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. તે અંતર્ગત આ દિશા-નિર્દેશ આવ્યા છે.
આ અરજીઓ જમિયત ઉલેમા-એ-હિંદ જેવા કેટલાંક સંગઠન અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા વૃંદા કરાત અને કેટલીક અન્ય વ્યક્તિઓ વતી દાખલ કરવામાં આવી હતી.
કોર્ટ સમક્ષ કેટલાક લોકો એવા પણ હતા જેમણે કહ્યું કે તેમની મિલકત ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી છે. તેમના કેસ હજુ પણ કોર્ટમાં પડતર છે.
હવે પહેલાંના એ વિવિધ કેસમાં કોર્ટે એ જોવું પડશે કે તોડફોડમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.
દરેક રાજ્યમાં બાંધકામને લગતા કાયદા છે. જેમાં મકાન તોડતા પહેલાં નોટિસ આપવી અને સુનાવણી જેવી પ્રક્રિયા હોય છે. કોર્ટે એ પણ જોવું પડશે કે કાર્યવાહીમાં એનું પાલન થયું કે નહીં.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સી.યુ. સિંહે કહયું હતું કે, "આ નિર્ણયથી ઘણી વસ્તુઓ બદલાશે. પડતર કેસોમાં પણ ફરક પડશે.
કાયદાકીય નિષ્ણાતોના મતે, કોર્ટે બુધવારના નિર્ણયમાં જે સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો છે તેની અસર અગાઉના કેસ પર પણ પડશે.
બુધવારે પણ કોર્ટે કહ્યું હતું કે સરકાર અને અધિકારીઓ વિચાર્યા વિના તોડફોડ કરી શકે નહીં. જો આમ થશે તો તેમને જવાબ આપવો પડશે. જવાબદારી લેવી પડશે.
આ કેસમાં અરજદારોના વકીલોએ કહ્યું હતું કે, "જે મિલકતના માલિક કોઈ કેસમાં આરોપી હતા તે જ મિલકત તોડી પાડવામાં આવી હતી. તેના પર ગુનાનો આરોપ મૂકાયા પછી તેમની મિલકત જમીનદોસ્ત કરવામાં આવી હતી."
એ વિશે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, તે એક સંયોગ માત્ર હતો કે જે ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી હતી તે કોઈ આરોપીની હતી.
તેના પર કોર્ટે કહ્યું કે,"જો અચાનક કોઈ મિલકત તોડી પાડવામાં આવે અને તેની બાજુમાં આવેલી એવી જ બિલ્ડીંગોને કંઈ ન થાય તો એવું લાગે છે કે ડિમોલિશન બદઈરાદાથી કરવામાં આવ્યું છે."
જો એવું જોવામાં આવે કે બાંધકામ તોડતા પહેલાં તેના માલિકને કોઈ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે, તો એવું માની શકાય કે આ તોડી પાડવાનો ખરો હેતુ કોઈ પણ કોર્ટના આદેશ વિના આરોપીઓને સજા કરવાનો હતો. આ સ્થિતિમાં અધિકારીઓએ સાબિત કરવું પડશે કે તેમનો ઇરાદો આવો ન હતો.
જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર પર દંડ થયો
આ મામલામાં આગામી સુનાવણી ચાર અઠવાડિયાં પછી થશે. કદાચ તેમાં વધુ સ્પષ્ટ થઈ જશે કે ડિમોલિશનના જૂના કેસોમાં સુપ્રીમ કોર્ટ શું કરશે.
આ વર્ષે 6 નવેમ્બરે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે વર્ષ 2019માં ઘર તોડી પાડવાના કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર પર 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, "મકાન કે રહેઠાણ તોડવાની કાર્યવાહી ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી. આ માટે કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. બાકીની પ્રક્રિયા પણ અનુસરવામાં આવી ન હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ સંસ્કારી સમાજમાં બુલડોઝર વડે ન્યાય ન મળવો જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન