You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે વિમાનના બંને એન્જિન બંધ પડી ગયાં, ત્યારે પાઇલટે નદીમાં વિમાન લૅન્ડ કર્યું
- લેેખક, સિદ્ધનાથ ગાનૂ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
15 જાન્યુઆરી 2009એ અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરથી ઉડ્ડાણ ભરનાર એક વિમાનમાં કુલ 155 મુસાફરો બેઠા હતા. ટેકઑફ થયાની થોડીક જ મિનિટો પછી વિમાન સાથે પક્ષીઓનું ઝુંડ ટકરાયું હતું.
આ ટક્કર પછી પાઇલટને તરત જ અનુભૂતિ થઈ ગઈ કે હવે તેના માટે ઍરપૉર્ટ પર પાછા ફરવું અશક્ય છે. તેથી તેમણે એ વિમાનને નદીમાં ઉતારી દીધું.
તે યુએસ ઍરવેઝની ફ્લાઇટ નંબર 1549 હતી.
આ ઘટનાને 'મિરેકલ ઑન ધ હડસન' નામથી પણ ઓળખવામાં આવે છે, કેમ કે, વિમાન ન્યૂ યૉર્કમાં હડસન નદીમાં ઊતર્યું હતું.
વિમાનમાં બેઠેલા બધા જ મુસાફરો સુરક્ષિત બચી ગયા હતા.
આ અભૂતપૂર્વ 'વૉટર લૅન્ડિંગ' કરાવનાર પાઇલટ હતા – ચેસ્લી સુલેનબર્ગર ઉર્ફે સલી.
વિમાનનાં બંને એન્જિન બંધ પડી ગયાં હતાં
આ ઘટના પર ઈ.સ. 2016માં એક ફિલ્મ 'સલી' પણ બની, જેમાં ટૉમ હૅંક્સે પાઇલટની ભૂમિકા ભજવી હતી.
15 જાન્યુઆરી 2009એ બનેલી આ ઘટનામાં વિમાને ન્યૂ યૉર્કના લાગાર્ડિયા ઍરપૉર્ટથી નૉર્થ કૅરોલિના માટે ઉડ્ડયન શરૂ કર્યું હતું. પરંતુ ટેકઑફ થયાની થોડીક જ મિનિટોમાં વિમાનને હડસન નદીમાં લૅન્ડ કરવામાં આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિમાને ઉડ્ડયન શરૂ કર્યાની બે મિનિટ પછી જ પક્ષીઓનું ઝુંડ તેની સાથે ટકરાઈ ગયું હતું અને વિમાનનાં બંને એન્જિન ફેઇલ થઈ ગયાં હતાં.
ત્યાર પછી વિમાનના અનુભવી પાઇલટ સુલેનબર્ગરે લાગાર્ડિયાના ઍર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું કે હડસન નદીના પાણી પર લૅન્ડ કરવાની કોશિશ કરીશું.
તે અત્યંત અસામાન્ય અને જોખમ ભરેલું કામ હતું.
પક્ષીઓ ટકરાયાની લગભગ સાડા ત્રણ મિનિટ પછી આ વિમાન નદીમાં ઊતર્યું. તે દરમિયાન વિમાનનો પાછળનો ભાગ પાણી સાથે અથડાયો, જેના લીધે વિમાનમાં પાણી ઘૂસી ગયું, પરંતુ તેથી વિમાનના ટુકડા ન થયા.
વિમાનમાં બેઠેલા મુસાફરો સંકટ સમયના દરવાજા અને પાંખોના રસ્તે વિમાનમાંથી બહાર નીકળી ગયા. એ દરમિયાન દુનિયાએ પાણી પર તરતા વિમાન અને તેની બંને બાજુ પાંખો પર ઊભેલા મુસાફરોની અનોખી તસવીર જોઈ.
કડકડતી ઠંડીમાં બચાવ અભિયાન
આ વિમાન જ્યારે નદીમાં ઊતર્યું, ત્યારે હડસન નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર હતો.
ન્યૂ યૉર્કમાં જાન્યુઆરી મહિનો ખૂબ ઠંડો હોય છે. તે દિવસે પણ તાપમાન માઇનસ 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું.
પરંતુ, વિમાન નદીમાં ઊતર્યાની થોડીક જ મિનિટોમાં નજીકની હોડીઓ અને અન્ય જહાજોને નદી તરફ વાળી દેવાયાં. આ ત્વરિત પ્રતિક્રિયા ખૂબ જ મદદગાર સાબિત થઈ.
અનેક પ્રકારની આશંકાથી ગ્રસિત આ લૅન્ડિંગ પછી પણ માત્ર એક મુસાફર અને ચાલકદળના પાંચ સભ્યના પગમાં ઈજા થઈ હતી.
ઘટનાને કવર કરી રહેલા બીબીસી સંવાદદાતાઓએ તે સમયે કહેલું કે, મુસાફરોનું નસીબ, પાઇલટની કુશળતા અને ત્વરિત બચાવ પ્રયત્નોના કારણે બધા લોકો સુરક્ષિત બચી ગયા.
ન્યૂ યૉર્કના તત્કાલીન મેયર માઇક બ્લૂમબર્ગે કહ્યું, "પાઇલટે વિમાનને નદીમાં ઉતારવાનું ખૂબ સરસ કામ કર્યું."
બધા જ ઊતરી ગયા પછી વિમાનમાં બે વાર તપાસ કરવામાં આવી, જેથી એવી ખાતરી કરી શકાય કે વિમાનની અંદર કોઈ ફસાયેલું તો નથી ને.
આ ઘટના માટે કૅપ્ટન સુલેનબર્ગરની ખૂબ જ પ્રશંસા થઈ, પરંતુ કેટલાક સવાલો પણ ઊભા થયા.
ઐતિહાસિક લૅન્ડિંગ કરાવનાર પાઇલટ કૅપ્ટન સલી
આ ઘટનાની તપાસ અમેરિકન પરિવહન નિયામક, નૅશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફ્ટી બોર્ડે કરી હતી. પરંતુ, તપાસમાં એવું પણ તારણ આવ્યું કે વિમાનને નદીમાં ઉતારવાનો નિર્ણય યોગ્ય હતો.
થોડાક દિવસોમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું અને અમેરિકાના કૅરોલિના'સ એવિએશન મ્યૂઝિયમમાં રાખી દેવાયું.
કૅપ્ટન સુલેનબર્ગરે 16 વર્ષની ઉંમરે પોતાની ઉડ્ડયન તાલીમ શરૂ કરી હતી. તેમણે 1973માં યુએસ ઍરફોર્સ એકૅડેમીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી તેઓ એક યુદ્ધવિમાન પાઇલટ તરીકે અમેરિકન ઍરફોર્સમાં જોડાયા હતા.
1980માં તેઓ પાઇલટ તરીકે એવિએશન સાથે સંકળાયેલા પ્રાઇવેટ સેક્ટરમાં પ્રવેશ્યા હતા. હડસન નદીમાંના તેમના લૅન્ડિંગને ચર્ચિત ઇમરજન્સી લૅન્ડિંગ તરીકે દુનિયાભરમાં યાદ કરવામાં આવે છે.
હડસન નદીમાં ઇમરજન્સી લૅન્ડિંગની પહેલાં કૅપ્ટન સલીને 20 હજાર કલાકના ઉડ્ડયનનો અનુભવ હતો. તેઓ લગભગ 40 વર્ષથી પાઇલટ હતા.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન