ક્રૂડ ઑઇલના ભાવ ચાર વર્ષના તળિયે, છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ઘટતા નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટૅરિફ વૉરની શરૂઆત કરી ત્યાર પછી શૅરબજારો, ક્રૂડ ઑઇલ અને તાંબા જેવી મેટલના ભાવમાં કડાકો આવ્યો છે.
ક્રૂડ ઑઇલની બાબતમાં ભારત એક સંવેદનશીલ દેશ છે અને ઑઇલ મોંઘું થાય ત્યારે ભારતની ઊંઘ ઊડી જતી હોય છે.
પરંતુ અત્યારે સ્થિતિ ઊંધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલનો ભાવ સતત ઘટીને ચાર વર્ષના તળિયે પહોંચી ગયો છે.

માર્ચ 2022માં રશિયા - યુક્રેન યુદ્ધની શરૂઆતના દિવસોમાં ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ 133 ડૉલર પ્રતિ બેરલની ટોચે પહોંચ્યો હતો, જે હાલમાં ઘટીને 57 ડૉલર સુધી નીચે આવી ગયો છે. નિષ્ણાતોના મતે ક્રૂડ ઑઇલ હજુ પણ ઘટી શકે છે.
આમ છતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ કે ડીઝલના ભાવમાં રાહત આપવાના બદલે ઍક્સાઇઝ ડ્યૂટીમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત એલપીજી સિલિન્ડરનો ભાવ 50 રૂપિયા વધારી દીધો છે.
ક્રૂડ ઑઇલના ભાવ ઘટવાથી ભારતને કેવી અસર પડશે તથા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે, તે જાણવા બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી.


ઇમેજ સ્રોત, Getty Images
ક્રૂડ સસ્તું થતું હોવા છતાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ઍક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યો તેનો સીધો બોજ ગ્રાહકો પર નહીં આવે.
ક્રૂડ સસ્તું હોવાથી ઑઇલ માર્કેટિંગ કંપનીઓનું માર્જિન વધી ગયું હતું, એવામાં સરકારે પોતાની રેવન્યુ વધારવાના અવસર તરીકે પેટ્રોલ અને ડીઝલ પર ઍક્સાઇઝ ડ્યૂટી વધારી એવું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પેટ્રોલ -ડીઝલના ભાવ ક્યારે ઘટશે એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે 'વેઇટ ઍન્ડ વૉચ'ની નીતિના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ટ્રેન્ડ (ઑઇલના નીચા ભાવ) જળવાઈ રહે તો ઈંધણના ભાવ ઘટવાની અપેક્ષા રાખી શકાય છે.
એચડીએફસી સિક્યૉરિટીઝના સિનિયર ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ટૅરિફ વૉરના કારણે વૈશ્વિક અર્થતંત્રોમાં સ્લોડાઉનની શક્યતા જોવામાં આવે છે અને ક્રૂડ ઑઇલના ભાવ ઘટવાનું આ મુખ્ય કારણ છે."

ઇમેજ સ્રોત, BBC News India/YouTube
"આ ઉપરાંત ચીન એ વિશ્વમાં સૌથી મોટું ઑઇલનું આયાતકાર છે અને તેના પર ટ્રમ્પે કુલ 104 ટકા ડ્યૂટી ઝીંકી છે. તેથી ચીનનું અર્થતંત્ર મંદી તરફ જઈ શકે છે, સ્વભાવિક રીતે જ ચીનમાં ઑઇલની ખપત ઘટશે. આવી જ સ્થિતિ બીજા દેશોની પણ છે. આના કારણથી ભાવ ઘટી રહ્યા છે."
પ્રૂડન્ટ કૉર્પોરેટ ઍડવાઇઝરીના ફંડામેન્ટલ રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "મંદીના ભયથી ક્રૂડ ઑઇલનો ભાવ ચાર વર્ષના તળિયે છે, જે 2022માં યુક્રેન યુદ્ધની શરૂઆત વખતે પીક પર પહોંચી ગયો હતો. ઓપેક દેશોએ ઉત્પાદન વધારવાની વાત કરીને ઑઇલના ભાવ પર દબાણ વધાર્યું છે."
તેઓ કહે છે, "એક તરફ ઓપેક દેશો ઑઇલનું ઉત્પાદન વધારતા જાય છે અને ટ્રમ્પે તો પહેલેથી શક્ય એટલું ઑઇલ ડ્રીલ કરવાની વાત કરી છે. તેમણે 'ડ્રિલ બેબી ડ્રિલ'નું સ્લોગન પણ આપ્યું છે."


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પે બીજી એપ્રિલે ટૅરિફની જાહેરાત કરી ત્યાર પછી ઑઇલના ભાવમાં 20 ટકા જેટલો ઘટાડો થયો છે.
સૌમિલ ગાંધીના માનવા પ્રમાણે ઑઇલનો ભાવ હજુ વધારે ઘટી શકે છે. ડબલ્યુટીઆઈ ઑઇલ ઘટીને 50 ડૉલર સુધી જઈ શકે અને એમસીએક્સ પર 4000થી 4500 રૂપિયા પ્રતિ બેરલનો ભાવ જોવા મળી શકે છે.
ઑઇલ ઉત્પાદક દેશોનું સંગઠન ઓપેક અત્યાર સુધી ઑઇલના ઉત્પાદનમાં વધારો ટાળતું હતું, પરંતુ હવે ચાલુ મહિનાથી ઓપેક પણ ઉત્પાદનમાં વધારો કરશે જેથી સપ્લાય વધશે, જ્યારે ડિમાન્ડ ઓછી છે.
ઑઇલના ભાવ ઘટી રહ્યા છે ત્યારે ઓપેક દેશો શા માટે ઉત્પાદન વધારતા હશે, તેવા સવાલના જવાબમાં નિહલ શાહે કહ્યું કે આગામી સમયમાં મંદી આવે અને ભારે નુકસાન વેઠવું પડે તેના કરતા અત્યારે જે ભાવ મળે તે લેવા ઓપેક ઉત્પાદન વધારી શકે છે.
અમેરિકાથી નારાજ ચીને પણ આક્રમક બનીને વળતા ટૅરિફ નાખ્યા છે અને બંને વચ્ચે સમાધાનના સંકેત દેખાતા નથી. ટ્રેડ વૉર લાંબો સમય ચાલશે તો ચીનની દૈનિક એક લાખ બેરલની ડિમાન્ડ ગ્રોથ જોખમમાં છે.
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમેન સૅક્સ મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને 62 ડૉલર સુધી જઈ શકે અને ડિસેમ્બર 2026 સુધીમાં 55 ડૉલર પ્રતિ બેરલ થઈ શકે છે.


ઇમેજ સ્રોત, Getty Images
એચડીએફસી સિક્યૉરિટીઝના ઍનાલિસ્ટ સૌમિલ ગાંધી માને છે કે "સરકાર પાસે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની તક છે. પરંતુ સરકારે બજેટમાં જે વેલફેર યોજનાઓ જાહેર કરી છે તેના ફંડિગ માટે રેવન્યુ વધારવી જરૂરી છે અને તેથી જ તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલ પર ઍક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી છે. તેવી જ રીતે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરાયો છે."
બજેટમાં લોક કલ્યાણનાં કાર્યો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે જંગી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. તેના માટે નાણા એકત્ર કરવા સરકાર ઍક્સાઇઝનો ઉપયોગ કરી શકે છે, તેથી હાલમાં પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો ટાળે છે.
બીજી તરફ નિહલ શાહના કહેવા પ્રમાણે "સરકાર આ તકનો ફાયદો લઈને રેવન્યુ વધારવા પર ધ્યાન આપી રહી છે. સરકારી ઑઇલ અને ગેસ કંપનીઓનાં માર્જિન ઘણાં વધી ગયાં હતાં તેથી પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયા ઍક્સાઇઝ ડ્યૂટી લાદવામાં આવી છે."
શાહ કહે છે કે, "હાલમાં ભારતને ઑઇલ ઇન્વેન્ટરી લગભગ 75 ડૉલર પ્રતિ બેરલની આસપાસ પડે છે. આગામી સમયમાં જો ઇન્વેન્ટરીનો સરેરાશ ભાવ ઘટીને 65 ડૉલર સુધી આવી જાય તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરી શકે છે."
છેલ્લાં ઘણાં વર્ષોથી સરકાર પરિસ્થિતિ મુજબ ઍક્સાઇઝ ડ્યૂટીમાં વધારે કે ઘટાડો કરતી રહે છે.
માર્ચ 2020માં પેટ્રોલ અને ડીઝલ બંને પર લીટર દીઠ ત્રણ રૂપિયા ઍક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી હતી. ત્યાર પછી મે 2020માં અનુક્રમે 13 રૂપિયા અને 16 રૂપિયાનો વધારો થયો હતો.
ત્યાર બાદ ક્રૂડ ઑઇલના ભાવ રેકૉર્ડ લેવલે પહોંચતા સરકારે ઍક્સાઇઝ ડ્યૂટીનો મોટા ભાગનો વધારો પાછો ખેંચી લીધો હતો. 2024ની લોકસભા ચૂંટણી અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે બે રૂપિયાનો ઘટાડો થયો હતો.


ઇમેજ સ્રોત, Getty Images
ઑઇલની સાથે સાથે હાલમાં મેટલ સેક્ટરમાં પણ મંદી છે. ખાસ કરીને કૉપરના ભાવમાં મોટો કડાકો આવ્યો છે.
માર્ચમાં કૉપરના ભાવ ટોચની સપાટી પર આવી ગઈ હતી ત્યાર પછી તેમાં 20 ટકા ઘટાડો થયો છે. એટલે કે કૉપરમાં સત્તાવાર રીતે મંદી શરૂ થઈ ગઈ છે અને આગામી મહિનાઓમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટશે તેવા સંકેત મળી રહ્યા છે.
સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, "અમેરિકા કૉપર પર ભારે ઇમ્પોર્ટ ડ્યૂટી લાદશે તેવી ધારણાએ કૉપરના ભાવમાં ઉછાળો આવ્યો હતો. પરંતુ ટૅરિફ પ્લાનમાં ગોલ્ડ, સિલ્વર અને કૉપરને બાકાત રખાયા. જેથી તેના પરનું પ્રીમિયમ ધોવાઈ ગયું.આ ઉપરાંત મંદીની આગાહી થઈ રહી છે ત્યારે ઔદ્યોગિક પ્રવૃત્તિ ઘટશે અને ઑઇલ તથા બેઝ મેટલની માંગમાં મંદી આવશે."
ગાંધી માને છે કે, "હજુ એકથી બે ક્વાર્ટર સુધી આ સ્થિતિ જળવાઈ રહે તેવી શક્યતા છે. અમેરિકા સાથે લગભગ 60 દેશો ટૅરિફ અંગે વાતચીત કરી રહ્યા છે તેનું શું પરિણામ આવે તે જોવાનું રહેશે. આ ઉપરાંત યુએસ ફેડ રેટ કટની જાહેરાત કરે તો કદાચ ઑઇલ અને બેઝ મેટલની ખરીદી વધી શકે છે."


ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પે ટૅરિફ અંગે પોતાનું આકરું વલણ જાળવી રાખતા સોમવારે શૅરબજારમાં ત્રણ ટકા કરતા વધુ કડાકો આવ્યો હતો. મિનિટોની અંદર રોકાણકારોના લગભગ 19 લાખ કરોડ ધોવાઈ ગયા હતા.
ત્યાર પછી મંગળવારે બજારમાં રિકવરી જોવા મળી હતી અને બુધવારે ફરી અડધા ટકાનો ઘટાડો થયો હતો.
ફંડામેન્ટલ રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહ માને છે કે "બજારમાં હજુ અનિશ્ચિતતા રહેશે અને નિફ્ટી ઇન્ડેક્સ અહીંથી 500થી 700 પૉઇન્ટ ઘટી શકે છે."
તેમણે જણાવ્યું કે "ટ્રમ્પે ટૅરિફની જે ગણતરી કરી તે વાજબી નથી, કારણ કે સાવ નાનકડા દેશો પર પણ 40થી 45 ટકા જેવો ટૅરિફ નાખવામાં આવ્યો છે."
તેમણે કહ્યું કે "ભારતીય અર્થતંત્ર સ્થાનિક વપરાશ પર આધારિત છે તેથી ભારતમાં મંદી નહીં આવે. ભારતનો જીડીપી ગ્રોથ રેટ હાલમાં 6.5 ટકા છે તે કદાચ 20થી 30 બેસિસ પૉઇન્ટ સુધી ઘટી શકે છે. આમ છતાં ભારત સૌથી ઝડપથી વૃદ્ધિ કરતાં અર્થતંત્રોમાં આગળ રહેશે."
સૌમિલ ગાંધી પણ માને છે કે ઑઇલનો ભાવ ઘટે તે ભારતીય અર્થતંત્ર માટે એકંદરે ફાયદાકારક છે. તેમણે કહ્યું કે, "ઑઇલ એ આપણી મુખ્ય આયાત છે અને તેનો ભાવ નીચો રહે તે આપણા હિતમાં છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












