અફઘાનિસ્તાનનો છોકરો વિમાનના લૅન્ડિંગ ગિયરમાં છુપાઈને દિલ્હી કેવી રીતે આવી ગયો?

અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતનો એક છોકરો એક ચોંકાવનારી ઘટનાને કારણે સમાચારોમાં છવાઈ રહ્યો છે.

આ 13 વર્ષનો છોકરો રવિવારે વિમાનના લૅન્ડિંગ ગિયરના ઉપરના ભાગમાં છુપાઈને દિલ્હી પહોંચ્યો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પૂછપરછ બાદ તેને એ જ વિમાનમાં અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો.

પીટીઆઈ અનુસાર, દિલ્હીના ઍરપૉર્ટ પર 'કામ ઍરલાઇન્સ'ના વિમાન (ફ્લાઇટ નંબર RQ-4401)ના ક્રૂ-મૅમ્બરે એક છોકરાને વિમાનની નજીક આંટા મારતો જોયો હતો.

તેમણે તાત્કાલિક ઍરપૉર્ટ પર તહેનાત CISFના સુરક્ષા કર્મચારીઓને જાણ કરી હતી. જેઓ તેમને પૂછપરછ માટે ટર્મિનલ-3 પર લઈ ગયા હતા.

પીટીઆઈ અનુસાર, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે છોકરો અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતનો રહેવાસી છે.

છોકરાએ તપાસકર્મીઓને જણાવ્યું કે તે કાબુલ ઍરપૉર્ટ ઘૂસી ગયો અને કોઈક રીતે વિમાનના પાછળના ભાગમાં આવેલા સૅન્ટ્રલ લૅન્ડિંગ કમ્પાર્ટમેન્ટમાં પહોંચી ગયો.

કાબુલ ઍરપૉર્ટની સુરક્ષા પર સવાલો ઉભા થયા

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તપાસ દરમિયાન 'કામ ઍરલાઇન્સ'ના સુરક્ષા અધિકારીઓને લૅન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં એક નાનું લાલ સ્પીકર મળ્યું હતું. તે સંભવતઃ આ છોકરો જ લાવ્યો હતો.

તપાસ બાદ વિમાનને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું અને એવું જાહેર કરવામાં આવ્યું હતું કે તેમાં કોઈ તોડફોડ થઈ નથી. છોકરાની સંપૂર્ણ ઓળખ અને નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યાં નથી.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે હજુ સુધી આ સમાચાર પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ તાલિબાન સરકારની સરહદ પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ બીબીસીની પશ્તો સેવાને જણાવ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

તેમણે કહ્યું, "ઍરપૉર્ટ રન-વે પર 24 કલાક નજર રાખવામાં આવે છે અને ખાસ સુરક્ષા હેઠળ છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ, અધિકારીઓ પણ રન-વેમાં પ્રવેશી શકે નહીં. અલ્લા ન કરે, જો કોઈ અધિકારી ક્યારેય આકસ્મિક રીતે રન-વેમાં પ્રવેશ કરે તો બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવશે અને સામાન્ય તપાસ શરૂ કરવામાં આવશે. ઍરપૉર્ટને નિયંત્રણમાં લેવામાં આવશે."

છોકરાને વિમાન સુધી પહોંચી ગયો તેનાથી કાબુલ ઍરપૉર્ટની સુરક્ષાની સ્થિતિ પર સવાલો ઊઠ્યા છે. પરંતુ ફારૂકીએ બીબીસીને જણાવ્યું કે 'ઍરપૉર્ટ પર સુરક્ષા કર્મચારીઓ હાઇ ઍલર્ટ પર છે અને તેઓ કોઈને પણ ગેરકાયદેસર મુસાફરી કરવા દેશે નહીં.'

'છોકરાનું બચી જવું એ એક ચમત્કાર'

આ કારનામા પછી પણ છોકરો જીવિત બચી ગયો તેને એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.

આ પહેલી વાર નથી જ્યારે કોઈ વ્યક્તિ વિમાનમાં છુપાઈને કોઈ અન્ય સ્થળે પહોંચી ગઈ હોય. પરંતુ કદાચ આવું પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ વ્યક્તિ વિમાનના આ ભાગમાં છુપાઈ ગઈ હોય.

બીબીસીની પશ્તો સેવાએ નિષ્ણાતોના હવાલાથી જણાવ્યું છે કે ઑક્સિજનની અછત અને ભારે ઠંડીને કારણે, આટલી ઊંચાઈ પર જીવિત રહેવું એ લગભગ અશક્ય છે.

આવી સ્થિતિમાં, વ્યક્તિ થોડા જ સમયમાં બેભાન થઈ જાય છે અને મૃત્યુ પામે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન