ગુજરાત : ઉના અને દીવમાં વિદેશથી લવાયેલાં રાવણતાડ વૃક્ષો માથાં વિના જ કેમ ઊભાં છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, ઉના અને દીવથી

આજકાલ જો તમે ભાવનગરને દ્વારકા સાથે જોડતા નૅશનલ હાઈવે-51 પર ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી કે આ વિસ્તારના અન્ય રોડ પરથી પસાર થશો તો હાઈવે કે રોડની બાજુમાં આવેલાં માથાં વગરનાં રાવણતાડ વૃક્ષોનાં કેટલાંય થડ તમારું ધ્યાન ખેંચશે.

આ થડ તેના કાળા રંગનાં કારણે પણ બહારના લોકોનું ધ્યાન અચૂક ખેંચે. જો તમે કોડીનારથી ઉના તરફ જાઓ અને નૅશનલ હાઈવેથી ઉના શહેરમાં જવા માટે વેરાવળ રોડ પર આવો તો આ રોડની બંને બાજુ રાવણતાડનાં આવાં ઊંચાં ઊંચાં, પરંતુ નિર્જીવ વૃક્ષોની લાંબી કતારો તમારું સ્વાગત કરશે.

પ્રવાસીઓમાં ખાસ પ્રિય તેવા દીવના નાગવા બીચ પર કેટલાંય રાવણતાડ ઊભાં છે. જોકે તેમાંથી પણ કેટલાંય ઠૂંઠાં થઈ ગયાં છે.

આ વૃક્ષો તેમની ડાળીઓના કારણે પણ અન્ય વૃક્ષોથી અલગ તરી આવે છે. તેની ડાળખીઓ અંગ્રેજીના 'Y' (વાય) મૂળાક્ષર આકારમાં જ ફેલાય છે. એટલે કે થડ જમીનથી કેટલીક ઊંચાઈ પછી 'Y' આકારમાં ફંટાય છે.

ત્યાર પછી તે 'Y' આકારની ડાળીઓની બંને ટોચ પણ 'Y' આકારમાં ફંટાતા નવી ચાર ડાળીઓ અસ્તિત્વમાં આવે છે અને પછી આ ક્રમ આગળ ચાલે છે. આ પૅટર્ન ઘડીક વાર અમદાવાદની સિદી સૈયદની જાળીની તો ઘડીક વાર સમુદ્રના પેટાળમાં થતા સ્ટેગહોર્ન નામના પરવાળા કે નર સાબરના મોટા શિંગડાની યાદ અપાવે છે.

આ વૃક્ષોમાંથી કોઈ સીધું છે, કોઈ નમી ગયેલું છે, તો કોઈ આડું પડી ગયેલું છે. ચાર વર્ષ કરતાં વધારે સમયથી આ બધાં વૃક્ષો આ જ સ્થિતિમાં રહ્યાં છે. નથી તો તેમાં કોઈ નવાં પર્ણો ફૂટતાં કે નથી તેમને કાપીને કોઈ લઈ જતું.

ફિરંગીઓ (યુરોપ ખંડના પોર્ટુગલ દેશના નાગરિકો) દ્વારા ભારતમાં લાવવામાં આવેલાં આ વૃક્ષો કોઈ સામાન્ય તાડ નથી. રાવણતાડ ખૂબ ધીમી ગતિએ વૃદ્ધિ પામતું વૃક્ષ છે અને ખાસ પ્રકારની જમીન અને આબોહવામાં જ કુદરતી રીતે ઊગે છે. તેટલું જ નહીં, અન્ય જગ્યાએ તેનો ઉછેર કરવો ખૂબ જ અઘરો હોવાનું જાણકારો કહે છે. માનવી તેમજ પર્યાવરણ માટે ઘણી રીતે ઉપયોગી આ વૃક્ષ વિશ્વમાંથી લુપ્ત થઈ જવાનો ભય છે.

ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર (આઇયુસીએન) નામની વૈશ્વિક સંસ્થા પ્રાકૃતિક જગતના સંવર્ધન માટે કામ કરે છે અને કોઈ જીવ પ્રજાતિ વિશ્વમાંથી વિલુપ્ત થઈ જવાનો કેટલો ભય છે તેનું વર્ગીકરણ કરે છે. આ સંસ્થા આવી ભયગ્રસ્ત પ્રજાતિઓનું રેડ લિસ્ટ પણ નિભાવે છે. આઇયુસીએનના રેડ લિસ્ટમાં રાવણતાડને હાલ 'લગભગ ભયગ્રસ્ત' (Near Threatened) શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.

તો ઉના અને તેની નજીક આવેલા કેન્દ્રશાસિત દીવ ટાપુ પર માથાં વગરનાં આટલાં બધાં વૃક્ષો કેમ છે? કેમ તેને કોઈ અડકતું નથી? પર્યાવરણમાં તેનું શું મહત્ત્વ છે? આફ્રિકા ખંડથી આ વૃક્ષો અહીં કઈ રીતે પહોંચી ગયાં હશે? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે હું ઉના અને દીવ ગયો તો જાણવા મળ્યું કે રાવણતાડની ખાસિયતો, એક કુદરતી વિપત્તિ અને આ વૃક્ષ વિશે લોકોની માન્યતાઓ તેના માટે જવાબદાર છે.

ગુજરાતમાં રાવણતાડ માથાં વગરનાં કેમ છે?

ઉનામાં અને દીવમાં માત્ર રસ્તાઓની બાજુમાં જ નહીં, પરંતુ ખેડૂતોની વાડીઓના શેઢે-પાળે, ગૌચર, સરકારી પડતર જમીન, દરિયાને કાંઠે તેમજ ઉના શહેરમાં પણ રાવણતાડ ઊભાં છે. તેમાંના કેટલાંય માથાં ન હોવાને કારણે અલગ તરી આવે છે.

આ વિષે પૂછતાં ગુજરાતના વનવિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ફૉરેસ્ટ ફોર્સના હેડ ડૉ. એપી સિંહે જણાવ્યું, "રાવણતાડ આમ તો ઘણાં મજબૂત વૃક્ષો છે, પરંતુ 2021માં તૌકતે વાવાઝોડું દરિયામાંથી જ્યારે જમીન પર આવ્યું ત્યારે તેનું કેન્દ્રબિંદુ ઉના અને દીવ પર હતું. આ વાવાઝોડાએ વિનાશ વેર્યો અને મોટી સંખ્યામાં રાવણતાડ પણ તેનો ભોગ બન્યાં. વાવાઝોડાના ઝડપી પવનોએ આ વૃક્ષોના માથાંને ઉડાડી દીધા."

તૌકતે વાવાઝોડામાં માથાં ગુમાવ્યાં બાદ રાવણતાડમાં નવાં પાંદ કેમ ન આવ્યાં તેવા પ્રશ્નના જવાબમાં ડૉ. સિંહ કહે છે, "તાડ કુળમાં ડાળખીવાળી જાતો ખૂબ ઓછી છે, પરંતુ રાવણતાડમાં એક નિશ્ચિત પૅટર્નમાં ડાળખીઓ થાય છે. પરિણામ એ આવે છે કે રાવણતાડ એક પુખ્ત વૃક્ષ થાય ત્યારે તેમાં કોઈ એક મુખ્ય માથું ન રહેતાં ઘણાં બધાં માથાં થઈ જાય છે. તેટલા માટે જ આ વૃક્ષનું નામ રાવણતાડ રખાયું છે. પરંતુ તાડ (અંગ્રેજીમાં palm-પામ) કુળનાં વૃક્ષોની એક સૌથી મોટી મર્યાદા એ છે કે જો તેનું માથું કપાઈ જાય તો તેની જગ્યાએ નવું માથું આવતું નથી અને વૃક્ષ મૃત્યુ પામે છે."

"રાવણતાડમાં એક કરતાં વધારે માથાં હોય છે. પણ જો એકસાથે બધાં જ માથાં કપાઈ જાય તો નવી ડાળીઓ ફૂટતી નથી અને રાવણતાડ પણ મૃત્યુ પામે છે. ઉના અને દીવ વિસ્તારમાં તૌકતે વાવાઝોડાના કારણે આવી જ પરિસ્થિતિ થઈ છે."

રાવણતાડ આફ્રિકા ખંડથી ગુજરાત કેવી રીતે પહોંચી ગયાં?

આના માટે યુરોપ ખંડના દેશોનો સંસ્થાનવાદ કારણભૂત છે, તેમ ગુજરાત યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર, જૈવ માહિતી વિજ્ઞાન અને આબોહવા પરિવર્તન ડિપાર્ટમેન્ટના વડા પ્રોફેસર હિતેશ સોલંકી જણાવે છે.

તેઓ કહે છે, "રાવણતાડ આમ તો આફ્રિકાના પૂર્વ ભાગ અને અરબસ્તાનનું વતની છે. પોર્ટુગીઝોએ પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયા અને ભારતના પશ્ચિમ કાંઠાના દીવ, દાદરા અને નગરહવેલી, મુંબઈ, ગોવા વગેરેમાં તેમની કૉલોનીઓ સ્થાપી હતી. સંશોધનો દર્શાવે છે કે પોર્ટુગીઝો રાવણતાડના ફળમાં રહેલા તેલનો ઉપયોગ રાત્રે તેમનાં જહાજોમાં અજવાળું કરવા વાપરતા હતા. તે રીતે પોર્ટુગીઝો રાવણતાડને આફ્રિકામાંથી ભારતમાં લઈ આવ્યાં."

પ્રો. સોલંકી અને તેમની ટીમ દ્વારા રાવણતાડ વિષે સંશોધન કરી લખાયેલા એક રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે ભારતમાં રાવણતાડ ગુજરાત, દીવ, દમણ, મહારાષ્ટ્ર, ગોવા અને શ્રીલંકાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. આ પ્રજાતિનાં કેટલાંક વૃક્ષો જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય, વડોદરાના કમાટીબાગ, કોલકાતાના ઇન્ડિયન બૉટનિકલ ગાર્ડનમાં પણ છે.

પ્રો. સોલંકીએ ઉમેર્યું, "રાવણતાડની આર્થિક અને પર્યાવરણીય ઉપયોગીતા ઘણી છે. રાવણતાડનાં ફળ માણસનો ખોરાક છે. આ તાડનાં પાંદમાંથી સાવરણી, છાપરાં વગેરે બનાવાય છે. વળી, આ વૃક્ષો દરિયાકાંઠાના રેતાળ પ્રદેશ તેમજ કાદવ-કીચડવાળા જળપ્લવિત વિસ્તારોમાં થતા હોવાથી તેનાં મૂળ જમીનને બાંધી રાખવાનું મહત્ત્વનું કામ કરે છે."

"કેટલાંય પક્ષીઓ તેના પર બેસે છે અને સંખ્યાબંધ માઇક્રોઑર્ગેનિઝ્મ્સ (સૂક્ષ્મજીવો)ને પણ તે સહારો આપે છે. પરંતુ રાવણતાડ અમુક પ્રકારની જમીન અને આબોહવામાં જ ઊગે છે. માત્ર બીજ દ્વારા જ તેનો ફેલાવો થાય છે. આ ઉપરાંત, તે ધીમી ગતિએ વૃદ્ધિ પામતું વૃક્ષ છે. તેના કારણે રાવણતાડનો ઝડપથી ફેલાવો થઈ શકતો નથી."

રાવણતાડનો ઉપયોગ શો, સ્થાનિક લોકો શું કહે છે?

ઉના અને દીવમાં લોકો રાવણતાડને 'તાડિયા', 'હોકાતાડ' વગેરે નામોથી ઓળખે છે. તેઓ રાવણતાડનાં ફળને 'હોકા' કહે છે અને તેને ખાય છે.

એક જાડા અને ઊંચા રાવણ તાડનાં ઠૂંઠાંએ ઉના શહેરના દેલવાડા રોડ પર રહેતાં મનીષાબહેન ગૌસ્વામીના ઘરના નાના ફળિયાને લગભગ આખેઆખું રોકી રાખ્યું છે.

મનીષાબહેન કહે છે, "એંશી-નેવું વર્ષથી આ તાડિયું અહીં ઊભું હતું. એ હતું ત્યારે અહીં પક્ષી આવતાં અને અમને છાંયો મળતો. અમે તેના હોકા ખાતા અને પાંદને બાળીને રસોઈ કરતા. તેમાંથી સાવરણી પણ બનતી, પરંતુ વાવાઝોડામાં અમારું ઘર અને આ તાડિયું એમ બંને પડી ગયાં. હવે, આ ઝાડનો અમારે કોઈ ઉપયોગ નથી, પણ જે દી' તેની જાતે પડે તે દી' કંઈક થાય. સરકાર તરફથી કપાય નહીં તેવું (ફરમાન) છે."

ઉના શહેરથી 12 કિલોમીટર દૂર દરિયા કાંઠે આવેલા વાંસોજ ગામના ખેડૂત સંજયભાઈ વાજાની વાડીના શેઢે રાવણતાડનાં કેટલાંય ઠૂંઠાં ઊભાં છે. તો અન્ય કેટલાંકમાં પાંદ છે અને તેમાં ફળ ઝૂમી રહ્યાં છે.

સંજયભાઈ કહે છે, "અમારી વાડીના શેઢે પાંત્રીસ-ચાલીસ તાડિયાં હતાં. અમે તેમાંથી ફળ ખાતા અને બજારમાં વેચતા પણ ખરા. આખા વરસમાં વીસ-પચીસ બાચકાં ફળ થતાં અને એક બાચકું પાંચો-સાતસો રૂપિયામાં વેચાતું, પરંતુ વાવાઝોડાએ વીસ-પચીસ તાડિયાનાં માથાં કાપી નાખ્યાં કે પાડી દીધાં. જે પડી ગયાં તેના થાંભલા કરી અમે વાડી ફરતે કાંટાળા તાર બાંધ્યા છે. બાકી ઊભાં તાડિયાંને પરમિશન વગર કોઈ કાપી શકતું નથી. તેમ કરવાથી ગુનો બને છે. જો કોઈ કુહાડી કે કરવત ચલાવે તો ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા તરત આવી જાય છે."

દેલવાડાના ખેડૂત પીયૂષ સરવૈયા કહે છે, " રાવણતાડના લાકડાની છાલ બહુ કડક હોય છે. જૂના જમાનામાં લોકો મકાનનું છાપરું બનાવવામાં રાવણતાડનું લાકડું વાપરતા. પરંતુ જો આ લાકડું એક વાર પલળી જાય તો ભાંગી જવાનો ભય રહે છે. તેથી, હવે લોકો મકાનનાં છાપરાંમાં તેને વાપરતા નથી."

દીવના નાયબ વનસંરક્ષક હર્ષરાજ વાથોરે જણાવે છે કે દીવમાં પણ આ વૃક્ષ ઐતિહાસિક રીતે લોકો માટે ખોરાક અને કમાણીનું સાધન રહ્યું છે.

તેઓ કહે છે, "એવું કહેવાય છે કે પોર્ટુગીઝ લોકો ખેતી માટે જ રાવણતાડને દીવ લાવ્યા હતા. લોકો તેમનાં ફળ ખાતાં અને તેનાં પાંદના પણ ઘણા ઉપયોગ છે."

દીવના જોલાવડી ગામમાં રહેતાં જમનાબહેન મકવાણા નામનાં વિધવા છૂટક મજૂરી કરે છે અને સાથે સાથે રાવણતાડનાં પાંદમાંથી સાવરણી બનાવીને વેચે છે.

જમનાબહેન કહે છે, "હું નાનાં તાડિયાંનાં પાંદ કાપી, ગાંસડી બાંધીને ઘરે લઈ આવું છું અને અને પછી તેને સૂકવી, ચીરી તેમાંથી સાવરણી બનવું છું. એક સાવરણીના દસ કે પંદર રૂપિયા મળે છે. આ સાવરણી બીજી સાવરણીની સરખામણીએ વધારે ટકે છે. તે ભીની થઈ જાય તો પણ સડતી નથી."

'રાવણતાડ રક્ષિત વૃક્ષોની યાદીમાં નથી'

ગીર સોમનાથ જિલ્લો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવે છે અને આ પ્રાંત જ્યારે સૌરાષ્ટ્ર નામનું અલગ રાજ્ય હતો ત્યારે 1951માં "સૌરાષ્ટ્રનો વૃક્ષ કાપી નાખવા માટે શિક્ષા કરવા બાબતનો અધિનિયમ, 1951" નામનો કાયદો ઘડવામાં આવ્યો હતો. આ કાયદો હજુ પણ અમલમાં છે અને મામલતદાર, ગ્રામપંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી સિવાય વૃક્ષો કાપી શકાતા નથી. આ કાયદાનો ભંગ કરનારને મોટો દંડ થઈ શકે છે.

ઉનાના મામલતદાર ડીકે ભીમાણીએ બીબીસીને જણાવ્યું કે તૌકતેમાં નાશ પામેલાં રાવણતાડનાં થડ કાપવા માટે તેમની ઑફિસને કોઈ અરજી મળી નથી.

ઉના નગરપાલિકાના ચીફ ઑફિસર જયદેવ ચૌહાણે કહ્યું, "તૌકતે વાવાઝોડા દરમિયાન જે રાવણતાડ પડી ગયાં હતાં અને લોકોને નડતરરૂપ હતાં તેને અમે તે વખતે જ હટાવી દીધાં હતાં, પરંતુ ત્યાર બાદ આ વૃક્ષનાં ઠૂંઠાંને કાપવા માટે મંજૂરી માગતી કોઈ અરજી અમારી પાસે આવી નથી."

"જોકે ઉના નગરપાલિકા દ્વારા શહેરના વેરાવળ રોડને નવ મીટરમાંથી 15 મીટર પહોળો કરવાની કામગીરી તાજેતરમાં શરૂ કરાઈ છે અને તેમાં જરૂર જણાશે તો યોગ્ય કાર્યવાહી કરી સુકાઈ ગયેલાં રાવણતાડને દૂર કરાશે."

ડૉ. એપી સિંહ કહે છે કે રાવણતાડ રક્ષિત વૃક્ષોની યાદીમાં નથી, પરંતુ ઉમેરે છે કે તેને આ યાદીમાં સમાવી લેવાની જરૂર છે.

તેઓ કહે છે, "આ વૃક્ષો માણસોને તો ઉપયોગી છે જ, પરંતુ દરિયાકાંઠે તે તોફાની પવનોથી રક્ષણ આપવાનું, જમીનને ધોવાતી અટકાવવાનું અને વિવિધ જીવોને ખોરાક-રહેઠાણ આપવાનું કામ કરે છે. તેનાં ફૂલ અને ફળનું આર્થિક દૃષ્ટિએ મહત્ત્વ છે."

"આપણે ત્યાં આ વૃક્ષની વસ્તી, તેનું પર્યાવરણીય અને વ્યાપારિક મહત્ત્વ વગેરેનો પદ્ધતિસરનો અભ્યાસ બહુ થયો નથી, પરંતુ રાવણતાડની સંખ્યા જ બહુ ઓછી હોવાથી અને માણસોની પ્રવૃત્તિઓને કારણે થઈ રહેલા ઘટાડાને કારણે આઇયુસીએને તેને 'નિયર થ્રેટન્ડ' શ્રેણીમાં મૂક્યું છે. તેથી, આ વૃક્ષને જો રક્ષિત જાહેર કરવામાં આવે તો તેને કાયદાકીય રક્ષણ મળી રહે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન