ગુજરાત : ખડમોર પક્ષીઓ કેટલાય પ્રયાસો છતાં બે વર્ષથી સમાગમ કેમ કરી રહ્યાં નથી?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ખડમોર કે ટીલોર તરીકે જાણીતાં પક્ષી હવે દુનિયામાં દુર્લભ બની રહ્યાં છે. દુનિયામાં આ પક્ષી માત્ર ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવાં રાજ્યોમાં જ જોવા મળે છે. વળી, આ પક્ષીઓનું મોટા પાયે પ્રજનન થતું હોય તેવાં સ્થળ માત્ર બે જ છે —રાજસ્થાન અને ગુજરાત.

છેલ્લા ચાર પાંચ દાયકાઓમાં આ પક્ષીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.

આ પક્ષી વિલુપ્ત થવાની અણી પર આવી ગયું છે. પરિણામે, 'ઇન્ટેરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર' નામની વૈશ્વિક સંસ્થાએ આ પક્ષીની પ્રજાતિને 'વિલુપ્ત થવાના અતિશય ભયમાં રહેલી પ્રજાતિઓની શ્રેણી'માં મૂકી છે.

ગુજરાતમાં ખડમોર ભાવનગર જિલ્લાના વેળાવદરમાં આવેલા 'કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન' અને તેની આજુબાજુના વિસ્તારો તેમજ કચ્છ જિલ્લામાં નલિયા પાસે આવેલા 'ઘોરાડ અભ્યારણ્ય' અને તેની આજુબાજુના વિસ્તારોમાં પ્રજનન કરે છે.

નેઋત્યના ચોમાસામાં આ પક્ષીઓની પ્રજનન ઋતુ શરુ થાય છે.

એવું મનાય છે કે વરસાદ આવી પહોંચતા જ આ પક્ષીઓ જૂન-જુલાઇમાં દક્ષિણ ભારતમાંથી ગુજરાત અને રાજસ્થાન પહોંચી જાય છે.

તેમનાં પ્રજનનની ઋતુ નવેમ્બર સુધી ચાલે છે અને પછી આ પક્ષીઓ દક્ષિણ ભારત તરફ ઊડી જાય છે.

જોકે, કેટલાંક પક્ષીઓ આખું વર્ષ ગુજરાત અને રાજસ્થાનમાં જ રહેતાં હોવાનું પણ મનાય છે.

વેળાવદરમાં ગત વર્ષે ચોમાસા દરમિયાન અંદાજે 84 ખડમોર હોવાનો અંદાજ ગુજરાત વન વિભાગે બાંધ્યો હતો.

ખડમોરની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી હોવાથી ગુજરાત સરકારે 2020માં વેળાવદરમાં 'કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન'માં આ પક્ષીઓનું એક સંવર્ધન કેન્દ્ર ચાલુ કર્યું.

આ કેન્દ્રમાં હાલ 15 ખડમોર છે અને તેમાંથી નવ પુખ્ત વયનાં થઇ ગયાં છે. પરંતુ પાંચ વર્ષ પછી પણ આ કેન્દ્રમાં ઉછરવામાં આવેલાં એકેય ખડમોર પ્રજનન કરી શક્યાં નથી અને તેથી કેન્દ્રના સંચાલકો ચિંતામાં છે.

ખડમોરની પ્રજનન ઋતુની શું ખાસિયત છે?

ખડમોર બસ્ટર્ડ કુળનું પક્ષી છે.

બસ્ટર્ડની ચાર પ્રજાતિઓ—ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (જેને ગુજરાતીમાં ઘોરાડ કહે છે), લેસ્સર ફ્લૉરિકન એટલે કે ખડમોર, મૅકક્વિન્સ બસ્ટર્ડ અને બેંગાલ ફ્લૉરિકન—ભારતમાં જોવા મળે છે.

આ ચારમાંથી ગુજરાતમાં ઘોરાડ, ખડમોર અને મૅકક્વિન્સ બસ્ટર્ડ એમ ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે.

આ બધી પ્રજાતિઓનાં પક્ષીઓ ઘાસિયાં મેદાનોમાં રહેનારાં પક્ષીઓ છે.

વેળાવદર અને નલિયામાં આ પ્રકારનાં ઘાસિયા મેદાનો આવેલાં છે. વળી, આ પક્ષીઓ રાજસ્થાન અને ગુજરાતના જુવાર, બાજરી કે કઠોળ પાકો લેવાતા હોય તેવા વિસ્તારોમાં પણ દેખાય છે.

પ્રજનન ઋતુ દરમિયાન બસ્ટર્ડ કુળનાં નર પક્ષીઓ કોઈ એક વિસ્તારમાં પોતાનો દબદબો સ્થાપે છે અને પછી તે વિસ્તારમાં રહેલાં માદા પક્ષીઓને આકર્ષવાં 'નૃત્ય' કરે છે.

ખડમોર સામાન્ય રીતે અંદાજે બે ફૂટ ઊંચું ઘાસ હોય તેવા વિસ્તારોમાં પ્રજનન કરવાનું પસંદ કરે છે.

સામાન્ય રીતે નર અને માદા ઘાસની ઊંચાઈને કારણે દેખાતાં નથી.

પ્રજનન ઋતુ દરમિયાન ઘાસને કારણે માદા ખડમોર માણસોને ભાગ્યે જ દેખાય છે. પરંતુ નર ખડમોર પોતાની હાજરીની માદાઓને જાણ કરવા અને માદાઓને આકર્ષવા 'પ્રણય નૃત્ય' કરે છે.

આ નૃત્યમાં તે છ-સાત ફૂટની ઊંચાઈ સુધી ઊડે છે, "ટરર..." જેવો અવાજ કરે છે અને પછી પાંખો થોડો સમય બીડેલી રાખી હવામાંથી જાણે નીચે કૂદકો મારતા હોય તે રીતે નીચે ઊતરે છે.

આવું તે વારંવાર કરે છે.

આવું 'પ્રણય નૃત્ય' કરતી વખતે નર પક્ષી માણસોની નજરે પણ ચડી જાય છે.

સંશોધકોના કહેવા મુજબ નર એક જ પ્રજનન ઋતુ દરમિયાન એકથી વધારે માદા સાથે પ્રજનન કરી શકે છે. તેથી, બચ્ચાંઓના ઉછેરની 'જવાબદારી' માદા ખડમોરની રહે છે.

ખડમોરના સંવર્ધન કેન્દ્રમાં શું સમસ્યા છે?

ખડમોર પક્ષીઓનાં પ્રજનન પર ચોમાસામાં કેટલો વરસાદ પડે છે તેની પણ ભારે અસર હોય છે.

જો વરસાદ ઓછો પડે અને ઘાસનો પૂરતો વિકાસ ન થાય તો તેની વિપરીત અસર પ્રજનન પર પડે છે.

જો વરસાદ વધારે પડે તો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના અમુક ભાગો અને તેની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી માદાઓને ઈંડા ત્યજી સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડે છે અને તે રીતે પ્રજનન અસફળ રહે છે.

આ પરિબળોની અસરને ઓછી કરવા ગુજરાત સરકારના વન વિભાગે વેળાવદરમાં 2020માં ખડમોરનું 'કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર' એટલે કે સંવર્ધન કેન્દ્ર શરૂ કર્યું હતું.

આ સંવર્ધન કેન્દ્રનું કામ નર-માદા વચ્ચે સંવનન થઇ ગયા બાદ માદા ઘાસનાં મેદાનોમાં ઈંડા મૂકે તેમાંથી કેટલાંક ઈંડાઓ લઇ સંવર્ધન કેન્દ્રમાં લાવીને તેમને કૃત્રિમ રીતે સેવવાનું છે.

ઈંડામાંથી બચ્ચાં બહાર આવે ત્યારે તેમને મોટાં કરી, તેઓ પુખ્ત થાય ત્યારે પાંજરાંમાં જ તેઓ પ્રજનન કરે અને પ્રોજત્પતિ કરે તેવા પ્રયાસો હાથ ધરવાનું પણ આ કેન્દ્રનું મુખ્ય કામ છે.

આ કેન્દ્ર સ્થાપવાનો ઉદ્શ્ય એ પણ છે કે એક વાર પાંજરામાં 20 જોડીઓ પ્રજનન કરે. ત્યાર પછી જન્મતાં બચ્ચાંઓને મોટાં કરી તેમને ઘાસનાં મેદાનોમાં મુક્ત રીતે જીવન જીવવાની તાલીમ આપી તેમને મુક્ત રીતે વિચરણ કરવા છોડવા.

પ્રજનન કેન્દ્રમાં આ પ્રકારે જો પક્ષીઓની સંખ્યા વધે તો વિલુપ્તીના ભય સામે તેમને 'વીમા કવચ' મળશે.

બીજી તરફ ઘાસનાં મેદાનોમાં આ પક્ષીઓને છોડવામાં આવશે તો તેઓ ત્યાં પણ બચ્ચાંઓને જન્મ આપવાનું કામ કરશે.

એટલે કેન્દ્રનો ઉદ્દેશ્ય આ પ્રકારે બચ્ચાંનો ઉછેર કરીને ખડમોરની સંખ્યા વધારવાનો છે.

વેળાવદરના સંવર્ધન કેન્દ્રમાં ઈંડાને કૃત્રિમ રીતે સેવી તેમાંથી બચ્ચાં મેળવવામાં તો સારી સફળતા મળી છે.

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદરના મદદનીશ વનસંરક્ષક નિલેશ જોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અત્યારે બ્રિડીંગ સેન્ટરમાં પાંચ નર અને ચાર માદા પુખ્ત થઇ ગયાં છે અને પ્રજનનની ઉમરે પહોંચી ગયાં છે. પરંતુ પ્રજનન થઇ શક્યું નથી.

જોશીએ કહ્યું, "નર ખડમોર પ્રણય નૃત્ય કરે છે અને પછી માદા તરફ પણ જાય છે. પરંતુ માદાઓ મેટિંગ (સમાગમ) માટે તૈયારી દર્શાવતી નથી અને દૂર ભાગી જાય છે. આવું છેલ્લાં બે વર્ષથી ચાલે છે."

સમાગમની કોશિશમાં એક માદાનું મોત

જોશી કહે છે કે મેટિંગ માટે આતુર બનેલાં નર પક્ષી, માદાઓ સાથે આક્રમક રીતે વર્તે છે અને તેમાં માદાઓને ઈજા પણ થાય છે.

જોશીએ કહ્યું, "ગત વર્ષે એક માદાએ બે ઈંડા મૂક્યાં હતાં પરંતુ તે બિનફળદ્રુપ હતાં કારણ કે, તેણે નર સાથે સમાગમ કર્યું ન હતું. તેથી, તેમાંથી કોઈ બચ્ચાં બહાર ન આવ્યાં. આ વર્ષે એ જ માદા સાથે એક નરે સમાગમ કરવાની કોશિશ કરી પરંતુ માદાએ તૈયારી ન બતાવી. તેમ છતાં નર તો આક્રમક થઇ સમાગમ કરવાની કોશિશ કરતો રહ્યો અને તેના ભાગ રૂપે માદાને માથા પર અને ડોક પર ચાંચ મારતો રહ્યો. આ પ્રક્રિયામાં માદાને ગંભીર ઈજાઓ થઇ અને 1 જુલાઈએ તેનું મૃત્યુ થઇ ગયું."

જોશીએ કહ્યું કે તેમણે અલગ-અલગ નર અને માદાઓને પાંજારાંઓમાં ભેગા રાખી જોડી બનાવવાની કોશિશ કરી છે, પરંતુ તેમને સફળતા મળી નથી.

આ વિશે તેમણે કહ્યું, "હવે કૃત્રિમ બીજદાન થઇ શકે તો પ્રજનનમાં સફળતા મળી શકે છે. અમારા સ્ટાફે કપાસ વગેરે મટિરિયલથી માદા ખડમોરનું એક ડમી તૈયાર કરી નરનું વીર્ય એકઠું કરવાના પ્રયત્નો પણ કરી જોયા છે. પરંતુ તેમાં સફળતા મળી નથી. કારણ કે, નર ઘણા સતર્ક છે અને તેમને ખબર પડી જાય છે કે આ પૂતળું છે. તેથી, નર પક્ષી મેટિંગ માટે ફાળ ભરતાં નથી અને વીર્યસ્ખલન થતું નથી."

આ રીતે વેળાવદરમાં ખડમોરના સંવર્ધન પ્રોગ્રામની પ્રગતિમાં એક મોટી બાધા ઊભી થઇ છે. એક રીતે, પ્રોગ્રામ અટકી ગયો છે.

જોશી કહે છે કે રાજસ્થાનમાં ઘોરાડ પક્ષીના સંવર્ધન કેન્દ્રમાં કૃત્રિમ બીજદાનથી ફળદ્રુપ ઈંડાં અને તેમાંથી બચ્ચાં મેળવવામાં સફળતા મળી છે તેનો અભ્યાસ કરી વેળાવદરમાં ખડમોર માટે પણ તેવા પ્રયાસ થઇ શકે.

આ અવરોધ વિશે નિષ્ણાતો શું કહે છે?

પ્રોફેસર યાદવેન્દ્રદેવ ઝાલા ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આવેલા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા એટલે કે ભારતીય વન્યજીવ સંસ્થાના ડીન તરીકે 2023ના માર્ચમાં નિવૃત્ત થયા તે પહેલાં તેમણે રાજસ્થાનમાં ઘોરાડના સંવર્ધન માટે કામ કરતા વૈજ્ઞાનિકોની ટીમને નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

તેઓ ઘોરાડ અને ખડમોરના વિશેષજ્ઞ તરીકે જાણીતા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પ્રો. ઝાલાએ કહ્યું કે વેળાવદરમાં સંવર્ધન કેન્દ્રમાં મેટિંગના પ્રયાસ વખતે નર દ્વારા પહોચાડાયેલી ઈજાઓથી માદાનું મૃત્યુ અજુગતું ન કહેવાય.

તેઓ આ વિશે કહે છે, "માથા પર ચાંચ મારી નર માદાને ઉત્તેજિત કરે છે જેથી તે ઈંડાને ફળદ્રુપ કરી શકે. પરંતુ જો માદા તૈયાર ન હોય કે સહમત ન હોય તો મામલો બગડી શકે છે."

"નર આક્રમક રીતે માદા સાથે મેટિંગ કરવાનો પ્રયાસ કરે છે. તેવા સંજોગોમાં માદા સામાન્ય રીતે દૂર ભાગી જાય છે. પરંતુ, પાંજરામાં જો માદાને છટકી જવાની વ્યવસ્થા ન હોય તો નર તેને ગંભીર ઇજા પહોંચાડી શકે છે. આવી સ્થિતિ ટાળવા માદા બીજા પાંજરામાં સરકી જાય તે માટે બારી રાખવી જોઈએ. તેમ છતાં સ્થિતિ ગંભીર લાગે તો સ્ટાફે હસ્તક્ષેપ કરવાનું પણ વિચારવું જોઈએ. કારણ કે સંવર્ધન કેન્દ્રમાં ઉછરેલાં દરેક પક્ષી બહુ જ મૂલ્યવાન છે."

પ્રો. ઝાલાએ કહ્યું કે 'લેક' તરીકે ઓળખાતું પ્રણય નૃત્ય કરી પ્રજનન કરતાં પક્ષીઓનું પાંજરાંમાં સમાગમ કરાવવું વધારે મુશ્કેલ રહે છે.

તેમણે કહ્યું, "એવું પણ નથી કે તે પ્રકારે પ્રજનન શક્ય નથી. રાજસ્થાનનાં સંવર્ધન કેન્દ્રોમાં જન્મતાં ઘોરાડનાં બચ્ચાંઓમાંથી માત્ર 10 કે 15 ટકા બચ્ચાં જ કૃત્રિમ બીજદાનથી જન્મે છે, જયારે બાકીનાં બચ્ચાં કુદરતી મેટિંગથી ફળદ્રુપ થયેલાં ઈંડાંમાંથી જન્મે છે. પરંતુ કુદરતી મેટિંગ થઇ શકે તે માટે સંવર્ધન કેન્દ્રમાં નિષ્ઠાવાન વૈજ્ઞાનિકો અને તાલીમ પામેલો સ્ટાફ જોઈએ. તે આ પક્ષીઓના અભ્યાસુ હોવા જોઈએ અને લાંબા સમય સુધી કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ."

પ્રો. ઝાલા ઉમેરે છે કે ગુજરાત વન વિભાગ ખડમોર સંવર્ધન કેન્દ્ર ચલાવવા માટે વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી શકે અને સ્ટાફને તાલીમબદ્ધ કરી શકે.

તેઓ આ વિશે વધુમાં જણાવે છે, "અબુધાબીમાં ઇન્ટરનૅશનલ ફંડ ફૉર હોબારા કન્ઝર્વેશન નામની સંસ્થા દર વર્ષે 20,000થી પણ વધારે હોબારા બસ્ટાર્ડ (મૅકક્વિન્સ બસ્ટાર્ડનું બીજું નામ)નો કૃત્રિમ બીજદાનના માધ્યમથી જન્મ કરાવે છે."

"આ સંસ્થા બસ્ટાર્ડ કુળનાં પક્ષીઓનું કૃત્રિમ બીજદાનની ટેક્નિકના નિપુણ માણસો છે. વેળાવદરના ખડમોર સંવર્ધન કેન્દ્ર માટે સરકારે સમર્પિત સ્ટાફનું પોસ્ટિંગ કરી શકે અને તેમને ઇન્ટરનૅશનલ ફંડ ફૉર હોબારા કન્ઝર્વેશન ખાતે તાલીમ માટે મોકલવાનું વિચારી શકે."

"આ ઉપરાંત, ખડમોરના સંવર્ધન પ્રોગ્રામને સફળ બનાવવા વૈજ્ઞાનિકોની સતત દેખરેખ અને માર્ગદર્શનની જરૂર પડશે. આ માટે સરકાર સંસ્થાઓ સાથે ભાગીદારી કરી શકે. સરકાર ગીર ફાઉન્ડેશન, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કે બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનું વિચારી શકે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન