'રોજ રાતે 10 પુરુષોની વાસના સંતોષે છે'- સિએરા લિઓનમાં સેક્સવર્કમાં ધકેલી દેવાતી મહિલાઓની કહાણી

    • લેેખક, ટાયસન કૉન્ટેહ (મકેની) અને કર્ટની બૅમ્બ્રીજ (લંડન)
    • પદ, બીબીસી આફ્રિકા આઈ

ઈસાટા આયુષ્યના વીસીના દાયકામાં છે અને સિંગલ મધર છે. તેઓ સિયેરા લિઓનમાં સેક્સ વર્કર્સના જીવનની ભયાનકતાનું પ્રતીક છે.

ઈસાટાને માર મારવામાં આવ્યો હતો, લૂંટવામાં આવ્યાં હતાં, તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેમને માનવ તસ્કરી દ્વારા અન્ય દેશમાં મોકલવામાં આવ્યાં હતાં અને તેમને વારંવાર બચાવી લેવામાં આવ્યાં હતાં.

આ બધાની વચ્ચે ઈસાટા, પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં તબાહી મચાવી રહેલા એક ખતરનાક માદક પદાર્થ કુશના બંધાણી બની ગયાં હતાં.

રાજધાની ફ્રીટાઉનથી આશરે 200 કિલોમીટર દૂર આવેલા માકેનીમાં સેક્સ વર્કર્સના એક જૂથના જીવન પર બીબીસીએ ચાર વર્ષ નજર રાખી હતી.

આ શહેર હીરાથી સમૃદ્ધ વિસ્તારમાં આવેલું છે. હીરાને કારણે જ સિયેરા લિઓનમાં આંતરવિગ્રહને વેગ મળ્યો હતો અને તે સંઘર્ષનાં વિનાશક પરિણામ આજે પણ અનુભવાય છે.

ઈસાટા સેંકડો સેક્સ વર્કર્સ પૈકીનાં એક છે. અમે અનેક સેક્સ વર્કર્સ સાથે વાત કરી હતી. તેમની માફક ઈસાટાએ પણ પોતાના પ્રથમ નામનો જ ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું.

'રોજ રાત્રે 10 પુરુષોની વાસના સંતોષે'

ઈસાટાએ કહ્યું હતું, "હું મારી દીકરી માટે બધું બલિદાન આપી રહી છું. મેં શેરીઓમાં પારાવાર પીડા ભોગવી છે."

"હું ક્લબમાં એક માણસને મળી હતી. તેણે મારાં કપડાં ફાડી નાખ્યાં હતાં. તેણે મારી બ્રામાંથી પૈસા કાઢી લીધા હતા. હું બહાર નીકળવાનો પ્રયાસ કરતી હતી. તેણે તેની ગન વડે મારા માથાના પાછળના ભાગમાં ફટકો માર્યો હતો. એ મને મારી નાખવા માંગતો હતો."

આ બહુ ખતરનાક જીવન છે. અમે જે મહિલાઓને મળ્યા એ પૈકીની કેટલીકને તો એચઆઈવીનો ચેપ સુદ્ધાં લાગ્યો હતો.

અન્ય મહિલાઓને મારી નાખવામાં આવી હતી, પરંતુ ઘણા માને છે ત્યાં જૂજ વિકલ્પો જ છે.

શહેરના કીચડવાળા એક અંધારિયા વિસ્તારમાં બે સેક્સ વર્કરે જમીન પરની અનાજની ખાલી બોરીઓ દેખાડી હતી.

એ પૈકીની એક યુવતી મેબિન્ટીએ અમને જણાવ્યું હતું કે આ એ જગ્યા છે, જ્યાં તેઓ સેક્સ વર્કર તરીકે કામ કરે છે. રોજ રાતે 10 પુરુષોની વાસના સંતોષે છે.

પુરુષો તેમને એક વખતના સંભોગ માટે એક ડૉલર ચૂકવે છે.

'હું સેક્સવર્કર તરીકે કામ ન કરું તો મારાં બાળકો ભણી ન શકે'

મેબિન્ટો તેમનાં બાળકોના ભરણપોષણ માટે પૂરતા પૈસા કમાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમને છ સંતાનો થયાં હતાં, પરંતુ ત્રણ મૃત્યુ પામ્યાં છે. બાકીનાં ત્રણ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

તેમણે કહ્યું હતું, "મારા એક સંતાને હમણાં જ પરીક્ષા આપી છે. હું સેક્સ વર્કર તરીકે કામ ન કરું તો મારા સંતાનની સ્કૂલ ફી ચૂકવી શકું તેમ નથી. આ મારી વેદના છે."

સમગ્ર સિએરા લિયોનમાં હજારો મહિલાઓ સેક્સ વર્કર તરીકે કામ કરી રહી હોવાનો અંદાજ છે.

એ પૈકીની ઘણી યુવતીઓ આંતરવિગ્રહને કારણે અનાથ બની છે. આંતરવિગ્રહમાં 50,000થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને 2002માં તે સમાપ્ત થયું ત્યાં સુધીમાં દેશની લગભગ અડધોઅડધ વસ્તી વિસ્થાપિત થઈ ગઈ હતી.

સખાવતી જૂથોના જણાવ્યા મુજબ, ઈબોલા ફાટી નીકળવાને કારણે તેમજ કોરોના રોગચાળાને કારણે દેશ આર્થિક પતન સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સેક્સ ટ્રેડમાં કામ કરતી યુવતીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે.

અન્ય ઘણી કટોકટીની માફક આ કટોકટીની પણ મહિલાઓ પર હદ બહારની અસર થઈ છે.

વેશ્યાવૃત્તિ છોડી તો ડ્રગ્સનાં બંધાણી બન્યાં

દેશમાં વેશ્યાવૃત્તિ ગેરકાયદે નથી, પરંતુ મહિલાઓને હલકી નજરે જોવામાં આવે છે અને તેમને સરકાર કે સમાજ તરફથી બહુ ઓછું સમર્થન મળે છે.

અમે ઈસાટાને 2020માં મળ્યા તેના થોડા સમય પછી એક ગુનાખોર ટોળકીએ તેમનું અપહરણ કર્યું હતું અને તેમને ધ ગેમ્બિયા, સેનેગલ અને છેલ્લે માલીમાં સેક્સ ગુલામ તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

ઈસાટા એક ફોનની વ્યવસ્થા કરી શક્યાં હતાં અને તેમણે તેમના જીવનની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "તેઓ અમારી પાસે એ રીતે આવે છે કે જાણે અમે તેમનો સ્વીકાર નહીં કરીએ તો તેઓ અમને મારી નાખશે. હું પારાવાર પીડાઈ રહી છું."

એ પછી બીબીસી આફ્રિકા આઈએ ઈસાટાને શોધી કાઢ્યાં હતાં અને સંયુક્ત રાષ્ટ્રસંઘના સંગઠન ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશને (આઈઓએમ) ઈસાટાને સિયોરા લિઓન પાછા ફરવામાં મદદ કરી હતી.

તેમણે સેક્સ વર્કર તરીકે કામ કરવાનું છોડી દીધું હતું, પરંતુ 2021માં અમે તેમને મળ્યા ત્યારે તેઓ સ્થાનિક રસોડામાં રસોઈ કરીને તેમની દીકરીના ભરણપોષણ માટે પૂરતા પૈસા કમાવવા સંઘર્ષ કરતાં હતાં.

એ પછી 2023માં અમને ઈસાટા વિશેની અપડેટ, તેઓ કુશના બંધાણી થયાં પછી વેશ્યાવૃત્તિમાં પાછા ફર્યાં પછી મળી હતી. કુશ સસ્તા ભાવે મળતું વ્યસનકારક પદાર્થોનું સાયકોએક્ટિવ મિશ્રણ છે. તેમાં માનવ હાડકાંનું મિશ્રણ પણ હોઈ શકે છે.

સિએરા લિઓનમાં આ ડ્રગ એટલી મોટી સમસ્યા બની ગઈ છે કે રાષ્ટ્રપતિએ તેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.

ઈસાટા આ ડ્રગના એટલા બંધાણી થઈ ગયાં કે તેમણે તેમની સૌથી નાની, માત્ર ચાર મહિનાની વયની દીકરીને ત્યજી દીધી હતી. ઈસાટાનાં માતા પોસેહ હવે તેને ઉછેરી રહ્યાં છે.

પોસેહે કહ્યું હતું, "શેરીમાં જીવન જીવવાના તણાવને કારણે ઈસાટા કુશ ફૂંકતી થઈ હતી. તણાવ જ કારણભૂત છે."

એક નહીં, આવી અનેક કહાણી

નાતા પણ આયુષ્યની વીસીના દાયકામાં છે. તેઓ પણ સિંગલ મધર છે. તેમને ત્રણ દીકરીઓ છે.

અમે તેમને તેમના ઘરે મળ્યા ત્યારે તેઓ બહાર જઈને કામ કરવા માટે તૈયાર થઈ રહ્યાં હતાં.

નાતાએ કહ્યું હતું, "મારાં બાળકોનું ભવિષ્ય ઉજ્જ્વળ બને તેવું હું ઇચ્છું છું. મને આશા છે કે ભગવાન મારી પ્રાર્થનાને સાંભળશે."

નાતાની દીકરી મેક-અપ કરતી મમ્મીને નિહાળતી હતી. તેણે અમને જણાવ્યું હતું કે મોટી થઈને તે “માતાને મદદ કરવા” વકીલ બનવા માંગે છે.

એ પછી શહેરમાં અમારી મુલાકાત આશરે 10 વર્ષની છોકરી રુગિયાતુ સાથે થઈ હતી. રુગિયાતુની મમ્મી જીના પણ સેક્સ વર્કર હતી. જીનાની 2020માં માત્ર 19 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી.

રુગિયાતુ હવે તેનાં વૃદ્ધ દાદી સાથે રહે છે.

રુગિયાતુએ કહ્યું હતું, "તેઓ મારી પણ શેરીમાં હત્યા કરે એવું હું નથી ઇચ્છતી."

બીજી વખત અમે નાતાને મળ્યા ત્યારે તેને ઓળખી શક્યા ન હતા. નાતા પણ કુશના બંધાણી બની ગયાં હતાં.

નાતાએ કહ્યું હતું, "મને આ રીતે જીવવું ગમતું નથી, પરંતુ હું વધુ વિચારતી નથી. સ્મૃતિ સળવળે ત્યારે હું રડી પડું છું. સ્મૃતિને ભૂલવા માટે હું ધૂમ્રપાન કરું છું."

નાતાની ત્રણ દીકરીઓ તેમના સંબંધીઓ પાસે રહે છે.

એ પછી 2024ની શરૂઆતમાં ઈસાટા માટે વધુ ખરાબ સમાચાર મળ્યા હતા.

ઘાનામાં આયા તરીકે કામ અપાવવાના વચન સાથે ઈસાટા સહિતની સ્ત્રીઓના એક જૂથની માનવ તસ્કરી કરવામાં આવી હતી અને તેમને ઘાનાને બદલે માલી લઈ જવામાં આવ્યાં હતાં તથા સોનાની ખાણના વિસ્તારમાં સેક્સ વર્કર તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

ઈસાટાએ અમને ફોન પર કહ્યું હતું, "મને ઘરે પાછી લઈ જાઓ. હું ભીખ માંગું છું. મને દરેક બાબતનો અફસોસ છે."

ઈસાટાના કહેવા મુજબ, જે માણસે તેમને આયા તરીકેનું કામ અપાવવાનું વચન આપ્યું હતું એ માણસે પ્રવાસના દરેક તબક્કે પોલીસ ચોકીઓ અને બૉર્ડર પોસ્ટ્સને થાપ આપી ત્યારે તેઓ ચિંતિત થઈ ગયાં હતાં.

'માનવતસ્કરીમાંથી છૂટવું હશે તો સેંકડો પુરુષો સાથે સેક્સ કરવું પડશે'

ઈસાટાએ કહ્યું હતું, "તેણે અમને જૉય નામની નાઈજિરિયન મહિલાને હવાલે કર્યાં હતાં. અમે તેને કહ્યું હતું કે તમે તો અમને આયાનું કામ કરવા ઘાના લઈ જવાનાં હતાં. શું આ ઘાના છે?"

"જૉયે અમને સવાલ કર્યો હતો કે તમે અહીં સેક્સ વર્ક કરવાં આવ્યાં છો એ કોઈએ તમને જણાવ્યું ન હતું? મેં કહ્યું- ના."

"પછી જૉયે કહ્યું - જાઓ અને થોડા પૈસા લાવો અને તેને આપો."

તસ્કરી કરવામાં આવેલી ઘણી મહિલાઓની માફક ઈસાટાને પણ કહેવામાં આવ્યું હતું કે તેણે મુક્ત થવું હશે તો માનવ તસ્કરોને મોટી રકમ ચૂકવવા સેક્સ વર્ક કરવું પડશે.

તસ્કરી કરનાર લોકોએ ઈસાટાને જણાવ્યું હતું કે તેણે મુક્તિ માટે 1,700 ડૉલર ચૂકવવા પડશે.

આટલા પૈસા કમાવવા માટે તેણે સેંકડો પુરુષો સાથે સેક્સ કરવું પડશે.

ઈસાટાના તસ્કરોએ તેમને જણાવ્યું હતું કે પૈસા ચૂકવવા માટે તેની પાસે ત્રણ મહિનાનો સમય છે.

માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને મદદ કરતા સંયુક્ત રાષ્ટ્રના સંગઠન આઈઓએમના જણાવ્યા મુજબ, સિએરા લિયોનનાં બાળકો સહિતના હજારો નાગરિકોની દર વર્ષે માનવ તસ્કરી થાય છે.

તેઓનું ક્યાં તો અપહરણ કરવામાં આવે છે અથવા સારી નોકરીના વચન સાથે તેમને દેશની બહાર નીકળવા માટે છેતરવામાં આવે છે.

સારી નોકરીને બદલે તેમને આફ્રિકા ખંડની આસપાસના દેશોમાં વિદેશીઓને વેચી મારવામાં આવે છે અને તેમને મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે છે અથવા તો તેમનું જાતીય શોષણ કરવામાં આવે છે.

ઘણા લોકો ઘરે ક્યારેય પાછા ફરી શકતા નથી.

ઈસાટા સદભાગી છે કે તેઓ આખરે માકેની પાછા ફરી શક્યાં છે. તેઓ તેમનાં માતા અને બે બાળકો સાથે રહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.