You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૉર્ન અને સોશિયલ મીડિયાથી ઘેરાયેલું બાળપણ, માતા-પિતાએ શું ધ્યાન રાખવું?
- લેેખક, મુક્તા ચૈતન્ય
- પદ, લેખક
પુણેની એક સ્કૂલમાં 10-12 વર્ષના છોકરાઓ દ્વારા એક છોકરાની જાતીય સતામણીનો બનાવ બન્યો હતો અને સોશિયલ મીડિયા સહિત અનેક જગ્યાએ લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી.
આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે આ ઘટનામાં પીડિત છોકરાએ સ્કૂલેથી આવીને પોતાનાં મમ્મીને આ ઘટના વિશે જણાવ્યું. જોકે સ્કૂલ અને કૉલેજમાં છોકરાઓના એક સમૂહ દ્વારા નબળા છોકરાને હેરાન કરવાની ઘટનાઓ સામાન્ય વાત છે.
ખૂબ જ ઓછાં બાળકો આ ઘટના વિશે ઘરે વાત કરે છે અને ખૂબ જ ઓછી સ્કૂલો આવી ઘટનાઓને રોકવાનો પ્રયત્ન કરે છે. આવી ઘટનાઓ થાય તો પણ તેને છુપાવ્યા વગર યોગ્ય પગલા લેનારી શાળાઓ પણ ઓછી છે.
શૅર કરેલી પોસ્ટથી એ પણ ખુલાસો થયો કે આ ઘટનામાં સામેલ છોકરાઓના ખરાબ વર્તનનો ઇતિહાસ હતો અને તેઓ સીસીટીવી ફૂટેજ જોયા પછી હસતા હતા અને કેટલાક છોકરાઓએ કહ્યું હતું કે તેઓ નિયમિતપણે પૉર્ન જોતા હતા.
બાળકો સાથે આવું કેમ થાય છે?
બાળકોનો વ્યવહાર એક બહુપરિમાણીય વિષય છે. બાળકોના વ્યવહારની પાછળ અનેક કારણો છે. જેમ કે ઘરનો માહોલ, માતા-પિતાનો એકબીજા સાથે સંબંધ, પોતાનાપણું છે કે નહીં, ઘરમાં માતા-પિતાના વર્ચસ્વની લડાઈ, સત્તાવાદી પાલન-પોષણ જવાબદાર છે.
આ ઉપરાંત બાળકોને તેમની ભૂલો જણાવ્યા વગર તેમનો સાથ આપવાનું માતા-પિતાનું વલણ, ઘરેલુ હિંસા, માતા-પિતાની બાળકો પર ગુસ્સો કરવાની આદત, માતા-પિતા અને બાળકો વચ્ચે મનદુ:ખ પણ સામેલ છે અને હવે તેમાં ફોનનો પણ ઉમેરો થયો છે.
આજકાલ એ વાત પર ચર્ચા થાય છે કે કોરોનાએ બાળકોના હાથમાં ફોન આપી દીધો છે પરંતુ આ વાત સંપૂર્ણપણે ખોટી છે. દુનિયામાં પુખ્ત વયના લોકો પોતાની જવાબદારી કોરોના અને ફોન પર નાખી રહ્યા છે.
જોકે આપણે કહી શકીએ કે કોરોનાને કારણે જે બાળકો પાસે ફોન ન હતા, તેમના હાથોમાં પણ ફોન આવી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકોના હાથમાં ઘણા સમયથી ફોન છે, આ ફોન તેમનો પોતાનો હશે કે તેમનાં માતા-પિતા કે દાદા-દાદીનો પણ હોઈ શકે. પુખ્ત વયના લોકોને મોટા ભાગે એ ખબર નથી હોતી કે બાળકો પોતાના ફોન સાથે શું કરી રહ્યા છે.
બાળકો માબાઇલ ફોન પર ગેમ રમે છે, સર્ચ કરે છે, વાતચીત કરે છે અને પૉર્ન પણ જુએ છે.
પૉર્ન અને છોકરાઓ
એ સત્ય છે કે મોટા ભાગે ઘરના વરિષ્ઠ સભ્યોના ફોન થકી જ બાળકો પૉર્ન સુધી પહોંચે છે. આપણે અહીં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મોબાઇલ દરેક વ્યક્તિને આભાસી દુનિયામાં ભ્રમણની સ્વતંત્રતા અને એક પ્રકારનું એકાંત પણ આપે છે.
આ નિજતાને કારણે માતા-પિતા મોટા ભાગે એ વાતથી અજાણ છે કે બાળકો પોતાના ફોન પર શું કરી રહ્યાં છે. આ ઉપરાંત માતા-પિતા પાસે મીડિયાનું શિક્ષણ ખૂબ જ ઓછું છે માટે કેટલાંક માતા-પિતા એ નથી સમજતાં કે જો તે પોતાના ફોન પર પૉર્ન જોઈ રહ્યાં છે તો તેમને એ લિંક અને ક્લિપ હટાવી દેવી જોઈએ. જ્યારે બાળકો પાસે તેમનો ફોન આવે છે તો તે સીધા પૉર્ન સાઇટ પર જાય છે.
બીજી વાત એ છે કે બાળકો ખૂબ જ જલદી સમજી જાય છે કે ઑનલાઇન દુનિયામાં તેમને શું જોવા મળી શકે છે. બાળકો ઘરમાં માતા-પિતા સાથે આ વિશે કોઈ વાત કરતાં નથી અને સ્કૂલમાં પણ એ વિશે ચર્ચા થતી નથી. કોઈએ એ વિશે નથી વિચાર્યું કે આપણે જે જોઈ રહ્યા છીએ તેની આપણા મગજ પર કેવી અસર પડશે?
મોટાં ભાગનાં માતા-પિતા એવું વિચારે છે કે તેમનાં બાળકો પૉર્ન નથી જોતાં અને તેમને પોતાના ઘરના સંસ્કારી વાતાવરણ પર ભરોસો છે. આ વાત કોઈ સમસ્યા નથી પરંતુ માતા-પિતા એ વાત પણ નથી સ્વીકારતાં કે બાળકોને ફોન આપતા સમયે કેટલીક વાતો કહેવી જરૂરી છે. સાયબર વિશ્વમાં એકલાં પડી ગયેલાં બાળકો વિશ્વને જોવાનું શરૂ કરે છે અને પોતાને જે યોગ્ય લાગે તેમાં પોતાને શોધે છે.
બીજો મુદ્દો જે અહીં મહત્ત્વપૂર્ણ છે તે છે 'વયની અયોગ્યતા' - ઉંમર પ્રમાણે કાર્ય કરવું. યોગ્ય ઉંમરે યોગ્ય કાર્ય કરવું. વાલીઓ આનો આગ્રહ રાખતા નથી. જો બાળક ક્લાસમાં ન આવે તો તેને બાઇકની ચાવી આપવામાં આવે છે. જોકે શું તે માત્ર બાઇકની ચાવી છે? ના.
આપણે બાળકોને એવો સંદેશ આપીએ છીએ કે તમે જે ઇચ્છો છો તે કરી શકો છો પછી ભલે તમે ગમે તે કરો. બાળકોને ઉંમર પ્રમાણે વર્તવાનું કહેવું જરૂરી છે. શું આપણે બાળકોને કહીં ન શકીએ કે યોગ્ય ઉંમરે તમને એ ચાવી મળશે? આજકાલ 10-12 વર્ષની ઉંમરથી જ બાળકો ડેટિંગ કરવાનું શરૂ કરે છે.
બાળકો મોટે ભાગે સોશિયલ મીડિયા અને પૉર્ન સાઇટ પર સોફ્ટ પૉર્ન જોઈને પ્રભાવિત થાય છે.
શું આપણે બાળકોને તેમના બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ વિશે વાત કરવાની અનુમતિ વિશે વાત કરીએ છીએ?
શું એનો મતલબ એમ છે કે પૉર્નની દુનિયામાં જે દેખાડવામાં આવે છે એ નકલી અને સ્ક્રિપ્ટેડ હોય છે અથવા તો શોષણ પર આધારિત હોય છે? ના. કારણ કે વાલીઓ અને શિક્ષકો મૂંઝવણમાં છે કે પૉર્ન વિશે શું કહેવું.
મોબાઇલ સ્ક્રીનની ટેવ
હવે સવાલ રહ્યો બાળકોના હાથમાં મોબાઇલ ફોનનો. કહેવું પડે કે વડીલોએ અહીં પણ ઘણી મોટી ભૂલો કરી છે, જેમ કે બાળક જન્મે ત્યારથી આપણે તેની આંખો સામે મોટા મોબાઇલ ફોન પકડી રાખીએ છીએ.
ઇન્ડિયન પીડિયાટ્રિક ઍસોસિએશનથી લઈને વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન સુધી બધાએ વારંવાર કહ્યું છે કે બે વર્ષની ઉંમર સુધી બાળકોની સામે મોબાઇલ સ્ક્રીન ન હોવી જોઈએ પણ આપણી સ્થિતિ જુઓ.
બાળકો ફરતાં પહેલાં મોબાઇલ ફોન જોતાં શીખે છે. માતા-પિતા પ્રશંસા કરે છે કે જ્યારે તે પોતાનો મોબાઇલ ફોન ચાલુ રાખે છે ત્યારે બાળક ઝડપથી ખાય છે અને જ્યારે તેની પાસે ટીવી અને મોબાઇલ ફોન હોય ત્યારે બાળક કેવું શાંત રહે છે.
જ્યારે બાળકો ગેમિંગ શરૂ કરે છે ત્યારે આ માતા-પિતાની પ્રશંસા હાજર હોય છે. "તેની આંગળીઓ કેટલી ઝડપથી ચાલે છે, તે કેટલું સરસ રમે છે અને તે એવું કરી શકે છે જે આપણે કરી શકતા નથી" દરેક ઘરમાંથી આવી વાતો સાંભળવા મળે છે.
જ્યારે બાળક આઠમા ધોરણમાં પહોંચે છે ત્યારે તેના હાથમાં મોબાઇલ જોઈને કોઈને વાંધો નથી આવતો અને તેઓ મોબાઇલ ફોનની ખરાબ અસરો વિશે વિચારતા નથી.
સાચી લડાઈ ત્યારે શરૂ થાય છે જ્યારે બાળક કિશોર અવસ્થામાં પહોંચે છે. હવેનાં વર્ષો મહત્ત્વપૂર્ણ છે અને માતા-પિતાને અચાનક વિચાર આવે છે કે બાળકોએ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને તેઓ બાળકો પાસેથી અમુક સમય પછી ફોન લેવાની કોશિશ કરે છે.
જન્મથી જ તેઓ પોતાના દિવસનો મોટા ભાગનો સમય વિતાવે છે તે સ્ક્રીનને હટાવવાનો વિચાર બાળકોને આંચકો આપે છે અને ઘરમાં પછી એક અલગ જ લડાઈ અને સંઘર્ષ શરૂ થાય છે.
આ વાતને સરળતાથી સમજવી હોય તો વિચારો કે શું આપણે પોતાની દસ કે બાર વર્ષ જૂની ટેવને અચાનક બદલી શકીએ છીએ? જો પુખ્ત વયના લોકો તેમની આદતોને એક દિવસમાં બદલી નથી શકતા, તો આપણે બાળકો પાસેથી એવી અપેક્ષા કેવી રીતે રાખી શકીએ?
ઇન્ટરનેટની દુનિયામાં રોલમૉડલ હોઈ શકે?
આપણે અહીં એક વાતનું ઘ્યાન રાખવું જરૂરી છે કે મિલેનિયલ પેઢી કાર્ટૂન અને કલાશિલ્પની યૂટ્યૂબ ચેનલોની સાથે મોટી થઈ છે પરંતુ આજના યુવાઓ ઇન્ટરનેટ પર ઇન્ફલુએન્સર્સને જોઈને મોટા થઈ રહ્યા છે અને તે સૌથી ભયાનક છે.
વાસ્તવિક દુનિયામાં કોઈ રોલમૉડલ ન હોવાને લીધે અને પરિવાર સાથે કોઈ વાતચીત ન થતી હોવાને લીધે યુવાનો અને બાળકો પોતાના રોલમૉડલ ઇન્ટરનેટ પર શોધે છે. મીડિયા અને યૌનશિક્ષણના અભાવને કારણે બાળકો પોતાના સવાલોના જવાબ ઇન્ટરનેટ પર શોધે છે.
બાળકો મોટા ભાગે એ નથી વિચારતા એ કાળી સ્ક્રીનની બીજી તરફ ઇન્ફલુએન્સર્સ જે કહે છે કે દર્શાવે છે એ સત્ય છે કે સારું છે? જો તેઓ આ વાતોનું અનુસરણ કરશે તો શું થશે અને તેમનાં દૂરગામી પરિણામો કેવાં આવશે?
કારણ કે તેમના મન અને મગરને શિક્ષિત કરવું જ પૂરતું નથી, બાળકોને જેની જરૂર છે તે તેમને નથી મળતું.
માતાપિતા કાં તો બાળકો માટે પોતે નિર્ણયો લે છે અથવા બાળકોની દુનિયામાં પ્રવેશવાનો સમય નથી.
શિક્ષણ મહત્ત્વનું છે પણ મોટો પ્રશ્ન એ છે કે શું બાળકોમાં નિર્ણય લેવાની ક્ષમતા અને વિવેકબુદ્ધિ વિકસાવવાના પ્રયત્નો થાય છે? આ પ્રયાસો બાળકોની સામે બેસીને નહીં પરંતુ ઉદાહરણો દ્વારા કરવામાં આવે છે કે નહીં?
બાળકો સતત નોટ પેપરની જેમ બધું લખતા રહે છે. એવું નથી કે આનું નિરીક્ષણ કરતી વખતે તેઓ સારા કે ખરાબ વિશે વિચારશે, અને તેઓ કોઈ વસ્તુને કેવી રીતે જોશે તે વડીલોના હાથમાં નથી.
ઉદાહરણ તરીકે એક વૉટ્સઍપ ગ્રૂપમાં કોઈ વિષય પર એક ચર્ચા અને પછી લડાઈ થાય છે. ઘરના વડીલો કે માતા-પિતાનો ગુસ્સો જ્યારે શાંત થઈ જાય ત્યારે તે આ વિષય પર ચર્ચા કરે છે. આ લડાઈ વિશે વાત કરતા તે બીજી તરફનો પક્ષ બતાવ્યા વિના જ વાત કરી રહ્યા છે કે કેવી રીતે તેમને સામેવાળી વ્યક્તિની બોલતી બંધ કરી દીધી.
બાળકો આ વાતને સાંભળી રહ્યાં છે. જોકે તે લોકો આ વાતચીતમાં ભાગ નથી લેતા પરંતુ તેઓ તેની નોંધ રાખે છે. હવે આ વાતને તેઓ કઈ દૃષ્ટિએ જુએ છે તે કહેવું મુશ્કેલ છે.
બાળકો એવી ધારણા બાંધી શકે છે કે આપણે કોઈ પણ વાત સાંભળ્યા વગર સામેવાળી વ્યક્તિની બોલતી બંધ કરી દેવી જોઈએ, કારણ કે તેમની પાસે એ વાતની પૂરતી જાણકારી નથી કે લડાઈ કયાં કારણે થઈ હતી.
બીજા શબ્દોમાં કહીએ તો, પુખ્ત વયના લોકો ઘણી વાર સમજતા નથી કે તેઓ પોતાના વર્તન થકી બાળકોને બૌદ્ધિક અસહિષ્ણુતા શીખવીએ છીએ.
ડિજિટલ દુનિયા વિશે શિક્ષણ
આપણે બાળકોને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ગેમિંગ, મોબાઇલ ફોન અને ડિજિટલ દુનિયા વિશે શિક્ષિત કરવાના મુદ્દા પર ક્યારે વાત કરીશું? કારણ કે પ્રશ્ન માત્ર સોફ્ટ પૉર્નનો નથી. બાળકો ઇન્ટરનેટ થકી ગેમિંગ, સાયબર બુલિંગ અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સના સંપર્કમાં આવે છે. દરરોજ જોવાતી રીલ વિશે કેવી રીતે વિચારવું તેના વિશે કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી.
આજે આઠ-દસ વર્ષની છોકરીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને પોતાનું ત્વચા સંભાળનું રૂટિન બનાવે છે. માતાપિતા આને પ્રશંસા સાથે જુએ છે અને તેમના મનપસંદ ઉત્પાદનો ખરીદે છે. આ બધું છોકરીઓના મનમાં શરીરની રચના વિશે કેટલા પ્રશ્નો ઊભા કરી શકે છે જે તેઓ મોંઘાં ત્વચા સંભાળ ઉત્પાદનો ખરીદતી વખતે વિચારી શકે છે?
જ્યારે કિશોરો પૉર્નના વ્યસની બની જાય છે, ત્યારે શું તેઓ વાસ્તવિક સંબંધ શરૂ કરતાં પહેલાં સંબંધ જાળવવા માટે તૈયાર છે કે નહીં તે વિશે વિચારવું ન જોઈએ?
આપણે બાળકોને ઇન્ટરનેટના સંપર્કમાં આવવાથી રોકી શકવાના નથી, પરંતુ આપણે બાળકોમાં મીડિયા ચેતના વિકસિત થાય તેનો પ્રયત્ન કરી શકીએ છીએ. ચીને હાલમાં જ સુપરફાસ્ટ ઇન્ટરનેટ સેવાએ શરૂ કરી છે.
આપણું નજીકનું ભવિષ્ય આ સુપર ફાસ્ટ ઇન્ટરનેટમાં વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી અને હોલોગ્રામ છે.
કલ્પના કરો કે આજે બાળકો જે પૉર્ન નાના ફોન સ્ક્રીન પર જુએ છે તે જ પૉર્ન કાલે હોલોગ્રામમાં તેમની આસપાસ નાચતા હશે ત્યારે આપણે બાળકોનું રક્ષણ કેવી રીતે કરીશું? પોકેમોન ગો ગેમમાં આપણને તેની ઝલક મળી હતી.
એવા પ્રશ્નો જેનું સમાધાન દંડ આપીને ન થઈ શકે
આપણી સામેના પ્રશ્નો એટલા સરળ નથી જેટલા લાગે છે. આ બાળકોની માનસિક, ભાવનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. તેઓ માત્ર પીડિત બાળકોના પુનર્વસન વિશે જ નહીં પણ પીડિત બાળકોને કેવી રીતે પાટા પર પાછા લાવવા તે વિશે પણ છે.
બાળકોને દોષી ઠેરવવા અને તેમને ગુનેગારોના પાંજરામાં મૂકવું ખૂબ જ સરળ છે, પરંતુ તેમના પર કામ કરવું, તેમને સશક્ત બનાવવું, તેમને સારા અને ખરાબનો અહેસાસ કરાવવો મુશ્કેલ છે, કારણ કે આ માટે માતા-પિતાએ તેમના જીવનમાં ઘણાં બલિદાન આપવાં પડશે અને પરિવર્તન કરવું પડશે. શું માતાપિતા તેના માટે તૈયાર છે? મતલબ એ છે કે જ્યારે પિતા દિવસ-રાત સિગારેટ પીશે તો બાળકને કેવી રીતે રોકશે?
આપણે ક્યારે સમજીશું કે બાળકોનું વર્તન માતા-પિતા, શિક્ષકો અને સમાજનાં અન્ય તત્ત્વો પર નિર્ભર છે? જો બાળકોનો સ્ક્રીન ટાઇમ ઘટાડવાની જરૂર હોય, તો શું માતા-પિતા પણ પોતાનો સ્ક્રીન ટાઇમ ઘટાડવો પડશે? બાળકોને મીડિયા અને સેક્સ ઍજ્યુકેશન આપવા માટે સૌપ્રથમ માતા-પિતા અને શિક્ષકોએ મીડિયા શિક્ષિત બનવું પડશે.
આ સમસ્યાઓનું માત્ર બાળકોને હડધૂત કરીને, ચિંતા કરીને કે સજા કરીને સમાધાન નહીં થાય. બાળકોના ઉછેર પર આસપાસના સમગ્ર વાતાવરણની અસર થાય છે તો આપણે શું કમસે કમ 'સાયબર પૅરેન્ટિંગ' માટે પોતાને તૈયાર કરી રહ્યા છીએ?
જો આપણે બાળકોની દુનિયા સાથેના તૂટેલા સંબંધોને ફરીથી સ્થાપિત કરવા હોય તો વિવિધ સ્તરે દરેકે સાથે મળીને કામ કરવું પડશે. આવનારી પેઢી તરફ આંગળી ચીંધતી વખતે ક્યારેય ભૂલશો નહીં કે આપણી તરફ ત્રણ આંગળીઓ છે.
(મુક્તા ચૈતન્ય 'સાયબર મૈત્ર' સંસ્થાનાં સ્થાપક છે.)