You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દસ કિશોરો પાંચ દિવસ સુધી મોબાઇલને અડ્યા જ નહીં ત્યારે શું થયું?
તરુણ વયનાં સંતાનોનાં મોટાં ભાગનાં માતાપિતાને, તેમનાં છોકરાંઓ સ્માર્ટફોન સાથે વ્યતીત કરતા સમયની ચિંતા હોય છે.
ટેલિફોન આધુનિક જીવનનું એક મૂળભૂત સાધન છે તેમાં કોઈ શંકા નથી. યુવાઓ તેનો ઉપયોગ વાતચીત, પૂછપરછ, તેમના કામકાજના સંકલન માટે કરે છે અને કેટલાક દેશોમાં પરિવહનથી માંડીને સોફ્ટ ડ્રિંક સુધીની તમામ પ્રકારની વસ્તુઓની ચુકવણી માટે કરવામાં આવે છે.
અલબત્ત, ડિવાઇસ સ્ક્રીન સામે તાકીને, ખાસ કરીને સોશિયલ નેટવર્ક બ્રાઉઝિંગમાં વિતાવવામાં આવતા કલાકોની વધતી સંખ્યા દર્શાવે છે કે આ ટેકનોલૉજી એક વળગણ બની ગઈ છે.
તે વળગાડનો એક હિસ્સો “કશુંક ગુમાવવાનો ભય” છે, જેને અંગ્રેજીમાં FOMO એવા ટૂંકાક્ષર દ્વારા ઓળખવામાં આવે છે. તે ઇન્ટરનેટ પર ક્યાંક કંઈક રસપ્રદ અથવા ઉત્તેજક બની રહ્યું હોવાનું ચૂકી ન જવાની ચિંતા છે.
નેટવર્ક્સ અને અન્ય પ્લૅટફૉર્મ્સ વ્યસનયુક્ત પદાર્થોના સેવનથી સક્રિય થતા મગજના એ જ ક્ષેત્રને ઉત્તેજિત કરે છે.
યુવા લોકોની તેમના સ્માર્ટફોન સંબંધી આદતનું વિશ્લેષણ કરતા બીબીસીના એક પ્રોજેક્ટના ભાગરૂપે ઇંગ્લૅન્ડના સાલફોર્ડમાં મીડિયા સિટી યુનિવર્સિટી ટેકનિકલ કૉલેજના 10 વિદ્યાર્થીઓ તેમના સ્માર્ટફોનને બદલે બેઝિક નોકિયા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા સહમત થયા હતા. આ ફોન માત્ર કોલ કરવા અને ટેક્સ્ટ મૅસેજ મોકલવા માટે જ ઉપયોગી છે.
પાંચ દિવસનો આ ‘ટેક ડિટોક્સ’ કાર્યક્રમ તેમના જીવનનાં લગભગ દરેક પાસાંને નિઃશંકપણે અસર કરવાનો હતો. આ પેઢી સ્માર્ટફોન સાથે ઉછરી છે અને તેઓ દરેક વસ્તુ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેઓ મુખ્યત્વે સ્નેપચેટ અથવા ફેસટાઈમ મારફત કૉમ્યુનિકેટ કરે છે.
આસપાસ જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે અને સ્ટ્રીમિંગ મ્યુઝિક સતત સાંભળતા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ ક્રિસ્ટિયન જ્હોન્સને આ કાર્યક્રમના કેટલાક સહભાગીઓ પર નજર રાખી હતી. તેમને નીચે મુજબની વાતો જાણવા મળી હતી.
વિલની વાત
વિલ તેના સ્માર્ટફોન સાથે દિવસના આઠથી વધુ કલાક પસાર કરે છે. વિલ નાની હતી ત્યારે તેને બાઇક ચલાવવાનું ગમતું હતું, પરંતુ હવે તે સ્કૂલ પછીનો મોટા ભાગનો ફ્રી સમય ટિક ટૉક પર વીડિયો જોવામાં પસાર કરે છે.
વિલે ગયા અઠવાડિયે માત્ર સોશિયલ મીડિયા ઍપ્સ પર જ 31 કલાક પસાર કર્યા હતા. હવે તેને એ ચિંતા હતી કે તે સ્માર્ટફોન વિના પાંચ દિવસ સુધી કેવી રીતે રહી શકશે.
વિલ કહે છે, “હવે મારાં માતા-પિતા સાથે સોશ્યલાઇઝ કરવું પડશે.”
વિલની બીજી વાતો પછી કરીશું.
‘સકારાત્મક અસર’
રૂબીનું સપનું અભિનેત્રી બનવાનું છે. પોતે સ્માર્ટફોન પર લાંબો સમય વિતાવતી હોવાનું અને તે ટિક ટૉક પર સ્ક્રોલ કરતી હોય ત્યારે માતાપિતાની વારંવાર અવગણના કરતી હોવાનું કબૂલ કરે છે.
આ પ્રયોગ ચાલુ હતો તેની વચ્ચે મેં રૂબીના પરિવારની મુલાકાત લીધી હતી.
હું તેમના ઘરે પહોંચ્યો ત્યારે 15 વર્ષની રૂબી ક્લાસ માટે જતાં પહેલાં મેકઅપ કરી રહી હતી.
રૂબીના બેકપેકમાં તેનો યુનિફૉર્મ હોય તે તેમના પિતા સુનિશ્ચિત કરે છે અને પછી તેમનાં માતા તેને ટ્રામ સ્ટૉપ સુધી મૂકી આવે છે.
રૂબી સ્વીકારે છે કે સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરવાથી એ તેમનાં “માતાપિતા સાથે વધારે મોકળાશથી વાત કરી શકે છે.” ટેક ડિટોક્સની પોતાની દીકરીના વર્તન પર સકારાત્મક અસર થઈ હોવા સાથે રૂબીનાં માતા એમ્મા સહમત થાય છે.
એમ્મા કહે છે, “રૂબીને તેના ફોનની લત લાગેલી છે. તેથી હું તરુણ વયની હતી ત્યારે વસ્તુઓ કેવી હતી તે જોવાની તક મળે છે.”
“રૂબી હવે વધુ વાતો કરે છે અને વહેલી ઊંઘી જાય છે. તે એક સારું પરિવર્તન છે.”
અમે સ્ટેશનની નજીક પહોંચીને જોઈએ છીએ તો ટ્રામ રવાના થઈ ગઈ છે.
રૂબી તેની આદત અનુસાર બીજી ટ્રામ ક્યારે આવશે તે તેના ફોન પર એક ઍપ મારફત ચેક કરતી હતી. આજની પેઢી સ્ટૉપ બોર્ડ્સ પરના સમયપત્રકને વાંચતી નથી.
રૂબી કહે છે, “ફોન વિના એ જાણવાનો મારી પાસે કોઈ રસ્તો નથી.”
અમે ટ્રામની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે રૂબી મને એક ફોમ પ્રોજેક્ટાઇલ પ્લે સેન્ટરમાંની તેની પાર્ટ-ટાઈમ નોકરી વિશે વાત કરે છે.
રૂબી સપ્તાહમાં થોડા દિવસ કામ કરે છે, પરંતુ એ દિવસે તેની કોઈ શિફ્ટ છે કે કેમ અને તે કેટલી લાંબી હશે એ રૂબી જાણતી નથી.
રૂબી તેના શેડ્યુલ વિશે જાણવા ઇચ્છતી હોય તો તેના મૅનેજરને ફોન કરીને પૂછી શકે છે, પરંતુ ફોન કોલ કરતા પહેલાં એ થોડી નર્વસનેસ અનુભવે છે.
રૂબી કહે છે, “ઍપમાં મારા વારાની વિગત હોય છે, પરંતુ હવે મને તેની ખબર પડતી નથી. હું મૅનેજરને ક્યારેય ફોન કરતી નથી.”
રૂબી કાર્ડ વડે ટ્રામનું ભાડું ચૂકવે છે. રૂબી કાર્ડનો અગાઉ ભાગ્યે જ ઉપયોગ કરતી હતી. હવે તે ડિજિટલ વૉલેટ વડે ટ્રામનું ભાડું ચૂકવી શકતી નથી તેથી કાર્ડનો ઉપયોગ કરે છે અને અમે એક કલાકની સફર શરૂ કરીએ છીએ.
FOMO તકલીફ
કેટલાક ટીનેજર્સ માટે તેમના સ્માર્ટફોનનો ત્યાગ કરવાનું ખરેખર મુશ્કેલ હોય છે.
14 વર્ષના ચાર્લીએ માત્ર 27 કલાક પછી આ પ્રયોગ છોડી દીધો હતો અને તેની ડિવાઇસ પાછી માગી હતી.
ચાર્લી કહે છે, “મારો સ્માર્ટફોન એ જ બિલ્ડિંગમાં હતો એ હું જાણતો હતો.” જોકે, કોઈ તેના સંપર્કના પ્રયાસ કરી રહ્યું છે કે કેમ જાણવાનું અને કનેક્ટેડ નહીં રહી શકવાનું ચાર્લી માટે “ખરેખર તણાવપૂર્ણ હતું.”
પ્રયોગમાં સહભાગી ટીનેજર્સને વ્યથિત કરતી એક અન્ય બાબત તેમની સ્નેપસ્ટ્રીકનું સ્ટેટસ હતી. સ્નેપચેટ પર તેમણે કોઈની સાથે મૅસેજિસ ઍક્સચેન્જ કર્યા હોય તે દિવસોની ગણતરી સ્નેપસ્ટ્રીક કરે છે.
કેટલાક સહભાગીઓના કહેવા મુજબ, તેઓ ચેઈનમાં વિક્ષેપથી બહુ ચિંતિત છે. એ ચેઈનને ક્યારેક સતત 1,000 દિવસથી વધુ સમય સુધી લંબાવી શકાય છે. તેથી તેમણે ડિટોક્સના સમયગાળા દરમિયાન તેમની સ્નેપસ્ટ્રીક્સ જાળવા રાખવા તેમના એકાઉન્ટમાં લૉગ ઈન કરતા પોતાના દોસ્તોને કહ્યું હતું.
ચાર્લીની જેમ, પ્રયોગમાં ભાગ લેનારા અન્ય વિદ્યાર્થીઓ FOMOથી પીડિત હોવાનું સ્વીકારે છે, પરંતુ આ અનુભવ તેમાંથી કેટલો મુક્તિદાયક સાબિત થયો હતો એ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરે છે.
તેમના કહેવા મુજબ, કેટલાક સારી ઊંઘ લઈ રહ્યા છે, જ્યારે અન્યોને લાગે છે કે પોતાના સ્માર્ટફોન વિના તેઓ વધારે પ્રોડક્ટિવ બની રહ્યા છે.
15 વર્ષની ગ્રેસે કહ્યું હતું, “મને લાગે છે કે હું વસ્તુઓ શીખી રહી છું અને વધારે ઇન્વોલ્વ થઈ રહી છું. મને નથી લાગતું કે હું કશું ચૂકી રહી છું.”
ક્લાસ પછી તરત જ પ્રયોગના પ્રથમ દિવસે ગ્રેસ અને તેના દોસ્તો તેમના ઈંટના આકારના બેઝિક ફોનને સુશોભિત કરવા માટે પ્લાસ્ટિકની જ્વેલરી ખરીદવા ગયા હતા.
અમારી વાતચીત દરમિયાન એ ફોન દેખાડતાં ગ્રેસે મને જણાવ્યું હતું કે સ્માર્ટફોન વિશે વિચારવાને બદલે શૉપિંગ કરવાનું વધારે આકર્ષક હતું.
ગ્રેસ કહે છે, “ફોન ખરેખર શાંત હતો. મને બહુ આનંદ થયો, કારણ કે તે મારા સર્જનાત્મક પ્રવાહને ફરી સક્રિય કરે છે.”
“ઘરે પાછા ફર્યા પછી તરત જ મેં ડ્રોઈંગ અને પૅઈન્ટિંગ શરૂ કર્યું હતું. તે મને અગાઉ ગમતી વસ્તુઓને ફરીથી ગમાડવાનું શરૂ કરવામાં મદદરૂપ થયો.”
સર્વેક્ષણનું તારણ
સ્કૂલ ડે દરમિયાન વિદ્યાર્થીઓને ફોનનો ઉપયોગ કરતા અટકાવવા બ્રિટિશ સરકારે ફેબ્રુઆરીમાં નવી ગાઇડલાઇન્સ પ્રકાશિત કરી હતી.
તમામ પક્ષોના સંસદસભ્યોનું એક જૂથ તેનાથી આગળ વધ્યું હતું અને 16 વર્ષની વયના તમામ લોકો દ્વારા, માત્ર શાળામાં જ નહીં, પરંતુ સર્વત્ર સ્માર્ટફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો.
બીબીસી રેડિયો ફાઇવ અને બીબીસી બાઇટસાઇઝ દ્વારા હાથ ધરવામાં આવેલા 13થી 18 વર્ષની વયના 2,000 યુવાઓના સર્વેક્ષણમાં સહભાગીઓને તેમના માનસિક સ્વાસ્થ્ય અને સ્માર્ટફોનની આદતો સહિતના તેમના જીવનનાં વિવિધ પાસાં વિશે સવાલ કરવામાં આવ્યા હતા.
સર્વેશન નામની કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં નીચે મુજબની માહિતી મળી હતી.
- 16 વર્ષથી ઓછી વયના લોકો માટે સ્માર્ટફોનનો ઉપયોગ પ્રતિબંધિત હોવા બાબતે 23 ટકા લોકો સહમત છે.
- 35 ટકા લોકો માને છે કે 16 વર્ષથી ઓછી વયના લોકો માટે સોશિયલ નેટવર્ક્સ પ્રતિબંધિત હોવા જોઈએ.
- 50 ટકા લોકોએ જણાવ્યું હતું કે સાથે સ્માર્ટફોન ન હોય તો તેઓ ઉચાટ અનુભવે છે. ગયા વર્ષે આ પ્રમાણ થોડું વધારે, 56 ટકા હતું.
માત્ર આ ડિજિટલ ડિટોક્સ કાર્યક્રમમાં ભાગ લેવાને કારણે આ ટીનેજરો તેમના સમકાલીનો કરતાં અલગ વ્યક્તિ થઈ ગયા છે. બીબીસી પોલમાં આવરી લેવાયેલા 74 ટકા યુવાઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના સ્માર્ટફોનને બદલે એન્ટ્રી-લેવલ ડિવાઇસ વાપરવાનું વિચારશે નહીં.
પાંચ દિવસ પછી આ વિદ્યાર્થીઓની મુલાકાત તેમના સ્માર્ટફોન સાથે ફરી કરાવવાનો સમય આવ્યો હતો.
એક શિક્ષક વિદ્યાર્થીઓના સ્માર્ટફોન્સને કબાટમાંથી બહાર કાઢવા ગયા ત્યારે ઉત્તેજના વધી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ ઉત્તેજના સાથે ચીસો પાડી હતી.
પોતાની ડિવાઇસ ચાલુ કરતાંની સાથે જ ટીનેજર્સની આંખો જાણે કે સ્ક્રીન પર ચોંટી ગઈ હતી. તેમણે મૅસેજ સ્વાઇપ કર્યા હતા અને ગ્રૂપ ચેટ્સમાં અપડેટ્સ કરી હતી.
જોકે, આ ડિટોક્સ પ્રોગ્રામમાં સહભાગી થયેલા પૈકીના મોટા ભાગનાએ જણાવ્યું હતું કે તેઓ તેમના ફોન પર જેટલો સમય પસાર કરે છે તેને મર્યાદિત કરવાના વિકલ્પો શોધવા ઇચ્છે છે.
વિલે કબૂલ્યું હતું, “ડિટોક્સથી મને સમજાયું છે કે હું સોશિયલ મીડિયા પર કેટલો સમય બગાડું છું. મારે તેના પર કાપ મૂકવાની અને વધુ બહાર જવાની જરૂર છે. હું ટિક ટૉકનો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી તે તો નક્કી જ છે.”
એ મુશ્કેલ હોવાનું સ્વીકારતાં તે જણાવે છે કે ખાસ કરીને મ્યુઝિક સાંભળવાનું ચૂકી જવું મુશ્કેલ છે.
જોકે, સ્માર્ટફોનથી દૂર રહીને વિતાવેલા સમયે તેને સાયકલ ચલાવવાના તેના શોખ સાથે ફરીથી જોડાવાની તક આપી છે અને સ્ક્રીન સામે કલાકો ગાળવાને બદલે એ શોખને ચાલુ રાખવા તે કટિબદ્ધ છે.
એ કહે છે, “દિવસમાં આઠ કલાક ગાળવા એ તો ગાંડપણ છે.”