ફ્રાન્સ : 72 વર્ષીય જઝેલ પર બળાત્કારના 50 આરોપીઓએ કોર્ટમાં પોતાના બચાવમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, લૌરા ગોઝી
- પદ, બીબીસી ન્યૂઝ
આ લોકોમાં કોઈ યુવાન, કોઈ વૃદ્ધ, કોઈ એકદમ કદાવર, તો કોઈ સાવ પાતળો છે. તેમાંથી કોઈ અગ્નિશમનદળના કર્મચારી છે, કોઈ ટ્રકચાલક છે, કોઈ સૈનિક છે અને કોઈ સિક્યૉરિટી ગાર્ડ પણ છે. આ 50 લોકોમાં એક પત્રકાર અને એક ડીજે પણ છે.
આ 50 લોકો પર જઝેલ પેલિકોટ પર બળાત્કાર ગુજારવાનો આરોપ છે.
જઝેલના પતિ ડૉમિનિક (72) પર આરોપ છે કે તેઓ જ પોતાની પત્ની પર રેપ કરાવડાવતા હતા.
ડૉમિનિક પર આરોપ છે તેઓ પોતાની જ પત્નીને દાયકાઓ સુધી ઊંઘની દવા પિવડાવી નશો કરાવતા રહ્યા.
હકીકતમાં ફ્રેન્ચ સમાજની સૂક્ષ્મતાનું આ તમામ લોકો પ્રતિનિધિત્વ કરે છે અને એટલા માટે જ તેમને Mr. Everyman તરીકે ઓળખવામાં આવે છે.
સપ્ટેમ્બરમાં શરૂ થયેલી આ સુનાવણીનો અંત આવતા અઠવાડિયે થશે જેમાં આ બધાને સજા અપાઈ શકે છે. જો તેઓ દોષી પુરવાર થાય તો એ તેમને સામૂહિક રીતે 600 વર્ષની જેલ થઈ શકે છે.
તેમાંથી અમુક લોકો નીડર દેખાયા, પરંતુ મોટા ભાગના લોકોએ જજોના પ્રશ્નોના જવાબ આપતી વખતે માથું નમાવેલું હતું. કોર્ટમાં ઘણી વાર આ લોકો પોતાના વકીલો સામે આશા સાથે જોતા દેખાયા.
ચેતવણી: આ સમાચારની કેટલીક માહિતી તમને વિચલિત કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમામ 50 લોકો પેલિકોટના ગામ મઝૅનની આસપાસના 50 કિલોમીટર વિસ્તારના જ રહેવાસી છે. બચાવપક્ષના કેટલાક વકીલો આરોપીઓના સામાન્યપણાને (તેમના બૅકગ્રાઉન્ડને) જ તેમના બચાવ માટેની મહત્ત્વપૂર્ણ દલીલ માની રહ્યા છે.
જોકે, બચાવપક્ષના વકીલ એન્ટની મિનિઍરે જણાવ્યું હતું કે, "સામાન્ય માણસો જ અસામાન્ય કામ કરે છે."
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે,"કોઈ પણ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં પહોંચી શકે છે. કદાચ બિલકુલ આવી જ નહીં - પરંતુ કોઈ પણ વ્યક્તિ ગભીર ગુનો આચરી શકે છે."
"મારા શરીરે બળાત્કાર ગુજાર્યો, પણ મારા મને નહીં"

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રૉસિક્યૂટરોએ કોર્ટ સમક્ષ સજાની માગણીનો આધાર ગંભીર પરિબળોને બનાવ્યાં. જેમ કે કયા આરોપીઓ કેટલી વાર પેલિકોટના ઘરે આવ્યા હતા, કેટલી વાર તેમણે જઝેલને કામુક રીતે સ્પર્શ કર્યો હતો અને તેમની સાથે સંભોગ કર્યો હતો કે નહીં, તેની પણ માહિતી પણ રજૂ કરી છે.
સ્પૉર્ટ્સના નિવૃત્ત કોચ અને 69 વર્ષના વૃદ્ધ જોસેફ સી. પણ આ કેસમાં આરોપી છે. જો તેઓ દોષી સાબિત થશે તો યૌન શોષણના કેસમાં તેમને ચાર વર્ષની સજા થશે. ફરિયાદી પક્ષ જે ઓછામાં ઓછી સજા માગશે, એ પણ એટલી જ હશે.
જ્યારે બીજી તરફ 63 વર્ષીય રોમૈન વી. ને 18 વર્ષની સજા મળી શકે છે. તેમને જાણ હતી કે તેઓ એચઆઇવીથી સંક્રમિત છે, તેમ છતાં તેમણે પ્રોટેક્શન વગર અલગ-અલગ સમયે છ વાર જઝેલ પેલિકોટ પર બળાત્કાર ગુજાર્યો હતો તેવો આરોપ છે.
જોકે, તેમના વકીલે કોર્ટમાં કહ્યું છે કે ઘણાં વર્ષોથી રોમૈન એચઆઇવીનો ઇલાજ કરાવી રહ્યા હતા અને તેમનાથી વાઇરસનું સંક્રમણ થયું નથી.
કોઈ પણ બળાત્કાર કેસમાં સ્વાભાવિક રીતે આટલી ઝીણવટવાળી માહિતી એકઠી કરવી આસાન હોતી નથી, એવામાં સવાલ એ થાય કે ફરિયાદી પક્ષ પાસે આટલા મજબૂત પુરાવા કેવી રીતે છે?
તેનું કારણ એ છે કે તેમના પતિ ડૉમિનિક પર પણ આરોપ છે કે તેઓ એક દાયકાથી આ અત્યાચારની ફિલ્મ પણ બનાવતા હતા.
ડૉમિનિકે તેમના પર લાગેલા બધા આરોપો સ્વીકારી લીધા છે અને કોર્ટમાં એમ પણ સ્વીકાર્યું છે તેમની સાથેના તમામ 50 આરોપીઓ પણ દોષી છે.
વીડિયોના દરેક પુરાવાને કારણે કોઈ પણ પુરુષ પેલિકોટના ઘરે ગયા ન હોવાની વાત કરી શકશે નહીં. પણ મોટા ભાગના આરોપીઓ તેમના પર લગાવાયેલા ક્રૂર બળાત્કારના આરોપો વિરુદ્ધ દલીલ કરી રહ્યા છે, જેમાં આકરી સજાની જોગવાઈ છે.
ફ્રાન્સના બળાત્કાર સામેના કાયદા પ્રમાણે એ તમામ પ્રવૃત્તિઓ બળાત્કાર ગણાય છે, જેમાં હિંસા, બળજબરી, ધમકી કે અચાનક હુમલો સામેલ હોય. તેમાં વ્યક્તિની સહમતિનો કોઈ ઉલ્લેખ નથી.
એટલે એ દલીલ તેઓ કરી શકતા હતા કે તેમને બળાત્કારના આરોપમાં દોષી ન ઠેરવી શકાય, કારણ કે તેઓ એ વાતથી અજાણ હતા કે જઝેલ એવી હાલતમાં ન હતાં કે તેઓ પોતાની સહમતિ આપી શકે.
બચાવપક્ષના એક વકીલે કહ્યું, "ગુનો આચરવાના હેતુ વગર ગુનો થઈ શકે નહીં. "
અગ્નિશમનદળના એક કર્મચારી ક્રિશ્ચિયન એલ.એ જણાવ્યું હતું કે "મારા શરીરે બળાત્કાર કર્યો હશે, પણ મારા મને નથી કર્યો."
'ડૉમિનિકે ઊંઘા રવાડે ચડાવ્યો'

ઇમેજ સ્રોત, Getty Images
50 વર્ષના જ્યૉ પીઆ એ જઝેલ સાથે બળાત્કારના આરોપી નથી, પરંતુ તેઓ ડૉમિનિકના વફાદાર રહ્યા છે.
તેમણે જ દવાનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવ્યું હતું. પછી તેમને ખબર પડી કે કઈ રીતે આ દવાનો ઉપયોગ યૌન હુમલામાં કરવામાં આવ્યો. તેમણે આવું પાંચ વર્ષ સુધી કર્યું અને તેનો સ્વીકાર પણ કર્યો છે.
તેઓ પોતાના અપરાધ માટે ડૉમિનિક સાથેની મુલાકાતને જવાબદાર માને છે. ફરિયાદી પક્ષે તેમના માટે પણ 17 વર્ષની કેદની સજાની માગણી કરી છે.
54 વર્ષીય પ્લંબર અહેમદ ટી. નાં લગ્ન બાળપણની પ્રેમિકા સાથે 30 વર્ષ પહેલાં થયેલાં છે. તેમણે એવી દલીલ કરી હતી કે જો તેમણે બળાત્કાર કરવો હોત, તો તેઓ 60 વટાવી ચૂકેલી મહિલાની પસંદગી ન કરત.
40 વર્ષના રેડૌઉને એ બેરોજગાર છે. તેમનું કહેવું છે કે જો તેઓ જઝેલ સાથે બળાત્કાર કરત તો તેમના પતિને વીડિયો ઉતારવા ન દેત.
અમુક લોકો કહે છે કે ડૉમિનિક તેમને આ કામ કરવા ધમકાવતો હતો. એક વકીલે બીબીસીને જણાવ્યું હતું કે, "ડૉમિનિક ખરાબ આચરણવાળી વ્યક્તિ છે."

ઇમેજ સ્રોત, Reuters
નર્સ તરીકે કામ કરતા પુરુષ નર્સ રેડૌઉન એ રડતાં રડતાં કોર્ટને જણાવ્યું હતું કે, "એ ડૉમિનિકથી એટલો ડરેલો હતો કે ઓરડો છોડીને જઈ શકતો ન હતો. તમને વીડિયોમાં એ નહીં દેખાય, પણ હું ખરેખર ભયભીત હતો.'
જોકે, અન્ય લોકોએ એવો દાવો પણ કર્યો હતો કે તેમને એવો દારૂ પીરસવામાં આવ્યો કે જેમાં ડ્રગ્સ ભેળવવામાં આવ્યું હતું. એટલે તેમને કંઈ યાદ નથી, પણ ડૉમિનિક પેલિકોટે આવું કશું પણ કર્યું હોવાની વાત નકારી દીધી હતી."
મોટા ભાગના આરોપીઓએ જણાવ્યું હતું કે ડૉમિનિકે તેમને જણાવ્યું હતું આ બંને વ્યક્તિઓ વચ્ચે સહમતિની સેક્સ ગેમ છે.
જોસેફ સી. ના વકીલ ક્રિસ્ટોફ બુસ્ચીએ કહ્યું હતું કે, સૌને એવી સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા કે છેતરપિંડી તો થવાની જ હતી.
પરંતુ ડૉમિનિકનું પહેલેથી જ કહેવું છે કે તેમણે તમામ લોકોને પહેલેથી જ ફોડ પાડીને કહ્યું હતું કે તેની પત્નીને આ ગોઠવણ વિશે કંઈ ખબર નથી.
ડૉમિનિક તેમને સૂચના આપતા હતા કે તેઓ એવું કંઈ ન કરે કે જેનાથી તેમની પત્નીની ઊંઘ ઊડી જાય અને કોઈ નિશાન પણ ન છોડે. જેમ કે પત્નીને અડકતાં પહેલાં હાથ ગરમ કરવા, પર્ફ્યુમની સુગંધ કે પછી સિગારેટની વાસ ન છોડવી વગેરે.
"તેઓ બધું જાણતા હતા, તેઓ નકારી શકે નહીં."
પરિવારો જવાબ શોધી રહ્યા છે

એવિનોની કોર્ટમાં સપ્ટેમ્બરથી માંડીને અત્યાર સુધી 50 આરોપી રજૂ થયા. સામાન્યપણે રેપ કેસની તપાસમાં ઘણા દિવસો લાગી જાય છે. પરંતુ આ કેસમાં બધું સ્પષ્ટ હતું.
43 વર્ષીય સિમોન એમ કન્સ્ટ્રક્શન વર્કર છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમની સાથે રેપ થયો હતો. રેપ કરનાર વ્યક્તિ પારિવારિક મિત્ર હતી. જ્યોં-લુસ 46 વર્ષના છે અને ચાર બાળકોના પિતા છે.
તેમણે કોર્ટમાં કહ્યું કે ફ્રાન્સ આવતાં પહેલાં જ્યારે તેઓ પોતાના બાળપણમાં થાઇલૅન્ડમાં એક શરણાર્થી કૅમ્પમાં રહી રહ્યા હતા, ત્યારે તેમને વિયેતનામમાં એક હોડીમાં છોડી દેવાયા હતા.
39 વર્ષના ફેબિઇનને પહેલાં પણ ઘણા મામલામાં દોષિત ઠેરવાયા છે. તેમને ડ્રગની હેરફેર અને એક સગીર સાથે યૌન ઉત્પીડનના મામલામાં દોષિત ઠેરવાયા હતા.
ફેબિઇને જણાવ્યું કે તેમની બાળપણમાં ખૂબ સતામણી થઈ હતી. તેમનાં માતાપિતા નહોતાં.
અન્યોની માફક આમનેય પોતાના બાળપણના ઉત્પીડનની તમામ વાતો ત્યારે યાદ આવી જ્યારે કોર્ટે તેમને મનોરોગ ચિકિત્સક પાસે જવાનું કહ્યું.
તેમનું કહેવું હતું કે તેમના ઉછેરે રેપ જેવા ગુનામાં સામેલ થવામાં મદદ કરી.
આ આરોપીઓની પત્નીઓ, પાર્ટનરો અને પરિવારના સભ્યોને બોલાવીને તેમના આચરણ અંગે નિવેદન રેકૉર્ડ કરવા કહેવાયું હતું.
તેમને નિવેદન નોંધાવવામાં ખૂબ મુશ્કેલી પડી, કારણ કે તેઓ એ વાતને લઈને પોતે આશ્ચર્યચકિત હતા કે તેમના જીવનમાં કેવા લોકો હતા.
ક્રિસ્ચન એના પિતાએ કહ્યું, "હું આશ્ચર્યચકિત છું. મને ક્યારેય એ વાતનો અહેસાસ ન થયો કે આ આવો છે. એ તો મારા જીવનની ખુશી હતો."
અગ્નિશામકનું બાળપણ કેવું હતું, એ વાતની પણ તપાસ થઈ રહી છે. તેમના પિતાએ કહ્યું, "કંઈક તો જરૂર થયું હશે. કદાચ એ અવસાદગ્રસ્ત હશે. હું હંમેશાં તેની પડખે ઊભો રહીશ."
'હું હંમેશાં એની સાથે ઊભો રહીશ.'
54 વર્ષના થિએરી પા બિલ્ડર છે. તેમનાં પૂર્વ પત્ની ક્રોનીનું કહેવું હતું કે થિએરીએ તેમની અને બાળકોની સાથે હંમેશાં સન્માનજનક વર્તન કર્યું અને લાગે છે કે તેઓ થિએરીને માફ કરવા તૈયાર છે.
ક્રોનીએ કહ્યું, "તેમણે જ્યારે મને કહ્યું કે એ તેમના પર કયા ગુનાનો આરોપ છે તો મારો જવાબ હતો, ના, આ અશક્ય છે... મને એ વાતની ખબર નથી પડી રહી કે એ અહીં કેવી રીતે પહોંચી ગયો."
ક્રોનીનું માનવું છે કે તેમના 18 વર્ષીય દીકરાના મૃત્યુના કારણે તેમના પૂર્વ પતિ ઊંડા ડિપ્રેશનનો શિકાર થયા છે. તેઓ દારૂ પીવા લાગ્યા હતા અને અંતે તેઓ ડૉમિનિકના સંપર્કમાં આવી ગયા.
ગુયાનામાં જન્મેલા 27 વર્ષીય જૉન આ મામલામાં સૌથી નાની ઉંમરના આરોપી છે અને ફ્રાન્સના સૈન્યમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમનાં પૂર્વ ગર્લફ્રેન્ડે કહ્યું કે, "ભલે ગમે એ થાય, હું હંમેશાં એની પડખે ઊભી રહીશ."
જૉન કેએ જઝેલ સાથે રેપ કર્યાના આરોપનો ઇનકાર કર્યો છે. તેઓ એ વાત તો જાણતા હતા કે જઝેલ હોશમાં નહોતાં, પરંતુ જૉનનો દાવો છે કે તેમને એ વાતનો અહેસાસ નહોતો કે આમાં જઝેલની સહમતી નહોતી.
સમીરા નામનાં એક મહિલા રડતાં રડતાં કહ્યું કે તેઓ પાછલાં સાડા ત્રણ વર્ષથી એવું વિચારતાં રહ્યાં કે જેરોમ વી આખરે છ વખત પેલિકોટના ઘરે કેમ ગયા.
તેઓ ડૂસકાં ભરતાં ભરતાં કહે છે કે, "અમે રોજ સેક્સ કરતાં, પણ મને એ વાત નથી સમજાતી કે આ છતાં તેમણે બીજે ક્યાંય કેમ જવું પડતું." તેઓ હજુ જેરોમ વી સાથે સંબંધ ધરાવે છે અને જેરોમની ધરપકડ દરમિયાન તેઓ ગ્રીનગ્રોસરમાં કામ કરી રહ્યાં હતાં.
જેરોમ વી એ એવા આરોપીઓ પૈકી એક છે, જેમણે જઝેલ સાથે રેપ કર્યાના આરોપો સ્વીકારી લીધા છે.
જઝેલ પેલિકોટે કહ્યું, "તેમણે જાગૃત અવસ્થામાં બળાત્કાર ગુજાર્યો"
જઝેલ પ્રમાણે તેઓ હોશમાં હતાં એ દરમિયાન આરોપીઓએ તેમની સાથે રેપ કર્યો.
પ્રૉસિક્યૂટરોએ આરોપીઓના વર્તમાન અને ભૂતપૂર્વ પાર્ટનરોનાં પણ ટેસ્ટ કરાવ્યા છે, જેથી જાણી શકાય કે ક્યાંક તેમને પણ જઝેલની માફક ડ્રગ્સ તો નહોતું અપાયું.
એક મહિલાએ કહ્યું કે તેમને "હંમેશાં એ વાતની શંકા" રહેશે કે જે "સન્માનનીય, વિચારશીલ અને મધુર વ્યક્તિત્વના માણસ"ને તેઓ ઓળખતાં, ક્યાંક તેમણે તેમની સાથે પણ તેમની જાણ બહાર તેમનું શોષણ તો નથી કર્યું.
મામલાની સુનાવણી શરૂઆત થઈ ત્યારેથી એ જાણવાની કોશિશ કરાઈ કે આ તમામ આરોપીઓને જોડતી એક સામાન્ય બાબત શું હતી.
જઝેલના વકીલે કહ્યું, "ઘણા પ્રયત્નો બાદ પણ એ વાતની ખબર નથી પડી શકી કે શું આ તમામ લોકો પોતાની મરજીથી પેલિકોટ પાસે ગયા હતા કે કેમ."
પરંતુ એક વાત જે આ તમામ પર સમાનપણે લાગુ પડે છે, એ એ છે કે આ બધા જાણીજોઈને એવો નિર્ણય કર્યો કે તેઓ પોલીસ પાસે નહીં જાય.
અગ્નિશામક જેક્સ સીએ કહ્યું કે તેમણે આ વિશે વિચાર્યું હતું, પરંતુ બાદમાં જીવન આગળ વધતું ગયું. તેમજ 55 વર્ષીય પેટ્રિસ એને કહ્યું કે તેઓ, "પોતાનો આખો દિવસ પોલીસ સ્ટેશનમાં વેડફવા માગતા નહોતા."
સુનાવણીના શરૂઆતના દિવસોમાં જઝેલ પેલિકોટને એ વાત પુછાઈ હતી કે શું એવું વિચારવું કાયદાકીય દૃષ્ટિએ યોગ્ય છે કે આ આરોપીઓને તેમના પતિએ પ્રભાવિત કર્યા હતા?
તેમણે હકારમાં માથું હલાવ્યું, "તેમણે બંદૂકની અણિએ મારી સાથે રેપ નહોતો કર્યો. તેમણે જાગૃત અવસ્થામાં મારી સાથે આવું કર્યું છે."
જઝેલે ઊલટાનું સામો પ્રશ્ન કર્યો, "તેઓ પોલીસ પાસે કેમ ન ગયા? પોલીસ પાસે પહોંચેલ એક અજાણ કૉલ પણ મને બચાવી શક્યો હોત."
થોડી વાર મૌન ધારણ કર્યા બાદ તેમણે કહ્યું, "પરંતુ કોઈએ એવું ન કર્યું... એ લોકો પૈકી એકેય નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












