રખડતાં કૂતરાંની વધતી વસ્તીને કાબૂમાં લેવા શું કરવું જોઈએ?

    • લેેખક, ઓનર અરેમ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

રખડતાં કૂતરાં, તેમની સંખ્યા, તેમને લીધે સર્જાતી સમસ્યાઓ અને તેનો ઉકેલ એ છેલ્લા કેટલાક દાયકાઓથી વિશ્વભરમાં ચિંતા તથા ચર્ચાનો વિષય છે.

આ સમસ્યાઓ સંદર્ભે ક્યાં પગલાં યોગ્ય છે, ક્યા દેશો તેમાં સફળ થયા છે અને વિશ્વભરમાં વર્તમાન ટ્રૅન્ડ શું છે તેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

હડકવા એ વિશ્વવ્યાપી ખતરો છે. આ રોગને કારણે દર વર્ષે લગભગ 60,000 લોકો મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, એ પૈકીના 99 ટકા કેસ કૂતરાં કરડવાંના અથવા નાખોરિયા ભરવાના હોય છે.

કૂતરો કરડ્યા પછી હડકવાથી બચવા માટે રસી ઉપલબ્ધ છે, પરંતુ કૂતરો કોઈ વ્યક્તિને ચહેરા કે મજ્જાતંતુની નજીક કરડ્યો હોય તો હડકવાની રસી કાયમ અસરકારક સાબિત થતી નથી.

ચાર વર્ષનો નિર્મલ અરક્કોનમ શહેરમાં જુલાઈમાં તેના ઘરની બહાર રમતો હતો. એ વખતે રખડતાં કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો. કૂતરાંએ નાના છોકરાનું મોં કરડી ખાધું તેની થોડી ક્ષણો પહેલાં જ છોકરાના પિતા ઘરમાં ગયા હતા.

નિર્મલના પિતા બાલાજીએ સ્થાનિક મીડિયાને કહ્યું હતું, “હું માત્ર પાણી પીવા ઘરમાં ગયો હતો. પાછો આવ્યો ત્યારે નિર્મલના ચહેરા પર ઈજાઓ હતી. ખૂબ જ લોહી વહી રહ્યું હતું.”

નિર્મલને તેના ઘર નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યાં તેને 15 દિવસ સુધી ઇન્ટૅન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવ્યો હતો.

એ પછી નિર્મલની તબિયત સ્થિર થઈ હતી. તેને સારું લાગવા લાગ્યું હતું. તેથી તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ ઘરે આવ્યા પછી તરત જ તેનામાં હડકવાનાં લક્ષણો દેખાવાં લાગ્યાં હતાં.

નિર્મલના પરિવારજનો તેને તાત્કાલિક હૉસ્પિટલે લઈ ગયા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હડકવાના વાયરસનો ચેપ નિર્મલની નર્વસ સિસ્ટમમાં લાગ્યો છે. બે જ દિવસમાં નિર્મલ મૃત્યુ પામ્યો હતો.

વડીલો ગુસ્સે થશે, એવા ડરથી ઘણીવાર બાળકો તેમને કૂતરો કરડ્યો છે એવું કહેતાં નથી અને એ કારણે તેમને હડકવા વિરોધી રસી સમયસર આપી શકાતી નથી રસી આપવામાં આવે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે.

1994થી 2015 દરમિયાન મુંબઈમાં 13 લાખ લોકોને કૂતરાં કરડ્યાં હતાં. એ પૈકીના 434 લોકો હડકવાને કારણે મૃત્યુ પામ્યાં હતાં. રખડતાં કૂતરાંઓના જોખમમાં માત્ર હુમલો કરવો અને કરડવું જ નથી.

ઇન્ટરનેશનલ કમ્પેનિયન ઍનિમલ મૅનેજમેન્ટ કૉએલિશન (આઈસીએએમ) નામની એક વૈશ્વિક સખાવતી સંસ્થાના જણાવ્યા અનુસાર, રખડતાં કૂતરાંઓની અનિયંત્રિત સંખ્યા અન્ય નોંધપાત્ર જોખમો પણ સર્જે છે.

તેમાં માર્ગ અકસ્માતો, પશુધન માટે જોખમ અને રખડતાં કૂતરાંઓને કારણે રસ્તા પર ચાલવાનો ડર લાગવો એ પણ જોખમ જ છે.

તુર્કીમાં નવો વિવાદાસ્પદ ઉપાય

તુર્કીમાં રખડતાં કૂતરાંઓની સમસ્યા વકરી રહી છે. તુર્કીના વેટરનરી ઍસોસિયેશનના જણાવ્યા મુજબ, ત્યાં 6.5 કરોડ રખડતાં કૂતરાં છે.

તુર્કીના સેફ સ્ટ્રીટ્સ ઍસોસિયેશનના જણાવ્યા અનુસાર, તુર્કીમાં રખડતાં કૂતરાંઓને કારણે છેલ્લાં બે વર્ષમાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે. એ મૃત્યુ કાં તો કૂતરાં કરડવાંને કારણે અથવા તો રખડતાં કૂતરાં દ્વારા થતા માર્ગ અકસ્માતને લીધે થયાં છે.

તુર્કીની સરકારે આ વર્ષે જુલાઈના અંતમાં એક નવો કાયદો બનાવ્યો હતો. તે કાયદાને લીધે દેશની તમામ નગરપાલિકાઓએ આગામી ચાર વર્ષમાં તમામ રખડતાં કૂતરાંઓને પકડીને વિશેષ આશ્રયસ્થાનોમાં લઈ જવા પડશે.

કાયદાના અમલમાં નિષ્ફળ રહેનાર મેયરને જેલની સજા થઈ શકે છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ આર્દોઆને નવા ખરડાનો મુસદ્દો સંસદમાં મોકલ્યાના એક દિવસ પછી કહ્યું હતું, “રખડતાં કૂતરાંઓ બાળકો, વૃદ્ધો અને અન્ય પ્રાણીઓ પર હુમલા કરે છે. તેઓ માર્ગ અકસ્માતોનું કારણ પણ બને છે.”

રખડતાં કૂતરાંઓને પકડવાં, તેમનું રસીકરણ કરવું, તેમની નસબંધી કરવી અને જ્યાંથી એ કૂતરાઓને પકડ્યાં હતાં તે શેરીઓમાં તેમને ફરી છોડી મૂકવાનું મહાનગરપાલિકાઓ માટે 2004થી કાયદેસર રીતે જરૂરી છે.

આ પદ્ધતિને સીએનવીઆર એટલે કે કલેક્ટ, ન્યૂટર, વૅક્સિનેટ, રિટર્ન કહેવામાં આવે છે. ઘણા નિષ્ણાતોના મતે રખડતાં કૂતરાંઓની સમસ્યા પર નિયંત્રણ માટે આ શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ તુર્કીના રાષ્ટ્રપતિનું કહેવું છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

તેનું કારણ એ છે કે આ પદ્ધતિને અસરકારક બનાવવા માટે રખડતાં કૂતરાંઓ પૈકીના 70 ટકાની નસબંધી કરવી જરૂરી છે, એમ ટર્કિશ વેટરનરી મેડિકલ સોસાયટીના ડો, ગુલે એતુર્ક માને છે.

નવા કાયદા અનુસાર, રખડતાં કૂતરાંઓની નસબંધી તથા રસીકરણ કરવામાં આવશે, પરંતુ એ પછી તેમને ફરીથી શેરીઓમાં છોડવામાં આવશે નહીં. તેમને ખાસ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવશે. (જો આ શ્વાનને પાળતુ પ્રાણી તરીકે રાખવામાં ન આવે અથવા તે મૃત્યુ પામે તો)

ફેડરેશન ઑફ પ્રોટેક્ટિંગ ઍનિમલ્સે ચેતવણી આપી છે કે આ સિસ્ટમ ખૂબ જ ખર્ચાળ હશે. એ ઉપરાંત ખુલ્લાં આશ્રયસ્થાનોમાંના મજબૂત શ્વાન અન્ય નબળાં કૂતરાંને તેમનો ખોરાક ખાતાં અટકાવી શકે છે અને ઝડપથી રોગ ફેલાવી શકે છે.

આઈસીએએમના ડિરેક્ટર ડૉ. એલી હિબીના કહેવા મુજબ, “તે નિષ્ફળ થવાની સંભવતઃ ખર્ચાળ રીત છે.” તેઓ એવું પણ માને છે કે આ સિસ્ટમના અમલથી કૂતરાંઓ માટેનાં આશ્રયસ્થાનો તરત જ ભરાઈ જશે.

તુર્કી અને અન્ય દેશોમાં નવા કાયદા વિરુદ્ધ જોરદાર પ્રદર્શનો થઈ રહ્યાં છે.

આ સંબંધે ટિપ્પણી માટે અમે તુર્કીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જોકે, આ લેખ પ્રકાશિત થયો ત્યાં સુધી તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

રખડતાં કૂતરાંના નિયંત્રણની સર્વશ્રેષ્ઠ રીત કઈ?

આઈસીએએમના ડૉ. હિબી જણાવે છે કે જીવનની શરૂઆતમાં જ રખડતાં કૂતરાંઓની નસબંધી કરવી એ તેમની સંખ્યા ઘટાડવાં અથવા નિયંત્રિત કરવાં માટે મહત્ત્વપૂર્ણ છે.

તેથી રખડતાં કૂતરાંઓ પ્રજનન કરી શકશે નહીં. પાલતુ કૂતરો ખોવાઈ જશે તો પણ પ્રજનન કરી શકશે નહીં અને રખડતાં કૂતરાંઓની સંખ્યામાં વધારો કરશે નહીં.

તેઓ કહે છે, “રખડતાં કૂતરાંઓને શેરીઓમાંથી ઉઠાવી જવાથી તેમની આગામી પેઢીના મૂળ સવાલોના જવાબ મળ્યા વિના સમસ્યા હલ થશે નહીં.”

રખડતાં કૂતરાં પ્રજનન કરતાં રહે છે. એક રખડતો કૂતરો 20 જેટલાં ગલુડિયાંને જન્મ આપી શકે છે. તેથી તેમાંથી કેટલાંક રખડતાં કૂતરાંઓને શેરીઓમાંથી લઈ જવાથી (મારીને કે અભયારણ્યમાં છોડી દેવાથી) લાંબા ગાળે તેમની સંખ્યા ઘટશે નહીં, એવું તેઓ ઉમેરે છે.

રખડતાં કૂતરાંઓને મારી નાખવાં (કેટલીકવાર જાહેરમાં મારી નાખવા અથવા ખાસ આશ્રયસ્થાનોમાં મરવા માટે છોડી દેવા) તેને ઘણા લોકો ક્રૂરતા ગણે છે. કમસે કમ પ્રાણી અધિકાર કાર્યકરો તો એવું માને જ છે.

કૂતરાંઓને શેરીઓમાં ગોળી વડે ઠાર મારવામાં આવતા કે ઝેર આપતા જુએ છે એ લોકો માટે પણ તે ત્રાસદાયક અને દુઃખદાયક હોઈ શકે છે.

ડેબી વિલ્સન મનોચિકિત્સક અને માનસિક આરોગ્ય પરિચારિકા છે. તેમણે ‘નાનાં બાળકોના અધિકારનું સમર્થન કરવું તે પ્રાણીના હક્કના સમર્થન સમાન છે’ વિષયમાં ઇંગ્લૅન્ડની હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.

પ્રાણીઓ સાથેના વ્યવહાર અને બાળકોના ઉછેર અંગે તેમણે મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો છે.

તેઓ જણાવે છે કે પ્રાણીઓને ક્રૂરતાના સંદર્ભમાં જોવાથી બાળકોમાં સહાનુભૂતિ અને કરુણાની લાગણી ઓછી થાય છે. એ ઉપરાંત બાળકો મોટાં થાય છે ત્યારે તેઓ પ્રાણીઓ અને અન્ય લોકો પ્રત્યે પણ ક્રૂર થાય તેવી શક્યતા વધુ હોય છે.

યુનાઇટેડ નેશન્શ કન્વેન્શન ઑન ધ રાઇટ્સ ઑફ ચાઇલ્ડ જણાવે છે કે પ્રાણીઓ પર કરવામાં આવતી હિંસાથી બાળકોને દૂર રાખવાં જોઈએ. બાળકોને આ પ્રકારની ઘટના દેખાડવી ન જોઈએ.

મુદ્દાનો સવાલ એ છે કે રખડતાં કૂતરાંઓને નિયંત્રિત કરવામાં વૈશ્વિક સફળતા મળે તે માટે તેમની સંખ્યાને નિયંત્રિત કેવી રીતે કરવી અથવા ઘટાડવી?

બોસ્નિયા-હર્ઝેગોવિના અને થાઇલૅન્ડ. આ દેશોએ સીએનવીઆર પદ્ધતિનો ઉપયોગ તાજેતરમાં કરીને રખડતાં કૂતરાંઓની સંખ્યા ઘટાડવામાં સફળતા મેળવી છે.

ડૉગ્સ ટ્રસ્ટ વર્લ્ડવાઇડ ફાઉન્ડેશન, બોસ્નિયાના જણાવ્યા અનુસાર, તેમણે બોસ્નિયાના પાટનગર સારાજેવોમાં સીએનવીઆર પદ્ધતિ વડે 85 ટકા ઘટાડો કર્યો છે. આ સફળતા 2012થી 2023ના સમયગાળા દરમિયાન મળી છે.

રાજધાની ઉપરાંત સારાજેવો કેન્ટનમાં રખડતાં કૂતરાંઓની સંખ્યામાં 70 ટકા ઘટાડો થયો છે.

રખડતાં કૂતરાંઓની વસ્તીને અંકુશમાં લેવા માટે વેટરનરી વિભાગની કામગીરી મહત્ત્વની છે.

રખડતાં કૂતરાંઓની સંખ્યા ઘટાડવા માટે તેમની નસબંધીનો દર 70 ટકાથી વધુ હોવો જોઈએ. બોસ્નિયાએ નસબંધીના આ સ્તર સુધી પહોંચવા માટે વધારે પશુચિકિત્સકોને તાલીમ આપવી પડી હતી.

ડૉગ્સ ટ્રસ્ટ નામની એક સખાવતી સંસ્થાએ પણ કૂતરાંઓની નસબંધીના ફાયદાઓ વિશે શ્વાનમાલિકોમાં જાગૃતિ લાવવા માટે વિશાળ ઝૂંબેશ શરૂ કરી છે.

દેશમાં વેટરનરી હૉસ્પિટલો અથવા પશુદવાખાનાની સંખ્યા બમણાથી વધુ કરવામાં આવી હતી, જેથી પાળેલાં અને રખડતાં કૂતરાંઓને વધુ સારી તબીબી સેવાઓ આપી શકાય.

સારાજેવોમાં આ કાર્યક્રમના સફળ અમલીકરણ પછી 2015માં આ યોજનાને બાકીને કેન્ટન્સમાં વિસ્તારવામાં આવી હતી.

સોઈ ડૉગ ફાઉન્ડેશને ગયા વર્ષે થાઈલૅન્ડમાં ઐતિહાસિક સફળતા મેળવી હતી. તે છેલ્લાં 20 વર્ષમાં 10 લાખ રખડતાં કૂતરાંઓ અથવા પ્રાણીઓની નસબંધી તેમજ રસીકરણ કરનાર ઇતિહાસની પ્રથમ સંસ્થા બની છે.

માત્ર થાઈલૅન્ડની રાજધાની બૅંગ્કૉકમાં જ પાંચ લાખથી વધુ રખડતાં કૂતરાંઓને પકડવાંમાં આવ્યાં હતાં.

આ લાંબી પ્રક્રિયાનો પ્રારંભ 2003માં ફૂકેત ટાપુ પર ખૂબ નાના પાયે કરવામાં આવ્યો હતો.

સોઈ ડૉગ ફાઉન્ડેશનમાં પ્રાણી કલ્યાણ વિભાગના ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે કાર્યરત ડૉ. ઍલિક્સા આઇઝીકોક્વિર્ઝક કહે છે, “તેની શરૂઆત સમાજમાં વિશ્વાસના નિર્માણથી થાય છે.”

તેઓ ફૂકેતમાં રખડતાં કૂતરાંઓની સંખ્યા 80,000થી ઘટાડીને છ હજાર કરવામાં સફળ થયાં છે. એ સફળતા બાદ તેમણે આ પદ્ધતિનો અમલ બૅંગ્કૉકમાં કર્યો હતો. બૅંગ્કૉક શહેરમાં પણ રખડતાં કૂતરાંઓની સંખ્યા વધારે હતી.

જોકે, રસ્તો સરળ ન હતો. આ પ્રોજેક્ટના અમલીકરણમાં અનેક અડચણ આવી હતી.

થાઇલૅન્ડની સરકારે લગભગ પાંચ વર્ષ પહેલાં એક યોજના શરૂ કરી હતી. તે યોજના અનુસાર, દરેક રખડતાં કૂતરાંને તેમના માટેના ખાસ આશ્રયસ્થાનમાં શિફ્ટ કરવાના હતાં. એ યોજના તુર્કીની નવી નીતિ જેવી જ હતી.

આ યોજના વ્યવહારુ ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને તેનું કારણ એ હતું કે ખાસ આશ્રયસ્થાનોમાં કૂતરાંઓની પ્રચંડ ભીડ થઈ ગઈ હતી.

થાઇલૅન્ડ અને બોસ્નિયા બંનેના પ્રોજેક્ટ્સથી ત્યાંના રખડતાં કૂતરાંઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની સાથે હડકવાના અને કૂતરાં કરડવાંના કેસોમાં પણ ઘટાડો થયો છે. તેનાથી રખડતાં કૂતરાંઓને પણ ફાયદો થયો છે, કારણ કે રખડતાં કૂતરાંઓના જીવનની ગુણવત્તા સુધરી છે, એવું ડૉ. હિબી જણાવે છે.

રખડતાં કૂતરાંઓની સમસ્યાનો સામનો કરતા દેશો કયા?

ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશના સત્તાવાળાઓએ તાજેતરમાં રખડતાં કૂતરાંઓને મોટી સંખ્યામાં મારી નાખવાનું શરૂ કર્યું છે.

અલબત, મોરોક્કો સરકારે તેના માટે કોઈ કારણ આપ્યું નથી, પરંતુ કેટલાક લોકો માને છે કે મોરોક્કોમાં 2025માં આફ્રિકા કપ ઑફ નેશન્શનું આયોજન થવાનું છે. એ ઉપરાંત મોરોક્કો ફિફા 2030 વર્લ્ડ કપ માટેના આયોજક દેશો પૈકીનો એક છે. આ જ કારણસર સરકારે આ પગલું લીધું હોય તે શક્ય છે.

મોરોક્કોની હ્યુમન સોસાયટીના સ્થાપક અને મોરોક્કોના ઍનિમલ ઍસોસિયેશનના સંયોજક અલી એઝડિન જણાવે છે કે મોરોક્કોમાં ટ્રીટ, ન્યૂટર, વૅક્સિનેટ ઍન્ડ રિલીઝ (ટીએનવીઆર) યોજના નથી.

મોરોક્કોની હ્યુમન સોસાયટીના અંદાજ મુજબ, દેશમાં 30 લાખ રખડતાં કૂતરાંઓ છે અને દર વર્ષે પાંચ લાખ રખડતાં કૂતરાંઓને મારી નાખવામાં આવે છે.

એ પૈકીના મોટાભાગનાને જાહેરમાં ગોળી મારવામાં આવે છે અથવા ઝેર આપવામાં આવે છે, પરંતુ રખડતાં કૂતરાંઓને મારી નાખવાથી સમસ્યાનું નિરાકરણ થતું નથી.

એઝડિન કહે છે, “બાકી રહેલાં રખડતાં કૂતરાંઓ મોટા પ્રમાણમાં પ્રજનન કરે છે. તેમના જીવતા રહેવાનો દર પણ ઊંચો હોય છે. પરિણામે તેઓ મારી નાખવામાં આવેલાં કૂતરાંઓનું સ્થાન લેતા રહે છે.”

એઝડિનની સંસ્થાના જણાવ્યા મુજબ, આગામી મહિનાઓમાં બે મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ પહેલાં વધુ રખડતાં કૂતરાંઓને મારી નાખવાં માટે ત્રીસ લાખ ઘાતક ઇંજેક્શનનો ઑર્ડર મોરોક્કન સરકારે આપ્યો હોવાનું તાજેતરમાં જાણવા મળ્યું છે.

અલબત, સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી નથી કે તેને સમર્થન પણ આપવામાં આવ્યું નથી.

અમે મોરોક્કન સરકાર, કાસાબ્લાન્કા મ્યુનિસિપાલિટી અને મારાકેશ મ્યુનિસિપાલિટીને આ વિશે પૂછ્યું હતું, પરંતુ આ લેખના પ્રકાશન સુધીમાં તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

ડૉ. હિબીના કહેવા મુજબ, રખડતાં કૂતરાંઓના વ્યવસ્થાપનમાં વિશ્વભરમાં હાલ સુધારો થઈ રહ્યો છે. તેનું કારણ નાગરિકોનું દબાણ પણ છે, કારણ કે લોકો રખડતાં કૂતરાંઓની વસ્તીના નિયંત્રણ માટે વધુ માનવીય પદ્ધતિઓની માંગ કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.