You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશમાં ગાયોને વહેતી નદીમાં કોણે ફેંકી અને શું છે સમગ્ર ઘટના?
- લેેખક, શુરૈહ નિયાઝી
- પદ, બીબીસી માટે, ભોપાલથી
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં ગાયોને બળજબળરીપૂર્વક નદીમાં ફેંકી દેવાની ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ મામલો ગત 27 ઑગસ્ટનો છે અને આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.
વીડિયોમાં એવું દેખાઈ રહી છે કે શહેરના બમહૌર વિસ્તારમાં રેલવે પુલ નીચે વહેતી નદીના તેજ પ્રવાહમાં ગાયોને ધકેલવામાં આવી રહી છે. ત્યારબાદ અનેક ગાયો તેજ વહેણમાં તણાઈને સ્ટૉપ ડૅમમાં જઇને પડી હતી.
જાણકારી પ્રમાણે કેટલીય ગાયોના પગ તૂટી ગયા અને મૃત્યુ થયાં. સ્થાનિક લોકોનો દાવો છે કે ગાયોની સંખ્યા 20 જેટલી છે અને તેમાંથી લગભગ અડધોઅડધ ગાયોનાં મૃત્યુ થયાં હતાં.
જોકે, પોલીસનું કહેવું છે કે ગાયોની કેટલી સંખ્યા વિશે ત્યારે જ જાણકારી મળી શકશે કે જ્યારે ઉંડાણપૂર્વક તપાસ થાય. નાગૌદના સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર (એસડીપીઓ) વિદિતા ડાગરે જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની જાણકારી મળી હતી કે કેટલાક લોકો રસ્તે રઝળતાં ઢોરને રેલવે બ્રિજની નીચે ધકેલી રહ્યા છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, “ઘટનાસ્થળે તપાસ કર્યા બાદ ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાંથી ત્રણ લોકો સ્થાનિકો છે અને એક સગીરવયનો આરોપી પણ છે.”
જેમની ધરપકડ કરવામાં આવી છે તેઓ ત્રણેય બેટા બાગરી, રવિ બાગરી અને રામપાલ ચૌધરી નજીકના જ એક ગામના નિવાસી છે. ચારેય આરોપીઓની સામે 4/9 ગૌવંશ પ્રતિશેધ અધિનિયમ અને બીએનએસની કલમ 325(3/5) ની હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પહેલાં પણ અનેક મામલા સામે આવ્યા
કથિતપણે આરોપીઓએ આવું એટલા માટે કર્યું હતું કારણ કે તેઓ રખડતાં પશુઓથી હેરાન થઈ ગયા હતા. આ પશુઓ તેમના પાકને નુકસાન કરતાં હતાં. પરંતુ આ ક્ષેત્રમાં આવો આ પહેલો મામલો નથી.
આ પહેલાં પણ રીવા જિલ્લામાં ડઝનેક ગાયોને પહાડ પર લઇ જઈને તેમને ત્યાંથી નીચે ધકેલી દેવામાં આવી હતી. જેના કારણે અનેક ગાયોનાં મૃત્યુ થઈ ગયાં હતાં અને અનેક ગાયોના પગ ભાંગી ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્ષેત્રમાં કામ કરનારા સમાજસેવી શિવાનંદ દ્વિવેદી અનુસાર હવે આ પ્રકારના મામલા સામાન્ય થઈ ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે, “મશીનોને કારણે ગાયો અને બળદોની ઉપયોગિતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. ગાયો જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી જ લોકો તેને ઉપયોગમાં રાખે. બાકી તેને રસ્તા ઉપર રઝળતી છોડી દેવામાં આવે છે. હવે ખેતીમાં બળદોની જરૂર નથી રહી તો લોકો તેને રસ્તા પર છોડી દે છે. જેના કારણે અકસ્માતો થઈ રહ્યા છે.”
તેમણે કહ્યું કે જરૂર એ વાતની છે કે તેમની ઉપયોગિતા બનાવી રાખવામાં આવે.
રખડતાં પશુઓને કારણે દુર્ઘટનાના અનેક કિસ્સાઓ
મધ્ય પ્રદેશમાં રખડતાં પશુઓની સમસ્યા ગંભીર બની રહી છે. રાજ્યમાં રસ્તાઓ પર રખડતાં પશુઓને કારણે અનેક લોકોનાં મોત થયાં છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ રખડતાં પશુ પાકને નુકસાન પહોંચાડી રહ્યાં છે.
10 ઑગસ્ટના રોજ ભોપાલમાં રોડ પર બેઠેલી ગાય સાથે અથડાઈને એક સૉફ્ટવેર ઍન્જિનિયર પ્રત્યુષ ત્રિપાઠીનું મૃત્યુ થયું હતું. પ્રત્યુષ મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા અને અંધારામાં બેસેલી ગાયને જોઈ શક્યા નહોતા. ગાયનું શિંગડું તેમની જાંઘમાં ઘૂસી ગયું હતું. તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
ભોપાલનાં 60 વર્ષનાં મુન્નીબાઈ સોનકર વનવિભાગમાં આઉટસૉર્સ કર્મચારી હતાં. ગત અઠવાડિયે તેઓ કામ કરીને સાંજે રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યાં હતાં એ જ સમયે સામેથી આવી રહેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેમને રિક્ષા પલટી ગઈ હતી. રિક્ષામાં ચાર લોકો સવાર હતા. ત્રણ લોકો ઘાયલ થયા હતા અને મુન્નીબાઈ રિક્ષા નીચે દટાઈ ગયાં હતાં. તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
રાજ્યના માર્ગો પર દરરોજ આવા ડઝનબંધ અકસ્માતો બની રહ્યા છે. જોકે, રાજ્યમાં ગાયો માટે 1563 ગૌશાળાઓ પણ કાર્યરત્ છે.
જોકે, મંજૂર ગૌશાળાની સંખ્યા 3200થી વધુ છે. પરંતુ આટલા ગાયની ગૌશાળાઓ હોવા છતાં, વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હજારો રખડતાં પશુ જોવા મળે છે. જેના કારણે દરરોજ માત્ર રખડતાં પશુઓ જ નથી મૃત્યુ પામી રહ્યાં છે પરંતુ લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે અને ઘણા કિસ્સામાં મૃત્યુ પણ થઈ રહ્યા છે.
સરકારે એ દિશામાં શું કર્યું છે?
આ સમસ્યાનો સામનો કરવા માટે સરકારે આ મહિને એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.
રખડતાં પશુઓની સમસ્યાને પહોંચી વળવા સરકાર 15 દિવસનું વિશેષ અભિયાન પણ ચલાવી રહી છે.
સરકારે ભૂતકાળમાં પણ આવાં અભિયાનો ચલાવ્યાં હોવાં છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નથી.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે રખડતાં પ્રાણીઓના નિયંત્રણ માટે મળેલાં સૂચનો આ વિશેષ અભિયાનમાં સામેલ કરવામાં આવશે. રસ્તાઓ પર વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે સરકારે 2,000 લોકોને વૉલન્ટિયર્સ તરીકે નિયુક્ત કરવાનો પણ નિર્ણય કર્યો છે.
આ માટે નેશનલ હાઈવે પર આવેલાં 1000 ગામોની ગ્રામ પંચાયતોમાં બે લોકોની નિમણૂક કરવામાં આવશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગાયો અને અન્ય પશુઓને મુખ્ય માર્ગ પર આવવાતાં રોકવાનો હશે. આ માટે તેમને 5 હજારથી 10 હજાર રૂપિયા માનદ વેતન આપવામાં આવશે.
એ દરમિયાન સરકારે નિર્ણય લીધો છે કે રસ્તાઓ પર રહેતાં પ્રાણીઓને રખડતાં પ્રાણીઓ કહેવામાં નહીં આવે.
'રખડતાં પ્રાણી નહીં પરંતુ નિરાશ્રિત પ્રાણી'
મંદસૌરના પૂર્વ ધારાસભ્ય યશપાલસિંહ સિસોદિયાના જણાવ્યા અનુસાર, મુખ્ય મંત્રી મોહન યાદવે ‘રખડતાં ઢોરને નિરાધાર પશુઓ’માં ફેરવી દીધાં છે.
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે એક આદેશમાં ફેરફાર કર્યો છે અને હવે પશુઓને "રખડતાં પશુઓની જગ્યાએ નિરાધાર ઢોર" બનાવી દીધાં છે.
યશપાલસિંહ સિસોદિયાએ કહ્યું, "આ સમસ્યાનો સામનો કરવા માટે, શહેરોમાં ગાય માટે અભયારણ્ય બનાવવાં જોઈએ. ગામડાંમાં ગાયનાં આશ્રયસ્થાનો છે પરંતુ શહેરોમાં તેમની ગેરહાજરીને કારણે, રસ્તાઓ પર અકસ્માતો વધી રહ્યા છે."
સરકારી આંકડા મુજબ મધ્યપ્રદેશમાં કુલ 1.87 કરોડ ગાયો છેં.
સરકારે ગાયોના આશ્રયસ્થાનો માટે 252 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ બજેટમાં સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ફાળવવામાં આવેલી રકમનો એક ભાગ ગાયકલ્યાણમાં ટ્રાન્સફર કર્યો છે. આ વર્ષે સરકારે ગાયો માટે અગાઉની 20 રૂપિયાની ગ્રાન્ટ વધારીને 40 રૂપિયા કરી છે.
મધ્ય પ્રદેશ ગૌપાલન અને પશુધન સંવર્ધન બૉર્ડના પૂર્વ અધ્યક્ષ સ્વામી અખિલેશ્વરાનંદગીરીએ કહ્યું કે રાજ્યના મુખ્ય મંત્રી મોહન યાદવ તેમના દ્વારા આપવામાં આવેલાં તમામ સૂચનોને એક પછી એક લાગુ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે બૉર્ડે ગાયોને લઈને એક અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમના જણાવ્યા મુજબ આજે મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછી 10 લાખ ગાયો રસ્તા પર છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે ગાયો માટે સરકારને ઘણાં સૂચનો મળ્યાં છે.
ગીરીએ કહ્યું હતું, "સૌપ્રથમ તો નેશનલ હાઈવે પાસે રહેતી ગાયોને નજીકના ગૌશાળાઓમાં લઈ જવી જોઈએ. ત્યારપછી જે ગાયો બિનઉપયોગી બની ગઈ છે તેને જંગલમાં છોડી દેવી જોઈએ. તેના માટે જંગલમાં ગૌવંશ વનવિહાર બનાવવો જોઈએ. ત્રીજું, ગાયોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અસ્થાયી આશ્રયસ્થાનોમાં રાખવી જોઈએ. આમાં, રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણને ગાયો અને માનવજાનનું નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)