You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાપાનમાં યુવતીઓને પાતળી દેખાવાનો કેમ છે ક્રેઝ?
- લેેખક, ઇસારિયા પાર્થૉનગ્યાયેમ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
આ અહેવાલ ખાદ્ય આદતો અને તેના વિકાર વિશે, જે અમુક વાંચકોમાં ચિંતા ઊભી કરી શકે છે.
સારાહ મિઝુગોચી ટીનઍજર હતાં, ત્યારે તેમની ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ હતી અને તેમનું વજન માત્ર 42 કિલો હતું.
"હું હંમેશાં જમવા વિશે જ વિચારતી અને ભૂખ અનુભવતી. હું વર્ષમાં એક વખત જ મારા જન્મદિવસે કૅક ખાતી. ત્રણ-ચાર વર્ષ સુધી આમ જ ચાલ્યું. હું જરા પણ ખુશ ન હતી."
સારા હવે 29 વર્ષનાં છે અને જાપાનમાં તેમનાં જેવી અંડરવેઇટ યુવતીઓના કિસ્સા ખૂબ સામાન્ય છે.
જાપાનના આરોગ્ય મંત્રાલયે વર્ષ 2019માં કરાવેલા સર્વે અનુસાર 20થી 29 વર્ષની 20.7 ટકા એટલે કે પાંચમાંથી એક મહિલાનું વજન ગંભીર રીતે ઓછું છે. તેમનું બૉડી માસ ઇન્ડૅક્સ 18.5 કરતાં ઓછું હોય છે. સારાનું પણ બીએમઆઈ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઓછું હતું.
વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશનની ભલામણ પ્રમાણે, બીએમઆઈ 18.5થી 25ની વચ્ચે હોવું જોઈએ.
વિશ્વભરમાં અંડરવેઇટ તથા મેદસ્વિતાના ટ્રૅન્ડ વિશેના લાન્સૅન્ટના અહેવાલ અનુસાર, જાપાન વિકસિત રાષ્ટ્ર છે, છતાં મહિલાઓમાં ઓછાં વજનનો દર દુનિયાના ગરીબમાં ગરીબ દેશો જેમકે બુરુંડી, નાઇજર કે તિમોર જેવા દેશો જેટલો છે.
1990ના દાયકામાં જાપાનમાં જરૂર કરતાં ઓછું વજન ધરાવતી મહિલાની ટકાવારી આજની સરખામણીમાં ખૂબ જ ઓછી હતી. અનેક અભ્યાસ તથા સર્વેમાં મહિલાઓમાં પાતળાં દેખાવાંનાં ક્રૅઝ વિશે ચર્ચા કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડાં વર્ષ અગાઉ જાપાનીઝ મહિલાઓમાં 'સિન્ડ્રૅલા વેઇટ'નો ક્રૅઝ હતો, જેમાં બીએમઆઈ જેટલું હોવું જોઈએ, તેનાં કરતાં જરાક જ ઓછું થાય તે માટે પ્રયાસ કરતી. આમ મહિલાઓ ઔપચારિક રીતે 'અંડરવેઇટ'ની શ્રેણીમાં આવતી.
સિન્ડ્રૅલા વેઇટમાં વ્યક્તિની જેટલી હાઇટ હોય, તેનો વર્ગ કરી, તેનો 18 સાથે ગુણાકાર કરવામાં આવે, એટલું વજન હોવું જોઈએ. આ મુદ્દે ઑનલાઇન ચર્ચા છેડાઈ હતી. કેટલાક લોકોનું કહેવું હતું કે આ પ્રકારના લક્ષ્યાંક અવાસ્તવિક અને બિનઆરોગ્યપ્રદ છે.
સુંદરતાનાં સાંસ્કૃતિક સ્વરૂપો
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, જાપાનની સંસ્કૃતિમાં લાંબા સમયથી પાતળાં દેખાવું એ સુંદરતાનું ધોરણ છે. મીડિયા પણ યુવામાં પાતળાં રહેવાના મતનું ઘડતર કરે છે.
જાપાનની સિરેઈ ક્રિસ્ટૉફર યુનિવર્સિટી ખાતે નર્સિંગ સ્કૂલના પ્રોફેસર તોમોહિરો યાસૂદાએ યુવા મહિલાઓમાં ઓછાં વજન વિશે અભ્યાસ હાથ ધર્યો હતો.
શોધ દરમિયાન પ્રતિસાદ આપનારાઓનું કહેવું હતું કે તેઓ વજન વધારવા માગે છે, છતાં તેઓ જેટલું વજન વધારવા માગતા હતા, તે આદર્શ બીએમઆઈ કરતાં ખૂબ જ ઓછું હતું.
આ યુવતીઓ જો સરેરાશ 10 કિલો 300 ગ્રામ વજન વધારે તો આદર્શ બીએમઆઈ આંક 22 સુધી પહોંચી શકે, પરંતુ તેઓ સરેરાશ 400 ગ્રામ વજન વધારવા માંગતાં હતાં, જે આદર્શ કરતાં ખૂબ જ ઓછું હતું.
પ્રોફેસરના કહેવા પ્રમાણે, "જાપાનમાં યુવતીઓ માટે પાતળું દેખાવું ખૂબ જ સામાન્ય બાબત છે. પાતળાં હોવાને કારણે નવજાત બાળકનું ઓછું વજન, વંધ્યત્વ કે ઉંમર સાથે સ્નાયુ નબળાં પડવાં જેવી આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે."
ઓછા પોષણને કારણે હાડકાં ઘસાવા, ઍનિમિયા, પીરિયડ્સમાં અનિયમિતતા થઈ શકે છે. અપૂરતું પ્રૉટિન લેવાને કારણે સ્નાયુમાં ઘસારો થાય છે.
મેદસ્વિતા તથા દૂબળાં થવાં વિશે પ્રો. યાસુદાના કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમનાં ફૅવરિટ સૅલિબ્રિટી કે ઇન્ફ્લુએન્સર્સ પાતળાં છે એટલે તેઓ પણ દૂબળાં થવાં માંગે છે.
"છેલ્લા કેટલાક સમયથી જાપાનની સંસ્કૃતિ ઉપર યુએસ અને યુરોપની ફૅશન તથા અન્ય બાબતોની અસર રહી છે અને તેને પસંદ કરે છે. તેનો જાપાનિઝ મીડિયા ઉપર પણ પ્રભાવ છે."
પ્રો. યાસુદાના કહેવા પ્રમાણે, જાપાનના મીડિયામાં પુરુષો અલગ-અલગ ઉંમર કે દેખાવના હશે, જ્યારે મહિલાઓ માત્ર યુવા જ હોય છે, એટલે યુવા મહિલાઓ પાતળી થવા માટે પ્રભાવિત થાય છે.
તેમનું કહેવું છે કે, "યુવા મહિલાઓને દૂબળી દેખાડવાંમાં આવે છે એટલે તેમને એવું લાગે છે કે દૂબળાં (હોવું) સારું."
(જો આ અહેવાલના કોઈ અંશ તમને ચિંતા કરાવે, તો તમારે આરોગ્ય વિશેષજ્ઞની સલાહ લેવી જોઈએ.)
સારા બન્યાં ફૂડ ઇન્ફ્લુએન્સર
સારા ટૂંકી બાંઈના કપડાં પહેરવાનું ટાળતાં, કારણ કે તેમને લાગતું કે તેમનાં બાવડાં જાડાં છે. હવે, સારા જાપાનની રાજધાની ટૉક્યોમાં રહે છે, તેમનાં કહેવા પ્રમાણે, તેમનાં માતા-પિતા તેમને દૂબળાં રહેવા માટે પ્રોત્સાહિત કરતાં.
બીબીસી સાથે વાત કરતા સારાએ કહ્યું, "મારાં માતા નહોતાં ઇચ્છતાં કે હું જાડી થઈ જાઉં."
જમતી વખતે તેમનો પરિવાર આગ્રહ રાખતો કે સારા ચોખાને બદલે માંસ કે શાકભાજી લે.
વર્ષો સુધી સારાની ખાવાની આદતો આવી જ રહી. તેમને સ્કૂલના ટિફિનબૉક્સમાં પણ શાકભાજી અને માંસ જ મળતાં, "જ્યારે રાઇસ બિલકુલ ન મળતાં."
સારા 12થી 15 વર્ષનાં હતાં, ત્યારે મૉડલ બનવા માંગતાં હતાં, એટલે તેઓ પોતાંના ભોજનમાં કૅલરી વિશે ખાસ્સાં ચિંતિત રહેતાં. તેઓ બીજી છોકરીઓને ખોરાકમાં વધુ કૅલરી વિશે ટોકતાં.
જ્યારે સારા સેકંડરી સ્કૂલમાં ગયાં અને બાયૉલૉજી ભણ્યાં, ત્યારે તેમને લાગ્યું કે તેમણે વધારે ખોરાક લેવો જોઈએ. સારા કહે છે, "મેં માનવ શરીર વિશે જાણ્યું અને મને ચમકારો થયો કે આપણને બધાને પોષકતત્વોની જરૂર રહે છે."
વર્ષ 2011માં જાપાન ઉપર ભૂકંપ અને સુનામી ત્રાટક્યાં, સાથે જ અણુદુર્ઘટના પણ થઈ. સારા કહે છે, "ટીવી ઉપર એક નિષ્ણાતે કહ્યું કે જો તમે સ્વસ્થ હશો તો ન્યૂક્લિયર રેડિયેશનની અસર ઓછી થાય. શાળામાં જીવશાસ્ત્રનાં પાઠ તથા એ નિષ્ણાતની ટિપ્પણીએ મને વજન વધારીને 45 કિલોગ્રામ જેટલું કરવા માટે પ્રેરિત કરી."
એ પછી સારા અભ્યાસ માટે યુકે આવ્યાં, અહીં તેમણે જોયું કે લોકો પોતે કૅલરી લઈ રહ્યાં છે, એના વિશે ખાસ દરકાર કરતાં ન હતાં. અહીં સારાનું વજન ત્રણ કિલોગ્રામ વધી ગયું.
સારા કહે છે, "હું રજાઓમાં જાપાન પાછી ન ગઈ, ત્યાર સુધી હું મારી યુનિવર્સિટી લાઇફથી ખુશ હતી. મારાં મમ્મી સહિત આજુબાજુનાં લોકોએ હું ગોળમટોળ થઈ ગઈ હોવાની ટિપ્પણી કરી, એટલે મારે અમુક કિલ્લો વજન ઉતારવું પડ્યું, પરંતુ તે લાંબું ન ચાલ્યું."
સારાએ 25 વર્ષની ઉંમરે ફરીથી ચોખા ખાવાનું શરૂ કર્યું. તેમનાં કહેવા પ્રમાણે, "હું ખુશ અને સ્વસ્થ છું. મેં સાત કિલો વજન વધાર્યું અને હાલમાં આદર્શ વજનની રૅન્જમાં છે. હું વર્કાઉટ પણ કરું છું એટલે મારાં મસલ્સ પણ વધ્યાં છે."
અંગસૌષ્ઠવના પરિમાણોને પડકાર
કેટલાક જાપનીઝો અંડરવેઇટ તથા સુંદરતાનાં રૂઢિગત પરિમાણોને પડકાર ફેંકી રહ્યાં છે.
25 વર્ષીય દુલમી ઓબાટા અડધાં જાપાની તથા અડધાં શ્રીલંકન છે. તેઓ ટોકિયોમાં રહે છે. શ્યામવર્ણી ત્વચા,વજનદાર શરીર અને અલગ પ્રકારનાં વાળને કારણે શાળામાં સહપાઠીઓ તેમની કનડગત કરતાં.
પ્રાથમિક શાળામાં કેટલાક છોકરા દુલમીને કાળી છોકરી કહેતાં. નાનાં બાળકો તેમની પાસેથી રમકડાં ન લેતાં.
દુલમી કહે છે, "તેમને લાગતું કે મારાં હાથ ખરાબ છે, મને ખૂબ જ માઠું લાગતું."
જ્યારે દુલમી 13 વર્ષનાં હતાં, ત્યારે તેમણે જોયું કે તેમનું અંગલાલિત્ય અને સ્નાયુઓનો ભરાવ અસામાન્ય હતો. જોકે, દુલમીએ તેની ઉપર ખાસ ધ્યાન ન આપ્યું.
વર્ષ 2021માં 'પ્લસ-સાઇઝ' મૉડલ્સ વિશે અભ્યાસ કર્યાં બાદ દુલમીએ મિસ યુનિવર્સ જાપાનની સ્પર્ધામાં ભાગ લીધો. તેમને ખબર હતી કે સ્પર્ધામાં જે યુવતીઓ સામેલ થશે, તે દૂબળી-પાતળી અથવા તો કથિત 'ટ્રૅન્ડી' અંગસૌષ્ઠવ ધરાવતી હશે.
દુલમી કહે છે, "સ્પર્ધામાં ભાગ લેવા માટે મેં વજન નહોતું ઘટાડ્યું. હું બૉડી પૉઝિટિવિટીનો વિચાર રજૂ કરવા માંગતી હતી. હું પ્લ્સ-સાઇઝ મૉડલ તરીકે મારાંમાં પણ સકારાત્મક અભિગમ લાવવા માગતી હતી. હું જાપાનમાં પ્રવર્તમાન સૌંદર્ય માટેનાં ધોરણોને બદલવાં માગું છું."
દુલમીએ ફાઇનલ સુધીની સફર ખેડી. તેમનું કહેવું છે કે સ્પર્ધામાં આટલે સુધી પહોંચનારાં તેઓ એકમાત્ર પ્લસ-સાઇઝ મહિલા છે.
તેઓ કહે છે, "હું ખુદને માટે ગર્વ અનુભવું છું. બાળપણના અનુભવોને કારણે મારો આત્મવિશ્વાસ વારંવાર ડગી જતો હતો. હજુ પણ મારામાં પૂરેપૂરો આત્મવિશ્વાસ નથી આવ્યો, પરંતુ તે ઠીક છે."
પુરુષપ્રધાન પ્રણાલી પ્રવર્તમાન
ઍરિક રથ અમેરિકાની કૅન્સાસ યુનિવર્સિટીમાં પ્રિ-મૉર્ડન જાપાનીઝ હિસ્ટ્રી તથા જાપાનની ખાણીપીણી અને સંસ્કૃતિ વિશે ભણાવે છે. તેમના કહેવા પ્રમાણે, લાંબા સમય સુધી દૂબળાં હોવું એ સુંદરતાનું ધારાધોરણ રહ્યું છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "જો તમે જાપાનના પરંપરાગત કિમૉનો ડ્રૅસને જોશો તો તેમાં ઊભી લીટીઓ હોય છે, જેથી કરીને શરીર પાતળું દેખાય. પોતે દૂબળી છે એ દેખાડવાં મહિલાઓ તેને ખૂબ જ ઉપરથી વીંટે છે."
તેઓ કહે છે કે જાપાન એવો દેશ છે કે જ્યાં પુરુષોની પસંદગીનું પ્રભુત્વ રહ્યું છે.
પ્રો. ઍરિકના કહેવા પ્રમાણે, "જો તમે કાબુકી (જાપાનની પરંપરાગત નાટ્યશૈલી) જોશો, તો તેમાં પુરુષો જ મહિલાપાત્રો ભજવતા. ઇડોકાળ (1600-1868) દરમિયાન લાકડાંનાં બ્લૉક્સની પ્રિન્ટમાં મહિલાઓને પાતળી દેખાડવામાં આવે છે. જે મહિલાઓની સુંદરતા કેવી રીતે દર્શાવી તેના વિશે પુરુષોની તરંગિત કલ્પના છે."
આજે પણ જાપાનીઝ મહિલાઓએ અનેક પ્રકારના ભેદભાવોનો સામનો કરવો પડે છે. પ્રોફેસરના કહેવા પ્રમાણે, "તેમણે લગ્નની કરીને બાળકોને જન્મ આપવો જોઈએ."
જો મહિલાઓ કામ કરતી હોય તો કાર્યસ્થળે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. તે આ બધી (બાબતો) નિયંત્રિત નથી કરી શકતી, પરંતુ વજન ઘટાડવું તેમનાં નિયંત્રણમાં હોય છે એટલે ઘણી વખત તેઓ ખૂબ જ આત્યાંતિક પગલાં લે છે."
અંડરવેઇટ વ્યવસ્થાને પડકાર
જાપાનની દરેક સરકારે અંડરવેઇટ મહિલાઓની સમસ્યાને પહોંચી વળવા માટે અલગ-અલગ પગલાં લીધાં છે, જેમાં વિદ્યાર્થીનીઓ માટે પોષણક્ષમતાને લગતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
માર્ચ-2000માં જાપાનની સરકાર દ્વારા "જાપાનીઓ માટે ખાદ્યસંબંધિત માર્ગદર્શિકા" પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં યોગ્ય વજન જાળવવું, પૂરતી કસરત કરવી અને સમતોલ આહાર લેવો, જેવી ભલામણો કરવામાં આવી હતી. સાથે ખૂબ જ વજન ન ઘટાડવાની સલાહ પણ આપવામાં આવી હતી.
વર્ષ 2022માં સમાજના અલગ-અલગ હિતધારકોને લઈને સરકાર દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવા મહિલાઓમાં અંડરવેઇટ રહેવા માટે પ્રયાસ થતાં હોવાને કારણે પોષણસંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
અનેક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ પણ 'અંડરવેઇટ આકર્ષક હોય છે' એવા વિચારને પડકારવાનો શરૂ કર્યો છે. તેઓ ઉચ્ચતર માધ્યમિકથી લઈને યુનિવર્સિટી સુધી પોષણક્ષમતા વિશે શિક્ષણ આપે છે. મહિલાઓના નિયમિત ચેક-અપ થાય છે અને જરૂર પડ્યે વ્યક્તિગત પરામર્શ પણ આપવામાં આવે છે.
યાસૂકો (અમે અટક નથી આપી રહ્યાં) જાપાનની પ્લસ-સાઇઝ મોડલિંગ એજન્સી બ્લૂમ ક્રિયેટિવના પ્રતિનિધિ છે. તેમના કહેવા પ્રમાણે, ઐતિહાસિક રીતે દૂબળી મહિલાઓની સરખામણીમાં પ્લસ-સાઇઝને "ઓછી મૂલ્યવાન" માનવામાં આવે છે અને આજે પણ તેમણે ભેદભાવનો સામનો કરવો પડે છે.
તેમનાં કહેવા પ્રમાણે, દેહાકારને કારણે માતા-પિતા કે મિત્રો પણ પ્લસ-સાઇઝ મહિલાઓની ઠેકડી ઉડાવે છે. તેઓ સમાજમાં 'અદૃશ્ય' હોય એમ તેમનાં માપનાં કપડાં પણ નથી મળતાં.
આટલું ઓછું હોય તેમ એશિયનોનાં કપડાં સરેરાશ પશ્ચિમી કરતાં નાનાં હોય છે અને જાપાનમાં તે વિશ્વના અન્ય કોઈ ભાગ કરતાં ખૂબ જ નાનાં હોય છે. અમુક શૉપિંગ વેબસાઇટ્સ ઉપર સૂચના લખેલી હોય છે કે જો કોઈ પશ્ચિમી વ્યક્તિ જાપાનમાં ખરીદી કરી રહી હોય તો તેમણે પોતાની સામાન્ય સાઇઝ કરતાં ચાર સાઇઝ વધુ મોટાં કપડાં ખરીદવા જોઈએ.
પોતાના જીવનનો એક અનુભવ ટાંકતા યાસૂકો કહે છે કે એક વખત મધ્યમ ઉંમરનો શખ્સ ટ્રેનમાં મારી પાસે આવ્યો અને કહ્યું કે 'આવી સ્થૂળ કાયા સાથે તું કેવી રીતે જીવી શકે, તને શરમ નથી આવતી?'
યાસૂકોના કહેવા પ્રમાણે, આ ભદ્દી ટિપ્પણીનો જવાબ આપવાના બદલે તેમણે પોતાનાં કામ દ્વારા ભેદભાવ સામે લડવાનું નક્કી કર્યું અને તેમની લડાઈ જાપાનની ભાવિ પેઢીઓની પ્લસ-સાઇઝ મહિલાઓ માટે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન