મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% અને ઝારખંડમાં 67.59% ટકા મતદાન

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણીપંચે આપેલી જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58.22 ટકા મતદાન થયું છે.

જ્યારે કે ઝારખંડમાં બીજા ચરણ માટે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં 67.59 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 38 બેઠકો માટે આજે મતદાન થયું હતું. પહેલા ચરણમાં અહીં લગભગ 65 ટકા મતદાન થયું હતું.

બંને રાજ્યોની ચૂંટણીનાં પરિણામો 23મી નવેમ્બરે આવશે.

આજે સવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ સપરિવાર મતદાન કર્યું હતું.

ગાંધીજીનાં હિંદ છોડો આંદોલનમાં ભાગ લેનારા સ્વતંત્ર સેનાની જી.જી.પરીખે 103 વર્ષની વયે મુંબઈના મલબાર હિલ મતવિસ્તારમાં મતદાન કર્યું હતું.

નાંદગાંવ વિધાનસભા ક્ષેત્રમાં શિવસેનાના સુહાસ કાંડે અને અપક્ષ ઉમેદવાર સમીર ભુજબળના સમર્થકો સામસામે આવી ગયા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 288 બેઠકો માટે તથા ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો પર આજે મતદાન થયું.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ક્રિકેટ સચીન તેંડુલકરે પોતાના પરિવાર સાથે મુંબઈમાં મતદાન કર્યું હતું.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને પણ મતદાન કર્યું હતું.

ખાસ રાજકીય નેતાઓની વાત કરીએ તો એનસીપી (શરદ પવાર જૂથ) નેતા અને સાંસદ સુપ્રિયા સુલે, અજિત પવાર અને ભાજપના નેતા ચંદ્રકાંતદા પાટીલે પણ મતદાન કર્યું હતું.

ઝારખંડમાં પહેલા તબક્કામાં 43 બેઠકો પર સરેરાશ 65 ટકા મતદાન થયું હતું.

મહારાષ્ટ્રમાં આજે એક જ તબક્કામાં 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કુલ 9.70 કરોડ મતદારો મળીને 41436 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહ્યા છે. જેમાં 5 કરોડ પુરુષ મતદારો અને 4.69 કરોડ મહિલા મતદારો છે.

22.2 લાખ મતદારો પ્રથમ વાર મતદાન કરનારા મતદારો હતા.

એ સિવાય વિધાનસભાની પંજાબની ચાર બેઠકો, ઉત્તર પ્રદેશની નવ બેઠકો તથા કેરળની એક બેઠકો પર પેટાચૂંટણી માટે પણ આજે મતદાન થયું હતું.

મહારાષ્ટ્રમાં ખરાખરીનો જંગ

મહારાષ્ટ્રમાં મુખ્ય મુકાબલો મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચે છે. મહાવિકાસ અઘાડીમાં કૉંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી(શરદચંદ્ર પવાર) જેવા પક્ષો સામેલ છે. જ્યારે સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના(શિંદે) અને એનસીપી(અજિત પવાર) સામેલ છે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ અનેક બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એ સિવાય વંચિત બહુજન અઘાડી અને અન્ય પક્ષોનું એક ત્રીજું ગઠબંધન પણ મેદાનમાં છે. આ સાથે જ અનેક બેઠકો પર અપક્ષો અને બળવાખોરો મેદાનમાં હોવાથી મહારાષ્ટ્રનો ચૂંટણીનો જંગ અતિશય રોચક બન્યો છે.

મહાયુતિ ગઠબંધનમાં કોણ કેટલી બેઠકો પર લડ્યું?

  • ભાજપ: 149 બેઠકો
  • શિવસેના(શિંદે): 81 બેઠકો
  • એનસીપી(અજિત પવાર): 59 બેઠકો

મહાવિકાસ અઘાડીમાં કોણ કેટલી બેઠકો પર લડ્યું?

  • કૉંગ્રેસ: 101 બેઠકો
  • શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 95 બેઠકો
  • એનસીપી(શરદચંદ્ર પવાર): 86 બેઠકો

એ સિવાય રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 95 બેઠકો, વંચિત બહુજન અઘાડી 200 બેઠકો અને એઆઈએમઆઈએમ 17 બેઠકો પર ચૂંટણી લડી.

મહારાષ્ટ્રમાં કોનું ભવિષ્ય દાવ પર?

કોપરી-પચપાખડી:

થાણેની કોપરી-પચપાખડી વિધાનસભાથી મુખ્ય મંત્રી એકનાથ શિંદે ચૂંટણીમેદાનમાં છે. તેમની સામે શિવસેના(ઉદ્ધવ જૂથ)ના કેદાર દિઘે લડી રહ્યા છે. આ બેઠક પર એકનાથ શિંદેનો ગત વિધાનસભાની ચૂંટણીમાં એકતરફી વિજય થયો હતો. શિંદેના રાજકીય મેન્ટોર આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘે સામે જ તેમની લડાઈ છે.

સાકોલી:

મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ નાના પટોળે સાકોલી બેઠક પરથી ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અહીંથી 2019માં પણ જીત મેળવી હતી. આ વખતે તેમનો મુકાબલો ભાજપના અવિનાશ બ્રહ્માંકર સામે છે. નાના પટોળેના નેતૃત્ત્વમાં કૉંગ્રેસ આ વખતે ચૂંટણી લડી રહી હોવાથી તેમના પર સૌ કોઈની નજર છે.

વરલી:

હાઇપ્રોફાઇલ વરલી વિધાનસભા બેઠકમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. અહીંથી શિવસેના(યુબીટી) તરફથી આદિત્ય ઠાકરે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની સામે શિંદે જૂથની શિવસેનાના ઉમેદવાર મિલિંદ દેવરા ચૂંટણીમેદાનમાં છે. મિલિંદ દેવરા કૉંગ્રેસના પૂર્વ નેતા અને સાંસદ છે. જ્યારે આદિત્ય ઠાકરે એ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા નેતા છે. અહીંથી મનસેના ઉમેદવાર સંદીપ દેશપાંડે પણ લડી રહ્યા છે. આદિત્ય ઠાકરેએ આ બેઠક પરથી 2019માં 89 હજાર કરતાં વધુ મતોથી જીત મેળવી હતી.

નાગપુર દક્ષિણ-પશ્ચિમ:

આ બેઠક પરથી મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અને ભાજપના મોટા નેતા દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સતત અહીંથી ચોથી જીત મેળવવા માટે તત્પર છે. તેમની ટક્કર કૉંગ્રેસના પ્રફુલ ગુદાધે સામે છે. કૉંગ્રેસના ઉમેદવાર પણ તેમની જમીન પર પકડ માટે જાણીતા છે.

બારામતી:

બારામતીની આ બેઠક પર પવાર પરિવારનો ફરી એક વાર રાજકીય જંગ થવાનો છે. આ વખતે અહીંથી અજિત પવાર ખુદ મેદાનમાં છે. તેમની સામે શરદપવારના ભત્રીજાના પુત્ર યુગેન્દ્ર પવાર ચૂંટણી લડી રહ્યા છે. અજિત પવારે આ બેઠક પર સતત 1991થી જીત મેળવી છે અને તેમની અત્યાર સુધી ભવ્ય જીત થતી રહી છે. જ્યારે યુગેન્દ્ર પવાર રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે.

આ સિવાય માનખુર્દ શિવાજીનગર બેઠક પરથી એનસીપી(અજિત પવાર)ના ઉમેદવાર નવાબ મલિક, માહિમ વિધાનસભાથી મનસેના ઉમેદવાર અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે, બાંદ્રા પૂર્વથી એનસીપી(અજિત પવાર)ના ઉમેદવાર ઝીશાન સિદ્દીકી પણ મુખ્ય ઉમેદવારો પૈકીના એક છે.

મહારાષ્ટ્રમાં 2019 પછી ચિત્ર સંપૂર્ણપણે બદલાયું

2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 105 બેઠકો પર જીત મેળવી હતી અને શિવસેનાએ 56 બેઠકો પર જીત મેળવી હતી. બંને પક્ષોએ સાથે મળીને આ ચૂંટણી લડી હતી.

એનસીપીએ 54 બેઠકો અને કૉંગ્રેસે 44 બેઠકો પર જીત મેળવી હતી.

પરંતુ ત્યારબાદ ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટી ગયું હતું. પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર પણ બનાવી હતી.

ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીના બે ભાગલા પડ્યા.

તેના કારણે આ વખતે તમામ પક્ષો પોતપોતાના નવા સાથીદારો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. આથી જ, મહારાષ્ટ્રની ચૂંટણી ઇતિહાસમાં સૌથી જટિલ ચૂંટણીમાંથી એક માનવામાં આવી રહી છે.

2024ની વિધાનસભાની ચૂંટણીમાં લાડકી બહિણ યોજના, હિન્દુત્ત્વ, ઉદ્યોગોનો ગુજરાત જવાનો મામલો અને બેરોજગારી, સોયાબીનના ભાવ અને ખેડૂતોની પરેશાની વધુ ચર્ચામાં રહી છે. ગુજરાતી ઉદ્યોગપતિ અદાણી પણ આ ચૂંટણીમાં ધારાવી રિડેવલપમેન્ટના મુદ્દાને કારણે વધુ ચર્ચામાં રહ્યા છે.

મહારાષ્ટ્ર, ઝારખંડની વિધાનસભાની ચૂંટણી તથા તમામ પેટાચૂંટણીના પરિણામો એકસાથે 23 નવેમ્બરે જાહેર થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.