You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “ફોટામાં નિરજ જોવા મળ્યા. મેં 200-250 મૃતદેહોને સ્પર્શીને તપાસ કરી હતી.” સ્વજનોને શોધતા લોકોની અંતહીન પીડાની કહાણી
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, બાલાસોર
દેશની સૌથી મોટી રેલવે દુર્ઘટનાઓ પૈકીની એક બાલાસોર દુર્ઘટનામાં મૃત્યુઆંક 275 થઈ ગયો છે. આંકડા મુજબ, અત્યાર સુધી 187 મૃતદેહની ઓળખ થઈ શકી નથી.
દુર્ઘટનાના સમાચાર ફેલાતાની સાથે જ પીડિતોના પરિવારજનોનું બાલાસોર આવવાનું શરૂ થઈ ગયું હતું. એવા અનેક પરિવારો બાલાસોરના એક બિઝનેસ પાર્કમાં પહોંચી રહ્યા છે. ત્યાં એક મોટા હૉલમાં મૃતદેહો રાખવામાં આવ્યા છે.
પાર્કની સીડી પર અમારી મુલાકાત સીમા ચૌધરી સાથે થઈ હતી. તેઓ તેમના પતિ દીપાંકર મંડલને શોધી રહ્યાં હતાં.
મૃતદેહોની વચ્ચેથી સ્વજનોને શોધવાનું દર્દ પીડિત પરિવારોની આંખોમાં જોવા મળે છે. સ્વજનને છેલ્લી વખત જોઈ શકવાની આશા દેખાય છે.
ઇમારતની બહારની સીડીના પગથિયાં પર બેઠેલાં સીમા રડતાં-રડતાં ફોન પર બંગાળી ભાષામાં પોતાની પીડા કોઈને જણાવી રહ્યાં છે.
મૃતદેહોની શોધમાં કકળતા લોકો
સીમાએ રડતાં-રડતાં અમને કહ્યું, “મેં હૉસ્પિટલમાં બધે જોઈ લીધું. હવે ભુવનેશ્વર જઈશ. અહીં કશી ખબર પડી નથી. મેં બોડી ચેક કર્યું. કશી ખબર પડી નથી.”
બિઝનેસ પાર્કમાં આવેલા આ પરિવારો, જ્યાં પ્રવાસ માટે ટ્રેન સુલભ સાધન હોય તેવા નાના ગામ અને વિસ્તારોમાંથી આવ્યા છે.
બિઝનેસ પાર્કની બહાર લોકોની મદદ માટે અધિકારીઓ, સ્વયંસેવકો હાજર છે. પરિસરમાંથી અંદર જતાં કાચના દરવાજાની પાર એક મોટો હૉલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે હૉલને એક હિસ્સામાં ફરસ પર બિછાવવામાં આવેલી કાળી પોલિથીનની મોટી ચાદર પર પીગળેલા બરફના પાણીમાં ભીનો થઈ ગયેલો મોબાઈલ, વસ્ત્રો ભરેલા અનેક મોટા થેલા અને તમાકુની એક ડબ્બી જોવા મળે છે. આ સામાન જેમનો હતો તેઓ હવે આ દુનિયા છોડી ગયા છે.
હૉલની બીજી બાજુ એક પ્રોજેક્ટર સ્ક્રીન પર મૃતદેહોના ફોટોગ્રાફ્સ સતત દર્શાવવામાં આવે છે. પોતાના સ્વજનની ઓળખ માટે લોકો એ તસવીરોને એકીટશે નિહાળતા રહે છે.
ઓળખમાં મદદ માટે બાજુના ટેબલ પર એવી થોડી વધુ તસવીરો પડી છે. તે ફોટોગ્રાફ્સ એવા લોકોના છે, જેમના મૃતદેહ અહીં લાવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં બહારની હૉસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યા છે, એમના છે.
મૃતદેહોને સલામત રાખવાની મુશ્કેલી
પરિવારોથી ઘેરાયેલા બાલાસોરના તહલીલદાર નિર્લિપ્તા મોહંતીએ અમને જણાવ્યુ હતું કે પોતાના સ્વજનોને કોઈ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે એ જાણીને લોકો ત્યાં જઈને તેમના મૃતદેહનો કબજો લઈ શકે છે.
મૃતદેહોને બાલાસોરની બહાર મોકલવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે, “અહીં મૃતદેહોને લાંબા સમય સુધી સલામત રાખવામાં મુશ્કેલી સર્જાઈ રહી હતી. ભુવનેશ્વરમાં મોટી-મોટી હૉસ્પિટલો છે. તેથી મૃતદેહોને ત્યાં લઈ જવામાં આવ્યા છે.”
બાજુમાં ઊભેલા સુમિત કુમાર મૃતદેહોના ફોટોગ્રાફ્સમાંથી પોતાના ફોઈના દીકરી નીરજ કુમારનો ફોટો શોધી રહ્યા હતા. તેઓ શનિવારે સાંજથી ઠેકઠેકાણે જઈને માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.
સુમિતે કહ્યુ હતું કે, “અમે બધા મૃતદેહની તપાસ કરી હતી. ફોટામાં નિરજ જોવા મળ્યા. મેં 200-250 મૃતદેહોને સ્પર્શીને તપાસ કરી હતી.”
મૃતદેહોમાંથી પોતાના સ્વજનની લાશની ઓળખમાં પરિવારોને સ્થાનિક અધિકારીઓ મદદ કરી રહ્યા છે.
વહીવટી તંત્ર માટે મોટો પડકાર છે. જે પરિવાર બહારથી આવ્યા છે, તેમના માટે આ જગ્યા નવી છે. તેમના માટે આ અનુભવ મુશ્કેલીભર્યો છે.
અંતહીન પીડા
સ્થાનિક સામાજિક કાર્યકર ઉદય કુમાર ફરિયાદ કરે છે કે લોકોને માહિતી આપવા માટે બનાવવામાં આવેલું ડેસ્ક સ્થાનિક રેલવે સ્ટેશન, બસ સ્ટેશનથી દૂર છે. એ સુવિધા નજીકમાં હોત તો લોકો માટે વધારે અનુકૂળ હોત.
અહીં સામાન્ય લોકોથી માંડીને સ્વૈચ્છિક સંગઠનો, અધિકારીઓ બધા બહારથી આવતા લોકોની મદદ કરી રહ્યા છે.
સ્થાનિક વહીવટી તંત્ર માટે કામ કરતા સુબ્રત મુખી અને તેમના અનેક સાથી અમને જોવા મળ્યા હતા. તેઓ મૃતદેહોને વાહનોમાં, એમ્બ્યુલન્સમાં મૂકવામાં કલાકોથી સતત મદદ કરી રહ્યા હતા.
તેમનો એક સાથી તો એટલો થાકી ગયો હતો કે જમીન પર પટકાઈ પડ્યો હતો.
સુબ્રતે કહ્યું હતું કે, “અમે કાલે રાત્રે આઠ વાગ્યાથી અહીં છીએ. અમને દુઃખ થાય છે. રડવું આવે છે. મૃતકોના સગાસંબંધી સતત આવી રહ્યા છે. કોઈ ઉડિયા ભાષામાં, કોઈ બંગાળી ભાષામાં વાત કરે છે તો કોઈ તમિળમાં વાત કરે છે.”
જોકે, જેમની સાથે આ દુર્ઘટના થઈ છે, તેઓ તેમની પીડા, આ દિવસોને કદાચ ક્યારેય ભૂલી શકશે નહીં.