ઓડિશા ટ્રેન દુર્ઘટના : દુર્ઘટનામાં થયેલા મૃત્યુથી લઈને સહાય સંબંધિત તમામ સવાલોના જવાબ

ઓડિશાના બાલાસોર જિલ્લા પાસે શુક્રવારે સાંજે આશરે સાત વાગ્યે ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઑપરેશન પૂર્ણ થઈ ગયું છે. ઘાયલોની અલગઅલગ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સાથે જ રેલવે ટ્રૅકને રિસ્ટોર કરવાની કામગીરી પણ ચાલુ છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોનાં મોત થયાં છે.

તો કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દુર્ઘટનામાં એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

ચીફ સેક્રેટરી પ્રદીપ જેનાએ કહ્યું કે "અમારા માટે આ મોટો પડકાર છે. 187 મૃતકોની ઓળખ થઈ શકી નથી. ત્રણ સરકારી વેબસાઇટ પર મૃતકોની તસવીર અપલોડ કરાઈ રહી છે. જરૂર પડ્યે મૃતકોના ડીએનએ ટેસ્ટ કરાશે. આમાંથી 170 મૃતદેહો ભુવનેશ્વર પહોંચી ગયા છે. બાકીના 17 મૃતદેહોને બાલાસોરથી ભુવનેશ્વર લવાઈ રહ્યા છે."

"મૃતકોનું સન્માન રાખીને મૃતદેહોને ટ્રાન્સફર કરવામાં ટ્રક કે ટ્રેનનો ઉપયોગ કરાયો નથી. એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહો રાખીને ભુવનેશ્વર મોકલ્યા છે. કુલ 85 એમ્બ્યુલન્સનો ઉપયોગ ડેડબૉડી માટે થયો છે."

શુક્રવારની આખી રાત રેસ્ક્યૂ ઑપરેશનમાં વીતી. શનિવારની આખી રાત અલગઅલગ ટીમોના સેંકડો રિસ્ટોરેશનની કામગીરીમાં લાગ્યા રહ્યા. ખુદ રેલમંત્રી ઘટના બાદથી ત્યાં હાજર છે અને કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે.

રવિવારે સવારે સમાચાર એજન્સી સાથે વાત કરતી વખતે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટનાની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેનું મુખ્ય કારણ પણ ખબર પડી ગઈ છે.

તેમણે કહ્યું, "ઇન્ક્વાયરી પૂરી થઈ ગઈ છે. કમિશનર (રેલ સેફ્ટી) પોતાનો ઇન્ક્વાયરી રિપોર્ટ જલદીથી સોંપશે. જેવો જ આ રિપોર્ટ જમા થશે તમામ તથ્યો ખબર પડી જશે, પરંતુ આટલી દુખદાયક દુર્ઘટનાનું પાયાનું કારણ જાણવા મળી ગયું છે."

રવિવારે સવારે સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ઘાયલોને અપાઈ રહેલી સારવારની સમીક્ષા કરવા ગયા હતા.

રવિવારે સવારે કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે રેસ્ક્યૂ ઑપરેશન સાથે સંકળાયેલી તમામ ટીમોનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે ઘટના બાદ જે રીતે ઝડપથી કામગીરી થઈ રહી છે, એવી કામગીરી જો ઘટના પહેલાં થઈ હોત તો આજે આવો દિવસ જોવો ન પડત.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

ઓડિશા ટ્રેન દુર્ઘટના, ત્રણ ટ્રેનો એક સાથે અથડાતા સર્જાઈ હતી.

  • 12841 - શાલીમાર (હાવડા પાસે)થી ચેન્નઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ
  • 12864 - સર એમ. વિશ્વેશ્વરૈયા-હાવડા સુપરફાસ્ટ ટ્રેન યશવંતપુરથી હાવડા જઈ રહી હતી
  • બાહાનગા બાઝાર સ્ટેશન પર ભેલી માલગાડી

આ દુર્ઘટના કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન માલગાડીની પાછળ અથડાતા સર્જાઈ હતી.

રેલવેની ટૅકનિકલ ભાષામાં તેને 'હૅડ ઑન કોલિઝન' કહેવાય છે. આવી દુર્ઘટના સામાન્ય રીતે ઘણી ઓછી જોવા મળે છે.

આ દુર્ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. તેમાંથી કેટલાક ડબ્બા સામેની બાજુના પાટા પર જતા રહ્યા હતા.

સામેની બાજુથી એ જ સમયે બૅંગલુરુ તરફથી આવી રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી.

એ ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ અને દુર્ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

ઑલ ઇન્ડિયા રેલવે મૅન્સ ફૅડરેશનના મહામંત્રી ગોપાલ મિશ્રાએ બીબીસીને જણાવ્યું કે કોઈ ટૅકનિકલ તકલીફના કારણે કોરોમંડલ એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું અને એ જ તકલીફના કારણે આ ટ્રેન મેઇન લાઇનને છોડીને લૂપલાઇન પર જતી રહી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

પીએમ મોદીએ લીધી મુલાકાત

દુર્ઘટનાના બીજા દિવસે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં દિલ્હીમાં રિવ્યૂ મિટિંગ યોજી હતી અને બાદમાં પોતે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઑપરેશનની સમીક્ષા કરી હતી.

આ દરમિયાન પીએમ મોદી ફોન પર કોઈની સાથે વાત કરતા પણ નજરે પડ્યા હતા. તેમની સાથે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.

રેસ્ક્યૂ ઑપરેશનની સમીક્ષા બાદ પીએમ મોદીએ હૉસ્પિટલ જઈને ઘાયલોની મુલાકાત લીધી હતી.

પીએમ મોદીએ એ પછી કહ્યું હતું કે "આ એક દુખદાયક ઘટના છે. સરકાર ઘાયલોની સારવાર માટે કોઈ કસર નહીં છોડે."

રેસ્ક્યૂ ઑપરેશન

  • એનડીઆરએફ - સાત ટીમ
  • ઓડિશા ડિઝાસ્ટર રૅપિડ ઍક્શન ફોર્સ - 5 યુનિટ
  • અગ્નિશમન અને આપાતકાલીન સેવા - 24 યુનિટ
  • મેડિકલ સ્ટાફ - 100થી વધુ
  • ઍમ્બ્યુલન્સ - 200થી વધુ

રેલવેમંત્રીના રાજીનામાની માગ, કોણે શું કહ્યું?

ટ્રેન દુર્ઘટના બાદ સત્તાધારી પાર્ટીથી લઈને વિપક્ષી પાર્ટીઓના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

વિપક્ષના કેટલાક નેતાઓએ દુર્ઘટના બાદ રેલવેમંત્રીના રાજીનામાની માગ કરી છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું, "રેલમંત્રી વારંવાર એક વાત કહે છે કે અમારી સિસ્ટમ ફૂલપ્રૂફ છે, આવી ઘટના ન થઈ શકે. રેલમંત્રીજી રિટાયર્ડ આઈએએસ ઑફિસર છે અને ઓડિશા કેડરના જ છે. તેમના જ રાજ્યમાં આ દુર્ઘટના થઈ છે."

તેમણે આગળ કહ્યું, "આમ તો ઉદાહરણ છે કે એક રેલ દુર્ઘટનાના સમયે લાલબહાદુર શાસ્ત્રીજીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અમને મોદીજીના મંત્રીમંડળ પાસેથી આવી કોઈ અપેક્ષા નથી, પણ મંત્રીજીમાં જો થોડી પણ શરમ બચી હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ."

ટીએમસી નેતા અભિષેક બેનરજીએ ફેસબુક પર લખ્યું, "મોદી સરકાર જનતાને ગેરમાર્ગે દોરવા અને પોતાની રાજનૈતિક ઘેલછાઓને પૂર્ણ કરવા માટે વંદે ભારત ટ્રેન અને નવાં સ્ટેશનોની વાત કરે છે, પરંતુ સુરક્ષાને લઈને કંઈ કરી રહી નથી. ઘટનાસ્થળ પરથી જે દૃશ્યો જોવાં મળી રહ્યાં છે તે દુખદાયક છે. 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના."

બેનરજીએ રેલવેમંત્રીના રાજીનામાની માગ કરતા કહ્યું, "જો અંત:કરણનો અવાજ બચ્યો હોય તો રેલમંત્રી તાત્કાલિક રાજીનામુ આપે."

મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અને એનસીપી નેતા અજિત પવારે પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું.

તેમણે કહ્યું, "આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. રેલ વિભાગે તેની તપાસ કરવી જોઈએ. જે લોકો દોષિત સાબિત થાય, તેમના વિરુદ્ધ તપાસ કરવી જોઈએ. રેલવેએ લોકોના જીવની કિંમત સમજવી જોઈએ. પહેલાં આવી કોઈ દુર્ઘટના થતી તો રેલવેમંત્રી રાજીનામુ આપી દેતા હતા પણ હવે કોઈ આગળ આવતું નથી."

કૉંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે પણ લાલ બહાદુર શાસ્ત્રીના રાજીનામાની તસવીરને રી-ટ્વીટ કરીને લખ્યું, "પહેલાં ભારતમાં આપણી પાસે એવા નેતા હતા, જે જવાબદારી લેતા હતા. જય હિંદ."

1956માં લાલ બહાદુર શાસ્ત્રીએ મહબૂબનગરમાં થયેલી ટ્રેન દુર્ઘટના બાદ રેલમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, એ રાજીનામાને સ્વીકારવામાં આવ્યું નહોતું.

બાદમાં વધુ એક ટ્રેન દુર્ઘટના થઈ ત્યારે શાસ્ત્રીએ આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું.

જોકે, ઘટનાસ્થળની મુલાકાતે આવેલા અશ્વિની વૈષ્ણવને તેમના રાજીનામાની માગ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓ સીધો જવાબ આપવાથી બચતા દેખાયા.

તેમણે કહ્યું, "હું એ જ કહીશ કે સૌથી પહેલું ફોકસ લોકોના જીવ બચાવવા અને રાહતકાર્ય પર હોવું જોઈએ. દુર્ઘટનાસ્થળ પર જેમ ક્લિયરન્સ મળશે, અમે ફરીથી રિસ્ટોરેશનનું કામ ચાલુ કરીશું."

વળતરની જાહેરાત

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને બે લાખ રૂપિયા અને સામાન્ય ઈજાઓ ધરાવતા લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

પીએમઓએ પ્રધાનમંત્રી આપત્તિ રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ સિવાય મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના લોકો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

તામિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને મૃતકોના પરિવાર માટે પાંચ લાખ રૂપિયા અને ઘાયલો માટે એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

સાથે જ ભારતીય રેલવે દ્વારા લોકોની મદદ માટે કેટલાક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

વિદેશથી આવેલી પ્રતિક્રિયાઓ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, "આ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનારા લોકો પ્રત્યે અમારી સંવેદના. આ શોકના સમયમાં સમગ્ર અમેરિકાના લોકો ભારતના લોકો સાથે છે."

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું, "ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાના અહેવાલો અને દૃશ્યો જોઈને મારું દિલ તૂટી ગયું. આ કપરા સમયમાં કૅનેડાના લોકો ભારત સાથે છે."

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું, "ભારતમાં ટ્રેન દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા એ જાણીને દુખ થયું. પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલદી સાજા થાય તેવી દુઆ કરું છું."

જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું, "હું જાપાન અને તેના લોકો તરફથી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માગું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલદી સાજા થઈ જાય."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો