You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓડિશા ટ્રેન દુર્ઘટના : અકસ્માતો 'શૂન્ય' કરવાનાં ભારતીય રેલવેનાં વાયદાનું શું થયું?
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લા 15 વર્ષમાં 10 રેલવેમંત્રી બદલાયા, પરંતુ રેલ દુર્ઘટનાઓ બદલાઈ નથી. રેલવેમંત્રીથી લઈને અધિકારીઓ સુધી તમામ લોકો 'ઝીરો ટૉલરન્સ'ની વાત કરે છે. છેલ્લા બે દાયકાથી રેલ દુર્ઘટનાઓ રોકવા માટે ઘણી ટેકનૉલૉજી પર વિચાર જરૂર થયો, પરંતુ આજે પણ એક એવી ટેકનૉલૉજીની રાહ જોવાઈ રહી છે જે રેલ દુર્ઘટનાની સંખ્યા ઘટાડી શકે.
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ગયા વર્ષે એટલે કે માર્ચ 2022માં સિકંદરાબાદ પાસે 'કવચ' ના ટ્રાયલમાં હાજર રહ્યા હતા. તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે કવચ ભારતીય રેલવેમાં દુર્ઘટના રોકવા માટે સસ્તી અને વધુ સારી ટેકનૉલૉજી છે.
શું છે કવચ?
'કવચ' સ્વદેશી ટેક્નોલોજી છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ ટેકનૉલૉજીને ભારતીય રેલવેના તમામ વ્યસ્ત રૂટ્સ પર લગાવવામાં આવશે, જેથી રેલ દુર્ઘટનાઓ રોકી શકાય.
પરંતુ આ તમામ દાવા બાદ પણ રેલ દુર્ઘટનાઓ પર રોક લગાવી શકાઈ નથી. એટલું જ નહીં રેલવેમંત્રીના દાવા બાદ પણ શુક્રવારે સાંજે ઓડિશામાં ભારતીય રેલવેના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક સર્જાઈ.
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધી 288 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. સૌથી મોટી વાત એ છે કે જે પ્રકારની દુર્ઘટના રોકવા માટે 'કવચ' વિકસિત કરવામાં આવ્યું હતું, ઓડિશાની દુર્ઘટના આબેહૂબ એ જ પ્રકારની હતી.
તેમાં સૌથી પહેલા કોરોમંડલ એક્સ્પ્રેસ ટ્રેને બાહનગા સ્ટેશન પર ઊભેલી એક માલગાડીને ટક્કર મારી. આ ટક્કર બાદ કોરોમંડલ એક્સ્પ્રેસના ઓછામાં ઓછા 12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા.
વરિષ્ઠ પત્રકાર અને વર્ષોથી રેલવેનું રિપોર્ટિંગ કરનારા અરુણ દીક્ષિત કહે છે, "રેલવેમંત્રીએ કહ્યું હતું કે કવચની મદદથી 400 મીટરના અંતરે જ ટ્રેનોને રોકી શકાય છે. તેમણે જણાવવું જોઈએ કે એ ટેકનૉલૉજી ક્યાં છે. આ ભીષણ દુર્ઘટના સર્જાઈ કેવી રીતે?"
કંઈક આવા જ આરોપ પૂર્વ રેલવે રાજ્ય મંત્રી અને લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લગાવ્યા. તેમનું કહેવું છે, "હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે જે 'બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર' છે, તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. રેલવેમાં થતી બેદરકારીનું પરિણામ સમગ્ર દેશે ભોગવવું પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માનું આ મુદ્દે કહેવું છે કે ઓડિશામાં જ્યાં આ દુર્ઘટના સર્જાઈ ત્યાં 'કવચ' લગાવેલું નહોતું.
હકીકતમાં ભારતીય રેલવે દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકાતા રૂટ પર ટ્રેનોની સ્પીડ વધારવાની યોજના પર કરી રહ્યું છે અને આ રૂટ્સ પર સૌથી પહેલા ટેકનૉલૉજીને વધુ યોગ્ય કરવાની વાત થઈ રહી છે.
આ દુર્ઘટના બાદ પૂર્વ રેલવેમંત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આ રૂટ પર 'ઍન્ટી કોલિઝન ડિવાઇસ' લાગેલું હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત.
ઍન્ટિ કોલિઝન ડિવાઇસ
મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ રેલવેમંત્રી હતાં ત્યારે ટ્રેનો અથડાવાની ઘટનાઓ રોકવા પર કામ કરી રહ્યા હતા.
ભારતમાં બે ટ્રેનો આમનેસામને અથડાવાની ઘટનાને ગંભીરતાથી લેવાનું 1999માં થયેલી ગૈસલ ટ્રેન દુર્ઘટના બાદ શરૂ થયું હતું.
આ દુર્ઘટનામાં અવધ-આસામ એક્સ્પ્રેસ અને બ્રહ્મપુત્ર મેલ ટ્રેન સામસામે અથડાઈ હતી. જેમાં 300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ત્યાર પછી ભારતીય રેલવેના કોંકણ ડિવિઝને 'ઍન્ટી કોલિઝન ડિવાઇસ' એટલે કે એસીડીની ટેકનૉલૉજી પર કામ શરૂ કર્યું હતું.
તેમાં ટ્રેનોમાં જીપીએસ આધારિક ટેકનૉલૉજીનો ઉપયોગ થવાનો હતો. જેનાથી બે ટ્રેન એક જ ટ્રૅક પર એક-બીજાની નજીક આવી જાય તો સિગ્નલ અને હૂટર દ્વારા તેની જાણકારી ટ્રેનના પાયલટને સૌથી પહેલા મળી જાય.
આ ટેકનૉલૉજીમાં શરૂઆતમાં જોવા મળ્યું કે બીજા ટ્રૅક પર પણ જો ટ્રેન આવતી હોય તો સિગ્નલ આવવા લાગતું હતું. રેલવેએ પછી 'વિજિલન્સ કંટ્રોલ ડિવાઇસ' વિકસિત કરીને દુર્ઘટનાની સંખ્યા ઓછી કરવા પર વિચાર કર્યો.
ત્યાર પછી ટ્રેનોની ટક્કરને રોકવા માટે ટ્રેન પ્રોટૅક્શન વૉર્નિંગ સિસ્ટમ અને કોલિઝન અવૉઇડન્સ સિસ્ટમ પર પણ વિચારવિમર્શ થયા.
આ પ્રકારની ટેકનૉલૉજી વિદેશમાંથી ખરીદવી ઘણી મોંઘી સાબિત થઈ શકે તેમ હતી. એટલે રેલવેએ ખુદ આ ટેકનૉલૉજી વિકસાવવા પર ભાર મૂક્યો અને એવી જ રીતે અસ્તિત્વમાં આવ્યું 'કવચ'.
રેલ દુર્ઘટના શૂન્ય કરવાનો દાવો
ભારતીય રેલવે અવારનવાર 'ઝીરો ટૉલરન્સ ટુવાર્ડ્ઝ ઍક્સિડન્ટ'ની વાત કરે છે. એટલે કે રેલવેમાં એક પણ ઍક્સિડન્ટ સહન કરી લેવાશે નહીં.
સામાન્ય રીતે આ મુદ્દો દરેક રેલવેમંત્રીની પ્રાથમિકતામાં હોય છે. પરંતુ છેલ્લાં 15 વર્ષમાં 10થી વધુ રેલવેમંત્રી બદલાયા બાદ પણ ભારતમાં રેલ દુર્ઘટના રોકાતી નથી.
દુર્ઘટનાની દૃષ્ટિએ ભારતમાં પાછળની સરકારોનો રૅકોર્ડ પણ ખરાબ રહ્યો છે અને હાલની સરકારમાં પણ ઘણી રેલ દુર્ઘટનાઓ સર્જાઈ છે.
રેલવેમાં ઘણી દુર્ઘટના એવી પણ હોય છે કે જેની ચર્ચા સુદ્ધા થતી નથી.
ઑલ ઇન્ડિયા રેલવેમૅન્સ ફૅડરેશનના મહા મંત્રી શિવ ગોપાલ મિશ્રા કહે છે, "દર વર્ષે આશરે 500 રેલવે કર્મચારી ટ્રૅક પર કામ કરતી વખતે માર્યા જાય છે. એટલું જ નહીં મુંબઈમાં રોજ ઘણા લોકો પાટા ઓળંગતી વખતે માર્યા જાય છે. રેલવેની પ્રાથમિકતા ટ્રેનોની સ્પીડ વધારવાની નહીં પરંતુ સુરક્ષા હોવી જોઈએ."
વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત કહે છે, "રેલવેમાં ટ્રેન દુર્ઘટનાને રાકવાની વાત દાયકાઓથી ચાલતી આવે છે, પરંતુ થતું કંઈ નથી. એમ લાગે છે કે કોઈ સરકાર તેને લઈને ગંભીર નથી અને તેના પર ખર્ચ કરવા માગતી નથી."
મોદી સરકાર દરમિયાન થયેલી મોટી ટ્રેન દુર્ઘટના
13 જાન્યુઆરી 2022: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રાજસ્થાનના બિકાનેરથી આસામના ગુવાહાટી તરફ જઈ રહેલી ગુવાહાટી એક્સ્પ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. જેમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
19 ઓગસ્ટ 2017: ઉત્તર પ્રદેશના ખતૌલીમાં ઉત્કલ એક્સ્પ્રેસ ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. એ જગ્યાએ રેલવેટ્રૅકને કાઢીને સમારકામ ચાલી રહ્યું હતું. દુર્ઘટનામાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માત બાદ સુરેશ પ્રભુએ રેલવેમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
22 જાન્યુઆરી 2017: આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં હીરાખંડ એક્સ્પ્રેસ ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઊતરતાં આશરે 40 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
20 નવેમ્બર 2016: કાનપુર પાસે પુખરાયાંમાં પટના-ઇન્દોર એક્સ્પ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઊતરી જતા આશરે 150 લોકો માર્યા ગયા હતા.
20 માર્ચ 2015: દેહરાદૂન-વારાણસી જનતા એક્સ્પ્રેસ પાટા પરથી ઊતરી ગઈ. દુર્ઘટનામાં 35 લોકો માર્યા ગયા હતા.
24 જુલાઈ 2014: હૈદરાબાદ પાસે એક રેલવે ફાટક પર સ્કૂલ-બસ અને ટ્રેન વચ્ચેની ટક્કરમાં સ્કૂલમાં ભણતાં 15 બાળકોનાં મૃત્યુ થયાં હતાં.
26 મે 2014: ઉત્તર પ્રદેશમાં સંત કબીર નગર જિલ્લાના ચુરેબ રેલવેસ્ટેશન પાસે ગોરખધામ એક્સ્પ્રેસના છ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા અને ટ્રેન માલગાડી સાથે અથડાતાં 25થી વધુ મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં.