ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘ભાનમાં આવ્યો ત્યારે હું કાટમાળની નીચે હતો’: કોઈ પથારીવશ છે તો કોઈ શબગૃહમાં સ્વજનોને શોધી રહ્યા છે

    • લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
    • પદ, બીબીસી સંવાદદાતા, બાલાસોર (ઓડિશા)થી

ઓડિશામાં બાલાસોરની જિલ્લા હૉસ્પિટલમાં શનિવારે બપોરે જ્યારે હું દાખલ થયો, ત્યારે મેં લોકોને પૂછ્યું કે હૉસ્પિટલનું શબગૃહ ક્યાં છે?

જ્યારે હું શબગૃહ તરફ જઈ રહ્યો હતો, ત્યારે હું પુરુષો, મહિલાઓ અને યુવાઓના ચહેરા જોઈ શકતો હતો, જે શબગૃહની અંદરથી અવાજ આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.

તેમાંથી કેટલાક લોકો મૃતકોની ઓળખ કરવા, તો કેટલાક લોકો મૃતદેહને ઘરે લઈ જવા આવ્યા હતા.

લોકો એક એવા અવાજની રાહ જોઈ રહ્યા હતા, જેને તેઓ સાંભળવા માગતા નહોતા, પરંતુ તેઓ જાણતા હતા કે તેને ટાળી પણ શકાશે નહીં.

સંતોષકુમાર સાહુ માટે શુક્રવારની રાત્રે આવેલો એક ફોન અણધાર્યો હતો. આ ફોન તેમની સાસરીમાંથી આવ્યો હતો.

તેમને સમાચાર મળ્યા હતા કે, તેમના સંબંધી એ જ બદકિસ્મત શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ ઍક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જે માલગાડી સાથે અથડાઈ હતી. આ દેશની સૌથી ભયાનક રેલ દુર્ઘટનામાંથી એક છે.

'ન મળ્યું કોઈ વાહન'

ત્રણ ટ્રેનની અથડામણને કારણે આ ભીષણ દુર્ઘટના ઘટી હતી, જેમાં અત્યાર સુધી 275 લોકોનાં મૃત્યુ થવાની પુષ્ટિ થઈ છે.

સાહુ કહે છે કે, "મારાં પત્નીનાં ભાઈ બાલાસોરમાં કામ કરતા હતા અને દર વિકેન્ડે જયપુરમાં તેમના ઘરે પત્ની અને બે પુત્રોને મળવા આવતા હતા. આ તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી આવું કરી રહ્યા હતા."

સાહુ શુક્રવારની રાત્રે બાલાસોર જિલ્લા હૉસ્પિટલ પહોંચવા માગતા હતા, પરંતુ તેમને ત્યાં જવા માટે કોઈ ટ્રાન્સપોર્ટની સુવિધા મળી નહીં. તેમને શનિવારે સવારે એક કાર મળી, જેની મદદથી તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તેઓ તેમના સંબંધીનો મૃતદેહ લેવા માટે શબગૃહની બહાર ઊભા હતા.

જોકે આશિષને ટ્રાન્સપોર્ટને લઈને કોઈ મુશ્કેલી પડી ન હતી. તેઓ શુક્રવારની રાત્રે આઠ વાગ્યે જ હૉસ્પિટલ પહોંચી ગયા હતા, કારણ કે તેઓ હૉસ્પિટલની નજકની હૉસ્ટેલમાં રહેતા હતા.

સાહુની જેમ આશિષને પણ હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો, પરંતુ તેમને ફોન આવવાનું કારણ અલગ હતું.

'વૉર્ડ સુધી પહોંચવું મુશ્કેલ હતું'

શુક્રવારની સાંજે જ આશિષ અને 100થી વધુ અન્ય મેડિકલના વિદ્યાર્થીઓને ઇમરજન્સીમાં હૉસ્પિટલ બોલાવી લેવામાં આવ્યા હતા.

બાલાસોર હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડની સામે અમે મેડિકલના વિદ્યાર્થી આશિષ સાથે વાત કરી રહ્યા હતા.

તેઓ કહે છે કે, "તમે વિચારી પણ નહીં શકતા કે 24 કલાકની અંદર આ જગ્યા કેવી થઈ ગઈ છે. અમે વોર્ડ તરફ જઈ પણ શકતા નહોતા, કારણ કે ત્યાં ઘણા ઇજાગ્રસ્તો હતા."

"હું એક ઇજાગ્રસ્તની સારવાર કરી રહ્યો હતો, ત્યારે તરતજ અન્ય દરદીનો પણ અવાજ આવતો હતો."

"તમામ વિદ્યાર્થીઓને ગ્રૂપમાં અલગ-અલગ વિભાગોના સીનિયર ડૉક્ટરની મદદમાં લગાવી દેવામાં આવ્યા હતા."

પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની, ડૉક્ટર, નર્સ, વૉલિન્ટિયર્સ, જે પણ ઉપલબ્ધ હતા, તેમને ફોન કરીને અથવા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બોલાવી લેવામાં આવ્યા હતા.

બાલાસોર ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ, એક જિલ્લા હૉસ્પિટલ છે, જેથી તેમની પાસે ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આવી સ્થિતિમાં તેમની પાસે મોટી સંખ્યામાં દરદીને પણ સંભાળવાની તાકાત નથી.

વૉર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.

ટ્રેન દુર્ઘટનાના પીડિત લોકો જમીન પર પડ્યા હતા. તેમાંથી કેટલાક લોકો બેભાન હતા, તો કેટલાક લોકો ભાનમાં હતા. જે લોકો ભાનમાં હતા, તેમને ખૂબ પીડા થતી હતી.

4 જૂન 2023 બપોર સુધી કેવી રીતે ચાલ્યું બચાવકાર્ય

  • દુર્ઘટનાસ્થળેથી તમામ ઈજાગ્રસ્તો અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.
  • એનડીઆરએફની નવ ટીમ, ઓડીઆરએફની પાંચ ટીમ, ફાયર સર્વિસની 24 ટીમ બચાવકાર્યમાં જોડાયેલી છે.
  • રાત્રે કામ અટકે નહીં તે માટે ટાવર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી.
  • જરૂરી દવાઓ સાથે 100 મેડિકલ અને પૅરા-મેડિકલ ટીમો ઘટનાસ્થળે હાજર છે.
  • મૃતકો અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવા માટે 200 ઍમ્બ્યુલન્સને કામે લગાડાઈ છે.
  • અલગ-અલગ સ્ટેશનો પર ફસાયેલા લોકો માટે ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ફસાયેલા લોકોની મદદ માટે 30 બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • 1175 ઇજાગ્રસ્તોને સોરો, બાલાસોર, ભદ્રક અને કટકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં તેમની મફત સારવાર કરવામાં આવી રહી છે.

'ભાનમાં આવ્યો ત્યારે હું કાટમાળ નીચે હતો'

જયારે હું હૉસ્પિટલમાં વૉર્ડમાં પહોંચ્યો ત્યારે અમારી મુલાકાત ઋત્વિક પાત્રા સાથે થઈ હતી. તેઓ દુર્ઘટનાગ્રસ્ત શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ ઍક્સપ્રેસથી ચેન્નઈ જઈ રહ્યા હતા.

પલંગ પર સૂઈ રહેલા ઋત્વિકના માથા પર લોહીથી લથપથ પટ્ટી અને પગમાં પ્લાસ્ટર થયું હતું. તેઓ પલંગ પર હતા, પણ અન્ય પીડિત જમીન પર પડ્યા હતા.

પાત્રા કહે છે કે, "હું માત્ર યાદ કરી શકતો હતો કે એક મોટો ધમાકો થયો અને અમે પલટી ગયા. જોકે હું ભાનમાં હતો."

"હું કાટમાળ નીચે દબાઈ ગયો હતો. કાટમાળ નીચે મારા જેવા ઘણા લોકો હતા."

ઋત્વિક પાત્રા દક્ષિણ ભારતની મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પંકજ પાસવાન, દક્ષિણ ભારથી તેમના ઘરે બિહાર જઈ રહ્યા હતા.

યશવંતપુર-હાવડા ઍક્સપ્રેસમાં પંકજ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "મને યાદ નથી કે શું થયું. હું કાટામાળમાંથી બહાર આવ્યો. ત્યારબાદ મેં સાંભળ્યું કે અમારી ટ્રેન માલગાડી સાથે અથડાઈ ગઈ છે."

અમને માહિતી મળી હતી કે કોરોમંડલ ઍક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બા અનારક્ષિત હતા. જ્યારે કોઈ વ્યક્તિને ઑન સ્પૉટ કોઈ જગ્યાની મુસાફરી કરવી હોય, ત્યારે તેમને આજ પ્રકારની અનારક્ષિત ડબ્બામાં જગ્યા મળે છે.

સામાન્ય લોકોએ પણ કરી મદદ

આ કોચમાં મુસાફરી કરનારાઓનાં નામ અને તેમની માહિતી રેલવેના રેકૉર્ડમાં નોંધવામાં આવતી નથી. આ મુખ્ય કારણ છે કે 160થી વધુ અજાણ્યા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

દુર્ઘટના સમયે ઘટનાઓનો ક્રમ જે પણ રહ્યો હોય, પરંતુ બધાને ખાતરી હતી કે બાલાસોર જિલ્લા હૉસ્પિટલમાં આટલા દરદીની સંભાળ રાખવા માટે બુનિયાદી ઢાંચો નથી.

આવામાં પીડિતોને મોટી અને શ્રેષ્ઠ સુવિધાવાળી હૉસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એનજીઓ કાર્યકર્તા સમીર જઠાનિયા શુક્રવારે ટ્રેન દુર્ઘટના બાદથી હૉસ્પિટલમાં દરદીઓની મદદ કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, "ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દરદીને શિફ્ટ કરવાનો નિર્ણય ઘણો સારો છે. આ હૉસ્પિટલમાં આટલા દરદીઓની સેવા કરવા માટે બુનિયાદી ઢાંચો નથી."

જઠાનિયાએ કહ્યું કે, "અમને દુર્ઘટના વિશે જેવી ખબર પડી, ત્યારે સામાન્ય લોકો મદદ માટે આવી પહોંચ્યા હતા."

"શરૂઆતમાં બધી બાજુ અફરા-તફરી મચેલી હતી. એક પછી એક ઍમ્બ્યુલન્સ દરદીને લઈને જઈ રહી હતી. પીડિતોના સંબંધીઓ આમ-તેમ ભાગી રહ્યા હતા."

"ટૂંક સમયમાં જ મદદ માટે વૉલન્ટિયર આવી ગયા હતા. તેમણે ઇજાગ્રસ્તોને ખાવાનો સામાન અને પાણી આપવાનું શરૂ કરી દીધું હતું."

"અમે દવા આપવાનું કામ કરી રહ્યા હતા. લગભગ 300 લોકો રક્તદાન માટે લાઈનમાં ઊભા હતા."

શનિવારે સનવારે ત્રણ વાગ્યા સુધી દરદીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવાનું કામ શરૂ થઈ ગયું હતું.

મેડિકલના વિદ્યાર્થી આશિષ અને એનજીઓ કાર્યકર્તા સમીર જઠાનિયાએ કહ્યું કે ઇજાગ્રસ્તોને કટક, ભુવનેશ્વર અને કોલકાતા મોકલવાનો નિર્ણય સારો હતો, કારણ કે આ હૉસ્પિટલમાં સારવાર શક્ય ન હતી.

જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દરદીઓને શ્રેષ્ઠ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ વીવીઆઈપી લોકોનો આવવાનો સિલસિલો બંધ થવાનું નામ લેતો નહતો.