You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓડિશા ટ્રેન દુર્ઘટના : "જલદી પાછા આવવાનો વાયદો કર્યો હતો, પરંતુ એ આ રીતે પાછો આવશે, તે નહોતું ધાર્યું" મૃતકના પિતાનો વલોપાત
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, બીબીસી માટે કોલકાતાથી
શફીકે સાંજે લગભગ સાડા છ વાગ્યે જ ટ્રેનમાંથી વીડિયો કૉલ કરીને બધા સાથે વાત કરી હતી. એ આ વખતે જવા નહોતો ઇચ્છતો. ફોન પર તેણે કહ્યું હતું કે એ કામ પતાવીને જલદી હંમેશાં માટે ઘરે પાછો આવી જશે. ત્યારે અમે કલ્પના પણ નહોતી કરી કે અમારી તેની સાથેની એ વાતચીત અંતિમ વાતચીત છે.
આમ કહેતા શફીકના પિતા હમીરૂલનાં ગળામાં ડૂમો ભરાઈ ગયો.
તેઓ કહે છે, “ટ્રેન દુર્ઘટના પછી તેના એક મિત્રએ ફોન પર તેની માહિતી આપી. આ સમાચાર સાંભળ્યા પછી અમે જાણે સુન્ન થઈ ગયા. પરિવારના એકમાત્ર કમાઉ સભ્યના સમાચાર સાંભળીને અમારી આંખો સામે અંધકાર છવાઈ ગયો છે.”
પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં રહેનારા શફીક કાઝી આજીવિકા માટે એક રાજ મિસ્ત્રી સાથે ચેન્નઈ જઈ રહ્યા હતા.
તેમના મૃત્યુ બાદ ઘરમાં જ નહીં આખા ગામમાં શોકનું વાતાવરણ છે. પરિવારજનો હવે તેમનો મૃતદેહ તેમના ગામ પહોંચે તેની રાહ જોઈ રહ્યા છે.
તેમના પિતા હમીરૂલ કહે છે, “શફીકે જલદી પાછા આવી જવાનો વાયદો જરૂર કર્યો હતો. પરંતુ એ આટલી જલદી અને આ સ્થિતિમાં પહોંચશે, તેની અમે કલ્પના પણ નહોતી કરી.”
તેઓ બેરોજગારીના મુદ્દાની તરફ ઇશારો કરે છે અને સવાલ કરે છે, “જો અહીં રોજગારી હોત તો મારો દીકરો ઘરબાર છોડીને આટલી દૂર કેમ ગયો હોત?”
કોરોમંડલ એક્સ્પ્રેસ : શ્રમજીવીઓની પસંદગીની ટ્રેન
કોલકાતાના શાલિમાર સ્ટેશનથી ચેન્નઈ વચ્ચે દોડતી કોરોમંડલ એક્સ્પ્રેસ, રોજગારીની શોધમાં દર મહિને મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય રાજ્યો તરફ જતા બંગાળના મજૂરો, અને સારવાર માટે વેલ્લોર સહિત અન્ય હૉસ્પિટલોમાં જનારા દર્દીઓ અને તેમના પરિવારજનોની પસંદગીની ટ્રેન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનું કારણ એ છે કે આ ટ્રેન કોલકાતાથી ચેન્નઈ સુધીનુ અંતર આ રૂટ પર ચાલનારા ચેન્નઈ મેલની સરખામણીએ ખૂબ ઓછો સમય લે છે.
પહેલાં આ ટ્રેન હાવડાથી જ રવાના થતી હતી. પરંતુ ગયા વર્ષે જાન્યુઆરીથી એ કોલકાતાના જ શાલિમાર સ્ટેશનથી રવાના થાય છે.
શફીકના પિતા ખૂબ મુશ્કેલીથી અમારી સાથે વાત કરી શકે છે. પત્ની અને મા તો વાત કરવાની સ્થિતિમાં જ નથી.
દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બાસંતી વિસ્તારના વધુ પાંચ લોકો પણ આ જ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં છે. તેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો નિશિકાંત ગાએન, દિવાકર ગાએન અને હારાન ગાએન સામેલ છે.
આ લોકો અનાજના ખેતરોમાં મજૂરી કરવા માટે મધ્ય પ્રદેશ જઈ રહ્યા હતા. અગાઉ પણ એ ત્રણેય ત્યાં જતા હતાં. પરંતુ આ વખતની મુસાફરી તેમની અંતિમ મુસાફરી સાબિત થઈ.
આ ત્રણ ભાઈઓ સિવાય આ વિસ્તારના વિકાસ હાલદાર અને સંજય હાલદારનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ છે.
'પરિવારમાં કોઈ જમ્યું નથી. રોઈ રોઈને સહુની હાલત ખરાબ'
આ જ ગામના 41 વર્ષના સંચિત સરદારની હજી સુધી કોઈ ભાળ મળી શકી નથી.
તેમના ભાઈ રૂપમ કહે છે, “કાલે દુર્ઘટનાના સમાચાર ટીવી પર જોયા પછી હું તેમને સતત ફોન કરી રહ્યો છું. પરંતુ ફોન બંધ આવે છે. ગામના કેટલાક લોકો ઘટનાસ્થળે ગયા છે. હું બીમારીને લીધે નથી જઈ શક્યો. કાલ રાતથી જ પરિવારના કોઈ સભ્ય જમ્યા નથી. રોઈ રોઈને સહુની હાલત ખરાબ થઈ ગઈ છે.”
બર્દવાનના મંગલકોટના શ્રમજીવી મોહમ્મદ અલી શેખની પણ દુર્ઘટનાની રાત પછી કોઈ ભાળ મળી નથી.
તેમની સાથે જનારા આ જ ગામના અહમદ શેખ ઘાયલ છે અને બાલાસોર હૉસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
માલદાના માલતીપાડાના અશરફૂલ આલમના પરિવારમાં માતા-પિતા અને પત્ની ઉપરાંત છ વર્ષનો પુત્ર અને એક વર્ષની દીકરી સામેલ છે.
આલમનું મૃત્યુ પરિવાર માટે કોઈ વજ્રપાતથી ઓછો આઘાત નથી.
અશરફૂલ આલમના કાકા મોહમ્મદ અશરફ કહે છે, “દુર્ઘટનાની રાતથી જ ઘરમાં શોક ફેલાઈ ગયો છે. કોઈના ગળેથી અન્નનો એક દાણો પેટમાં નથી ઊતર્યો. અશરફ કેટલાંક વર્ષ સુધી ત્યાં આજીવિકા કમાઈને ગામમાં ખેતર ખરીદીને ખેતી કરવા માગતો હતો. પરંતુ ઉપરવાળાને કંઈ બીજું જ મંજૂર હતું.”
શુક્રવાર મોડી રાતથી દુર્ઘટનાની જાણ થયા બાદ જ ગામમાં શોકની ઊંડી કાલિમા ફેલાઈ ગઈ છે.
હવે લોકોને મૃતદેહ ગામ પહોંચવાની રાહ છે. આલમ જ પરિવારના એકમાત્ર કમાઉ સભ્યા હતા. તેઓ કોઇમ્બતુરમાં માર્બલના કારીગર તરીકે કામ કરતા હતા.