હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ IPL નો સૌથી મોટો સ્કોર બનાવનાર હૈદરાબાદની ટીમ સામે કેવી રીતે લાચાર થઈ ગઈ?

હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય તેમને ભારે પડ્યો.

સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બૅટિંગ કરતા હેડ, ક્લાસેન અને અભિષેક શર્માની આક્રમક બૅટિંગ થકી રેકૉર્ડ 277 રન ફટકાર્યા હતા.

આ પહેલાં આઈપીએલમાં સૌથી વધુ 263 રન ફટકારવાનો રેકૉર્ડ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોરના નામે હતો.

મુંબઈ ઇન્ડિયન્સે પણ આ રેકૉર્ડ ટાર્ગેટનો પીછો કરતા આક્રમક શરૂઆત કરી હતી. તેમ છતાં 20 ઑવરના અંતે મુંબઈ પાંચ વિકેટ ગુમાવીને 246 રન બનાવી શકી અને 31 રનથી ટીમનો પરાજય થયો.

મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડયાનું પ્રદર્શન આશા પ્રમાણે ન રહ્યું અને તેઓ 20 બૉલમાં માત્ર 24 રન બનાવી શક્યા જ્યારે બૉલિંગમા તેમણે પોતાની ચાર ઑવરમાં 46 રન આપીને માત્ર એક વિકેટ ઝડપી.

સનરાઇઝર્સની આક્રમક શરૂઆત

સનરાઇઝર્સના ઓપનિંગ બૅટ્સમૅન ટ્રાવિસ હેડે પાવરપ્લેની અંદર જ પોતાની અડધી સદી માત્ર 18 બૉલમાં ફટકારી હતી. જે સનરાઇઝર્સના કોઈ પણ બૅટ્સમૅન તરફથી સૌથી ઓછા બૉલમાં ફટકારવામાં આવેલી અડધી સદી હતી. જોકે, તેમનો આ રેકૉર્ડ લાંબો સમય ટકી ન શક્યો.

આમ પાવરપ્લેના અંતે સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર એક જ વિકેટ ગુમાવીને 81 રન કર્યા હતા.

હેડે માત્ર 24 બૉલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 258.33ના સ્ટ્રાઇક રેટ સાથે 62 રન ફટકાર્યા હતા.

મયંક અગ્રવાલની વિકેટ ગયા પછી ક્રીઝ પર આવેલા અભિષેક શર્માનો આક્રમક અંદાજ કંઈક અલગ જ હતો તેમણે ટ્રાવિસ હેડની સનરાઇઝર્સ તરફથી ફટકારેલી સૌથી ઝડપી અડધી સદીનો રેકૉર્ડ આ જ મૅચમાં પોતાના નામે કર્યો. તેમણે પોતાની અડધી સદી માત્ર 16 બૉલમાં જ ફટકારી હતી.

પીયૂષ ચાવલા સામે પોતાની વિકેટ ગુમાવતા પહેલા અભિષેક શર્માએ 23 બૉલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 273.91ની સ્ટ્રાઈક રેટ સાથે 63 રન ફટકાર્યા હતા.

હેનરી ક્લાસેનનો ઝંઝાવાતી ફિનિશિંગ ટચ

ટ્રાવિસ હેડ અને અભિષેક શર્માની વિકેટ જતા મુંબઈ ઇન્ડિયસે રાહતનો શ્વાસ લીધો જ હતો ત્યાં હેનરી ક્લાસેન પોતાની ઝંઝાવાતી બૅટિંગ વડે ઉપ્પલ સ્ટેડિયમમાં છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો.

કલાસેન જ્યારે બૅટિંગ માટે આવ્યા ત્યારે સનરાઇઝર્સનો સ્કોર 11 ઓવરના અંતે ત્રણ વિકેટે 161 રન હતો. ટીમે અંતિમ નવ ઓવરમાં 12.88ના રન રેટથી 116 રન બનાવ્યા જેમાંથી ક્લાસેને એકલાંએ 80 રન કર્યા.

ક્લાસેન અને ડેવિડ મિલરે ચોથી વિકેટ માટે 116 રનની ભાગેદારી નોંધાવી. ડેવિડ મિલરે 28 બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 150ની સ્ટ્રાઇક રેટ સાથે 42 રન નાબાદ કર્યા.

હેનરી ક્લાસેને પોતાની 34 બૉલની તોફાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 235.29ની સ્ટ્રાઇક રેટ સાથે નાબાદ 80 રન ફટકાર્યા.

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી હાર્દિક પંડયા, કોટ્ઝે અને પીયૂષ ચાવલાને એક-એક વિકેટ મળી.

જોકે, જસપ્રીત બુમરાહ મુંબઈ તરફથી સૌથી ઓછા ખર્ચાળ બૉલર સાબિત થયા અને તેમને પોતાની ચાર ઓવરમાં માત્ર 36 રન આપ્યા. જોકે, તેમને આ મૅચમાં કોઈ સફળતા ન મળી.

મુંબઈ ઇન્ડિયનસની લડત

આઈપીએલમાં રેકૉર્ડ ટાર્ગેટ પૂરો કરવા ઊતરેલી મુંબઈ ઇન્ડિયન્સે પણ આક્રમક શરૂઆત કરી હતી.

મુંબઈ ઇન્ડિયન્સે 50નો સ્કોર પાવરપ્લેની પહેલી ત્રણ ઓવરમાં જ પાર કરી લીધો હતો. જોકે, આક્રમક બૅટિંગ કરી રહેલા યુવા બૅટ્સમૅન ઈશાન કિશન શૉટ મારવા જતા ચોથી ઓવરના પહેલા બૉલ પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠા. તેમણે 13 બૉલની આક્રમક ઇનિંગમાં બે છગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 34 રન ફટકાર્યા.

મુંબઈ તરફથી પોતાની 200મી મૅચ રમી રહેલા રોહિત શર્મા પણ આક્રમક બૅટિંગ કરતા જોવા મડ્યા પરંતુ તે એક લાંબી ઇનિંગ રમી ન શક્યા અને માત્ર 12 બૉલમાં 26 રન કરીને સનરાઇઝર્સના કૅપ્ટન પેટ કમિન્સના શિકાર બન્યા.

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સૌથી વધારે રન મિડલ ઑર્ડર બૅટ્સમૅન તિલક વર્માએ ફટકાર્યા. તેમણે 34 બૉલમાં બે ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 188.24ની સ્ટ્રાઇક રેટથી 64 રન ફટકારીને મુંબઈની જીતની આશા જીવંત રાખી. જ્યારે ટીમ ડેવિડે પણ 22 બૉલમાં નાબાદ 42 રન ફટકાર્યા.

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી તેમના કૅપ્ટન હાર્દિક પંડ્યા બૅટિંગમા કંઈ ખાસ કમાલ ન કરી શક્યા. તેમણી ટીમ 278 રનના ટારગેટનો પીછો કરી રહી હતી પરંતુ તેમણે 20 બૉલમાં માત્ર 120ની સ્ટ્રાઇક રેટથી 24 રન જ કર્યા.

સનરાઇઝર્સ તરફથી પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટને બે-બે વિકેટો મળી જ્યારે શાહબાઝ અહેમદે એક વિકેટ ઝડપી હતી.

મૅન ઑફ ધી મૅચ અભિષેક શર્મા

હૈદરાબાદ તરફથી મૅન ઑફ ધી મૅચ રહેલા અભિષેક શર્માએ 23 બૉલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 273.91ની સ્ટ્રાઇક રેટ સાથે 63 રન ફટકાર્યા હતા.

તેમણે ઍવૉર્ડ સ્વીકારતી વખતે કહ્યું, "મેં પહેલાં પણ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મારા સારા ફૉર્મને કારણે મારામાં આત્મવિશ્વાસ સારો હતો. મને કહેવામાં આવ્યું હતું કે ક્રીઝ પર જઈને તમારા અંદાજ પ્રમાણે જ રમો."

"આ જ કારણે નબળો બૉલ મળતાની સાથે જ મેં મારા શૉટ્સ રમ્યા. ગઈ કાલે રાત્રે મેં બ્રાયન લારા સાથે પણ વાત કરી હતી જેનો મને ઘણો લાભ થયો. હું નેટ્સમાં બૉલિંગ પણ કરું છું. મને જ્યારે પણ મોકો મળશે હું બૉલિંગમાં પણ સારું પ્રદર્શન કરવાની કોશિશ કરીશ."