સ્વોર્ન વર્જિન : એ પ્રથા જેમાં મહિલાઓ આજીવન કુંવારી રહે છે અને પુરુષોની જેમ જીવન જીવે છે

લોકો દુનીના હુલામણા નામથી બોલાવે છે તે જીસ્ટિના ગ્રીશા બાલ્કન્સનાં 12 "સ્વોર્ન વર્જિન્સ"(શપથ લીધેલી કુમારિકાઓ) પૈકીનાં એક છે.

ઇમેજ સ્રોત, BBC/DERRICK EVANS

ઇમેજ કૅપ્શન, લોકો દુનીના હુલામણા નામથી બોલાવે છે તે જીસ્ટિના ગ્રીશા બાલ્કન્સનાં 12 "સ્વોર્ન વર્જિન્સ"(શપથ લીધેલી કુમારિકાઓ) પૈકીનાં એક છે.
    • લેેખક, તુઇ મેકલીન
    • પદ, બીબીસી 100 વુમન

વિશ્વમાં માત્ર એક ડઝન ‘સ્વોર્ન વર્જિન્સ’ (શપથ લીધેલી કુમારિકાઓ) બચી છે. સ્વોર્ન વર્જિન એક પ્રાચીન બાલ્કન પરંપરા છે જેમાં સ્ત્રીઓ પુરુષોની જેમ જીવે છે.

જીસ્ટિના ગ્રીશજ કહે છે, "આલ્બેનિયા પુરુષોનો દેશ હતો, તેમાં ટકી રહેવાનો એકમાત્ર રસ્તો એકલયાત્રી બનવાનો હતો."

જ્યારે તેઓ 23 વર્ષનાં હતાં અને ઉત્તર આલ્બેનિયાના પહાડોમાં રહેતાં હતાં ત્યારે તેમણે એક નિર્ણય લીધો જેનાથી તેમનું જીવન જ બદલાઈ ગયું.

તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું અને બાકીનું જીવન એક પુરુષ તરીકે જીવવાની પ્રતિજ્ઞા લીધી.

જીસ્ટિનાનો પરીવાર એક સદી કરતાં વધુ સમયથી ઉત્તરી આલ્બેનિયામાં લેપુશેના મલેસીએ મધે નામના વિસ્તારમાં રહે છે.

પર્વતમાળાની વચ્ચે આવેલી આ ખીણ દુનિયાના એવા કેટલાક ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાંની એક છે જ્યાં બુર્નેશા પરંપરા હજુ પણ જીવંત છે. સદીઓ જૂની આ પ્રથામાં કન્યા ગામના વડીલો સમક્ષ આજીવન પુરુષની જેમ જીવવાના શપથ લે છે.

આ મહિલાઓ બર્નેસેટ (બર્નેશાનું બહુવચન) અથવા "સ્વોર્ન વર્જિન્સ" તરીકે ઓળખાય છે.

57 વર્ષીય જીસ્ટિના કહે છે, "વિશ્વમાં ઘણા એકલ લોકો છે, પરંતુ તેઓ બર્નેસેટ નથી. એક બર્નેશ માત્ર પોતાની જાતને તેના પરીવાર પ્રત્યે, કામ પ્રત્યે, જીવન પ્રત્યે, પોતાની અણિશુદ્ધતા જાળવવી રાખવા માટે સમર્પિત કરે છે."

અગાઉના સમયમાં જન્મેલી ઘણી મહિલાઓ માટે, તેમની જાતીય, પ્રજનન અને સામાજિક ઓળખનું આદાનપ્રદાન એ તેમની સ્વતંત્રતાને માણવાનો એક માર્ગ હતો જે તે સમયે ફક્ત પુરુષો માટે જ ઉપલબ્ધ હતો.

બુર્નેશા બનવાથી મહિલાઓને પુરુષોની જેમ કપડાં પહેરવાં, ઘરના વડા તરીકેનાં કામ કરવા, સમાજમાં મુક્તપણે ફરવા અને પરંપરાગત રીતે માત્ર પુરુષો માટે ઉપલબ્ધ હોય તેવી નોકરીઓ કરવાની છૂટ મળી.

ગ્રે લાઇન

પરીવારને મદદરૂપ થવાની ભાવના

તેમના પિતાએ જીસ્ટિનાને ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરવાનું શીખવ્યું.

ઇમેજ સ્રોત, VALERJANA GRISHAJ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરીવારના લોકો જેમને ‘દુની’ના હુલામણા નામથી બોલાવે છે તે તરવરાટ અને ઉત્સાહથી ભરેલાં જીસ્ટિના સ્વતંત્ર બનવા માટે મક્કમ હતાં. તેમણે ક્યારેય લગ્ન કરવાની, ઘરકામ કરવાની કે ડ્રેસમાં પરંપરાગત જીવનની કલ્પના જ કરી જ નહોતી.

તેના બદલે, પિતાના મૃત્યુ પછી તેમણે કુટુંબના વડાં બનવા અને પરીવારને આર્થિક રીતે પગભર કરવા માટે "સ્વોર્ન વર્જિન" બનવાનો નિર્ણય લીધો.

તેઓ કહે છે, "અમે ખૂબ જ ગરીબ હતાં... મારા પિતાનું અવસાન થયું અને મારી માતાને છ બાળકો હતાં, તેથી તેને સરળતા રહે તે માટે મેં બર્નેશા બનવાનું અને સખત મહેનત કરવાનો નિર્ણય લીધો."

જીસ્ટિના એક એવા અંતરિયાળ ગામમાં રહે છે જ્યાં મોબાઇલસેવા નબળી છે અને આકરા શિયાળામાં રસ્તાઓ બરફથી બંધ થઈ જાય છે અને વીજકાપ સર્જાય છે.

જીસ્ટિના બૉર્ડિંગ હાઉસ ચલાવે છે, ખેતી અને પશુપાલનનું કામ કરે છે.

બર્નેશા અને પરીવારનાં વડાં તરીકે જીસ્ટિના ચા અને તેલ બનાવતી આયુર્વેદિક દવાની કળા જાણે છે, જે તેમને તેમના પિતા પાસેથી વારસામાં મળી છે.

જીસ્ટિના કહે છે, "મારા પિતાએ ઔષધીય વનસ્પતિઓનું મને જ્ઞાન આપ્યું અને હું ઇચ્છું છું કે મારી ભત્રીજી વેલર્જના આ પ્રથાને આગળ ધપાવે, પછી ભલે તે આગળ બીજો રસ્તો પસંદ કરે."

ગ્રે લાઇન

વર્તમાન પરિસ્થિતિ

વેલર્જના ગ્રીશજ કહે છે કે શહેરની મહિલાઓ માટે ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં "વધુ ફાયદા" છે.

ઇમેજ સ્રોત, BBC/DERRICK EVANS

ઇમેજ કૅપ્શન, વેલર્જના ગ્રીશજ કહે છે કે શહેરની મહિલાઓ માટે ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં "વધુ ફાયદા" છે.

વેલર્જના ગ્રીશજ કહે છે, "આજે કોઈ 'સ્વોર્ન વર્જિન્સ' બનવા માગતું નથી. યુવતીઓ સ્વોર્ન વર્જિન્સ બનવા વિશે વિચારતી પણ નથી. મારું જ ઉદાહરણ જોઈ લો."

લેપુશેમાં તેમનાં કાકી સાથે ઊછરેલાં વેલર્જના જાણે છે કે આ વિસ્તારની યુવા વયે લગ્ન કરવા માગતી યુવતીઓ માટે બહું ઓછાં વિકલ્પો છે, નાની ઉંમરે જ લગ્ન કરી દેવાય છે.

વેલર્જના યાદ કરે છે, "હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારની એક ક્ષણ મને હંમેશાં યાદ આવે છે. મારી એક મિત્ર નવમા ધોરણમાં હતી અને તેની સગાઈ થવા જઈ રહી હતી. તે માત્ર 14 વર્ષની હતી."

"તેણે મને કહ્યું કે તેના પતિએ તેને અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી નથી અને તેણે તેની વાત માનવી પડશે, તેની સાથે રહેવું પડશે અને તેની આજ્ઞાનું પાલન કરવું પડશે."

નાની ઉંમરે લગ્ન કરવા અથવા "શપથ લીધેલ વર્જિન" બનવાને બદલે, વેલર્જનાએ આલ્બેનિયાની રાજધાની તિરાનામાં થિયેટર દિગ્દર્શન અને ફોટોગ્રાફીનો અભ્યાસ કરવા માટે 16 વર્ષની ઉંમરે પરીવાર છોડી દીધો.

તેઓ કહે છે, "તિરાનામાં, છોકરીઓ અને મહિલાઓને ઘણા ફાયદા છે અને તેઓ વધુ મુક્ત છે. જ્યારે ગામડામાં પરિસ્થિતિ આજે પણ દયનીય છે."

કોઈ ચોક્કસ આંકડા નથી પરંતુ એવો અંદાજ લગાવવામાં આવે છે કે ઉત્તર આલ્બેનિયા અને કોસોવોમાં માત્ર 12 બર્નશેટ જ રહે છે. 1990ના દાયકામાં સામ્યવાદના પતન પછી આલ્બેનિયામાં સામાજિક પરિવર્તન આવ્યું અને મહિલાઓને વધારે અધિકારો મળ્યા.

વેલર્જના એ વાતે ખુશ છે કે બર્નશેટ પરંપરા સમાપ્ત થઈ રહી છે.

બીબીસી ગુજરાતી

મહિલાની લડાઈ

ખાસ કરીને શિયાળામાં ગામડામાં જીવન મુશ્કેલ બને છે.

ઇમેજ સ્રોત, BBC/DERRICK EVANS

ઇમેજ કૅપ્શન, ખાસ કરીને શિયાળામાં ગામડામાં જીવન મુશ્કેલ બને છે.

2019માં મહિલા અધિકાર કાર્યકર્તા રિયા નેપ્રવિષ્ટાએ તિરાનામાં આંતરરાષ્ટ્રીય મહિલાદિવસના કાર્યક્રમોમાં વિરોધ કરતાં કહ્યું હતું, "આજે અમારે છોકરીઓએ પુરુષ બનવા માટે લડવાની જરૂર નથી. અમારે સમાન અધિકારો માટે લડવાનું છે, પરંતુ પુરુષ બનીને નહીં."

રિયા એક વિશાળ લાલ ક્રૉસ વડે વીંધેલા "બર્નેશા" શબ્દ અને નીચે લખેલા શબ્દો "સ્ટ્રોંગ વુમન" (સ્વોર્ન વર્જિન સામે) સાથેનું એક મોટું બેનર લઈને શેરીઓમાં ઊતર્યાં હતાં.

તેઓ કહે છે, "આલ્બેનિયનમાં જ્યારે અમે મહિલાને એક મજબૂત સ્ત્રી તરીકે વર્ણવવા માગીએ ત્યારે 'બર્નેશા' શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અમારે સ્ત્રીઓની તાકાત બતાવવા માટે પુરુષોના ઉલ્લેખની જરૂર નથી."

આ બધા વચ્ચે રિયા માને છે કે દેશ ખુલ્લી રહ્યો છે અને "ટૂંક સમયમાં ઘણા પગલાં આગળ વધ્યો છે."

યુએન વુમન અનુસાર, આલ્બેનિયામાં રાજકીય અને આર્થિક નિર્ણયો લેવામાં મહિલાઓની ભાગીદારી તાજેતરમાં ચૂંટણીસંહિતા અને પ્રક્રિયાઓમાં સુધારાને કારણે આગળ વધી છે. જોકે તેમ છતાં તે મર્યાદિત છે અને પગારના તફાવતને પર્યાપ્ત રીતે સંબોધવામાં આવ્યો નથી. 2017માં, મહિલાઓએ સંસદના 23% સભ્યો અને 35% સ્થાનિક કાઉન્સિલરોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ મહિલા અધિકારો માટે હજુ ઘણું કરવાનું બાકી છે.

રિયા કહે છે, "લૈંગિકવાદ, લિંગ પ્રથાઓ...અને લિંગઆધારિત હિંસા કમનસીબે આલ્બેનિયામાં હજુ પણ વ્યાપકપણે પ્રવર્તમાન છે."

યુએન વુમનના ડેટા સૂચવે છે કે 15થી 49 વર્ષની વય વચ્ચેની લગભગ 60% આલ્બેનિયન મહિલાઓ ઘરેલુ હિંસાના અનુભવમાંથી પસાર થઈ છે.

મુખ્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંધિઓ (યુએન ટ્રીટી બૉડી ડેટાબેઝ)ની અરજીની દેખરેખ માટે જવાબદાર સ્વતંત્ર નિષ્ણાતોની સમિતિઓ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર માત્ર 8% મહિલાઓ જમીન ધરાવે છે અને વારસાની બાબતોમાં હાંસિયામાં રહે છે.

બીબીસી ગુજરાતી

વિશેષ સામાજિક દરજ્જો

"શપથ લીધેલ વર્જિન" હોવાને કારણે જીસ્ટિનાને જીવનમાં એક અલગ ભૂમિકા ભજવવાની મંજૂરી મળી છે.
ઇમેજ કૅપ્શન, "શપથ લીધેલ વર્જિન" હોવાને કારણે જીસ્ટિનાને જીવનમાં એક અલગ ભૂમિકા ભજવવાની મંજૂરી મળી છે.

બુર્નેશા પરંપરાનાં મૂળ કાનુનમાં સમાયેલાં છે, જે 15મી સદીમાં કોસોવો અને ઉત્તર આલ્બેનિયામાં ઉપયોગમાં લેવાતું એક પ્રાચીન બંધારણ છે, જેના આધારે આલ્બેનિયન સમાજનું ઘડતર કરવામાં આવ્યું હતું. આ પિતૃસત્તાક કાયદાઓ હેઠળ મહિલાઓને પતિની સંપત્તિ માનવામાં આવતી હતી.

નૃવંશશાસ્ત્રી એફેરદિતા ઓનુઝીએ બર્નશેટનો પણ અભ્યાસ કર્યો છે અને તેઓ કહે છે, "તેમને ભાવિ નક્કી કરવાનો કે જીવનની પસંદગી કરવાનો કોઈ અધિકાર નહોતો."

તેઓ સમજાવે છે કે, "જો કોઈ છોકરીની સગાઈ કરવાની હોય તો તે છોકરીને પૂછ્યા વગર જ નક્કી કરી દેવામાં આવતી. છોકરીની સગાઈ કઈ ઉંમરે થશે કે કોની સાથે થશે તેની જાણ તેને કરાતી નહોતી."

આ પરંપરાની આસપાસ હજુ પણ ઘણી ગેરસમજો પ્રવર્તે છે. સામાન્ય રીતે, "શપથ લીધેલ વર્જિન" બનવું એ લૈંગિકતા અથવા લિંગની ઓળખ પર આધારિત નિર્ણય નહોતો પરંતુ તે શપથ લેનારાઓને વિશેષ સામાજિક દરજ્જો આપવાનો વિચાર હતો.

ઓનુઝી કહે છે, "એક છોકરીની 'શપથ લીધેલી વર્જિન' બનવાની પસંદગીને લૈંગિકતા સાથે કોઈ લેવાદેવા નથી, તે માત્ર પરીવારમાં બીજી ભૂમિકા, અન્ય સ્થાન મેળવવાની પસંદગી છે."

જોકે મુરતિયાના પરીવારને અપમાનિત કર્યા વિના, બર્નેશા બનવું એ પણ પરિવારે ગોઠવેલાં લગ્નમાંથી ભાગી નીકળવાનો એક માર્ગ હતો.

ઓનુઝી સમજાવે છે કે, "આ નિર્ણયથી તેઓ બે પરિવારો વચ્ચેના લોહીના ઝઘડા (પેઢી દરપેઢીના ઝઘડા)ને ટાળી શકે છે.”

લોહીના ઝઘડાને સંચાલિત કરતા નિયમો કાનૂનમાં સંહિતાબદ્ધ કરવામાં આવ્યા છે, જેનાથી ઉત્તરી આલ્બેનિયન જાતિઓના જીવનમાં સુવ્યવસ્થા લાવી શકાય. ખાસ કરીને ઓટ્ટોમન સામ્રાજ્યના વખતવેળાની આ વાત છે.

કાનૂન (કાયદાના જુના ગ્રંથનું આ નામ છે) કાયદા અનુસાર, સન્માનની રક્ષા કરવા માટે લોહીના ઝઘડા એ સામાજિક જવાબદારી હતી. આ ઝઘડાની શરૂઆત ધમકી આપીને કે અપમાન કરીને થાય છે પરંતું કેટલીકવાર તે હત્યા કરવા સુધી આગળ વધી શકે છે. ત્યારબાદ પીડિત પરીવાર ખૂની અથવા ગુનેગારના પરીવારના અન્ય પુરુષ સભ્યની હત્યા કરીને પોતાનો ન્યાય મેળવવા આતૂર રહેતો હતો.

તે સમયે ઘણી યુવતીઓ માટે, બ્રહ્મચર્યના શપથે તેમના લોહીના ઝઘડાઓમાંથી મુક્તિ આપી હતી.

ઓનુઝી કહે છે, "તે છટકી જવાનો માર્ગ હતો."

આ પરંપરાનું સમયાંતરે સ્વરૂપ બદલાયું અને તે ફરજિયાત નિર્ણયમાંથી સક્રિય પસંદગી તરફ આગળ વધી. ઓનુઝી ઉમેરે છે, "ઍથનોગ્રાફિક અર્થમાં ક્લાસિક બર્નેશા અને વર્તમાન બર્નેશા વચ્ચેનો તફાવત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે... આજે તે સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય છે."

જીસ્ટિનાને બર્નેશા બનવા માટે દબાણ કરવામાં આવ્યું નહોતું, પરંતુ તે જીવન તેમણે પોતે પસંદ કર્યું હતું. સામ્યવાદી આલ્બેનિયામાં ઊછરેલાં જીસ્ટિનાને લાગ્યું કે તે સમયે પુરુષોને વધુ સ્વતંત્રતા હતી.

તેઓ કહે છે, "એવી ઘણી ક્ષણો હતી જ્યાં તમને અસમાન ગણવામાં આવતાં હતાં," તેઓ કહે છે. "મહિલાઓ ખૂબ જ અલગ હતી, ઘરકામ સુધી મર્યાદિત હતી અને તેમને બોલવાનો અધિકાર નહોતો."

જીસ્ટિનાના પરિવારે અને એમાંય ખાસ કરીને તેમની માતાએ તેમની બર્નેશા બનવાની ઈચ્છાને ફગાવી દીધી હતી. તેમની માતા એ વાતે ચિંતિત હતાં કે જીસ્ટિના માતા બનવાનાં સૌભાગ્ય અને પોતાનો પરીવાર બનાવવાની ઈચ્છાનાં બલિદાનો આપશે.પરંતુ જીસ્ટિના માટે આ બલિદાનનું વધુ સારું વળતર હતું.

જીસ્ટિના કહે છે, "જ્યારે મેં બર્નેશા બનવાનું નક્કી કર્યું ત્યારે મેં મારા માટે વધુ સન્માન મેળવ્યું."

બીબીસી ગુજરાતી

સ્વતંત્રતા ફક્ત પુરુષો માટે

ડ્રાન્ડે એ બર્નશેટ બનવાનું નક્કી કર્યું કારણ કે તેઓ વધુ પુરુષ જેવાં દેખાતાં હતાં.

ઇમેજ સ્રોત, BBC/DERRICK EVANS

ઇમેજ કૅપ્શન, ડ્રાન્ડે એ બર્નશેટ બનવાનું નક્કી કર્યું કારણ કે તેઓ પુરુષ જેવાં દેખાતાં હતાં.

પરંતુ અન્ય લોકોએ બર્નશેટ બનવાનું પસંદ કર્યું કારણ કે તેઓ મહિલા કરતાં પુરુષો જેવો અનુભવ વધુ કરતાં હતાં.

દરિયાકાંઠાના શહેર શેંગજિનમાં રહેતા બુર્નેશા ડ્રાન્ડે કહે છે, "મેં ક્યારેય મહિલાઓ સાથે સંબંધ રાખ્યો નથી, પરંતુ હંમેશા પુરૂષો સાથે જ રહી છું. બારમાં, ધૂમ્રપાન... મને હંમેશાં હું પુરુષ છું એવો જ અનુભવ કરું છું."

ડ્રાન્ડે માટે આ પ્રથા અપનાવવી એ બુર્નેશા પરંપરાના મૂળમાં એવી સિગારેટ અને દારૂ પીવા જેવી પુરુષોની સ્વતંત્રતાનો આનંદ માણવાનો એક માર્ગ હતો.

જેમકે પરંપરાગત આલ્બેનિયન દારૂ ‘રાકિયા’ને જુના સમયથી માત્ર પુરુષો જ પી શકે છે. હવે, ડ્રાન્ડે રાકિયા પીવે છે અને જાતે બનાવે પણ છે. જ્યારે અમે તેમનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચ્યા ત્યારે તેમણે ગર્વાન્વિત ભાવે પ્લાસ્ટિકની પાણીની બૉટલમાં સાચવેલો આ દારૂ બતાવ્યો હતો.

તેમણે એમને કહ્યું, "આ તમને મજબૂત બનાવે છે."

ડ્રાન્ડે કહે છે કે બુર્નેશા બનવાની તેમની પસંદગીએ તેમને સમાજમાં વધુ સ્વીકૃતિ આપી.

તેઓ કહે છે, "હું જ્યાં પણ ગઈ, ત્યાં મને વિશેષ સન્માન મળ્યું અને મને સારું લાગ્યું. તેઓએ મને મહિલા તરીકે નહીં પણ એક પુરુષ તરીકે માન આપ્યું... આ રીતે હું વધુ મુક્ત અનુભવું છું."

ડાન્ડ્રેને બર્નેશા બનવા માટે આપેલા બલિદાન પર ગર્વ છે જોકે, તેઓ એકલતાની લાગણીઓને પણ સ્વીકારે છે.

તેઓ કહે છે, "મેં એક ક્ષણ માટે વિચાર્યું કે એક બાળક હોય તો કેવું સારું, મારી સંભાળ લેત... હું ખૂબ જ બીમાર હતી અને મને મદદ કરવા માટે આસપાસ કોઈ ન હતું. જોકે એ ઘડીક પુરતું જ હતું, થોડીક ક્ષણો પુરતું જ."

તે સમયે, મહિલાઓ માટે મર્યાદિત વિકલ્પો ધરાવતા સમાજનો સામનો કરતી, જેઓ બર્નશેટ બની તે તેમની પસંદગીને સશક્તીકરણના સ્વરૂપ તરીકે જોતા હતા.

ઓનુઝી સમજાવે છે કે આ પ્રકારે "એક વિરોધ બલિદાનમાં ફેરવાઈ ગયો."

જોકે, પુરૂષ બનવાનું પસંદ કરીને, તેઓએ અજાણતામાં મહિલાઓની ભૂમિકાને નીચલી ગુણવત્તા તરીકે સ્વીકારીને લિંગભેદને વધુ મજબૂત બનાવ્યા.

વેલર્જનાએ અલગ જીવન પસંદ કર્યું છતાં જીસ્ટિના ભત્રીજીને તેમનું પરંપરાગત ઔષધી જ્ઞાન આપવા માગે છે

ઇમેજ સ્રોત, BBC/DERRICK EVANS

ઇમેજ કૅપ્શન, વેલર્જનાએ અલગ જીવન પસંદ કર્યું છતાં જીસ્ટિના ભત્રીજીને તેમનું પરંપરાગત ઔષધી જ્ઞાન આપવા માગે છે

આલ્બેનિયાની રાજધાનીમાં પણ આજે મહિલા માટે જીવન દુષ્કર બની રહે છે. વેલર્જના મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ નેટવર્ક પર સક્રિય છે. પરંતુ પોતાનો સંદેશ ફેલાવવા સામે તેમને ધમકીઓ મળી રહી છે.

તેઓ કહે છે, "મને પુરુષો તરફથી ઘણા મૅસેજ મળ્યા, મારા જીવને જોખમમાં મૂકતા મૅસેજ પણ...લોકો પ્રશ્ન પૂછે છે કે હું શા માટે મહિલાઓના અધિકારો વિશે વાત કરી રહી છું."

ક્ષીણ થતી પરંપરાના દસ્તાવેજીકરણના એક માર્ગ તરીકે વેલર્જના તેમનાં કાકી અને અન્ય બર્નશેટની તસવીરો લઈ રહ્યાં છે.

વેલેર્જના કહે છે, "હું આશા રાખું છું કે ભાવિ પેઢીઓ આ વિષયમાં રસ લેશે, કારણ કે તે પરંપરા તરીકે આપણા ઇતિહાસનો એક ભાગ છે."

"હવે તમારે સ્વતંત્રતા માણવા માટે બર્નેશા બનવાની જરૂર નથી. આધુનિક મહિલા તરીકે તમારે શપથ લેવાની જરૂર નથી."

જીસ્ટિનાએ આદર મેળવવા માટે ચૂકવેલ કિંમત, તેમની સ્ત્રીની ઓળખના બલિદાન પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ તેના નિર્ણયથી તેમણે મેળવેલી સ્વતંત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જીસ્ટિના કહે છે, "હવે વધુ બર્નશેટ રહેશે નહીં, હું છેલ્લી હોઈશ."

તેઓ કબૂલ કરે છે કે જો તેમને ફરી એ સમયમાં પાછા ફરીને નિર્ણય લેવાનું પૂછવામાં આવે તો તેઓ આવો નિર્ણય નહી લે.

"મને બુર્નેશા હોવાનો ગર્વ છે. મને કોઈ અફસોસ નથી."

નોંધઃ આ અહેવાલ 2022માં વિશ્વનાં 100 સૌથી પ્રેરણાદાયી અને પ્રભાવશાળી બીબીસી વિશેષ મહિલાઓનો ભાગ છે.

રેડ લાઇન
રેડ લાઇન