જયશંકરે અમેરિકી વિદેશમંત્રી આગળ રશિયાને લઈને ભારતને 'સ્માર્ટ' કેમ ગણાવ્યું?

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે રશિયા પર લાગેલા પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.

ભારતના નિર્ણયના પક્ષમાં તેમણે કહ્યું કે જો ભારત 'સ્માર્ટ' છે અને પોતાના હાથમાં અનેક વિકલ્પો રાખે છે. તેના માટે ભારતની ટીકા ન કરાવી જોઈએ.

મ્યૂનિખ સિક્યૉરિટી કૉન્ફરન્સ દરમિયાન થયેલી એક પૅનલ ચર્ચામાં જયશંકરે હાલના વૈશ્વિક માહોલમાં ભારતની વિદેશ નીતિની સાથે સાથે ઇઝરાયલ હમાસ યુદ્ધ, યુક્રેન યુદ્ધ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.

આ દરમિયાન મંચ પર તેમની સાથે અમેરિકી વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન અને જર્મનીનાં વિદેશમંત્રી એનાલેના બેરબૉક પણ હતાં.

રશિયા-યુક્રેન યુદ્ધ અને ત્યાર બાદ પણ ભારતનું રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવાને લઈને કરાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું - "તેમાં મુશ્કેલી શું કામ હોવી જોઈએ? જો હું સ્માર્ટ છું અને મારી પાસે અનેક વિકલ્પો રાખુ છું તો તમારે મારા વખાણ કરવા જોઈએ. બીજા લોકો માટે એ સમસ્યા કેવી રીતે છે? ખાસ કરીને આ મુદ્દે મને એમ નથી લાગતું કે અમે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે દરેક દેશની પોતાની જરૂરિયાત, પોતાની મુશ્કેલીઓ હોય છે."

રશિયા પાસેથી તેલની ખરીદીને લઈને શું કહ્યું?

એસ જયશંકરે કહ્યું કે "બહુપરિમાણીય સંબંધો રાખવા મુશ્કેલ હોય છે. અને અલગ અલગ દેશો અને અલગ અલગ સંબંધોનો પોતાનો ઇતિહાસ હોય છે. અમેરિકા અને જર્મનીના સંબંધોનો પણ પોતાનો એક ઇતિહાસ છે. જેના ગ્રાઉન્ડ પર જ સંબંધ બન્યા છે."

"અમારી બાબતમાં એ અલગ છે. હું નહીં ઇચ્છું કે તમે અજાણતામાં એવી ધારણા બાંધી લો કે અમે પૂર્ણતઃ ભાવાત્મક સંબંધો વગર વેપાર કરીએ છીએ. એવું નથી કે અમે લોકો સાથે સંબંધ બનાવીએ છીએ, વસ્તુઓ પર વિશ્વાસ કરીએ છીએ, વસ્તુઓ શૅર કરીએ છીએ પણ એવું પણ છે કે દેશ અલગ અલગ જગ્યાએ છે."

"વિકાસના અલગ-અલગ સ્તર પર છે. તેમના પોતાના અલગ-અલગ અનુભવો છે. આ બધી જ વાત સંબંધો માટે મહત્ત્વની છે."

"જીવન જટિલ છે. અને બધાની સ્થિતિ એક બીજાથી અલગ છે. હું ઍન્ટની બ્લિંકનની વાત સાથે સહમત છું કે સારા મિત્ર તમને વિકલ્પ આપે છે."

"અને સ્માર્ટ પાર્ટનર એમાંથી કેટલાક વિકલ્પોનો ઉપયોગ કરે છે. અને કેટલાક લોકો તેને છોડી મૂકે છે. આપણે વિશ્વની બધી જ જટિલતાઓને એક જ ચશ્માંથી ન જોઈ શકીએ. મને લાગે છે કે એ સમય હવે પૂર્ણ થઈ ગયો છે."

જયશંકરને સીધો એ પ્રશ્ન કરાયો હતો કે તમે હજી સુધી રશિયા પાસેથી તેલની ખરીદી કરો છો. શું તમારા સારા મિત્ર અમેરિકાની દૃષ્ટિએ એ યોગ્ય રહેશે કે તમે જે ઇચ્છો જ્યારે ઇચ્છો તે કરી શકો છો?

જે સમયે જયશંકર આ કહી રહ્યા હતા અમેરિકી વિદેશ મંત્રી તેમના તરફ જોઈને હસી રહ્યા હતા.

આ પહેલાં અમેરિકી વિદેશ મંત્રાલયે આ મુદ્દે કહ્યું હતું કે તેઓ "ભારત પર કોઈ પ્રતિબંધ નથી લગાવવાના કારણ કે ભારતની સાથે અમેરિકાના સંબંધો ઘણા મહત્ત્વપૂર્ણ છે. અને ભારતે યુદ્ધ બંધ કરવાની અપીલ પણ કરી છે."

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતનું વલણ

બે વર્ષ પહેલાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા હતા. યૂરોપિયન યૂનિયન (ઈયૂ)એ પણ 2022 ડિસેમ્બરમાં રશિયન કાચા તેલ પર લગભગ પ્રતિબંધ લાદી દીધો હતો.

ભારતે યુદ્ધ બંધ કરવા અને બન્ને પક્ષો વચ્ચે વાતચીત કરવાની વાત તો કરી પણ તેનો રશિયા અને ભારતના સંબંધો પર કોઈ પડછાયો ન પડવા દીધો. સતત રશિયા પાસેથી તેલ ખરીદતું રહ્યું. અને તાજેતરના સમયમાં રૂપિયા-રુબલથી પણ વેપાર કરી રહ્યું છે.

ભારતના આ વલણ પર અનેકવાર સવાલો ઉઠાવાયા છે. અને કહેવાઈ રહ્યું છે કે ભારત "જૂથનિરપેક્ષતાની જગ્યાએ બધાની સાથે નિરપેક્ષ" રહેવાનું વલણ અપનાવી રહ્યું છે.

આ પહેલાં ડિસેમ્બર 2022માં પોતાના ભારત પ્રવાસ વખતે બેરબૉકે તેને લઈને ભારતને ફરિયાદ કરી હતી. તે સમયે જયશંકરે કહ્યું હતું કે છેલ્લા નવ મહિનામાં યૂરોપિયન યૂનિયને જેટલું તેલ ખરીદ્યું છે ભારતે તેના છઠ્ઠા ભાગની જ ખરીદી કરી છે.

જયશંકરે બ્રિક્સ પર શું કહ્યું?

શું ચીન અને અમેરિકાની વચ્ચે વધતાં તણાવને જોતા બ્રિક્સ દેશોની ટક્કર પશ્ચિમી દેશો માટે એક પડકાર છે?

એ સવાલના જવાબમાં જયશંકરે કહ્યું કે એ જોવું જરૂરી છે કે આ બધું શરૂ કેવી રીતે થયું?

તેમણે સમજાવ્યું કે "એ એવા સમયમાં શરૂ થયું જ્યારે પશ્ચિમી દેશનો દબદબો સખત મજબૂત હતો. જી-7 વિશ્વની સાત મોટી અર્થવ્યવસ્થાઓનો સમૂહ હતો. અને એક એવા દેશો હતા જે અનુભવ કરી રહ્યા હતા કે તેઓ જી-7નો ભાગ નથી પણ તેઓ ચર્ચામાં ઘણો સહકાર આપી શકે છે."

"બ્રિક્સ આવા જ દેશનો સમૂહ છે. કારણ કે તેમાં સામેલ દેશ ભૌગોલિક સ્તર પર એક બીજાથી ઘણા દૂર દૂર છે. પણ અહીં થતી ચર્ચાના મુદ્દાઓએ આ દેશને બાંધી રાખ્યા છે."

તેમણે કહ્યું "એ જરૂરી છે કે અમે નૉન-વેસ્ટ અને ઍન્ટી વેસ્ટ (પશ્ચિમી દેશ ન હોવું અને પશ્ચિમના વિરોધી ન હોવું) વચ્ચેનું અંતર સમજો. ભારત નૉન-વેસ્ટ છે પણ પશ્ચિમની સાથે તેના ઘણા જ મજબૂત સંબંધ છે. જે સમયની સાથે મજબૂત થઈ રહ્યાં છે. જરૂરી નથી કે આ જૂથના બધા જ સભ્યો પર તે લાગુ થાય."

"રહી બ્રિક્સની વાત તો અમારે જી-7ના વિકસિત થઈને જી-20 બનવાની પ્રક્રિયાને પણ જોવી પડશે. મને લાગે છે કે આ રીતે વધારાના 13 સભ્યોમાંથી પાંચ બ્રિક્સ સભ્ય છે. આ સભ્યોનું મળવું, વાત કરવું ક્યાંકને ક્યાંક જી-20ના વિકાસમાં તેમની પાસેથી મદદ મળવી છે."

જયશંકરની વાત પર બ્લિંકનનો જવાબ

બ્રિક્સ વિશ્વના પાંચ સૌથી ઝડપથી ઊભરતા અર્થતંત્રવાળા દેશનો એક સમૂહ છે. આ દેશ છે બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા.

આ એ દેશ છે જેમના અંગે અનેક જાણકારોનું માનવું છે કે વર્ષ 2050 સુધી તેઓ ઉત્પાદન ઉદ્યોગ, સેવાઓ અને કાચા સામાનના મુખ્ય સપ્લાયર એટલે કે થઈ જશે.

મનાઈ રહ્યું છે કે બ્રિક્સ મારફતે રશિયા અને ચીન પશ્ચિમી દેશોના દબદબાને પડકારવા માગે છે.

ઍન્ટની બ્લિંકને જયશંકરની વાતને નકારતા કહ્યું કે અમે એવું વિશ્વ નથી ઇચ્છતા જ્યાં દેશ અલગ અલગ જૂથોમાં વહેચાયેલું હોય.

તેમણે કહ્યું, "બધાની સામે અલગ અલગ પડકાર છે. જે તેમના અલગ અલગ અનુભવોનો સ્ત્રોત્ત બને છે. જરૂરી છે કે આપણે સાથે મળીને કામ કરીએ."

જી-20 ઑક્સ અને અન્ય જૂથોમાં ભારત અને અમેરિકાની સાથે રહેવાની વાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "સ્થિતિની જટિલતાને જોતા અલગ અલગ ઉદ્દેશ્યોને લઈને અલગ અલગ જૂથોમાં રહેવું જરૂરી છે."

ઇઝરાયલ-હમાસ મુદ્દે શું કહ્યું?

ચર્ચા દરમિયાન એક મુદ્દો માનવાધિકારોનો પણ ઊઠ્યો. અને સવાલ કરાયો કે પશ્ચિમી દેશો ગાઝામાં થઈ રહેલા વિનાશને જોઈ રહ્યા છે. અને માનવાધિકારોની વાત કરી રહ્યાં છે. આ સ્થિતિમાં પશ્ચિમી મૂલ્યો ક્યાં છે?

બેરબૉકે કહ્યું "આ બેવડા માપદંડવાળો સવાલ છે. ગાઝામાં જે થઈ રહ્યું છે તે જુઓ તો સચ્ચાઈ એ છે કે આપણને તુરંત યુદ્ધ વિરામની જરૂરિયાત છે. જેનાથી ફસાયેલાં બાળકોને બહાર કાઢી શકાય."

"તેનો એક બીજો પક્ષ પણ છે. સાત ઑક્ટોબરના હુમલામાં અનેક લોકોનું અપહરણ કરાયું. મહિલાઓનો બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવાઈ. એવામાં તમારે સમજવું પડશે કે જે લોકો હમાસના કબજામાં છે તેમને બચાવાના છે."

"અમે એ ન કહી શકીએ કે ઇઝરાયલની સુરક્ષાની ચિંતા એવીને એવી જ રહે અને યુદ્ધ વિરામને લઈને દબાણ બનાવવામાં આવે. અમે નથી ઇચ્છતા કે ફરી એક વાર હમાસ પોતાને સંગઠિત કરે અને સામાન્ય નાગરિકોનો ઉપયોગ માનવ ઢાલ તરીકે કરે."

તો ઍન્ટની બ્લિંકને સ્થિતિની જટિલતાની વાત કરી અને કહ્યું કે આપણે અમાનવીય ઘટનાઓનો પણ વિરોધ કરવો જોઈએ.

તેમણે કહ્યું કે "અમારા માટે ઇઝરાયલની સુરક્ષા મહત્ત્વની છે. અમે તેનું સમર્થન કરીએ છીએ. પણ અમે એ પણ ઇચ્છીએ છીએ કે જે લોકોને જરૂરિયાત છે તેમના સુધી મદદ પહોંચે અને લોકોનો જીવ બચાવી શકાય."

જયશંકરે આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે "તેને લઈને કોઈ સંદેહ નથી કે સાત ઑક્ટોબરે જે થયું તે આતંકી હુમલો હતો. બીજુ ઇઝરાયલની જવાબી કાર્યવાહીની વાત કરીએ તો તેણે અંતરરાષ્ટ્રીય માનવાધિકારના કાયદાને માનવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ."

તેમણે કહ્યું, "બંધકોને છોડાવવા અત્યંત મહત્ત્વનું છે. માનવીય કૉરિડોરની જરૂર છે. પણ આ મુદ્દાનું સ્થાયી નિરાકરણ કાઢવામાં આવવું જોઈએ."

તેમણે ટૂ સ્ટેટ સમાધાનની વાત કરીને કહ્યું કે આ વિકલ્પ નહીં પણ જરૂરિયાત છે.

તેમણે કહ્યું, "અનેક બીજા દેશો પણ આ વાતને લઈને સહમત છે. અને આજના સમયમાં જેટલું જલદી થઈ શકે એટલું સારું."

રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો

બહુધ્રુવીય વિશ્વ મુદ્દે એનાલેવા બેરબૉકે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "અમે જાણીએ છીએ કે વિશ્વમાં એવા દેશો છે જે પોતાને મળેલા ભાગથી ખુશ નથી. પણ તેમને બીજાનો ભાગ પણ જોઈએ છે."

તેમણે કહ્યું, "મને લાગે છે કે જે લોકો વાતચીતના ટેબલ પર પહોંચે છે તેઓ સન્માન સાથે ચર્ચા કરે અને પોતાની અંદર પણ જુએ. એ વાતને લઈને કોઈ શક નથી કે આંતરરષ્ટ્રીય માનવાધિકાર કાયદાઓનું દરેકે સન્માન કરવું જોઈએ."

તેમણે આંતરરાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે "આ પ્રકારના અનેક સવાલો થાય છે કે જ્યારે અમે મુશ્કેલીમાં હતા તો તમે ક્યાં હતા? ત્યાર બાદ યૂરોપે પોતાના વલણમાં પરિવર્તન કર્યું અને એ સમજ્યું કે બધા જ તમારી સાથે સહમત હોય તે જરૂરી નથી. પણ એ જરૂરી છે કે ઇતિહાસમાં જે પણ થયું તેને ભૂલીને આપણે સાથે મળીને આગળ વધવું જોઈએ."

અમેરિકા-ચીન સંબંધ

ચીનની સાથે ચાલુ વેપાર વિવાદ અને તેના કારણે વધેલા તણાવને લઈને થયેલા સવાલ પર અમેરિકી વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકનનું માનવું છે કે ચીનની સાથે અમેરિકાની હરીફાઈ છે.

જોકે, તેમણે એ પણ કહ્યું કે "અનેક મુદ્દાઓ છે જેને લઈને અમે ચીનની સાથે કામ કરવા ઇચ્છુક છીએ. જેમ કે ફેટાનિલનો મુદ્દો. જેના પર અમે ચીનની સાથે મળીને કામ કરી રહ્યા છીએ."

તેમણે કહ્યું કે અમે આ સંબંધને જવાબદારી સાથે નિભાવવા માટે પ્રતિબદ્ધ છીએ. "ગયા છ-સાત મહિનામાં ચીનની સાથે અમારી સતત વાતચીત ચાલી રહી છે. મને લાગે છે કે અમારા સંબંધમાં હવે વધુ સ્થિરતા છે."