અદાણીના આ પ્રોજેક્ટનો તામિલનાડુમાં માછીમારો કેમ વિરોધ કરી રહ્યા છે?

    • લેેખક, કે સુબગુણમ
    • પદ, બીબીસી સંવાદદાતા

દક્ષિણ ભારતના તામિલનાડુના હજારો ગ્રામવાસીઓ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓ પૈકીના એક ગૌતમ અદાણીની માલિકીના બંદરના વિસ્તરણની દરખાસ્ત સામે લડી રહ્યા છે.

મોટા ભાગે માછીમારી કરી જીવન નિર્વાહ કરતા ગ્રામીણો જણાવે છે કે બંગાળના અખાતના કિનારે તિરુવલ્લુર જિલ્લામાં આવેલું તેમનું નાનકડું ગામ કટ્ટુપલ્લી, બંદરના વિસ્તરણથી ડૂબી જશે. અને તેમની આજીવિકા છીનવાઈ જશે. જોકે, અદાણી પોર્ટ્સ આ વાતને નકારે છે.

330 એકરના બહુહેતુક બંદરનું નિર્માણ મૂળ લાર્સન ઍન્ડ ટુબ્રો (એલએન્ડટી)એ કર્યું હતું અને અદાણી પોર્ટ્સે તેને 2018માં હસ્તગત કર્યું હતું.

બાદમાં કંપનીએ દરિયાકિનારાની જમીન નવસાધ્ય કરીને, 6,110 એકર ક્ષેત્રમાં 18 ગણાથી વધુ તેને વિસ્તારવાની દરખાસ્ત રજૂ કરી હતી.

કંપનીના માસ્ટર પ્લાન મુજબ, વિસ્તરણથી બંદરની કાર્ગો ક્ષમતા પ્રતિ વર્ષ 24.6 મેટ્રિક ટનથી વધીને 320 મેટ્રિક ટનની થઈ જશે અને નવા રેલ તથા રોડ નેટવર્કનો વિકાસ થશે, જે પ્રદેશમાં ટ્રેડ કનેક્ટિવિટીને વેગ આપશે.

જોકે, દરિયાકાંઠે આવેલાં ઓછામાં ઓછાં 100 નગરો અને ગામડાઓના માછીમારો કહે છે કે તેની અસર તેમના કામ પર ગંભીર થશે.

સ્થાનિક માછીમાર મહિલા રાજલક્ષ્મી દાવો કરે છે કે "અહીં મળતી માછલીની વેરાઈટીમાં પહેલાંથી નોંધપાત્ર ઘટાડો થયો છે. કોઈ પણ પ્રકારના વિસ્તરણથી તેમાં વધુ ઘટાડો થશે."

આ વિસ્તરણનો પર્યાવરણવાદીઓ પણ વિરોધ કરી રહ્યા છે.

તેમનો દાવો છે કે આ યોજનાને લીધે દરિયાકાંઠાનું મોટા પાયે ધોવાણ થશે અને જૈવવિવિધતાને નુકસાન પહોંચશે. ખાસ કરીને સ્થાનિક માછલીની પ્રજાતિઓ અને આ પ્રદેશમાં જોવા મળતા કરચલા, પ્રૉન્સ અને નાના કાચબા પર અસર થશે.

પર્યાવરણવિદ મીરા શાહ દાવો કરે છે કે તેનાથી પુલીકટ તળાવનો પણ “નાશ” થઈ શકે છે. પુલીકટ તળાવ દેશનું બીજું સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે.

મીરા શાહે ઉમેર્યું, "અત્યારે દરિયાકાંઠાનો વિસ્તાર તળાવ અને બંગાળની ખાડી વચ્ચે અવરોધનું કામ કરે છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં આ પ્રદેશ વ્યાપક પર્યાવરણીય પ્રદૂષણ અને દરિયાકાંઠાના ધોવાણનો સામનો કરી રહ્યો છે."

અહીં વધુ બાંધકામ હાથ ધરવામાં આવશે તો કિનારો વધુ સંકોચાઈ જશે, જેનાથી "સરોવર અને સમુદ્ર એકમેકમાં વિલીન થઈ જશે."

જોકે, અદાણી પોર્ટના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને "ખોટા" ગણાવ્યા હતા.

કંપનીના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે સ્થાનિકો "બંદરના વિસ્તરણની વિરુદ્ધ નથી."

તેમણે આક્ષેપ કર્યો હતો કે અમુક લોકો "પ્રચારના દુષ્ટ હેતુ સાથે" વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે.

અધિકારીએ ઉમેર્યું હતું, "વિસ્તરણનો વિરોધ કરતા લોકોના દાવાઓ કોઈ પણ પ્રાથમિક ડેટા પર આધારિત નથી. પર્યાવરણના રક્ષણનું કામ કરતાં કેટલાંક સ્વૈચ્છિક સંગઠનોના કેટલાક વાસ્તવિક સવાલો હોઈ શકે છે. તેનું નિરાકરણ પર્યાવરણ સંબંધી મંજૂરીની કાયદેસરની પ્રક્રિયા દરમિયાન કરાશે."

બંદરના વિસ્તરણ સામેના વિરોધની શરૂઆત 2018માં થઈ હતી અને તે વર્ષોથી સમયાંતરે ચાલતો રહ્યો છે.

રાજ્ય સરકારે આ પ્રોજેક્ટના વિસ્તરણનો માર્ગ મોકળો કરતી પર્યાવરણીય મંજૂરી આપવાની શરૂઆત સપ્ટેમ્બરમાં કરી ત્યારે આંદોલન ફરીથી ઉગ્ર બન્યું હતું.

રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પ્રોજેક્ટ માટેની ફરજિયાત જાહેર સુનાવણી ભારે વિરોધ વચ્ચે મોકુફ રાખવાની ફરજ સપ્ટેમ્બરમાં જ પડી હતી.

માસ્ટર પ્લાન મુજબ, વિસ્તરણ માટે જરૂરી 6,110 એકર જમીન પૈકીની 2,000 એકર ભૂમિ સમુદ્રમાંથી સંપાદિત કરવામાં આવશે, જ્યારે બાકીનો હિસ્સો દરિયાકાંઠાના વિસ્તારમાંથી મેળવવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે સમુદ્રના કેટલાક વિસ્તારને રેતી પૂરીને નવસાધ્ય કરવામાં આવશે અને તેનો બંદરના વિસ્તારમાં સમાવેશ કરવામાં આવશે. સમુદ્રના એક ભાગને ઊંડો કરીને તેની આસપાસ દરિયાઈ દીવાલ બનાવવાની યોજના પણ છે, જેથી વધુ જહાજો દરિયા કિનારે આવી શકે.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ કામ પ્રદેશની ઈકોલૉજી માટે વિનાશક પરિણામ લાવી શકે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી, મદ્રાસના હાઈડ્રોજિયોલૉજીના પ્રોફેસર ડૉ. ઈલાંગો લક્ષ્મણન દાવો કરે છે કે વિસ્તરણની વાત બાજુ પર મૂકો, ભારતનો પૂર્વ કિનારો અને ખાસ કરીને તામિલનાડુનો કિનારો બંદરના નિર્માણ માટે પણ યોગ્ય ભૌગૌલિક લૅન્ડસ્કેપ નથી.

તેમણે ઉમેર્યું હતું કે "વિસ્તરણ કાર્યથી દરિયાકાંઠાની ટોપોગ્રાફીમાં વિક્ષેપ સર્જાશે અને વધુ દરિયાઈ ધોવાણ થશે."

કંપનીના વરિષ્ઠ પ્રવક્તાએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને જણાવ્યુ હતું કે આ પ્રદેશમાં દરિયાઈ ધોવાણને માત્ર બંદરના બાંધકામ સાથે સાંકળી શકાય નહીં.

પ્રવક્તાએ કહ્યું હતું, "ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં દેશના કેટલાંક મોટાં બંદરો આવેલાં છે અને પૂર્વના કિનારાની સરખામણીએ ત્યાં દરિયાઈ ધોવાણનું પ્રમાણ ઓછું છે."

કેટલાક ઉદ્યોગ નિષ્ણાતો પણ કહે છે કે વિસ્તરણની યોજનાને સંપૂર્ણપણે પડતી મૂકવી ન જોઈએ, કારણ કે તેનાથી રાજ્યના અર્થતંત્રને લાભ થશે અને વધુ રોજગારનું સર્જન થશે.

હિન્દુસ્તાન ચેમ્બર ઑફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ પલ્લિપ્પન નાગપ્પને કહ્યુ હતું, "કટુપલ્લી બંદર ખોટનો સામનો કરતું હતું, પરંતુ અદાણીએ હસ્તગત કર્યું એ પછી તે નફો કરતું થયું છે. વિસ્તરણથી વધુ જહાજો આવશે અને તેનાથી આર્થિક સ્તરમાં વધારો થશે."

નાગપ્પને ઉમેર્યું હતું, "કંપનીએ સુનિશ્ચિત કરવું જોઈએ કે સ્થાનિકોને સારું વળતર આપવામાં આવે અને જરૂર હોય તો તેમની આજીવિકા પર કોઈ અસર ન થાય તે રીતે તેમને સ્થાનાંતરિત કરવામાં આવે."

જોકે, વિરોધીઓ કહે છે કે તેઓ સહમત નથી.

પુલીકેટનાં માછીમાર મહિલા વિજયાએ કહ્યુ હતું, "આ પ્રોજેક્ટ સામેની લડાઈમાં અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. અમારી આજીવિકાનું કોઈ પણ કિંમતે રક્ષણ થવું જોઈએ."

પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકો, તેમના હિતના રક્ષણ માટે પૂરતા પગલાં ન લેવા બદલ તામિલનાડુ સરકારને દોષી ઠેરવે છે.

ઘણા લોકો દાવો કરે છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિને વારંવાર વચન આપ્યું હતું કે તેઓ વિસ્તરણ યોજનાને રદ કરશે, પરંતુ તેઓ 2021માં સત્તા પર આવ્યા ત્યારથી કશું થયું નથી. બીબીસીએ આ સંદર્ભે પ્રતિભાવ મેળવવા માટે મુખ્યપ્રધાનના કાર્યાલય અને રાજ્યના પર્યાવરણ પ્રધાનનો સંપર્ક પણ કર્યો હતો.

અદાણી પોર્ટ સંચાલિત બંદરનો વિરોધ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી.

કેરળમાં સ્થાનિક સરકાર સાથે ભાગીદારીમાં કંપની દ્વારા સંચાલિત બંદરના નિર્માણ સામે પણ 2022માં રાજ્યના ગામડાઓમાં જોરદાર વિરોધ ફાટી નીકળ્યો હતો.

એ પ્રોજેક્ટને કારણે વિસ્થાપિત થનાર દરેકને માસિક વળતર ચૂકવવાનું વચન રાજ્ય સરકારે આપ્યું ત્યાર બાદ ડિસેમ્બરમાં વિરોધ પ્રદર્શન બંધ થયું હતું.

કુટ્ટુપલ્લી ખાતે બંદરના સત્તાવાળાઓ સ્થાનિક સમુદાયને, મફત તબીબી સહાયની ઑફર અને નોકરીનું વચન આપીને આકર્ષિત કરી રહ્યા છે.

અદાણી પોર્ટ્સના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું હતું, "અમે બંદરની આજુબાજુના ગ્રામજનો તથા સમુદાયો સાથે સંપર્કમાં છીએ અને તેમને આ પ્રોજેક્ટમાં અને નોકરી મેળવવામાં ખૂબ જ રસ છે."

જોકે, વિરોધીઓનું કહેવું છે કે તેઓ સાવધ છે.

એમના પૈકીના એકે કહ્યું હતું, “તેઓ અમને દવાઓ આપીને અમારી જમીન લેવા માગતા હોય તો અમે એવું થવા દઈશું નહીં.”