You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચેન્નાઈની જીત બાદ પણ મહેન્દ્રસિંહ ધોનીને કઈ વાતનું દુખ છે?
- લેેખક, નવીન નેગી
- પદ, બીબીસી સંવાદદાતા
ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીના નામના નારા ગૂંજી રહ્યા હતા, મૅચ પૂરી થઈ ગઈ હતી, પરંતુ પ્રેક્ષકો પોતાની જગ્યાએથી હઠવાનું નામ લેતા નહોતા.
હાથમાં 'વી લવ માહી' લખેલાં પોસ્ટર્સ લઈને ઘણા ફૅન્સ આશાસ્પદ નજરે કૅમેરા તરફ જોઈ રહ્યા હતા.
આ દરમિયાન ધોનીએ માઇક લીધું અને કહ્યું, "હું મારા કરિયરના અંતિમ તબક્કામાં છું અને રમતની મજા માણી રહ્યો છું."
આટલું બોલતાની સાથે જ સ્ટેડિયમમાં અવાજનો ડેસિબલ પૉઇન્ટ વધી ગયો.
શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ધોનીએ તેમની ઉત્કૃષ્ઠ કૅપ્ટનશિપનું પ્રદર્શન રજૂ કર્યું હતું.
ધોનીએ જણાવ્યું કે તેમને કઈ વાતનું દુખ છે
હૈદરાબાદ સામેની મૅચમાં ધોની બેટિંગ કરવા મેદાનમાં ન ઊતરી શક્યા. ઘણા ક્રિકેટપ્રેમીઓને એ વાતનો અફસોસ હશે.
પરંતુ મૅચમાં એક વાતનો અફસોસ ધોનીને પણ રહી ગયો હતો, જેના વિશે તેમણે મૅચ બાદ વાત કરી.
પ્રેઝન્ટેશન સૅરેમની દરમિયાન તેમણે મજાકમાં કહ્યું કે તેઓ એ વાતથી ખુશ નથી કે તેમને 'કૅચ ઑફ ધ મૅચ'નો પુરસ્કાર ન મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોનીએ આખી વાત આ રીતે કહી, "તેમણે મને બૅસ્ટ કૅચનો ઍવૉર્ડ ન આપ્યો. અમે ગ્લોવ્ઝ પહેરીએ છીએ તો લોકોને લાગે છે કે આ કામ સરળ છે. મને લાગે છે કે મેં એ જોરદાર કૅચ પકડ્યો હતો. મને એક ઘણી જૂની મૅચ આજે પણ યાદ છે, ત્યારે રાહુલ દ્રવિડ કીપિંગ કરી રહ્યા હતા અને તેમણે પણ આવો જ કૅચ પકડ્યો હતો."
ત્યાર પછી ધોનીને વિકેટની પાછળથી તેમની ઝડપ અને ઉંમરને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે સચીન તેંડુલકરનો ઉલ્લેખ કરતા કહ્યું, "જ્યારે તમારી ઉંમર વધવા લાગે છે તો આપ અનુભવી થઈ જાઓ છો. હા, હું વૃદ્ધ થઈ રહ્યો છું અને મને એ બોલવામાં કોઈ શરમ નથી."
કૅચ ઓફ ધ મૅચનો ઍવૉર્ડ ઋતુરાજ ગાયકવાડને મળ્યો, જેમણે હૅરી બ્રૂક્સ અને હૅનરિક ક્લાસેનનો કૅચ પકડ્યો હતો.
ધોનીની ચાલ અને લાચાર હૈદરાબાદ
ટૉસ હાર્યા બાદ હૈદરાબાદની ટીમ એ આશા સાથે મેદાનમાં ઊતરી કે તેઓ એક મોટો સ્કોર કરીને ચેન્નાઈના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહેશે.
ઓપનિંગ બૅટ્સમેન હૅરી બ્રૂક્સ અને અભિષેક શર્માએ તેની શરૂઆત પણ કરી દીધી હતી. શરૂઆતની ચાર ઓવરમાં તેમણે ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને 34 રન બનાવી દીધા હતા.
પરંતુ વિકેટ પાછળથી મહેન્દ્રસિંહ ધોની કંઇક અલગ જ રણનીતિ બનાવી રહ્યા હતા.
પાંચમી ઓવર નાખવા આવેલા યુવા બૉલર આકાશસિંહ સાથે તેમણે કંઇક વાત કરી, પછી બૅકવર્ડ પૉઇન્ટ પર એક ફિલ્ડર ઊભો રાખ્યો અને આ ઓવરના બીજા જ બૉલ પર હૅરી બ્રૂક્સ 18 રને પેવેલિયનભેગા થયા.
જાડેજાનો જાદુ
ધોનીની કૅપ્ટનશિપની સાથેસાથે મૅચમાં જાડેજાની ફિરકીનો જાદુ પણ જોવા મળ્યો.
ટાઇમ આઉટ દરમિયાન ધોનીએ જાડેજા સાથે લાંબી વાત કરી અને તેમને વિકેટ ટૂ વિકેટ બૉલ નાખવા કહ્યું.
તેની અસર પણ તરત જોવા મળી અને ટાઇમ આઉટ બાદ અભિષેક શર્મા લૉન્ગ ઑન પર 34 રન બનાવીને ચાલતા થયા.
જાડેજાએ ત્યાર પછી ટકીને બેટિંગ કરી રહેલા રાહુલ ત્રિપાઠીને 21 રન પર આઉટ કર્યા અને તેના પછી ધોનીના હાથે મયંક અગ્રવાલને સ્ટમ્પ આઉટ કર્યા.
પ્લેયર ઑફ ધ મૅચ બનેલા જાડેજાએ જણાવ્યું કે તેમણે વિચારીને રાખ્યું હતું કે તેઓ ફૂલ-લૅન્થ બૉલ નહીં નાખે.
હૈદરાબાદની ઇનિંગના અંતિમ બૉલ પર પણ ધોનીએ પોતાની ઝડપ અને ચપળતા દેખાડી. જ્યારે તેમણે એક હાથ પરથી ગ્લોવ્ઝ કાઢી રાખ્યા હતા અને જેવો બૉલ તેમના હાથમાં આવ્યો, બૅટ્સમેનને સ્ટમ્પ આઉટ કરીને વિપક્ષી ટીમને જતાં જતાં પણ એક ઝટકો આપી દીધો.
કૉનવેની ક્લાસિક ઇનિંગ
આ મૅચમાં ચેન્નાઈ માટે ઓપનિંગ બૅટ્સમેનની જોડીએ પણ શાનદાર પ્રદર્શન આપ્યું.
ઋતુરાજ ગાયકવાડ અને ડેવન કૉનવેએ 11 ઓવરમાં 87 રન બનાવીને એ સુનિશ્ચિત કરી દીધું કે હવે તેમની ટીમ હારશે નહીં.
ઋતુરાજ ગાયકવાડ દુર્ભાગ્યશાળી રહ્યા અને 35 રન બનાવીને રનઆઉટ થયા, જ્યારે કૉનવે અંત સુધી રહ્યા અને અણનમ 77 રન બનાવ્યા.
પૉઇન્ટ ટેબલ થયું મજેદાર
ચેન્નાઈની આ જીત સાથે જ હવે ટૉપ-4ની રેસ મજેદાર થઈ ગઈ છે. ચારમાંથી ત્રણ ટીમના છ મૅચમાં આઠ પૉઇન્ટ થઈ ગયા છે.
તેમાં સૌથી ઉપર રાજસ્થાન રૉયલ્સ છે, તેના પછી લખનૌ સુપર જાયન્ટ્સ અને ત્રીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સ છે. ચોથા નંબરે ગુજરાત ટાઇટન્સ છે, જે પાંચ મૅચમાંથી ત્રણમાં જીત સાથે છ પૉઇન્ચ ધરાવે છે.
હૈદરાબાદની વાત કરીએ તો તેમણે છ મૅચોમાંથી બે જીત સાથે માત્ર ચાર પૉઇન્ટ મેળવ્યા છે. પૉઇન્ટ ટેબલમાં આ ટીમ નવમા સ્થાને છે અને તેમના માટે આગળનો રસ્તો સારો દેખાતો નથી.