IND vs PAK : 'ગન સેલિબ્રેશન'ના વિવાદ બાદ શું બોલ્યા સાહિબજાદા ફરહાન?

પાકિસ્તાનના બૅટ્સમૅન સાહિબજાદા ફરહાને ભારત સામે એશિયા કપમાં અર્ધસદી ફટકાર્યા પછી 'ગન સેલિબ્રેશન' કર્યું હતું. હકીકતમાં, તેમણે બેટને 'ગન'ની જેમ હાથમાં પકડીને આકાશ તરફ ઊંચી કરી હતી. ત્યારબાદ સેલિબ્રેશનમાં બેટથી કંઈક એવો સંકેત આપ્યો જે ભારતીય ક્રિકેટ ચાહકોને નાપસંદ આવ્યું.

હવે આ 'સેલિબ્રેશન' પર સાહિબજાદા ફરહાને પ્રતિક્રિયા આપી છે.

23 સપ્ટેમ્બરે પાકિસ્તાનની ટીમ શ્રીલંકા સામે મૅચ રમવાની છે. આ મૅચ પહેલા પ્રેસ કૉન્ફરન્સ માટે સાહિબજાદા ફરહાન આવ્યા હતા.

તેમણે આ સેલિબ્રેશન વિશે કહ્યું, "હું અર્ધસદી ફટકાર્યા પછી બહુ ઓછું સેલિબ્રેશન કરું છું. મનમાં અચાનક આવ્યું કે આજે સેલિબ્રેશન કરીએ અને મેં કરી દીધું. મને ખબર નહોતી કે લોકો તેને કેવી રીતે લેશે. મને તેની ચિંતા નથી."

હાર્દિક પંડ્યા સાથેની બોલાચાલીના પ્રશ્ન પર સાહિબજાદા ફરહાને કહ્યું, "તમને ખબર છે કે આક્રમક ક્રિકેટ રમવું જોઈએ, સામે ભારત હોય કે બીજી કોઈ ટીમ. દરેક ટીમ સામે આક્રમકતા હોવી જોઈએ, જેમ કે ભારત સામે અમે જે રીતે રમ્યા."

રવિવારે ભારતે T20 એશિયા કપ 'સુપર 4' મૅચમાં પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું. દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનએ ભારત સામે 172 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ભારતે આ લક્ષ્યાંક 19મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો.

શું છે 'ગન સેલિબ્રેશન'નો વિવાદ?

એશિયા કપ 2025 ની સુપર-4 મૅચમાં પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને ભારત સામે પોતાની અડધી સદીની ઉજવણી કરી હતી જેને કારણે વિવાદ સર્જાયો હતો.

જ્યારે ફરહાને અર્ધસદી ફટકારી ત્યારે તેમણે જે પ્રકારે સેલિબ્રેશન કર્યું તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યું. તેમણે બેટને 'બંદૂકની માફક પકડીને ગન ચલાવતા હોય તે પ્રકારે સેલિબ્રેશન' કર્યું હતું. સોશિયલ મીડિયામાં આ સેલિબ્રેશન 'Gun Celebration' તરીકે વાઇરલ થઈ ગયું.

તેણે અક્ષર પટેલના બૉલ પર સિક્સર ફટકારીને 34 બૉલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને "ગન ફાયરિંગ" ની શૈલીમાં ઉજવણી કરી હતી.

સામાન્ય રીતે અડધી સદી ફટકારનાર બૅટ્સમૅન ઉજવણી કરે જ છે, પરંતુ ફરહાનની ઉજવણીએ એક નવો વિવાદ ઊભો કર્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને ધ્યાનમાં રાખીને, પ્રશ્ન એ ઊભો થાય છે કે ફરહાન તેના 'ફાયરિંગ સેલિબ્રેશન' દ્વારા કોને નિશાન બનાવી રહ્યા હતા.

કૉંગ્રેસે સાધ્યું નિશાન

કૉંગ્રેસ સહિતના તમામ વિપક્ષોએ આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પાકિસ્તાની બૅટ્સમૅન સાહિબજાદા ફરહાને કરેલા સેલિબ્રેશન પર સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "શાબાશ મોદી જી, બસ આ જ જોવાનું બાકી હતું, તેથી રમાડતા હતા ક્રિકે? તેમની હિંમત કેવી રીતે થઈ આવું કરવાની? નરેન્દ્ર મોદી એક કમજોર વડા પ્રધાન છે."

શિવસેના (યુબીટી)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ લખ્યું, "અભિનંદન બીસીસીઆઈ, આશા છે કે આ તસવીરો તમને ઘણી સંતુષ્ટી આપશે અને દેશની ઑલિમ્પિક ભાવનાઓ પર કોઈ અસર નહીં પડે. આ વાત પરેશાન કરનારી છે, પરંતુ એ લોકો માટે નહીં જે ખૂનની સામે પૈસા કમાવવામાં વ્યસ્ત છે."

નેતાઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ પણ ફરહાનના રિઍક્શન મામલે પોસ્ટ કરતા જોવા મળ્યા.

જોકે, એવું નથી કે ક્રિકેટના મેદાન પર આ પ્રકારનું સેલિબ્રેશન પહેલી વખત થયું હોય. વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની આ પ્રકારનું સેલિબ્રેશન મનાવી ચૂક્યા છે. આઈપીએલના મુકાબલામાં દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન રિલી રોસોએ પણ ફરહાનની માફક સેલિબ્રેશન કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન