H-1B વિઝા શું છે, કોને મળી શકે અને તેના નવા નિયમો કેવા છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે ફીમાં તોતિંગ વધારો કરીને ભારતીયોને આંચકો આપ્યો છે.

અમેરિકામાં ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં અભ્યાસ કર્યા પછી મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ H-1B વિઝા મેળવીને અમેરિકન કંપનીઓમાં કામ કરવાનું સપનું જોતા હોય છે.

અત્યાર સુધી H-1B વિઝાની ફી બહુ સામાન્ય હતી, પરંતુ ટ્રમ્પે એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર બહાર પાડીને આ ફી વધારીને સીધી એક લાખ ડૉલર (ભારતીય ચલણમાં લગભગ 88 લાખ રૂપિયા) કરી નાખી છે. તેના કારણે યુએસમાં કામ કરવા માંગતા ઘણા ભારતીયોનાં સપનાં ચકનાચુર થાય તેવી શક્યતા છે.

H-1B વિઝા શું છે, તે કોના માટે હોય છે અને ટ્રમ્પના નવા નિયમોથી કેવી અસર થશે તેની વાત કરીએ.

H-1B વિઝાના નિયમોમાં કેવા ફેરફાર થયા?

જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિપદ સંભાળ્યું ત્યારથી તેઓ ઇમિગ્રેશન સામે 'કડક કાર્યવાહી' કરી રહ્યા છે. તેમણે 'ગેરકાયદે ઇમિગ્રેશનની સાથે સાથે કાયદેસરના ઇમિગ્રેશનને પણ ડામવાનો પ્રયાસ કર્યો છે.'

ડોનાલ્ડ ટ્રમ્પે હવે H-1B વિઝાને એટલા મોંઘા બનાવી દીધા છે કે વિદેશી કર્મચારીઓને યુએસમાં નોકરી પર રાખવા અમેરિકન કંપનીઓને પોસાશે નહીં, સિવાય કે કર્મચારી અત્યંત અનિવાર્ય કહી શકાય તેવી કુશળતા ધરાવતા હોય.

હવેથી દરેક નવા H-1B વિઝાની અરજી માટે અમેરિકન સરકારને એક લાખ ડૉલરની ફી ભરવી પડશે. 21 સપ્ટેમ્બર, 2025થી આ ફી લાગુ થઈ છે.

અત્યાર સુધી H-1B વિઝાની ફી માત્ર 1500 ડૉલર (લગભગ 1.32 લાખ રૂપિયા હતી).

શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે દરેક વિઝા માટે આ ફી લાગુ પડશે અને તે દર વર્ષે ભરવી પડશે.

ત્યાર બાદ વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી કે આ ફી વન ટાઇમ હશે. આ ઉપરાંત તે હાલના ચાલુ વિઝાને લાગુ નહીં પડે. આગામી H-1B વિઝાની લૉટરી સાઇકલથી તે પહેલી વખત લાગુ પડશે.

અમેરિકન વાણિજ્ય સચિવ હૉવર્ડ લુટનિકે કહ્યું છે કે માત્ર નવી અરજીઓ માટે ઊંચી ફી લાગુ પડશે. જેમની પાસે પહેલેથી H-1B વિઝા છે અને હાલમાં જેઓ અમેરિકન સરહદની બહાર છે, તેઓ અમેરિકા પાછા ફરે ત્યારે તેમની પાસેથી એક લાખ ડૉલરની ફી લેવામાં નહીં આવે.

જોકે, પહેલા દિવસે હજારો કામદારો મુંઝાઈ ગયા હતા. અમેરિકન કંપનીઓએ પોતાના કામદારોને મેઇલ કરીને જણાવ્યું હતું કે તેઓ અમેરિકા છોડી ન જાય અને બહાર ગયા હોય તો 21 સપ્ટેમ્બરનો દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં પાછા આવી જાય. તેના કારણે ઘણા કામદારો છેલ્લી ઘડીએ ઍરપૉર્ટ પર વિમાનમાંથી ઊતરી ગયા હતા.

ભારતીયોને સૌથી વધુ અસર

H-1B વિઝાના નિયમોમાં કોઈ પણ ફેરફાર ભારતીયોને વધારે અસર કરે છે કારણ કે આ વિઝાના 71 ટકાથી વધારે લાભાર્થીઓ ભારતીયો હોય છે. ત્યાર પછી ચીનના લોકો સૌથી વધુ H-1B વિઝા મેળવે છે.

અમેરિકામાં કામ કરવાનું સપનું જોતા લાખો પ્રૉફેશનલો માટે હવે H-1B વિઝા મેળવવા મુશ્કેલ થઈ જશે કારણ કે કંપનીઓ આટલી ઊંચી ફી ભરવા માટે તૈયાર નહીં થાય.

અમેરિકન સિટિઝનશિપ અને ઈમિગ્રેશન સર્વિસના આંકડા પ્રમાણે વર્ષ 2024માં જે નવા H-1B વિઝા મંજૂર કરવામાં આવ્યા, તેમાંથી 71 ટકા ભારતીયો હતા જ્યારે ચીન 11.7 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે હતું.

વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરતાં જણાવ્યું કે અમેરિકાનાં આ પગલાંથી માનવીય અસર પડશે અને ઘણા પરિવારોની મુશ્કેલીમાં વધારો થશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવશે.

H-1B કોના માટે હોય છે?

ભારતની એન્જિનિયરો, ડૉક્ટરો, ડેટા સાયન્ટિસ્ટ્સ અને ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં ખાસ કુશળતા ધરાવતા લોકો H-1B વિઝાના ખાસ લાભાર્થી રહ્યા છે.

H-1B વિઝા અમેરિકામાં કામ કરવા ઇચ્છતા લોકો માટે લાંબા સમયથી એક મહત્ત્વનું સાધન રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર સહી કરતી વખતે કહ્યું હતું કે આનાથી યુએસની ટૅક્નૉલૉજી કંપનીઓ ખુશ થશે એવું તેઓ માને છે.

અમેરિકાએ H-1B વિઝા માટે વાર્ષિક 65,000ની લિમિટ નક્કી કરી છે. આ ઉપરાંત અમેરિકાની ઍડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા લોકો માટે 20,000 H-1B વિઝા હોય છે.

અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટની વેબસાઇટ કહે છે કે સ્પેશિયલ વ્યવસાયોમાં વિદેશી વર્કરની ભરતી કરવા માંગતી કંપનીઓએ H-1B વિઝા માટે અરજી કરવાની હોય છે. જેમની પાસે કમસે કમ બૅચલર્સની ડિગ્રી હોય અને જે સ્કીલ ધરાવતા લોકો અમેરિકન વર્કફોર્સમાંથી મળતા ન હોય, તેમને નોકરી પર રાખવા એ H-1B વિઝાનો હેતુ છે.

ઉદ્યોગ જગતે કેવો પ્રતિભાવ આપ્યો

ઍમેઝોન, માઇક્રોસૉફ્ટ, ઍપલ, ગૂગલ જેવી ટોચની મલ્ટિનૅશનલ કંપનીઓ ભારતીય પ્રૉફેશનલો પર નિર્ભર છે. 2024ના આંકડા પ્રમાણે આ કંપનીઓને જ સૌથી વધારે એચ-1બી વિઝા મળ્યા છે.

અમેરિકન ટૅક્નૉલૉજી ઉદ્યોગમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં છે ત્યારે H-1B વિઝાની ફી વધી જવાથી ભારતીય આઈટી ઉદ્યોગને ભારે ફટકો પડશે તેમ માનવામાં આવે છે.

આ ઉદ્યોગના સંગઠન નાસકૉમનું કહેવું છે કે અમેરિકામાં ભારતીય અને ભારતકેન્દ્રિત કંપનીઓએ H-1B વિઝા પર પોતાની નિર્ભરતા ઓછી કરી હતી અને સ્થાનિક લોકોની ભરતી વધારી હતી.

રૉયટર્સના અહેવાલ પ્રમાણે ભારતની 283 અબજ ડૉલરની આઈટી ઉદ્યોગનું નેતૃત્વ કરતા સંગઠન નાસકૉમે કહ્યું છે કે "ભારતીય ટૅક્નૉલૉજી સર્વિસિસ કંપનીઓના પ્રોજેક્ટ્સ ખોરવાઈ શકે છે. તેનાથી અમેરિકાની ઇનોવેશન આધારિત ઇકોસિસ્ટમને પણ અસર થશે તથા કંપનીઓએ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે પગલાં ભરવા પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન