You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદ એકદમ ધીમો કેમ પડી ગયો? હવે ક્યારે સિસ્ટમ સક્રિય થશે?
ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ પછી ફરીથી તેની ગતિ ધીમી પડી ગઈ છે. ગુજરાત સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં પણ અમુક જગ્યાએ ઝાપટા પડ્યા છે.
ચોમાસાની સિસ્ટમની વાત કરીએ તો સમુદ્રની સપાટીએ એક ટ્રોફની રચના થઈ છે જે અમૃતસર, દહેરાદુન, શાહજહાંપુર, છપરા, જલપાઇગુરીથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ટ્રોફ ફેલાયેલ છે.
હાલમાં સૌરાષ્ટ્ર પર સમુદ્રની સપાટીથી 4.5 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. આ ઉપરાંત સાઉથ રાજસ્થાનના મધ્ય ભાગ પર સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.
ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમૅટ મુજબ ગુજરાત, સાઉથ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં હાલમાં એક અઠવાડિયા સુધી ચોમાસું નબળું રહેશે અથવા બહુ ઓછો વરસાદ પડશે.
જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ રાજ્યોમાં ભૂસ્ખલન થવાનું પણ જોખમ છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં વરસાદ પડશે.
હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી ઑગસ્ટ, મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણી જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી જે વરસાદ પડશે તે હળવાથી લઈને મધ્યમ હશે. કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
પાંચમી ઑગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા કચ્છમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છઠ્ઠી ઑગસ્ટે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડશે.
6 ઑગસ્ટે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદ પડવાની આગાહી છે.
સાત અને આઠ ઑગસ્ટે પણ આ તમામ જિલ્લામાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી.
ગુજરાત સરકારના ડેટા પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યમાં 63.63 ટકા વરસાદ નોંધાયો છે. તેમાં કચ્છમાં 64 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં માત્ર 55 ટકા વરસાદ પડ્યો છે, તેથી સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે.
ઉત્તર ગુજરાતમાં સરેરાશ 66 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.12 ટકા અને સાઉથ ગુજરાતમાં સૌથી વધુ 67.55 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સરેરાશ 882 મીમી વરસાદ પડતો હોય છે જેમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં 561 મીમી વરસાદ પડી ગયો છે જે સિઝનના 63 ટકા થાય છે.
ગુજરાતનાં જળાશયોમાં કેટલું પાણી છે?
ગુજરાત સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં નાના મોટા 207 ડૅમમાંથી અત્યાર સુધીમાં 27 ડૅમ છલકાયા છે. ઉત્તર ગુજરાતમાં 15માંથી કોઈ મોટા ડૅમ નથી છલકાયા, જ્યારે મધ્ય ગુજરાતમાં 17માંથી ચાર ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. સાઉથ ગુજરાતમાં 6 ડૅમ અને કચ્છમાં 20માંથી ત્રણ ડૅમ છલકાયા છે. સૌરાષ્ટ્રમાં 141માંથી 16 ડૅમ છલકાયા છે.
સરદાર સરોવર ડૅમમાં અત્યાર સુધીમાં 77 ટકા પાણી ભરાયું છે. રાજ્યમાં એકંદરે જળાશયોમાં 72 ટકા સુધી પાણી ભરાયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન