You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂપમાં પેશાબ કરનારા બે કિશોરો પર અઢી કરોડ રૂપિયાનો દંડ, જાણો આખી ઘટના
- લેેખક, કૅલી નગ
- પદ, બીબીસી સંવાદદાતા
ચીનની એક કોર્ટે બે કિશોરોને હૉટ-પૉટ રેસ્ટોરાં સૂપ પૉટમાં પેશાબ કરવા બદલ બે કેટરિંગ કંપનીઓને 2.2 મિલિયન યુઆન (લગભગ 2.64 કરોડ રૂપિયા)નો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ ઘટના આ વર્ષે ફેબ્રુઆરીમાં શાંઘાઈમાં હૈદિલાઓ રેસ્ટોરાંની એક શાખામાં બની હતી. હૈદિલાઓ ચીનની સૌથી મોટી હૉટ-પૉટ રેસ્ટોરાં ચેઇન છે.
શાંઘાઈની હૈદિલાઓ શાખામાં બે નશામાં ધૂત 17 વર્ષના કિશોરોએ સૂપ બાઉલમાં પેશાબ કરીને તેનો વીડિયો ઑનલાઇન પોસ્ટ કર્યો હતો.
જેના કારણે દેશભરમાં તેની આકરી ટીકા થઈ હતી.
જોકે, કોઈએ દૂષિત સૂપ ખાધો ન હોવાના અહેવાલો હોવા છતાં, હૈદિલાઓએ જાહેરાત કરી કે તેણે થોડા દિવસો માટે તેની હોટેલની મુલાકાત લેનારા હજારો ગ્રાહકોને વળતર આપ્યું છે.
હૈદિલાઓએ કોર્ટને આના કારણે થયેલા 23 મિલિયન યુઆન (આશરે રૂ. 2.84 કરોડ) થી વધુના નુકસાન માટે વળતર આપવા જણાવ્યું છે.
માતાપિતાને ભરવો પડશે દંડ
શાંઘાઈની એક કોર્ટે ગયા શુક્રવારે આ કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે હૈદિલાઓ રેસ્ટોરાંના સૂપમાં પેશાબ કરનારા કિશોરોએ કંપનીઓનાં મિલકત અધિકારો અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
કોર્ટે કહ્યું કે આ ઘટનામાં વપરાયેલાં વાસણો દૂષિત હતાં અને તેનાથી લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે જ સમયે, કોર્ટે ટિપ્પણી કરી કે કિશોરોનાં માતાપિતા તેમની વાલીપણાની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયાં હતાં.
તેથી, એવો આદેશ આપવામાં આવ્યો હતો કે માતાપિતાએ પોતે જ સંપૂર્ણ વળતર ચૂકવવાનું રહેશે.
કોર્ટે રેસ્ટોરાંને વહીવટી ખર્ચ અને તેની પ્રતિષ્ઠાને નુકસાન માટે 2 મિલિયન યુઆન (લગભગ રૂ. 2.4 કરોડ), કેટરિંગ કંપનીને ટેબલવેર અને સફાઈ ખર્ચના નુકસાન માટે 1.3 લાખ યુઆન (લગભગ રૂ. 16 લાખ) અને કોર્ટ ખર્ચ માટે 70,000 યુઆન (લગભગ રૂ. 8.50 લાખ) ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે હૈદિલાઓ દ્વારા તેના ગ્રાહકોને ચૂકવવામાં આવેલું વધારાનું વળતર હોટલનો પોતાનો સ્વૈચ્છિક નિર્ણય છે અને તેથી તેનો બોજો કિશોરો પર લાદી શકાય નહીં.
હૈદીલાઓએ 24 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન શાખાની મુલાકાત લેનારા 4,000 થી વધુ ગ્રાહકોને સંપૂર્ણ રિફંડ અને બિલ રકમથી 10 ગણું રોકડ વળતર આપ્યું છે.
વધુમાં, તેનો દાવો છે કે બધાં હૉટ-પૉટનાં સાધનો બદલવામાં આવ્યાં છે અને તેની શુદ્ધિકરણનાં તમામ પગલાં લેવામાં આવ્યાં છે.
હૈદીલાઓ હાલમાં વિશ્વભરમાં એક હજારથી વધુ રેસ્ટોરાંની શાખાઓ ચલાવે છે.
આ કંપની પોતાના ગ્રાહકોની સેવા અને પરિવારિક વાતાવરણ માટે જાણીતી છે. જ્યાં ટેબલ પર રાહ જોતી વખતે મહિલાઓને મૅનીક્યૉરની સુવિધા તથા બાળકોને કૅન્ડી ફ્લૉસ આપવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન