ગુજરાતમાં H3N2 વાઇરલ તાવ : ઇલાજ માટે ડૉક્ટરની સલાહ વગર સીધા મેડિકલની દુકાનથી દવા લેવું કેટલું હિતાવહ?

વાઇરલ તાવ H3N2

ઇમેજ સ્રોત, Getty Images

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વાઇરલ ચેપના કિસ્સામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.

પાછલા બે-ત્રણ માસથી ઘણા લોકો આ વાઇરલ ચેપનો શિકાર બન્યા છે.

ડૉક્ટરો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ગુજરાતમાં વાઇરલ ચેપના કિસ્સાને કારણે ઓપીડીમાં આવતા દર્દીઓમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે.

નિષ્ણાતો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેલાઈ રહેલા વાઇરલ ચેપ માટે મોટા ભાગે ઇન્ફ્લુએન્ઝાના વૅરિયન્ટ H3N2ને જવાબદાર ગણાવી રહ્યા છે.

વાઇરલ તાવ H3N2

H3N2નો ચેપ એક વખત લાગી ગયા પછી ઘણા સમય સુધી દર્દીઓને તેને લગતી પરેશાનીઓ થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

આ સિવાય ગુજરાતમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આ બંને પરિસ્થિતિ ભેગી થતાં ઘણા લોકો સીધા મેડિકલે જઈને લક્ષણો આધારે દવાઓ લઈ રહ્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ફેબ્રુઆરીમાં શ્વસનના ઇલાજ માટે ઉપયોગી દવાઓના વેચાણમાં 38 ટકાનો વધારો થયો છે.

ઉપરાંત ઘણા લોકો લક્ષણોને આધારે મેડિકલમાંથી દવા લઈ રહ્યા છે.

પરંતુ ડૉક્ટરની સલાહ વગર જાતે જ આ પરિસ્થિતિમાં દવા લેવું કેટલું હિતાવહ છે? શું લક્ષણોને આધારે, ટેસ્ટ કરાવ્યા વગર દવા લઈ શકાય? જો હા તો કેટલા સમય સુધી અને કયાં લક્ષણો સંદર્ભે આવું કરી શકાય?

આ મુદ્દા અંગે વધુ માહિતી આપવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી હતી.

ગ્રે લાઇન

શું લક્ષણોને આધારે સીધા જ મેડિકલેથી દવા લઈ શકાય?

H3N2નાં લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદના ખ્યાતનામ ડૉક્ટર અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)ના ગુજરાત ચૅપ્ટરના કૉ-ઑર્ડિનેટર ડૉક્ટર મુકેશ મહેશ્વરીએ લોકો દ્વારા રાજ્યમાં લક્ષણોને આધારે ડૉક્ટરની સલાહ વગર સીધા જ મેડિકલેથી દવા લેવાના ચલણને ખતરનાક ગણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, “માત્ર H3N2 કે કોરોના માટે જ નહીં પરંતુ કોઈ પણ માંદગી સંદર્ભે ક્યારેય ડૉક્ટરની સલાહ વગર સીધા જ મેડિકલથી દવા ન લેવી જોઈએ.”

જોકે, તેઓ એવું પણ કહે છે કે કટોકટીની સ્થિતિમાં વધારે પડતો તાવ હોય તો અમુક સલામત દવાઓ પ્રારંભિક તબક્કા માટે લઈ શકાય. પરંતુ તે પછી પણ ડૉક્ટરની સલાહ તો લેવી જ જોઈએ.

H3N2 વાઇરલ તાવ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સિવાય ડૉ. મહેશ્વરી ડૉક્ટરની સલાહ વગર વાઇરલ ઇન્ફેક્શન કે અન્ય કોઈ માંદગી વખતે દવા લેવા બાબતે ચેતવણી આપતાં કહે છે કે, “ઘણી વખત લોકો H3N2, H1N1 અને કોરોનાનાં લક્ષણો જોવા મળે ત્યારે લક્ષણો આધારે ઍન્ટિ-બાયૉટિક દવાઓ સીધા જ મેડિકલેથી લઈ આવે છે. પરંતુ આ સ્થિતિમાં ઍન્ટી-બાયૉટિક દવા કોઈ અસર કરશે નહીં. ઉપરથી આગામી સમયમાં તકલીફ વધે તેવી પૂરી સંભાવના છે.”

“ઍન્ટી-વાઇરલ અને ઍન્ટી-બાયૉટિક દવાઓ ડૉક્ટરની સલાહ વગર લેવાથી શરીરમાં વધુ તકલીફો પેદા થઈ શકે છે. તેમજ શરીરમાં ઍન્ટી-બાયૉટિક દવાઓ સામેનું રેઝિસ્ટન્ટસ વધી શકે છે.”

તેઓ તાવની સ્થિતિમાં એક યા તો બે દિવસ સુધી ડોલો કે પૅરાસિટામોલ લેવાનું યોગ્ય ગણાવે છે. તેમ છતાં જો આગળ પણ તકલીફ ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ મુજબની દવાઓ તેટલા જ પ્રમાણમાં લેવાનું જણાવે છે.

અમદાવાદ ફૅમિલી ફિઝિશિયન્સ ઍસોસિયેશન (એએફપીએ)ના પ્રમુખ ડૉ. કમલેશ નાઇક પણ ડૉ. મહેશ્વરીની જેમ જ કોઈ પણ માંદગી દરમિયાન લક્ષણોને આધારે મેડિકલથી દવા લેવાનું હિતાવહ ન હોવાનું જણાવે છે.

તેઓ કહે છે કે, “ભલે ઍન્ટી-વાઇરલ હોય કે ઍન્ટી-બાયૉટિક, જે દવા અંગે તમને જાણ નથી જેના વિશે તમને ઝાઝું ખબર નથી તેને પોતાના શરીરમાં ન નાખવી જોઈએ.”

ડૉ. નાઇક આગળ કહે છે કે, “જે દવા વિશે આપને ખ્યાલ છે કે તેના લીધે તમારા શરીરની કોઈ ખરાબ પ્રતિક્રિયા નથી આવતી તેવી દવા કટોકટીની સ્થિતિમાં લઈ શકાય અન્યથા આવું કરવું બિલકુલ હિતાવહ તો નથી જ.”

અહીં એ વાત નોંધનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ દ્વારા અગાઉ H3N2ના ઇલાજ માટે ઍન્ટી-બાયૉટિકનો ઉપયોગ ન કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી.

હાલમાં કોરોનાના વધતા કેસોને કારણે ફરી એક વાર ઍન્ટી-બાયૉટિકનો ઉપયોગ કોરોનાના ઇલાજ માટે પણ ન કરવાની સલાહ અપાઈ છે.

બીબીસી ગુજરાતી

H3N2ના વાઇરલ ચેપથી બચવા શું કરવું?

H3N2 વાઇરલ તાવ

ઇમેજ સ્રોત, Getty Images

  • માસ્ક પહેરો - ભીડવાળાં સ્થળોએ જવાનું ટાળો
  • શરદી-ખાંસી સમયે મોઢું-નાક ઢાંકો - આંખ અને નાકને અડવાનું ટાળો
  • ભરપૂર માત્રામાં પ્રવાહી લો - કળતર અને તાવ માટે પૅરાસિટામોલ લો

વાઇરલ ચેપથી બચવા શું ટાળવું?

  • હસ્તધૂનન અને કોઈ પણ પ્રકારનો શારીરિક સંપર્ક ટાળવો - જાહેર સ્થળોએ ન થૂંકશો
  • ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા ન લો, ઍન્ટીબાયૉટિક ન લેશો
  • ભોજન કરતી વખતે અન્યોની નજીક ન બેસશો
બીબીસી ગુજરાતી

ઍન્ટી-બાયૉટિક રેઝિસટન્સ : બિલ્લીપગે આગળ વધતી મહામારી

તાવ

આજની તારીખમાં ઍન્ટિ-બાયૉટિક રેઝિસન્ટસ એ વિશ્વની સ્વાસ્થ્ય અને અન્ન સલામતી માટે સૌથી મોટા ખતરા પૈકીનો એક છે.

આ રેઝિસટન્સ આપમેળે વિકસિત થાય છે, પરંતુ માણસ અને પ્રાણીઓમાં તેનો આડેધડ ઉપયોગ આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી રહ્યો છે.

આ પરિસ્થિતિને કારણે ન્યુમોનિયા, ટીબી, ગોનોરિયા જેવા રોગોનો ઇલાજ વધુને વધુ મુશ્કેલ બનતો જઈ રહ્યો છે.

રેડ લાઇન
રેડ લાઇન