દારૂ ન પીતા હોય તો પણ લીવર ખરાબ કેવી રીતે થઈ શકે?

દારૂ પીધા વગર થતી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઓમકાર કરંબેલકર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

“અરે... હું તો દારૂ પીતો જ નથી... તો પછી મારું લીવર કેવી રીતે બગડે? ... મને કંઈ નહીં થાય.”

આપણે ઉપરછલ્લી રીતે આવું કાયમ વિચારતા હોઈએ છીએ. ચાર-પાંચ દોસ્તો વચ્ચેની ગપ્પાંગોષ્ઠિમાં આવી વાતો સંભળાતી રહે છે, પણ માત્ર મદ્યપાન કરતા લોકોને જ લીવર કે લીવર સંબંધી અન્ય રોગ થાય છે એવી એક મોટી ગેરસમજ પ્રવર્તે છે.

બદલાતા સમયમાં આપણી જીવનશૈલીમાં પણ બદલાવ આવ્યો છે. વ્યાયામના અભાવ અને ઉચ્ચ કૅલરીવાળા ખોરાકને કારણે આપણે અનેક બીમારીનો સામનો કરવો પડે છે. તેને જીવનશૈલી સંબંધી રોગ કે લાઇફસ્ટાઈલ ડિસીઝ કહેવામાં આવે છે.

આવો જ એક રોગ છે નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ છે. સરળતા માટે આપણે તેને ફેટી લીવર નામે ઓળખીશું. ચાલો, આ રોગ વિશે માહિતી મેળવીએ.

ગ્રે લાઇન

નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ શું છે?

દારૂ પીધા વગર થતી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

આ આપણા યકૃત એટલે લીવરમાં થતા ફેરફારને લીધે સર્જાતી સ્થિતિ છે. આ સ્થિતિ મોટા ભાગે વધુ વજનવાળા અને મેદસ્વી લોકોમાં જોવા મળે છે. લીવરમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થાય ત્યારે આ સ્થિતિ સર્જાય છે.

આ સ્થિતિની શરૂઆતમાં બહુ તકલીફ થતી નથી, પણ બીજા તબક્કામાં ત્રાસ વધે છે. ફેટી લીવરની સ્થિતિ વકરે તો લીવર સિરોસિસ ઉપરાંત લીવરને નુકસાન થવાનું જોખમ સર્જાય છે.

આ સ્થિતિ દારૂ પીવાને કારણે સર્જાતી નથી, પરંતુ દારૂ પીવાથી પરિસ્થિતિ વણસી શકે છે. તેથી ફેટી લીવરને હરાવવા માટે દારૂ, સિગારેટ પીવાથી સંપૂર્ણપણે દૂર રહેવું જરૂરી છે.

બ્રિટનની લીવર હેલ્થ સંસ્થાના જણાવ્યા અનુસાર, લીવરના કોષોમાં ચરબી ન હોય અથવા ચરબીનું સ્તર બહુ જ ઓછું હોય તો યકૃતને તંદુરસ્ત ગણવામાં આવે છે. લીવરના કોષોમાં પાંચ ટકાથી વધુ ચરબી એકઠી થાય તો તેને વધારે પડતી ગણવામાં આવે છે.

આવી સ્થિતિનું રૂપાંતર ફેટી લીવરમાં થાય છે. બ્રિટનમાં પ્રત્યેક ત્રણ પૈકીની એક વ્યક્તિને નોન-આલ્કોહોલિક ફેટી લીવરની તકલીફ હોવાનો અંદાજ છે.

લીવર હેલ્થના જણાવ્યા મુજબ, વિશ્વમાં 65 કરોડ લોકો એટલે કે કુલ વસતીના 8.8 ટકા લોકો ફેટી લીવરની તકલીફથી પીડાય છે. આટલું ઓછું હોય તેમ આ પ્રમાણ રોજ ઉત્તરોતર વધી રહ્યું છે. તેના પરથી આ રોગની ગંભીરતા સમજી શકાય છે.

યુનાઇટેડ કિંગ્ડમની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, લીવરમાં વધુ પડતી ચરબીના સંચયને ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કિડનીના રોગ સાથે સંબંધ હોઈ શકે છે. કોઈ ડાયાબિટીક વ્યક્તિને ફેટી લીવરની બીમારી થાય તો હૃદયરોગ થવાની શક્યતા વધી જાય છે.

નોન-આલ્કોહોલિક ફેટી લીવરના વિવિધ તબક્કા આ મુજબ છેઃ

સિમ્પલ ફેટી લીવર અથવા સ્ટિઅટોસિસ

લીવર

યકૃતમાં ચરબીના કોષોનો સંચય શરૂ થાય છે. આ તબક્કામાં વધારે બળતરા થતી નથી.

ઉપરાંત આ તબક્કામાં ખાસ કોઈ લક્ષણ પણ જોવાં મળતાં નથી. તેથી લોકોને ખ્યાલ નથી આવતો કે તેમના શરીરમાં ફેટી લીવરની બીમારી શરૂ થઈ ગઈ છે.

આ તબક્કા દરમિયાન યોગ્ય આહાર લેવામાં આવે, વ્યાયામ કરવામાં આવે અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો આગળની સમસ્યાઓમાંથી બચી શકાય છે.

સ્ટીટોહેપેટાઇટિસ

આ તબક્કામાં લીવરમાં ચરબીના કોષો વધે છે અને દાહ શરૂ થાય છે. યકૃત તેના ખરાબ થયેલા ટિશ્યુઝને દુરસ્ત કરે ત્યારે દાહ થાય છે, પણ ક્ષતિગ્રસ્ત ટિશ્યુઝની સંખ્યા વધે છે ત્યારે તેને દુરસ્ત કરવાનું યકૃત માટે મુશ્કેલ બને છે.

તેના પરિણામે આપણા લીવરમાં જખમ થઈ શકે છે. જે જખમ કે સ્કાર વધે ત્યારે તેનું રૂપાંતર ફાઇબ્રોસિસમાં થાય છે.

દારૂ પીધા વગર થતી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

ફાઇબ્રોસિસ

યકૃતમાં અને યકૃતની નજીકની રક્તવાહિનીઓમાં સ્કાર અથવા અલ્સર ટિશ્યુઝ વધે છે ત્યારે ફાઇબ્રોસિસની સ્થિતિ સર્જાય છે.

આ પરિસ્થિતિમાં પણ યકૃત તો તેનું કામ યોગ્ય રીતે જ કરતું હોય છે. આ તબક્કે તત્કાળ યોગ્ય સારવાર ન કરવામાં આવે તો જોખમ વધી શકે છે.

યકૃતના સામાન્ય કોષોની જગ્યાએ આવા જખમી કોષોની સંખ્યા વધે તો યકૃત પર મોટું જોખમ સર્જાય છે અને સિરોસિસ થઈ શકે છે.

સિરોસિસ

આ ચોથો તબક્કો છે. આ તબક્કા દરમિયાન લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. તેનાં લક્ષણ દેખાવાં લાગે છે. ત્વચા, આંખો પીળી દેખાય છે. પાંસળીઓ નજીક દુખાવો શરૂ થાય છે.

આ સ્થિતિમાં જખમી કોષો દૂર કરવા મુશ્કેલ બને છે. જોકે, જોખમને વકરતું રોકવાના પ્રયાસ જરૂર કરી શકાય છે.

બહુ ઓછા લોકો પ્રથમથી ચોથા તબક્કા સુધીની પ્રગતિનો અનુભવ કરતા હોય છે. ચોથા તબક્કાની સ્થિતિ સર્જાવામાં વર્ષો વીતી જાય છે.

એવી સ્થિતિ ન સર્જાય એટલા માટે સમયાંતરે લીવરના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.

ગ્રે લાઇન

ફેટી લીવરનો રોગ કોને થઈ શકે?

દારૂ પીધા વગર થતી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

જેમનું વજન વધારે હોય, જે વ્યક્તિ સ્થૂળકાય હોય તેના પર આ રોગ થવાનું જોખમ વધારે હોય છે. વ્યક્તિના શરીરમાં ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સની, હાઈ બ્લડપ્રેશરની, હાઈ કૉલેસ્ટ્રોલની સ્થિતિ સર્જાઈ હોય અથવા ચયાપચય સંબંધી તકલીફો હોય તો ફેટી લીવર થઈ શકે છે. તેનું એક કારણ ધૂમ્રપાન પણ છે.

નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝના પ્રારંભિક કાળમાં તેના ખાસ કોઈ લક્ષણ દેખાતાં નથી. તેથી અન્ય કારણસર વ્યક્તિની તબીબી તપાસણી કરવામાં આવી હોય તો તે પ્રારંભિક અવસ્થામાં હોય તે શક્ય છે.

નેશનલ હેલ્થ સર્વિસે આપેલી માહિતી મુજબ, ફાઇબ્રોસિસને કારણે પેટની ઉપરના ભાગમાં (જમણી પાંસળીની નીચે) દુખાવો થાય છે, ખૂબ થાક લાગે છે, કોઈ કારણ વિના વજનમાં ઘટાડો થાય છે, નબળાઈ અનુભવાય છે. સિરોસિસ પછી ત્વચા પીળી થઈ જાય છે, આંખમાંનો સફેદ હિસ્સો પીળો થઈ જાય છે અને પગમાં સોજો ચડે છે.

દારૂ પીધા વગર થતી બીમારી

આ રોગનું નિદાન કેવી રીતે થાય છે?

નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગનું નિદાન અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. એ ઉપરાંત બ્લડ ટેસ્ટ અથવા લીવર ફંકશન ટેસ્ટ દ્વારા પણ કરવામાં આવે છે.

બ્લડ ટેસ્ટમાં હેપેટાઇટિસને બદલે બીજું કશુંક જોવા મળે ત્યારે ફેટી લીવર પર ધ્યાન કેન્દ્રિત થાય છે. એ પછી તે ક્યા તબક્કામાં છે તેની તપાસ કરવા માટે અલગ પ્રકારની બ્લડ ટેસ્ટ અને ખાસ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન (ફાઇબ્રોસ્કેન) કરવામાં આવે છે.

ક્યારેય બાયોપ્સી પણ કરવામાં આવે છે. તેમાં લીવરના કોષનો એક નમૂનો લઈને તેની ચકાસણી કરવામાં આવે છે. ક્યારેય સિટી સ્કેન અને એમઆરઆઈ સ્કેનની પણ જરૂર પડે છે.

દારૂ પીધા વગર થતી બીમારી

સારવાર

દારૂ પીધા વગર થતી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રસ્તુત રોગનો આ મહત્ત્વનો તબક્કો છે. ડૉક્ટરે સૂચવેલી દવાઓ લેવાની સાથે જીવનશૈલીમાં પણ કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવા પડે છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિનું શરીરના વજન તેની ઊંચાઈના પ્રમાણમાં યોગ્ય છે કે કેમ તે જાણવું પડે છે. વજન વધારે હોય તો ઘટાડવું પડે છે.

યોગ્ય આહાર લેવો પડે છે. તેમાં ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવું પડે છે. એ ઉપરાંત ખાંડ, મીઠું અથવા ખાંડયુક્ત પીણાં પીવાનું ટાળવું જરૂરી બને છે.

બહારનું ખાવાનું બંધ કરીને ઘરમાં રાંધેલો તાજો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. વ્યક્તિની જીવનશૈલી બેઠાડુ હોય તો તેણે રોજ થોડો વ્યાયામ કરવો જરૂરી બને છે. આ રીતે વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે.

સૌથી મહત્ત્વની વાત એ કે આ બીમારીનું નિદાન જાતે નહીં, પણ ડૉક્ટર દ્વારા જ થવું જોઈએ. સારવાર તથા જીવનશૈલીમાં ફેરફાર તેમજ આહારમાં ફેરફાર માટે પ્રશિક્ષિત આહારશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.

દારૂ પીધા વગર થતી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

વ્યક્તિની ઊંચાઈ, વજન, લિંગ, જીવનશૈલી અને આદતોને ધ્યાનમાં લઈને એ નિષ્ણાત જરૂરી ફેરફાર તથા વ્યાયામ કરવાનું સૂચવે છે. તેથી સારવાર અને નિદાનનો નિર્ણય જાતે ક્યારેય ન લેવો જોઈએ.

આહારશાસ્ત્રી ડૉ. પ્રણિતા અશોકે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે “નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝની વાત કરીએ તો તેના વજનમાં વધારા સહિતના મોટા ભાગના કારણ વ્યક્તિની ચયાપચયની પ્રક્રિયામાં જોવા મળતાં હોય છે. તે ટાઈપ-ટુ ડાયાબિટીસમાં અને હાઈ બ્લડપ્રેશરમાં પણ જોવા મળે છે.”

તેમણે ઉમેર્યું હતું કે “માત્ર ભાત, ભાખરી અને રોટલીનો આહાર કરવાને બદલે શાકભાજી, દૂધ, દહીં, છાશ, ફળો અને ડ્રાયફ્રૂટ્સનું પણ યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જોઈએ. રોજ અમુક પ્રકારની કસરત કરવી જ જોઈએ. સારી રીતે ઊંઘવું જોઈએ અને તણાવ ઘટાડવો જોઈએ. તેથી રોગની વૃદ્ધિ અને તીવ્રતામાં ઘટાડો કરી શકાશે.”

ઇલિનોઇસ યુનિવર્સિટીના તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૈનિક વ્યાયામ સાથે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વડે ફેટી લીવર ડિસીઝનો પ્રભાવ ઘટાડી શકાય છે.

રેડ લાઇન
રેડ લાઇન