31 ડિસેમ્બર સુધીમાં આ કામ પૂરા કરી લો, નહીંતર નવા વર્ષે થશે મુશ્કેલી

વર્ષ 2023ને વીતી જવામાં હવે માત્ર થોડા કલાકો જ રહ્યા છે.

વર્ષ 2024 શરૂ થતા જ બૅન્ક, ઇન્કમટૅક્સ, રોકાણ અને દસ્તાવેજો સંબંધિત નવા નિયમો લાગુ થઈ જશે.

કેટલાક થયેલા નવા બદલાવો માટે 31 ડિસેમ્બર, 2023ની ડેડલાઇન આપવામાં આવી છે.

એટલે ત્યાં સુધીમાં આ ફેરફારોને ધ્યાનમાં રાખીને આ કામ કરી લેવાં જરૂરી છે.

ઇન્કમટૅક્સ રિટર્ન

જો તમે વર્ષ 2022-23 (ઍસેસમૅન્ટ યર 2023-24)નું ઇન્કમટૅક્સ રિટર્ન હજી સુધી ન ભર્યું હોય તો તેને 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન પણ ભરી શકાય તેમ છે.

ત્યારબાદ ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવા બદલ તમારે 5 હજાર રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. જો તમારી આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે એક હજાર રૂપિયા ભરવા પડશે.

જો પહેલેથી દાખલ કરવામાં આવેલા રિટર્નમાં કોઈ ફેરફાર કરવો હોય તો તેના માટે પણ 31 ડિસેમ્બર સુધીની ડેડલાઇન છે.

લૉકર સંબંધી નિયમોમાં ફેરફાર પછી હસ્તાક્ષર

ભારતીય રિઝર્વ બૅન્કે આ બૅન્ક લૉકર ઍગ્રીમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. તેના પર હસ્તાક્ષર કરવા માટે પણ 31 ડિસેમ્બરની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.

જો લૉકરધારકો હસ્તાક્ષર નહીં કરે તો લૉકર ફ્રીઝ કરી દેવામાં આવશે.

આરબીઆઈએ તેના માટે 8 ઑગસ્ટ, 2023ના રોજ નવી ગાઇડલાઇન જાહેર કરી હતી.

એ ગાઇડલાઇન હેઠળ મોટાભાગની બૅન્કોએ ગ્રાહકોના અધિકારને ઉમેરીને એક નવું લૉકર ઍગ્રીમેન્ટ તૈયાર કર્યું હતું.

તેના પર ગ્રાહકોના હસ્તાક્ષર જરૂરી છે. મોટાભાગના લોકો તેમના બૅન્ક લૉકરમાં જરૂરી દસ્તાવેજો અને ઘરેણાં રાખતા હોય છે.

આધાર કાર્ડમાં સુધારા

જે લોકો આધાર કાર્ડમાં કોઈ સુધારા કરાવવા ઇચ્છે છે તેઓ આ ફેરફાર નિશુલ્ક આ સેવાનો લાભ 31 ડિસેમ્બર સુધી લઈ શકશે.

1 જાન્યુઆરી, 2024થી તેના માટે 50 રૂપિયા આપવા પડશે.

ડીમેટ એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનીનું નામ

જે લોકો ઓનલાઇન શૅરબજારમાં શૅરમાં રોકાણ કે શૅરની લે-વેચ કરે છે અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે તેના માટે સેબીએ નોમિનેશન અપડેટ કરવા ( નોમિની વ્યક્તિનું નામ ઉમેરવા ) માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 આપી હતી.

આ તારીખને હવે વધારીને 30 જૂન, 2024 કરી દેવામાં આવી છે.

નવા સિમકાર્ડ માટે ડિજિટલ કેવાયસી પ્રોસેસ

ટેલિકૉમ્યુનિકેશન વિભાગ પ્રમાણે 1 જાન્યુઆરીથી સિમકાર્ડ માટે પેપર-બેઝડ્ કેવાયસીને બંધ કરી દેવામાં આવશે.

ગ્રાહકોએ હવે નવું સિમકાર્ડ ખરીદવા માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં.

નવું સિમકાર્ડ લેવા માટે આધાર-ઇનેબલ્ડ ડિજિટલ કેવાયસી પ્રોસેસમાંથી પસાર થવું પડશે.

સરળ ભાષામાં પોલિસીના નિયમો આપવા પડશે

પોલિસીધારકોને ટેકનિકલ મદદ મળી રહે તે માટે અને પોલિસીની શરતો અને નિયમોને લોકો સારી રીતે સમજી શકે તે માટે વીમા કંપનીઓએ પહેલી જાન્યુઆરીથી પોલિસીની મુખ્ય વિશેષતાઓ એક નિર્ધારિત ફૉર્મેટમાં આપવી પડશે.

વીમા નિયામક કંપની ઇરડાએ આ શરતોને વધુ સ્પષ્ટ કરવા માટે હાલમાં અપાતી સૂચનાઓમાં સંશોધન કર્યું છે.

પાર્સલ મોકલવું મોંઘું પડશે

બ્લૂ-ડાર્ટ સહિત ઍક્સ્પ્રેસ લોજિસ્ટિક બ્રાન્ડ્સનું સંચાલન કરનાર ડીએચએલ ગ્રૂપે 1 જાન્યુઆરીથી પાર્સલ મોકલવાની કિંમતોમાં સાત ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

જેના કારણે હવે ગ્રાહકોને શિપિંગ કંપની મારફતે પાર્સલ મોકલવું મોંઘું પડશે.

કારની કિંમતો વધશે

મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મર્સિડિઝ અને ઑડી જેવી કંપનીઓએ મોંઘવારીના દબાવને અને કૉમોડિટીની કિંમતોમાં વધારાને કારણે કારની કિંમતો પણ વધારવાની જાહેરાત કરી છે.

આ કંપનીઓની કારમાં નવા વર્ષે વધારો થઈ શકે છે.