સૈન્ય સત્તા ધરાવતો એ દેશ જેના સૈનિકો હવે લડવાનો ઇન્કાર કરી રહ્યા છે

    • લેેખક, કો કો આંગ,રેબેકા હેન્સકે અને શાર્લોટ એટવૂડ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

મ્યાનમારનું સૈન્ય તેના સૈનિકોમાં પડેલા ભાગલાનો સામનો કરી રહ્યું છે અને નવા સૈનિકોની ભરતી કરવાનું તેના માટે મુશ્કેલ બન્યું છે. સૈન્યથી તાજેતરમાં અલગ થયેલા સૈનિકોએ બીબીસી સાથેની મુલાકાતોમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં બળવો કરીને સત્તા કબજે કરનાર લશ્કરી જૂથ (જન્ટા) લોકશાહી તરફી સશસ્ત્ર બળવાને દબાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

નેય આંગ કહે છે, "કોઈ લશ્કરમાં જોડાવા માગતું નથી. લોકો જન્ટાની ક્રૂર તથા અન્યાયી રીતરસમને ધિક્કારે છે."

નેય આંગે પ્રથમ વખત લશ્કરી થાણું છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને રાઈફલના બટ વડે માર મારવામાં આવ્યો હતો અને તેમને દેશદ્રોહી કહેવામાં આવ્યા હતા.

બીજી વખત ભાગી છૂટવામાં તેઓ સફળ થયા હતા અને વિરોધી જૂથના સહયોગ વડે સરહદ પાર કરીને થાઈલૅન્ડ પહોંચી ગયા હતા.

નેય આંગ કહે છે, "મારો એક દોસ્ત પ્રતિકારમાં સામેલ છે. મેં તેને ફોન કર્યો હતો અને તેણે અહીં થાઈલૅન્ડમાં લોકોને મારી વિશે જણાવ્યું હતું. હું તેની મદદથી અહીં પહોંચી શક્યો છું."

તાજેતરમાં જન્ટા આર્મી છોડીને આવેલા અન્ય 100 સૈનિકો તથા તેમના પરિવારો સાથે નેય આંગ અહીં સલામત સ્થળે રહે છે. આ સૈનિકોએ તેમના દેશબાંધવો સામે લડવાનો ઇનકાર કર્યો હતો અને અહીં તેઓ તેમના મૂળ નામનો ઉપયોગ કરતા નથી.

જેની સામે લડવાનો આદેશ આપવામાં આવ્યો હતો, એ જ પ્રતિકાર ચળવળ દ્વારા તેમના આવાસ તથા રક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.

મ્યાનમારની 'ઍક્ઝાઈલ્ડ નેશનલ યુનિટી ગવર્નમેન્ટ'ના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી, 2021માં સૈન્યએ સત્તા કબજે કરી ત્યારથી 13,000થી વધુ સૈનિકો અને પોલીસ અધિકારીઓએ સૈન્યનો સાથ છોડી દીધો છે. શાસક સૈન્યનો સાથ છોડવા માટે વધુ સૈનિકો અને પોલીસ અધિકારીઓને રોકડ પ્રોત્સાહન તથા ટેકો આપવામાં આવી રહ્યો છે.

થાઈલૅન્ડ ખાતેના સલામત ઘરમાં આશરો લઈ રહેલા લોકોમાં 19 વર્ષના મોંગ સેઇન સૌથી નાની ઉંમરના છે. તે માત્ર 15 વર્ષના હતા ત્યારે સૈન્યમાં જોડાયા હતા.

મોંગ સેઇન કહે છે, "હું લશ્કરનો આદર કરતો હતો."

મોંગ તેના પરિવારને ગૌરવ અપાવવા ઇચ્છતો હતો, પરંતુ લોકશાહીના માગણી સાથેના રાષ્ટ્રવ્યાપી બળવાને કચડી નાખવા સૈન્યએ જે હિંસક કાર્યવાહી કરી તેનાથી લશ્કરી ગણવેશવાળા લોકો પ્રત્યેનો નાગરિકોનો દૃષ્ટિકોણ સદંતર બદલાઈ ગયો હતો.

મોંગ સેઇન કહે છે, "લોકો અમને લશ્કરી કુતરાં કહેતા હતા તે અમે ઑનલાઇન જોયું હતું. તેનાથી મને બહુ ખેદ થયો હતો." કોઈ પ્રાણી સાથે માણસની સરખામણી મ્યાનમારમાં સૌથી મોટું અપમાન ગણાય છે.

મોંગ સેઇનના જણાવ્યા મુજબ, તેમના જેવા સૌથી નીચલા સ્તરના સૈનિકો "નાગરિકોની હત્યા કરવાના અને ગામડાં બાળી નાખવાના ઉપરથી મળતા આદેશ"નો અનાદર કરી શકતા નથી. સૈન્ય નબળી સ્થિતિમાં છે એવું લાગ્યા પછી મોંગ સેઇને પણ તે છોડી દીધું હતું.

'પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ' (પીડીએફ) તરીકે ઓળખાતા નાગરિક લશ્કરી જૂથોના નેટવર્કની સાથે સરહદી વિસ્તારોમાંનાં વંશીય સશસ્ત્ર સંગઠનો અપેક્ષા કરતાં ઘણા મજબૂત સાબિત થઈ રહ્યાં છે અને મ્યાનમારના લશ્કરે દેશના મોટા હિસ્સા પરથી અંકુશ ગુમાવી દીધો છે.

મેગવે અને સાગાઇંગ ડિવિઝનમાંથી અગાઉ ઘણા લોકો લશ્કરમાં જોડાતા હતા, પરંતુ હવે યુવાનો નાગરિક સૈન્યમાં જોડાઈ રહ્યા છે.

લશ્કર છોડ્યું તે પહેલાં મોંગ સેઇનના વડપણ હેઠળના યુનિટને પીડીએફની એક તાલીમ છાવણીને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તે કામગીરી યોગ્ય રીતે પાર પાડી શકાઈ ન હતી. પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો તે પહેલાં તે ઑપરેશનમાં મોંગ સેઇનના સાત સાથીઓ સૈનિકો માર્યા ગયા હતા.

મોંગ સેઇન કહે છે, "પીડીએફની વ્યૂહરચના વધુ સારી છે. એ તેમને મજબૂત બનાવે છે."

પીડીએફને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે અને ગ્રામજનો તેમને લશ્કરની હિલચાલ વિશેની ગુપ્ત માહિતી તથા યુવા લડવૈયાઓને આશ્રય આપે છે. કૅપ્ટન ઝે થુ આંગે ઍરફોર્સમાં 18 વર્ષ કામ કર્યું છે.

તેમણે જન્ટાના બળવાના એક વર્ષ પછી ફેબ્રુઆરી, 2022માં લશ્કર છોડી દીધું હતું. મ્યાનમારના લશ્કરની હાલતની વાત કરતાં તેઓ કહે છે, "જન્ટાના લશ્કર પર દેશભરમાં હુમલા થઈ રહ્યા છે. તેમને પાસે લડવા માટે પૂરતા માણસો પણ નથી."

આ કારણસર લશ્કર હવાઈદળનો ઉપયોગ વધુને વધુ પ્રમાણમાં કરી રહ્યું હોવાનું તેઓ જણાવે છે.

તાજેતરના મહિનાઓમાં જન્ટા લશ્કરે દેશભરમાં વિનાશક હવાઈ હુમલા કર્યા છે.

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 200થી વધુ હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

સૌથી ભયંકર હવાઈ હુમલો એપ્રિલમાં સાગિંગ પ્રદેશના પા ઝી ગી ગામ પર કરવામાં આવ્યો હતો.

તેમાં અનેક મહિલાઓ અને બાળકો સહિત 170થી વધુ લોકો માર્યા ગયાં હતાં.

કૅપ્ટન આંગ આગાહી કરે છે, "હવાઈદળનો સાથ નહીં મળે તો લશ્કર ભાંગી પડે તેવી શક્યતા છે."

લશ્કર છોડી ચૂકેલા અન્ય લોકોની માફક કૅપ્ટન આંગના પરિવારજનોને પણ, તેમની પસંદગી ઍરફોર્સ કૅડેટ તરીકે કરવામાં આવી તેનો ગર્વ હતો.

એ સમયે મ્યાનમારના લશ્કરનો હિસ્સો બનવું સન્માનની વાત હતી, એમ જણાવતાં તેઓ કહે છે, "આ બળવાએ અમને પાતાળમાં ધકેલી દીધા છે."

કૅપ્ટન આંગના કહેવા મુજબ, "હું ઍરફોર્સમાં જેમની સાથે હતો એમાંથી મોટા ભાગના લોકો ખરાબ ન હતા, પરંતુ બળવા પછી તેઓ રાક્ષસ જેવું વર્તન કરી રહ્યા છે."

કૅપ્ટન ઓંગ તેમના યુનિટમાં એકમાત્ર વ્યક્તિ છે, જેણે લશ્કર છોડ્યું છે. તેઓ કહે છે, "મારા મોટા ભાગના દોસ્તો મારા લોકો સામે જ લડતા હતા."

દેશના સંચાલનમાં મ્યાનમારના લશ્કરની ભૂમિકા નિર્ણાયક હોવા છતાં તેનું ચોક્કસ કદ અજ્ઞાત છે.

મોટા ભાગના નિરિક્ષકોનો અંદાજ છે કે બળવો થયો ત્યારે તેની સંખ્યા ત્રણ લાખ હતી, પરંતુ હવે તેમાં મોટો ઘટાડો થયો છે.

પ્રતિકાર ચળવળે નાણાં એકત્ર કરવા માટે લોકો પાસેથી ફાળો ઉઘરાવવા ઉપરાંત વીડિયો ગેમ્સ જેવી નવી તકનીકોનો ઉપયોગ કર્યો છે. તેને મોટા ભાગનું દાન પરદેશમાં વસતા મ્યાનમારના લોકો તરફથી મળ્યું છે.

આ રીતે તેઓ સારા પ્રમાણમાં ભંડોળ એકત્ર કરી શક્યા છે, પરંતુ તેમની પાસે લશ્કરી ગ્રેડનાં શસ્ત્રો કે યુદ્ધવિમાનો નથી. મ્યાનમારનું હવાઈદળ કે નૌકાદળ છોડે તે તમામને પાંચ લાખ ડૉલર (અંદાજે રૂ. 4.09 કરોડ) આપવાની ઑફર નેશનલ યુનિટી ગવર્નમેન્ટે કરી છે, પરંતુ હજુ સુધી કોઈએ એવું કર્યું નથી.

કૅપ્ટન ઓંગ જણાવે છે, વર્ષો સુધી "સવિશેષ સિદ્ધાંતના પાઠ" ભણ્યા પછી સૈન્ય છોડવું આસાન નથી અને એવું કરે તેને દેશદ્રોહી ગણવામાં આવે છે. કૅપ્ટન ઓંગ કહે છે, "મ્યાનમારના સૈન્યમાં એવી કહેવત છે કે સૈનિક મરે ત્યારે જ સૈન્ય છોડે."

રશિયાની ભૂમિકા

કૅપ્ટન ઓંગે સૈન્ય છોડતા પહેલાં, રશિયાથી સુખોઈ સુ-30 યુદ્ધવિમાનના આગમનની તૈયારી માટેના રાજધાની નાયપિદાવ ખાતેના ઍરપૉર્ટમાં સુધારાના મોટા પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. કૅપ્ટન ઓંગે અમને ઍરપૉર્ટની સેટેલાઈટ તસવીરો દેખાડી હતી. તેઓ ક્યાં રહેતા હતા તે અને 6 સુખોઈ એસયુ-30ને રાખવા માટે બનાવવામાં આવેલાં છ ઓપન શેડ્ઝ દેખાડ્યાં હતાં.

લશ્કર દ્વારા ઉપયોગમાં લેવાતાં વિમાનો પર નજર રાખવાનું કામ કરતા મ્યાનમાર વિટનેસના લિયોન હદવી કહે છે, "આ ફાઇટર જેટ્સ મ્યાનમારના સૈન્યના શસ્ત્રાગારમાંનાં સૌથી અદ્યતન વિમાનો છે."

તેમનું કહેવું છે કે સુખોઈ એસયુ-30 અત્યાધુનિક મલ્ટી-રોલ ફાઇટર જેટ છે, જે ઍર-ટુ-ઍર અને ઍર-ટુ-ગ્રાઉન્ડ એમ બન્ને પ્રકારે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તે રશિયન બનાવટનાં યાક-130 કરતાં પણ વધુ પ્રમાણમાં શસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવે છે અને તાજેતરના હવાઈ હુમલાઓમાં તેનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કૅપ્ટન ઓંગ જણાવે છે કે કરાર મુજબ, રશિયાના બે ટેસ્ટ પાઇલટ અને 10 લોકોની રિપેર ક્રુ એક વર્ષના સમગ્ર વૉરંટી સમયગાળા દરમિયાન મ્યાનમારમાં રહેશે.

તેમના જણાવ્યા મુજબ," મ્યાનમારના ઍરફૉર્સમાંથી અન્ય લોકોને રશિયા મોકલવામાં આવ્યા હતા."

તેઓ કહે છે કે,"કુલ 50 લોકોને આ વિમાન ચલાવવાની તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા." છમાંથી બે ફાઇટર જેટ્સ મ્યાનમાર આવી પહોંચ્યાં છે અને તેને લશ્કરી પરેડમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. કોઈ લડાઈમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને પાડોશી દેશો દ્વારા કરવામાં આવતી ટીકાને કારણે મ્યાનમારનું સૈન્ય વધુને વધુ એકલું પડી રહ્યું છે.

બ્રિટને પ્રતિબંધોના માર્ચના રાઉન્ડમાં મ્યાનમારના સૈન્યને મળતા ઈંધણના પુરવઠાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, મ્યાનમારના સૈન્ય સાથે લાંબા સમયથી સંબંધ ધરાવતું રશિયા મ્યાનમારનું સૌથી મજબૂત વિદેશી સમર્થક બનવાની દિશામાં આગળ વધ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના મ્યાનમાર માટેના સ્પેશ્યલ રિપોર્ટર ટૉમ ઍન્ડ્રુઝ જણાવે છે કે અત્યાર સુધીમાં રશિયાએ મ્યાનમારને સૌથી વધુ શસ્ત્રો પૂરાં પાડ્યાં છે. મેમાં બહાર પાડવામાં આવેલા તેમના અહેવાલ મુજબ, બળવો થયો તે પછી રશિયાએ મ્યાનમારમાં 400 મિલિયન ડૉલરથી વધુનાં શસ્ત્રો મોકલ્યાં છે.

તે શસ્ત્રો સરકારની માલિકી કંપનીઓ સહિતની 28 રશિયન કંપનીઓ દ્વારા મોકલવામાં આવે છે.

અહેવાલ જણાવે છે કે એ પૈકીના 16 સપ્લાયરો પર, યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં તેમની ભૂમિકા બદલ કેટલાક દેશોએ પ્રતિબંધ લાદ્યા છે. એ શસ્ત્રોનો ઉપયોગ મ્યાનમારમાં "સંભવિત યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ" માટે કરવામાં આવ્યો છે.

પ્રતિકાર આંદોલન હવાઈ હુમલાનો સામનો ડ્રોન વડે કરી રહ્યું છે.

લશ્કરી લક્ષ્યાંકો પર દેશી બનાવટના બૉમ્બ ફેંકવા માટે ડ્રોનનો ઉપયોગ કરતા ડ્રોન પાઇલટોની એક ટીમનું નેતૃત્વ 25 વર્ષનાં ખિન સીન કરે છે. તેઓ યુનિવર્સિટીનાં વિદ્યાર્થિની હતાં અને તેમણે શસ્ત્ર ઉપાડતા પહેલાં, બળવા સામે ફાટી નીકળેલા સામૂહિક વિરોધઆંદોલનમાં ભાગ લીધો હતો.

ખિન શીન કહે છે, "અમારી પાસે સૈન્ય જેવાં સંસાધનો નથી, પરંતુ અમે એ બાબતે બહુ વિચારતા નથી. વિશાળ વિમાનની સરખામણીએ અમારા ડ્રોન તલના બીજ જેવડા છે. તમારી પાસે ઘણાં બધાં તલ હોય ત્યારે આગળ જઈ શકાય."

ખિન શીન ઉમેરે છે, "અમે 300 મીટરની ઊંચાઇ પર ડ્રોન ઉડાડીએ તો તેમને ખબર પણ ન પડે કે તે આવી રહ્યું છે. તેથી અમે તેમના પર અસરકારક રીતે હુમલો કરી શકીએ છીએ અને તેઓ ડ્રોનથી ડરે છે."

થાઇલૅન્ડની સરહદ પારના છૂપા સ્થળેથી કૅપ્ટન આંગ લોકશાહી માટે લડતા તેમના જેવા લોકો સાથે ઍરફોર્સની ગુપ્ત માહિતી શૅર કરે છે. ઘરની પાછળના ભાગમાંના રૂમમાંથી ઝૂમ પર કર્કશ અવાજ સંભળાય છે, "રાત્રે સંભળાતા અવાજને આધારે આપણે ફાઇટર જેટ અને પ્રવાસી વિમાન વચ્ચેનો ભેદ પારખી શકીએ?"

એ બેઠક પછી કૅપ્ટન આંગ કહે છે, "અમે અમારા જ્ઞાનનો શક્ય તેટલો વધુ ઉપયોગ થાય તેવા પ્રયાસ કરીએ છીએ."

તેઓ ઉમેરે છે, "હું જેમની સાથે રહેતો હતો તે મારા ભાઈઓ, દોસ્તો અને શિક્ષકો સામે મને વ્યક્તિગત રીતે કોઈ તિરસ્કાર નથી, પરંતુ અહીં ઉદ્દેશ મોટો છે."

"અમે વ્યક્તિઓ સામે નહીં, પરંતુ સંસ્થા સામે લડી રહ્યા છીએ."

તેઓ ખુશ છે, કારણ કે "હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું. હું ક્રાંતિને તમામ રીતે સમર્થન આપતો રહીશ."