'બાળકો જમતાં હતાં ત્યારે બૉમ્બ ફેંકવામાં આવ્યો' મ્યાનમારનું જીવલેણ ગૃહયુદ્ધ, જેમાં નિર્દોષ બાળકો સૈન્યના બૉમ્બમારાનો ભોગ બને છે

    • લેેખક, મો મિન્ટ, ગ્રેસ ત્સોઈ અને જોએલ ગિન્ટો
    • પદ, લંડન તથા સિંગાપુર

ગત સપ્તાહની એક સવારે લશ્કરી વિમાનનો અવાજ સંભળાયો અને પછી જોરદાર વિસ્ફોટ થયો તેને યાદ કરતાં પશુપાલક વિન ઝાવ કહે છે, “ધરતી હચમચી ગઈ હતી.”

ભારતના પૂર્વમાં આવેલા મ્યાનમારના ઈશાન ભાગમાં આવેલા પોતાના ગામ પા ઝી ગી પર હુમલો થયો હશે તેવું એવો માનતા ન હતા, પરંતુ તેમણે તેમનાં પત્નીને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે ઘણા લોકો ભોજન માટે એકત્ર થયા હતા એ સ્થળે સૈન્યે બૉમ્બમારો કર્યો હતો.

એ લોકોમાં તેમની સાત વર્ષની પુત્રી સો નંદર ન્વેનો પણ સમાવેશ થતો હતો.

વિન ઝાવ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે ખૂનરેજી વચ્ચે પોતાની દીકરીને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

વિન ઝાવ કહે છે, “મેં ધુમાડા અને કાટમાળ વચ્ચેથી મારી પુત્રીને શોધવાનો પ્રયાસ કર્યો હતો. મારે તેને ખોળી કાઢવી હતી.”

વિન ઝાવની પુત્રીએ એ દિવસે તેનો મનપસંદ સફેદ ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો અને વિન ઝાવ તેની કોઈ નિશાનીની શોધમાં હતા, પરંતુ તેમને તેમની પુત્રીનો અથવા બૉમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે ઘટનાસ્થળે હાજર તેમનાં સાસુનો કોઈ પત્તો મળ્યો ન હતો.

બાદમાં ગામલોકોએ બીબીસીને જણાવ્યુ હતું કે લોકો ભોજન માટે એકઠા થયા હતા એ સ્થળ પર લશ્કરી જેટ દ્વારા બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો.

એ પછી હેલિકૉપ્ટર ગનશિપે 20 મિનિટ સુધી ગામ પર ગોળીબાર કર્યો હતો.

વિન ઝાવ કહે છે, “હું હજુ પણ માની શકતો નથી. નિર્દોષ અને નિ:સહાય બાળકો સાથે તેઓ આવું કેવી રીતે કરી શકે?”

  • મ્યાનમારમાં લગભગ બે વર્ષ અગાઉ સૈન્ય દ્વારા સ્થાનિક સરકાર સામે તખતાપલટની કાર્યવાહી કરી સત્તા હાંસલ કરી લીધી હતી
  • તે બાદથી દેશ ગૃહયુદ્ધમાં ઘેરાયેલું છે
  • દેશના સૈન્યશાસન પર અવારનવાર નાગરિકોના પ્રતિકારને ક્રૂરતાપૂર્વક કચડી નાખવાના પ્રયાસના સમાચારો સામે આવતા રહે છે

મ્યાનમાર, બે વર્ષ પછી

મ્યાનમારમાં બળવાનાં બે વર્ષ પછી આખો દેશ ગૃહ યુદ્ધમાં ઘેરાયેલો છે અને સૈન્ય પ્રતિકારને ધૂળમાં મેળવી દેવાના પ્રયાસમાં સૈન્ય વધુને વધુ શક્તિશાળી બની રહ્યું છે.

વિન ઝાવે 11 એપ્રિલના જે હુમલાની વાત કરી તે આજની તારીખ સુધીના સૌથી ભયંકર હુમલાઓ પૈકીનો એક હતો.

તેમાં 168 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ એ એકલદોકલ ઘટના નથી.

સૈન્યે ગયા વર્ષે એક શાળા પર હુમલો કર્યો હતો, તેમાં અનેક બાળકો માર્યા ગયાં હતાં. એ જ મહિને એક સંગીત જલસા પર કરવામાં આવેલા બૉમ્બમારામાં બીજા 50 લોકો માર્યા ગયા હતા.

બીબીસીના લોકેશન ડેટા પ્રોજેક્ટ (એસલેડ) સાથેના વિશ્લેષણ મુજબ, ફેબ્રુઆરી, 2021 અને જાન્યુઆરી, 2023 દરમિયાન સૈન્યે કમસેકમ 600 હવાઈ હુમલા કર્યા હતા.

ગૃહયુદ્ધે હજારો લોકોનો જીવ લીધો છે, 14 લાખ લોકો વિસ્થાપિત થયા છે અને દેશની લગભગ ત્રીજા ભાગની વસતિને માનવતાવાદી સહાયની જરૂર છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે કે લશ્કરી શાસન માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધો માટે જવાબદાર હોઈ શકે છે.

આ હુમલાઓની સૌથી માઠી અસર ગ્રામ્ય વિસ્તારમાં થઈ છે. ગ્રામજનો સશસ્ત્ર વંશીય જૂથોના પ્રતિકારકર્તાઓ સાથે જોડાયેલા હોવાનું સૈન્ય માને છે. તેથી તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે.

સરકારે જણાવ્યું હતું કે પીપલ્સ ડીફેન્સ ફોર્સ અથવા પીડીએફ તરીકે ઓળખાતા નાગરિકોના સૈન્યે પા ઝી ગીમાં પોતાનું વહીવટી કાર્યાલય શરૂ કર્યાની માહિતી મળ્યા પછી એ ગામને નિશાન બનાવવામાં આવ્યું હતું.

તે કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ નાનકડી સો નંદર ન્વે માટે તે પોતાનો ફ્લોરલ ડ્રેસ બધાને દેખાડવાની તક હતી.

વહાલી દીકરી

વિન ઝવ કહે છે, “મેં મારી દીકરીને નામથી ક્યારેય બોલાવી નથી. એ મારા દિલનો ટુકડો હતી. હું તેને બહુ ગમતો.”

પિતા-પુત્રીને બાઇક પર સહેલ કરવાનું સૌથી વધારે ગમતું હતું.

બૉમ્બમારાની આગલી રાત્રે સો નંદર ન્વેએ પિતાની બાજુમાં સૂવાની જિદ્દ કરી હતી.

બીજી સવારે વિન ઝાવ કામે જવા નીકળ્યા એ પહેલાં તેમણે સો નંદર ન્વેને વહાલ કર્યું હતું. એ તેની છેલ્લી સ્મૃતિ હતી. એ વખતે સો નંદર ન્વે ઊંઘતી હતી.

સો નંદર ન્વેને તેના દોસ્તોને અભ્યાસમાં મદદ કરવાનું ગમતું હતું એવું જણાવતાં વિન ઝાવ કહે છે, “અમે ઇચ્છતા હતા કે તે મોટી થઈને દેશ માટે સિદ્ધિ મેળવે, કારણ કે અમારો દેશ અત્યારે બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.”

સવારે ઘરેથી નીકળેલા વિન ઝાવને આશા હતી કે સાંજે પાછા ફરશે ત્યારે ફૂલ વૉલ્યુમમાં સંગીત વાગતું હશે, કારણ કે 2021ના બળવા પછી ગામમાં કોઈનાં લગ્ન થયાં ન હતાં.

લોકશાહી રીતે ચૂંટાયેલાં નેતા આંગ સાન સુ કીની સૈન્યના એ બળવામાં હકાલપટ્ટી કરવામાં આવી હતી.

વિન ઝાવ અને તેમની દીકરી સાથે સમારંભમાં જવાના હતા, પરંતુ દીકરી એટલી ઉત્સાહિત હતી કે તેની મમ્મીએ તેને દાદી સાથે કાર્યક્રમના સ્થળે નિર્ધારિત સમય કરતાં વહેલી પહોંચાડવી પડી હતી.

આક્રમણ શરૂ થયું ત્યારે તેઓ કાર્યક્રમના સ્થળે કામચલાઉ મંડપ હેઠળ હતાં.

સાગાઇંગ પ્રદેશ પર અનેક હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ પા ઝી ગી પર પહેલી વખત હુમલો કરવામાં આવ્યો હતો.

યે નાઇંગે તેમનાં માતા-પિતા અને ત્રણ વર્ષની દીકરી હનીન યુ વાઇનને ગુમાવ્યાં હતાં. અહીં ઉત્સવ વખતે વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવેલો રંગ લગાવવાની પરંપરા છે.

તેને થનાખા કહેવામાં આવે છે. યે નાઇંગ તેમની દીકરીનો ચહેરો થનાખા વડે શણગારવામાં મદદ કરી હતી.

બૉમ્બમારામાં ઘવાયેલા યે નાઈંગ કહે છે, "બાળકો જમી રહ્યાં હતાં ત્યારે બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો. મારી દીકરીએ એક વાટકી ભાત પણ ખાધા ન હતા."

"દુનિયાનો અંત થઈ જશે એવું લાગ્યું હતું, પરંતુ હું ડરતી નથી. તે અમાનવીય અને ઘાતકી કૃત્ય હતું."

"તેઓ નિર્દોષ લોકો પર જુલમ કરવાનું ચાલુ રાખશે, તેમની હત્યા કરતા રહેશે ત્યાં સુધી હું મારી જાતનું રક્ષણ કરીશ, મારા દેશના લોકો સાથે રહીશ.”

પા ઝી ગીના લગભગ તમામ, 200 પરિવારોએ તે બૉમ્બમારામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે બચી ગયેલા કેટલાક લોકો તેમનાં ઘર છોડીને ભાગી ગયા છે અને વધુ હુમલાના ડરથી ક્યાંક છુપાઈ ગયા છે, જ્યારે અન્ય લોકો તો મોટરસાઇકલના ઇંજિનના મોટા અવાજથી પણ પરેશાન થઈ જાય છે.

લશ્કરી સરકારના વડા જનરલ મિન ઓંગ હલાઈંગને સંબોધતાં વિન ઝાવ કહે છે, "અમે ગરીબ ખેડૂતો છીએ. તેઓ અમને મારી નાખે તેની રાહ જોશો નહીં."

"તમે કોઈ પગલાં લો એ પહેલાં કેટલા નિર્દોષ લોકોએ બલિદાન આપવું પડશે? હું તમને ક્યારેય માફ કરીશ નહીં."