કોહલીથી કૅચ છૂટ્યો અને બૅંગ્લોર હાર તરફ સરક્યું, પણ ત્રણ બૉલે ખેલ પાડી દીધો

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

આઈપીએલ 2023માં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મૅચમાં બૅંગ્લોરે પંજાબને 24 રનથી હરાવી દીધું છે.

આ મૅચમાં કોની જીત થશે એ રોમાંચ છેલ્લી ઘડી સુધી જળવાઈ રહ્યો હતો.

આઈપીએલની આ 27મી મૅચ મોહાલીમાં રમાઈ હતી. આ મૅચમાં સૌથી રસપ્રદ વાત એ રહી હતી કે બૅંગ્લોરની કપ્તાની તેના જૂના કપ્તાન એટલે કે વિરાટ કોહલીના હાથમાં હતી.

કપ્તાન વિરાટ કોહલીએ આ મૅચમાં કપ્તાની ઇનિંગ્સ પણ રમી હતી. બૅંગ્લોરના કપ્તાન ફાફ ડુપ્લેસીને પાંસળીઓમાં ઈજા થવાથી વિરાટ કોહલીને કપ્તાની આપવામાં આવી હતી.

ફાફ ડુપ્લેસીએ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરી હતી, જ્યારે તેમની ફિલ્ડિંગની જગ્યાએ વિશાંક આવ્યા હતા.

પંજાબ કિંગ્સે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ બૅંગ્લોરે 4 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા.

બૅંગ્લોર તરફથી ફાફ ડુપ્લેસીએ 84 રન અને વિરાટ કોહલીએ 59 રનની ઇનિંગ રમી હતી. સાથે બૅંગ્લોરના બૉલર મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી હતી. તેમને મૅન ઑફ ધ મૅચ જાહેર કર્યા હતા.

પંજાબમાંથી હરપ્રીત બરારે બે વિકેટ લીધી હતી, જ્યારે અર્શદીપસિંહ અને નાથ એલિસે એક-એક વિકેટ લીધી હતી.

બીબીસી ગુજરાતી

વિરાટ કોહલીના બૉલરોએ રંગ રાખ્યો

પંજાબ કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

17 ઓવર પૂરી થઈ ત્યારે પંજાબના 145 રન થયા હતા અને ટીમે સાત વિકેટ ગુમાવી દીધી હતી.

17મી ઓવરમાં જિતેશ શર્મા ક્રીઝ પર હતા અને મૅચને જીતની દિશામાં વાળવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.

જોકે 17મી ઓવરમાં વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ તરફથી રન બનાવી રહેલા જિતેશ શર્માનો બાઉન્ડરી પર કૅચ છોડ્યો હતો.

આ કૅચ છૂટ્યા બાદ એક તબક્કે એવું લાગતું હતું કે મૅચ પંજાબ તરફ જઈ રહી છે અને માહોલ પણ એવો જ સર્જાયો હતો.

એવું લાગતું હતું કે મોટો સ્કોર હોવા છતાં પંજાબ આ મૅચને પોતાના પક્ષમાં લઈ લેશે.

જોકે બાદમાં બાજી પલટાઈ ગઈ હતી. અને મૅચનો હીરો મોહમ્મદ સિરાજ સાબિત થયા હતા.

18મી ઓવરમાં પંજાબના બૅટ્સમૅન માત્ર ચાર રન કરી શક્યા હતા અને બે વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને વિકેટ મોહમ્મદ સિરાજે ખેરવી હતી.

આ સાથે જ મૅચનું પાસું પલટાઈ ગયું અને મૅચ વિરાટ કોહલીના પક્ષમાં આવી ગઈ હતી.

19મી ઓવરમાં છેલ્લી વિકેટ સાથે પંજાબની ઇનિંગનો અંત આવ્યો હતો.

બીબીસી ગુજરાતી

પંજાબની ખરાબ શરૂઆત

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

પંજાબ કિંગ્સની ટીમ 175 રનના લક્ષ્યાંકને પાર કરવા માટે જ્યારે ક્રીઝ પર ઊતરી, ત્યારે એવું લાગતું હતું કે આ લક્ષ્યાંક ખૂબ મોટો નથી.

પરંતુ બૉલર મોહમ્મદ સિરાજના સારા પ્રદર્શનના કારણે પંજાબની ટીમ છઠ્ઠી ઓવર સુધી 4 વિકેટ ગુમાવી ચૂકી હતી.

પ્રથમ ઓવરમાં સિરાજે અથર્વ ટેડને ચાર રન પર એલબીડબલ્યૂ કર્યા હતા. સાથે ચોથી ઓવરમાં સિરાજે લિયામ લિવિંગ્સ્ટોનને 2 રન પર એલબીડબલ્યૂ આઉટ કર્યા હતા.

છઠ્ઠી ઓવરમાં સિરાજે હરપ્રીતસિંહને રનઆઉટ કર્યા હતા.

અને પંજાબની ટીમ 18.2 ઓવરમાં 150 રન પર ઑલઆઉટ થઈ ગઈ.

પંજાબમાંથી સૌથી વધુ 46 રન પ્રભસિમરન સિંહે બનાવ્યા હતા, તેમના સિવાય જિતેશ શર્માએ 41 રન બનાવ્યા હતા.

બૅંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી હતી, જ્યારે હસરંગા ડી સિલ્વાએ 2 વિકેટ લીધી હતી.

આ મૅચ બાદ ઑરેન્જ અને પર્પલ બંને કૅપ હવે બૅંગ્લુરુ પાસે જઈ ચૂકી હતી. આ આઈપીએલમાં 343 રન બનાવીને ફાફ ડુપ્લેસી ઑરેન્જ કૅપના હકદાર બની ગયા છે, જ્યારે કુલ 12 વિકેટ લઈને મોહમ્મદ સિરાજ પાસે પર્પલ કૅપ આવી ગઈ છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી