અર્જુન તેંડુલકરની IPLમાં પ્રથમ વિકેટ જેણે મુંબઈ ઇન્ડિયન્સને જીતની હેટ્રિક અપાવી

સચીન તેંડુલકરે હાલમાં જ પુત્ર અર્જુન તેંડુલકર માટે એક પોસ્ટ લખી હતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સચીન તેંડુલકરે હાલમાં જ પુત્ર અર્જુન તેંડુલકર માટે એક પોસ્ટ લખી હતી
    • લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

અર્જુન તેંડુલકર આમ તો ત્રણ વર્ષથી આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં હતા પરંતુ આ વખતે તેમણે પોતાનું ખાતું ખોલ્યું.

મંગળવારે સનરાઇઝર્સ સામેની મૅચમાં તેમણે આઈપીએલમાં પોતાની પ્રથમ વિકેટ લીધી અને તેમણે લીધેલી આ વિકેટ મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ ખાસ બની ગઈ હતી.

મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 14 રનથી હરાવી આઈપીએલની આ સિઝનમાં જીતની હૅટ્રિક નોંધાવી છે.

મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્મા (18), ઈશાન કિશન (38), તિલક વર્મા(37) અને કૅમરન ગ્રીનની અડધી સદીની ઇનિંગ (અણનમ 64 રન)ની મદદથી 192 રન બનાવ્યા હતા.

તેની સામે સનરાઇઝર્સ હૈદરાબાદની વિકેટ સતત પડતી રહી અને આ ટીમ છેલ્લી ઓવરમાં ઑલઆઉટ થતાં 14 રનથી મૅચ હારી ગઈ હતી.

આ આઈપીએલમાં આ માત્ર ત્રીજી વખત છે, જ્યારે કોઈ ટીમ ઑલઆઉટ થઈ હોય.

અગાઉ (11 એપ્રિલે રમાયેલી મૅચમાં) દિલ્હી કૅપિટલ્સની ટીમ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરની ટીમ (6 એપ્રિલે રમાયેલી મૅચમાં) ઑલઆઉટ થઈ ગઈ હતી.

ગઈ કાલે રાત્રે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મૅચમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા અને રેકૉર્ડ પણ બન્યા.

જ્યારે રોહિત અને ઈશાન બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે તેઓ સારી ભાગીદારી કરીને મોટો સ્કોર ઊભો કરી દેશે, પરંતુ એવું ન થયું.

જોકે ત્યારબાદ કૅમરન ગ્રીને બેટ વડે પોતાનો દબદબો બતાવ્યો અને 64 રન બનાવ્યા બાદ છેલ્લે સુધી પિચ પર રહ્યા. તેઓએ એકલા હાથે મુંબઈની ઇનિંગનો એક તૃતીયાંશ સ્કોર બનાવ્યો અને પછી બૉલિંગમાં પણ તેમણે પોતાનો કમાલ બતાવ્યો.

ત્યારબાદ જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના મયંક અગ્રવાલ અને હેનરિક ક્લાસે પાંચમી વિકેટ માટે 55 રન જોડ્યા અને રનની ઝડપ વધી, ત્યારે એવું લાગતું હતું કે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ મૅચ જીતી જશે, પરંતુ એવું પણ ન થયું.

એવું પણ લાગતું હતું કે અર્જુન તેંડુલકરને પાછલી મૅચની જેમ જ માત્ર બે ઓવર નાખવાની તક મળશે, પરંતુ એવું પણ ન થયું અને તેમને અંતિમ ઓવર નાખવાની તક મળી હતી.

તો આજે વાત એ તેંડુલકરની જેમણે આઈપીએલમાં પોતાની પ્રથમ વિકેટ લીધી છે અને તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.

બીબીસી ગુજરાતી

અર્જુનને સરળતાથી ન મળી પ્રથમ વિકેટ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મધ્યમ ગતિના ડાબોડી બૉલર અર્જુન તેંડુલકરે મુંબઈ ઇન્ડિયન્સની છેલ્લી મૅચમાં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.

એ મૅચમાં અર્જુને મુંબઈની બૉલિંગ પણ શરૂ કરી હતી, પરંતુ તેઓ કોઈ વિકેટ ન લઈ શક્યા.

જ્યારે તેઓ તેમની બીજી ઓવરમાં મોંઘા સાબિત થયા, ત્યારે કપ્તાને મૅચમાં તેમને ફરી બૉલિંગ કરવા દીધી ન હતી.

મંગળવારે મુંબઈ ઇન્ડિયનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હતી. અર્જુન તેંડુલકરને બૉલિંગ કરવા માટે શરૂઆત કરાવવામાં આવી.

પ્રથમ બે ઓવરમાં 12 રન આપ્યા અને ફરી એકવાર મૅચની 19મી ઓવર સુધી કપ્તાને ફરી તેમને બૉલ ન આપ્યો.

મૅચની 18મી ઓવર અનુભવી ઑસ્ટ્રેલિયન ઝડપી બૉલર જેસન બેહરનડૉર્ફ નાખવા આવ્યા.

બેહરનડોર્ફની આ ચોથી ઓવર હતી. તેઓ પોતાની શરૂઆતની ત્રણ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી, પરંતુ આ મહત્ત્વપૂર્ણ ઓવરમાં તેમના બૉલ પર 18 રન બન્યા હતા.

જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે માત્ર 24 રનની જરૂર હતી.

આ પછી મૅચની 19મી ઓવર ‘પ્લેયર ઑફ ધ મૅચ’ કૅમરન ગ્રીને કરી અને માત્ર ચાર રન જ ખર્ચ્યા.

હવે જીતવા માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. તેમજ હૈદરાબાદના આઠ ખેલાડીઓ આઉટ થયા હતા.

મૅચની 19મી ઓવર પૂરી થઈ, ત્યારે પહેલાથી જ એ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે અર્જુન તેંડુલકરને 20મી ઓવર નાખવાવી તક આપવામાં આવશે અને એવું જ થયું.

રોહિત શર્માએ બૉલ અર્જુન તેંડુલકર તરફ ઉછાળ્યો.

આ ઓવરના પ્રથમ બૉલ પર કોઈ રન ન બન્યા, બીજી બાજુ અબ્દુલ સમદ રન આઉટ થઈ ગયા.

હવે પિચ પર હૈદરાબાદની અંતિમ જોડી હતી, પરંતુ અર્જુને ત્રીજો બૉલ વાઇડ આપ્યો હતો. ઇશાન કિશાને વિકેટ પાછળ પોતાની ચપળતા બતાવી અને બૉલને બાઉન્ડ્રી તરફ જતો બચાવ્યો.

જ્યારે તેઓએ ત્રીજો બૉલમાં યૉર્કર નાખ્યો, ત્યારે તેના પર બે રન બન્યા હતા. ચોથો બૉલ ફરીથી યૉર્કર વાગ્યો, તે મયંક માર્કડેયના પૅડ સાથે અથડાયો, પરંતુ તેના પર લેગ બાય મળ્યો.

ત્યારબાદ અર્જુન તેંડુલકર માટે એ ક્ષણ આવી, જ્યારે તેમને આઈપીએલની પ્રથમ વિકેટ મળી.

આ ઓવરના પાંચમા બૉલ પર તેઓએ ફરીથી યૉર્કર નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે થોડા ઇંચથી ચૂકી ગયા.

અનુભવી ભૂવનેશ્વર કુમારના બેટનો બહારની ધાર બૉલ સાથે અથડાઈ અને એક્ટ્રા કવર પર બૉલ કપ્તાન રોહિત શર્માંના હાથમાં જતો રહ્યો હતો.

આ સાથે જ અર્જુન તેંડુલકરે આઈપીએલની પોતાની કારકિર્દીની પ્રથમ વિકેટ મેળવી હતી અને મુંબઈ ઇન્ડિયન્સે પણ આ સિઝનમાં સતત ત્રીજી જીત હાંસલ કરી હતી.

બીબીસી ગુજરાતી

ઇરફાન પઠાણે કહ્યું અર્જુનની ઝડપ કેવી રીતે વધશે?

પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પણ ડાબોડી ફાસ્ટ બૉલર રહી ચૂક્યા છે. તેમણે પોતાની કૉમેન્ટ્રી દરમિયાન જણાવ્યું હતું કે, અર્જુનને બીજી કઈ બાબતો પર વધુ કામ કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, "અર્જુનને તેના રન-અપમાં તેના ફૂટવર્ક પર કામ કરવાની જરૂર છે. તેમનો નૉન-બૉલિંગ હાથ એટલે કે જે હાથથી બૉલ નાખી રહ્યા નથી, તે થોડો ઝડપથી નીચે આવે છે. જો તે ઝડપથી નીચે આવશે, તો તેમનું શરીર, ખાસ કરીને ખભાનું બળ કે જે બૉલ પર લગાવવું જોઈએ. તે તેનાથી ઓછું લાગશે.

ઇરફાને કહ્યું કે, અર્જુને તેમના ખભા પર નિયંત્રણ રાખવું પડશે અને નૉન-બૉલિંગ હાથને પણ નિયંત્રણમાં રાખવો પડશે, તેનાથી તેમના બૉલમાં વધુ ઝડપ આવશે.

મૅચની કૉમેન્ટ્રી દરમિયાન ઇરફાન પઠાણે કહ્યું કે, "અર્જુન તેંડુલકર યુવાન છે. તે ઊંચા છે. બૉલને સ્વિંગ કરે છે, યૉર્કર બૉલ નાખે છે. બેટિંગ કેવી રીતે કરવી તે જાણે છે અને તેઓ ટીમ ઇન્ડિયાના બૅટ્સમૅનોની સામે નેટ પર બૉલ નાખવાનો અનુભવ પણ ધરાવે છે."

ઇરફાને એમ પણ કહ્યું કે, "તમને જેટલી વધુ તકો મળશે, તેનો તમે લાભ ઉઠાવશો, તેટલો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે વધુ સારા થતા જશો."

ઉલ્લેખનીય છે કે, ટી20ની કારકિર્દીમાં અર્જુન તેંડુલકરે 11 મૅચ રમી છે અને 12 વિકેટ લીધી છે અને તેમની ઇકોનૉમી 6.68ની છે.

બીબીસી ગુજરાતી

છેલ્લી બે ઓવરમાં શું થયું?

અર્જુન તેંડુલકરે આઈપીએલમાં પ્રથમ વિકેટ લીધી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અર્જુન તેંડુલકરે આઈપીએલમાં પ્રથમ વિકેટ લીધી હતી

કપ્તાન રોહિત શર્માએ પોતાની ડેબ્યૂ મૅચમાં અર્જુનને તેમની કૅપ પહેરાવી હતી. મંગળવારે તેમના બૉલ પર રોહિતે જ કૅચ પકડ્યો હતો. વિકેટ લીધા બાદ તેઓએ અર્જુનને ગળે લગાવ્યો અને મૅચ બાદ તેમના વખાણ પણ કર્યા હતા.

રોહિતે કહ્યું કે, “અર્જુન તેંડુલકર અમારી સાથે ત્રણ વર્ષથી છે. તેઓ જાણે છે કે તેમણે શું કરવું જોઈએ. તેમના પ્લાન પણ સચોટ છે. તેઓ ચીજોને સરળ રાખે છે. શરૂઆતમાં સ્વિંગ કરે છે અને અંતમાં સચોટ યૉર્કર પણ નાખે છે.”

19મી ઓવરમાં વૉશિંગ્ટન સુંદરને ટીમ ડેવિડના સીધા થ્રો પર રનઆઉટ થઈને પેલેવિયન પાછા ફરવું પડ્યું. આ સાથે જ હૈદરાબાદની આઠમી વિકેટ આઉટ થઈ ગઈ હતી.

જે જેસન બેહરનડૉર્ફે પોતાની શરૂઆતની ત્રણ ઓવરમાં માત્ર 18 રન આપીને બે વિકેટ લીધી હતી. તેઓએ 18મી ઓવર નાખી અને આ ઓવરમાં 19 રન આપ્યા.

છેલ્લી બે ઓવરમાં જીત માટે 24 રનની જરૂર હતી. 19મી ઓવરમાં કૅમરન ગ્રીને જોરદાર બૉલિંગ કરી અને માત્ર ચાર રન બનાવવા દીધા હતા.

છેલ્લી ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 20 રન જોઈતા હતા અને બૉલિંગ કરવા આવ્યા અર્જુન તેંડુલકર.

અર્જુને આ ઓવરમાં માત્ર 5 રન બનવા દીધા અને સમરાઇઝર્સ હૈદરાબાદના ભુવનેશ્વર કુમારને આઉટ કરતા મુંબઈ ઇન્ડિયન્સને જીત અપાવી દીધી હતી.

મૅચ પછી પ્રેઝન્ટેશન દરમિયાન અર્જુન તેંડુલકરે કહ્યું કે તે છેલ્લી ઓવરમાં તેમના બૉલ પર બાઉન્ડ્રી ઇચ્છતા ન હતા.

અર્જુને કહ્યું, "મારા માટે સારું રહ્યું, મેં પહેલી વિકેટ લીધી છે. મેં માત્ર પ્લાન પર કામ કર્યું છે. છેલ્લી ઓવરમાં પ્લાન એ હતો કે બાઉન્ડ્રી પડવી ન જોઈએ. જ્યાં સુધી સ્વિંગની વાત છે, હું માત્ર સીમ પર ધ્યાન કેન્દ્રિત કરું છું."

પિતા સચિને પણ પોતાના ટ્વિટમાં અર્જુન તેંડુલકરનો ઉલ્લેખ કર્યો હતો. સચિને મુંબઈને જીત માટે અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે, "આખરે એક તેંડુલકરને આઈપીએલની વિકેટ મળી."

બીબીસી ગુજરાતી

છ હજારની ક્લબમાં સામેલ

મુંબઈ ઇન્ડિયન્સના આ મુકાબલામાં રોહિત શર્માએ એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. પોતાની 28 રનની ઇનિંગ્સમાં રોહિતે આઈપીએલમાં છ હજાર રન પૂરા કર્યા.

આની સાથે જ વિરોટ કોહલીના નેતૃત્વવાળા છ હજારના ક્લબમાં સામેલ થઈ ગયા છે. આ ક્લબમાં ટૉપ પર વિરાટ કોહલી છે તો બીજા નંબર પર શિખર ધવન અને ત્રીજા સ્થાને ડેવિડ વૉર્નર છે.

રોહિત આ ક્લબમાં સામેલ થનારા માત્ર ચોથા આઈપીએલ ક્રિકેટર છે.

આ સીઝનમાં મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલમાં પોતાના 5000 રન પૂરા કર્યા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી