You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કરજમાં ડૂબેલા એક મજૂરને 80 લાખ રૂપિયાનો હીરો કેવી રીતે મળ્યો
- લેેખક, ચેરીલાન મોલાન
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
મધ્ય પ્રદેશની એક ખાણમાંથી મૂલ્યવાન હીરો શોધી કાઢવાને કારણે એક શ્રમિકનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું છે. 19.22 કેરેટના આ હીરાની સરકારી હરાજીમાં લગભગ રૂ. 80 લાખ (95,570 ડૉલર) મળવાની અપેક્ષા છે.
રાજુ ગોંડે જણાવ્યું હતું કે તેઓ હીરા શોધવાની આશામાં છેલ્લાં 10 વર્ષથી પન્ના શહેરમાં ખાણો લીઝ પર લઈ રહ્યા હતા.
પન્ના તેના હીરાના ભંડાર માટે વિખ્યાત છે અને લોકો કિંમતી પથ્થરની શોધ માટે સરકાર પાસેથી સસ્તી, છીછરી ખાણો લીઝ પર લેતા હોય છે.
કેન્દ્ર સરકારનું રાષ્ટ્રીય ખનીજ વિકાસ નિગમ (એનએમડીસી) પન્નામાંં એક મિકેનાઈઝ્ડ ડાયમંડ માઈનિંગ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે.
નિગમ હીરા શોધવાનું કામ કરતી વ્યક્તિઓ, પરિવારો અને સહકારી મંડળીઓને મૂળભૂત સાધનો તથા ઉપકરણો સાથે ખાણો ભાડે આપે છે.
કોઈ પણ કિંમતી પથ્થર મળી આવે તો તે સરકારી ડાયમંડ ઑફિસને હવાલે કરવાનો હોય છે. કિંમતી પથ્થરનું મુલ્યાંકન ડાયમંડ ઑફિસ કરે છે.
લીઝ પર મળી હતી હીરાની ખાણ
રાજ્ય સરકારની ડાયમંડ ઑફિસના એક અધિકારી અનુપમસિંહે બીબીસીને કહ્યું હતું, “આ ખાણોને ચોક્કસ સમયગાળા માટે લગભગ 200-250 રૂપિયાના ભાડેથી લઈ શકાય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2018માં બુંદેલખંડના એક મજૂરને પન્નાની ખાણમાંથી દોઢ કરોડ રૂપિયાના મૂલ્યનો એક હીરો મળ્યો હતો. જોકે, આવા હીરા ભાગ્યે જ મળી આવતા હોય છે.
અનુપમસિંહે જણાવ્યું હતું કે ઘણા લોકોને નાના પથ્થરો મળ્યા છે, પરંતુ રાજુ ગોંડને જે પથ્થર મળ્યો છે તે તેના આકારને કારણે નોંધપાત્ર છે.
રાજુ ગોંડે બીબીસીને જણાવ્યું હતું કે પન્ના નજીકના ક્રિષ્ના કલ્યાણપુર પટ્ટી ગામ નજીક આવેલી એક ખાણ તેમના પિતાએ આશરે બે મહિના પહેલાં લીઝ પર લીધી હતી.
તેમના જણાવ્યા મુજબ, ચોમાસાની ઋતુમાં જ્યારે ખેતી અને કડિયાકામ મળતું બંધ થઈ જાય છે ત્યારે તેમનો પરિવાર ખાણ ભાડે લે છે.
તેમણે કહ્યું હતું, “અમે બહુ ગરીબ છીએ અને અમારી પાસે આવકનો કોઈ અન્ય સ્રોત નથી. તેથી થોડા પૈસા મેળવવાની આશામાં અમે આ કામ કરીએ છીએ.”
કેવી રીતે મળ્યો હીરો?
હીરો મળી આવ્યાને કારણે લોકોનું ભાગ્ય પલટાઈ ગયું હોવાની કથાઓ રાજુએ સાંભળી હતી અને તેઓ પણ વિચારતા હતા કે તેમના માટે પણ એવો શુભ દિવસ આવશે.
હાથેથી કિંમતી પથ્થર શોધવાનું પોતાનું દૈનિક કામ કરવા રાજુ બુધવારે સવારે સાઈટ પર ગયા હતા.
રાજુએ ગોંડે કહ્યું હતું, “બહુ મહેનત માંગતું કામ છે. અમે ખાડો ખોદીએ છીએ. માટી અને પથ્થરના ટુકડા કાઢીએ છીએ. તેને ચાળણીમાં ધોઈએ છીએ અને પછી હીરો શોધવાની આશામાં હજારો નાના, સૂકા પથ્થરોને કાળજીપૂર્વક ચેક કરીએ છીએ.”
બુધવારે બપોરે રાજુની મહેનત રંગ લાવી હતી અને તેમનું ભાગ્ય પલટાઈ ગયું હતું.
તેમણે કહ્યું હતું, “હું પથ્થરોને ચકાસી રહ્યો હતો અને મને કશુંક જોવા મળ્યું. એ કાચના ટુકડા જેવું હતું. હું તેને મારી આંખ પાસે લાવ્યો ત્યારે તેમાં થોડી ચમક જોવા મળી હતી. ત્યારે ખબર પડી હતી કે મને એક હીરો મળ્યો છે.”
એ પછી રાજુ ગોંડ પોતાની મૂલ્યવાન શોધને સરકારી ડાયમંડ ઑફિસે લઈ ગયા હતા, જ્યાં તેનું મૂલ્યાંકન અને વજન કરવામાં આવ્યું હતું.
અનુપમસિંહે જણાવ્યું હતું કે એ હીરાનું આગામી લિલામમાં વેચાણ કરવામાં આવશે અને સરકારી રૉયલ્ટી તથા કર કપાત બાદ રાજુ ગોંડને તેનું વળતર મળશે.
રાજુને આશા છે કે તે પૈસા વડે તેઓ તેમના પરિવાર માટે એક ઘર બનાવી શકશે અને બાળકોના અભ્યાસ માટે ખર્ચ પણ કરી શકશે.
જોકે, સૌથી પહેલાં તેઓ તેમના પરનું રૂ. પાંચ લાખનું કરજ ચૂકવવા ઈચ્છે છે.
તેમના કહેવા મુજબ, લોકોને આ હીરા બાબતે જાણ થાય તેનાથી તેઓ ડરતા નથી, કારણ કે આ હીરાના લિલામમાંથી મળનારા પૈસાની તેઓ તેમની સાથે રહેતા તેમના 19 સગાઓ વચ્ચે વહેંચણી કરવાના છે.
હાલ તેઓ એ વાતે સંતુષ્ટ છે કે તેમને પૈસા મળવાના છે.
તેમણે કહ્યું હતું, “હીરો શોધવા માટે આવતીકાલે હું ફરીથી ખાણમાં જઈશ.”