You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રણ માળના મકાનને બનાવ્યું 'ખેતર' અને લાખો રૂપિયાની કમાણી કરી
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી સંવાદદાતા
ખેતરમાં કોબી, રીંગણ, લીલાં મરચાં, મેથી અને કોથમીર જેવાં શાકભાજી જોઈને આપણને આશ્ચર્ય ન થાય. હવે લોકો તેમના ગાર્ડનમાં અને ટાંકીઓમાં પણ આવાં શાકભાજી ઉગાડે છે.
જોકે, ઉત્તર પ્રદેશના બરેલીના રામવીરસિંહ તેમના ત્રણ માળના મકાનમાં અલગ પ્રકારની શાકભાજી અને ફળ ઉગાડે છે.
રામવીરસિંહનો પરિવાર આમાંથી લાખોની કમાણી કરે છે એ જાણીને તમને આશ્ચર્ય થશે, પરંતુ હકીકત આ જ છે.
આ ઇનડોર ખેતપ્રણાલીનું અન્ય એક પાસું છે. માત્ર જળ પર નિર્ભર આ ખેતીમાં માટી જરૂરી નથી. હાઇડ્રોપોનિક નામની ખેતીની આ રીત ભારત માટે નવી છે.
દૂરથી નિહાળીએ તો રામવીરસિંહનું હરિયાળીથી આચ્છાદિત ઘર બીજા ઘરથી અલગ દેખાય છે. તેમના ઘરમાં દરેક ફ્લોર પર પ્લાસ્ટિકની ટ્યૂબમાં જાતજાતના શાકભાજીની વેલ ઊગેલી જોવા મળે છે.
ઘરમાં દરેક માળ પર બહારના ભાગમાં અને દરેક જગ્યાએ પ્લાસ્ટિકના મોટા પાઇપ લગાવવામાં આવ્યા છે. એ પાઇપ બહારની દીવાલોની સમાંતર રાખવામાં આવ્યા છે અને તેમાં પાણી કાયમ ભરેલું હોય છે.
હાઇડ્રોપોનિક વડે શાકભાજી કેવી રીતે ઊગે?
શાકભાજીનાં બીજને નારિયળની કાચલીવાળી પ્લાસ્ટિકની બાલદીઓ તથા પહાડોમાંથી લાવવામાં આવેલી એક પ્રકારના શેવાળ જેવી નાની ટોપલીઓમાં રાખવામાં આવે છે.
એ પછી બાલદીને કાણાવાળા પાઇપ નજીક રાખવામાં આવે છે. તેમાંથી ટપકતાં પાણીમાં ડૂબી ગયા પછી બીજ અંકુરિત થવા માંડે છે અને ત્રણ સપ્તાહમાં શાકભાજી ઊગી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં આ રીતે શાકભાજી ઉગાડવામાં આવતાં નથી, પરંતુ યુરોપના દેશોમાં આ પદ્ધતિ લોકપ્રિય છે.
પત્રકાર તરીકે કામ કરતા રામવીરસિંહ કશુંક અલગ પણ કરવા ઇચ્છતા હતા. દુબઈમાં એક ખેતી પ્રદર્શનમાં ભાગ લીધો ત્યારે રામવીરસિંહને હાઇડ્રોપોનિક્સ વિશે જાણવા મળ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ, હાઇડ્રોપોનિક્સ વિશે વધુ માહિતી મેળવવા માટે તેઓ થાઇલૅન્ડ ગયા હતા. ઇન્ટરનેટ તથા અન્ય સ્થળોએથી હાઇડ્રોપોનિક્સ ખેતી વિશે જાણ્યા બાદ પોતાના ઘરના એક અલગ હિસ્સામાં પ્રાયોગિક ધોરણે હાઇડ્રોપોનિક્સ ખેતી શરૂ કરી હતી.
તેમાં સફળ થયા બાદ તેમણે આખા ઘરને એક ખેતીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કર્યો હતો.
માટીની જરૂર નથી, માત્ર પાણી જોઈએ
રામવીરસિંહના ઘરમાં રીંગણ, કોબી, મરચાં, મેથી, ફ્લાવર, કોથમીર અને બીજી અનેક શાકભાજી ઉગાડવામાં આવે છે.
એ બધું પાઇપની અંદર પાણીમાં જ ઊગે છે. તેમાં માટીની જરૂર પડતી નથી. આ પ્રકારની ખેતીમાં પાણીનો ઉપયોગ પણ મર્યાદિત પ્રમાણમાં થાય છે.
રામવીરસિંહે કહ્યું હતું કે “આ ખેતીમાં પાણીના પાઇપ લગાવવા માટે શરૂઆતમાં ખર્ચ થાય છે. એ પછી શાકભાજી ઉગાડવાનો ખર્ચ ઓછો થાય છે.”
તેમણે જણાવ્યું હતું કે શાકભાજીને જંતુઓથી બચાવવા માટે ઘરની છત પર પૉલિથિનનો ઉપયોગ કરવામાં આવે છે. શાકભાજીને ખિસકોલી તથા વાંદરાઓથી બચાવવા માટે ઘરની ચારે તરફ જાળી લગાવવામાં આવી છે.
દૂર-દૂરથી લોકો આવે છે શાકભાજી ખરીદવા
રામવીરસિંહના જણાવ્યા મુજબ, એ પ્રકારની ખેતીમાં શાકભાજીની સારસંભાળ પર વધુ ધ્યાન આપવું પડતું હોવાથી, સામાન્ય શાકભાજીની સરખામણીએ તે મોંઘી હોય છે.
એ ઉપરાંત નિયંત્રિત તાપમાન અને સ્વચ્છ પાણી વડે ઉગાડવામાં આવતી હોવાથી આ શાકભાજી તાજી હોય છે અને અન્ય શાકભાજીની સરખામણીએ તેની ગુણવત્તા પણ બહેતર હોય છે.
આ શાકભાજીનું વેચાણ પરોલીમાં મેમ્બરશિપ મારફત કરવામાં આવે છે. આ શાકભાજી ખરીદવા લોકો કેટલાક ખાસ દિવસે તેમના ઘરે આવે છે.
રામવીરસિંહ તેમના ઘરમાં ઉગાડેલાં શાકભાજીનું વિતરણ ક્યારેય મોટી-મોટી હોટલ્સ પણ કરે છે.
લાખોની આવક
આ પ્રકારની ખેતી વડે વર્ષમાં લાખો રૂપિયાની કમાણીનો દાવો કરતા રામવીરસિંહ હવે હાઇડ્રોપોનિક સિસ્ટમના ઉપયોગ વડે મોટા પાયે ખેતી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં રામવીરસિંહે ઉમેર્યું હતું કે “હાઇડ્રોપોનિક ખેતીમાં લોકોનો રસ વધી રહ્યો છે. કૃષિવિજ્ઞાનના વિદ્યાર્થીઓ તથા ખેડૂતો આ ખેતપ્રણાલી વિશે જાણવા આખું વર્ષ મારી પાસે આવે છે. આ ખેતપ્રણાલી વિશેનું એક પ્રશિક્ષણ કેન્દ્ર પણ મેં તાજેતરમાં શરૂ કર્યું છે.”
એક અલગ જ પ્રકારની ખેતીની ખ્યાતિ હવે દરેક જગ્યાએ ફેલાઈ રહી છે. શાકભાજીના વેલાથી ઘેરાયેલું તેમનું ઘર જોવા લોકો દૂર-દૂરથી આવે છે.