You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઈપીએલમાં ચેન્નઈની જીત બાદ રીવાબાની ચર્ચા કેમ થઈ રહી છે?
સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2023ની ફાઇનલ મૅચ રમાઈ હતી.
ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સની જીત થઈ હતી, ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સની સાથે-સાથે રવીન્દ્ર જાડેજા પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા.
જીતની ઉજવણી કરતા ક્રિકેટરો અને તેમના પરિવારોના વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા છે. રવીન્દ્ર જાડેજા અને તેમનાં પત્ની રીવાબા જાડેજાનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં રીવાબા જાડેજા રવીન્દ્ર જાડેજાને પગે લાગતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે આ વીડિયો શૅર થતાં લોકો તે અંગે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એ ઉપરાંત આ વીડિયો વાઇરલ થતાં સોશિયલ મીડિયામાં #Rajputana, #RivaBaJadeja, #HijabFreeBharat, #SanatanDharma, #politics જેવા ટૅગ ટ્રેન્ડ કરી રહ્યા છે.
આ વીડિયો જાહેર થયા બાદથી રીવાબા જાડેજા અને વીડિયોમાં પતિ-પત્ની વચ્ચેની કૅમિસ્ટ્રી ચર્ચાનો વિષય બન્યાં હતાં.
આ અંગે લોકો જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા હતા.
રાજકારણી રીવાબા
રીવાબા જાડેજા મૂળ જૂનાગઢનાં છે, જોકે તેમના પિતા ઘણા સમયથી રાજકોટમાં રહે છે. રીવાબાનો જન્મ 2 નવેમ્બર 1990માં રાજકોટમાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પિતા હરદેવ સોલંકી મોટા ઉદ્યોગપતિ અને કૉન્ટ્રેક્ટર છે. રીવાબાનાં માતા પ્રફુલ્લાબા સોલંકી રેલવેમાં કામ કરતાં હતાં.
તેઓ પોતે મિકૅનિકલ ઇજનેર છે, રીવાબાએ વર્ષ 2016માં ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતાં, તેઓ 2019માં ભાજપમાં સામેલ થયાં હતાં.
રીવાબા જાડેજાએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો. તેમનું નામ નીધ્યનાબા છે.
જોકે રીવાબા જાડેજા ભાજપમાં જોડાયાં એ પહેલાં પણ ચર્ચામાં આવ્યાં હતાં.
થોડાં વર્ષો પહેલાં જામનગરમાં રીવાબાની કાર અને પોલીસ કૉન્સ્ટેબલની બાઇક વચ્ચે ટક્કર થઈ ગઈ હતી.
આ માર્ગ અકસ્માત બાદ મારઝૂડની ઘટના ઘટી હતી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. એ વખતે પોલીસ ફરિયાદમાં રીવાબાએ આક્ષેપ કર્યો હતો કે મારઝૂડ કરનાર પોલીસ કૉન્સ્ટેબલે કથિત રીતે તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
એ મામલે પોલીસે કાર્યવાહી કરતા હુમલાના આરોપી કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી જીત્યાં હતાં.
વીડિયો પર વિવિધ પ્રતિક્રિયાઓ
આઈપીએલ 2023ની ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સની જીત બાદ રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાની સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી હતી તેમજ રીવાબા જાડેજાના આ વીડીયોને લઈને લોકોએ અલગ-અલગ પ્રકારની કૉમેન્ટ કરી હતી.
પરીક્ષિતસિંહ પ્રતીહાર નામના ટ્વિટર યૂઝરે વીડિયો શૅર કરીને લખ્યું હતું કે, “યુગો યુગોથી ચાલી આવતી ક્ષાત્ર પરંપરા.”
ત્યારે અંકિત સિંઘ નામના એક ટ્વિટર યૂઝરે રીવાબા જાડેજાનો પગે લાગતો વીડિયો શૅર કરતાં લખ્યું છે કે, “સુંદર સાડી અને પાલવથી ઢાંકેલું માથું, આમાં તેમના રાજપૂત સંસ્કાર જોવા મળે છે. જાડેજા લકી મૅન છે.”
આ સાથે અલી હમઝા નામના એક યૂઝરે પિક્ચર ઑફ ધ ડે લખીને અલગ-અલગ તસવીરો ટ્વીટ કરી હતી.
@Gulzar_sahab નામના ટ્વિટર યૂઝરે અલગ-અલગ તસવીર શૅર કરીને લખ્યું છે કે, “ખૂબસૂરતી હે મેરે વતન કી રંગ-બિરંગી રિવાજોમે, ચાહે કોઈ તંગ કપડે પહેને યા કોઈ રહે હિજાબો મે....”
@ipalitDebarupa નામની ટ્વિટર યૂઝરે રીવાબા જાડેજાની તાજેતરની સાડીની તસવીર અને અગાઉની વેસ્ટર્ન તસવીરો શૅર કરીને લખ્યું છે કે, “કેટલીક મહિલાઓ ખરેખર દુ:ખી છે, કારણ કે સાડી પહેરવા માટે વધુ એક મહિલાની પ્રશંસા કરવામાં આવી રહી છે.”
અમિત ઝા નામના ટ્વિટર યૂઝરે અનુષ્કા શર્માની તસવીર શૅર કરતાં લખ્યું છે કે, “વામપંથીઓ અને કૉંગ્રેસીઓને એ વાતની ચીડ છે કે ભારતીય એજન્ડાબાજ કોહલીનાં પત્ની અનુષ્કા શર્મા વેસ્ટર્ન કપડાંમાં જ જોવા મળે છે, જ્યારે જાડેજાનાં પત્ની ભારતીય સંસ્કૃતિની મર્યાદાને દુનિયા સામે રજૂ કરતાં દેખાય છે...”
આ સાથે સુનિધી પાઠક નામનાં ટ્વિટર યૂઝરે રીવાબા જાડેજાની સાડીળી અને વેસ્ટર્ન કપડાં તસવીરો શૅર કરીને લખ્યું છે કે, “ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી.”