ખેડૂત આંદોલનકારો પર ડ્રોનનો ઉપયોગ થયો તો ડ્રોન ઇન્ડ્રસ્ટ્રીને એ ઉપયોગ નવો કેમ લાગે છે?

પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે ખેડૂતો પર ટિયરગેસ સેલ નાખતું ડ્રોન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે ખેડૂતો પર ટિયરગેસ સેલ નાખતું ડ્રોન
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

હાલમાં જ પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે ‘દિલ્હી ચલો’ માર્ચમાં પ્રદર્શન કરી રહેલા સેંકડો ખેડૂત આંદોલનકારીઓ પર હરિયાણા પોલીસે ડ્રોનની મદદથી ટિયરગેસના સેલ છોડ્યા. જેની તસવીરો ખૂબ શૅર થઈ છે.

મીડિયા રિપોર્ટોમાં દાવો કરાયો છે કે ભારતમાં હરિયાણા પોલીસ પ્રથમ એવી ફોર્સ છે, જેણે ડ્રોન વડે ટિયરગેસના સેલ છોડ્યા છે. હરિયાણા પોલીસના ડીજીપી શત્રુજિત કપૂર પ્રમાણે હરિયાણા પોલીસે આ પ્રકારે ટિયરગેસ સેલ છોડ્યા હોય એવો આ પહેલો કિસ્સો છે.

પ્રદર્શનકારી ખેડૂતો લઘુતમ ટેકાના ભાવ એટલે કે એમએસપી માટે કાયદો બનાવવા અને સ્વામીનાથન કમિશનની તમામ ભલામણો લાગુ કરવાની માગ કરી રહ્યા છે, તો સામે સરકારનું કહેવું છે કે તેઓ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા નથી માગતા.

જ્યારે ડ્રોન સેલ છોડી રહ્યું હતું ત્યારે બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલ પણ સ્થળ પર હાજર હતા. તેમણે જણાવ્યું કે, “ઝડપથી હરિયાણા તરફથી ડ્રોન આવતું અને ટિયરગેસના સેલ છોડીને પાછું જતું રહેતું. સેલ પડતા જ ખેડૂત પાછા ખસી જતા, પરંતુ ફરીથી આગળ વધતા.”

અભિનવ પ્રમાણે ટિયરગેસ સેલથી નીકળી રહેલા ધુમાડાને દબાવવા ખેડૂતો તેમના પલળેલા કોથળા મૂકી દેતા, તેમજ ડ્રોનને પાડવા માટે પતંગો અને બૉલનો ઉપયોગ કરી રહ્યા હતા. સામસામે આવી જવાની આ સ્થિતિમાં ખેડૂત અને પોલીસકર્મી બંને ઈજાગ્રસ્ત થયા.

ડ્રોનના ઉપયોગ પર ચર્ચા

પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે પ્રદર્શનકારી ખેડૂતો પર ઘૂમરાતું ડ્રોન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે પ્રદર્શનકારી ખેડૂતો પર ઘૂમરાતું ડ્રોન

કેટલાક ટિયરગેસના સેલને ડ્રોન વડે છોડવાની આ વ્યૂહરચનાની ટીકા કરી રહ્યા છે. તેમજ ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં પણ આના પર નજર રખાઈ રહી છે.

250 કરતાં વધુ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લગભગ અઢી હજાર લોકોનું પ્રતિનિધિત્વ કરનાર ડ્રોન ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ સ્મિત શાહ કહે છે કે, “આવું પ્રથમ વાર બન્યું છે કે ડ્રોનના વાજબી ઉપયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે. મને લાગે છે કે આ એક ખૂબ મોટી ચિંતાનો વિષય છે, પરંતુ આનાથી લોકોનું ધ્યાન આ પાસા તરફ દોરાયું છે. જેના પર આ નવી ઇન્ડસ્ટ્રીએ વિચારવું જોઈએ.”

હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી ડૉક્ટર મહેન્દ્રસિંહ મલિક કહે છે કે, “મને લાગે છે કે પોલીસે આ રીતનો ઉપયોગ નહોતો કરવો જોઈતો. લોકોને પહેલાં વૉર્નિંગ આપવી જોઈતી હતી. મને એ નથી ખબર કે આવું કરાયું કે કેમ, પરંતુ આવું કરવું જોઈતું હતું.”

ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ એક પોસ્ટમાં લખ્યું, “હરિયાણા પોલીસે ડ્રોન વડે આકાશથી ટિયરગેસ સેલ પાડીને એક પરીક્ષણ કર્યું છે... તેઓ પોતાના અધિકારો માટે માર્ચ કરી રહેલા ખેડૂતો પર હાલ તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે.”

હરિયાણા પોલીસનું શું કહેવું છે?

પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડર પર પ્રદર્શનકારી ખેડૂત

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડર પર પ્રદર્શનકારી ખેડૂત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સાથેની વાતચીતમાં હરિયાણા પોલીસના ડીજીપી શત્રુજિત કપૂરે ડ્રોનના વાજબી ઉપયોગ પરની ચર્ચાને ‘નૉન-ઇશ્યુ’ (આ કોઈ મુદ્દો નથી) ગણાવ્યો.

તેઓ કહે છે કે, “આ માત્ર એક ઑપરેશન સંબંધી મામલો છે. જો ટિયરગેસ ગન વડે સેલનો ઉપયોગ થઈ શકતો હોય તો ડ્રોનથી એ જ સેલનો ઉપયોગ પણ યોગ્ય જ હોવો જોઈએ, કારણ કે ડ્રોન તો માત્ર એક પ્લૅટફૉર્મ છે. આ તો એવી વાત થઈ કે કારથી ભોજન પહોંચાડો તો બરાબર, પરંતુ સ્કૂટીથી નહીં. અહીં સેલ મહત્ત્વપૂર્ણ છે. જો એમાં કોઈ સમસ્યા હોય તો જણાવો.”

ડીજીપી શત્રુજિત કપૂર પ્રમાણે, “સ્થિતિના નિયંત્રણ માટે અમારી પ્રાથમિકતા ન્યૂનતમ તાકતનો ઉપયોગ કરવાની છે. જો ડ્રોનનો ઉપયોગ અટકાવી દેવાય તો પ્રદર્શનકારીઓ વધુ નિકટ આવી જશે અને અમારે વધુ બળપ્રયોગ કરવો પડશે.”

બીજી તરફ માનવાધિકાર સંસ્થા એમ્નેસ્ટીએ એક નિવેદનમાં કહ્યું, “ટિયરગેસના સેલને ડ્રોનથી છોડવા જોઈતા નહોતા, કારણ કે આનાથી પ્રદર્શનકારીઓ પર વધુ પ્રમાણમાં કેમિકલની અસર થઈ શકે છે અને આનાથી નાસભાગ પણ થઈ શકે છે. તેમજ એવું પણ શક્ય છે કે પ્રદર્શનકારી વિખેરાવા માટે સૌથી સારા રસ્તો ન શોધી શકે.”

કૃષિમંત્રી અર્જુન મુંડાએ સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ખેડૂતો સાથે વાતચીતની વાત કરાઈ છે.

ડ્રોનનો ઉપયોગ કેમ?

પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે ખેડૂતો પર ટિયરગેસના સેલ છોડતા જવાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે ખેડૂતો પર ટિયરગેસના સેલ છોડતા જવાન

હાલની સ્થિતિ અનુસાર પંજાબથી દિલ્હી તરફ આગળ વધી રહેલા હજારો ખેડૂતોને હરિયાણા પોલીસે શંભુ બૉર્ડરે રોકી લીધા છે. સ્થિતિની અસર ઇન્ટરનેટ સર્વિસ પર પણ થઈ છે.

એક તરફ પોલીસે માર્ચને આગળ વધતી અટકાવવા માટે કડક બંદોબસ્ત કર્યો છે તો બીજી તરફ દિલ્હી પોલીસે પણ બૉર્ડરે ભારે મોરચાબંદી કરી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સ્થિતિનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવાની વાત કરી છે, સાથે જ તેમનું કહેવું હતું કે તાકતનો ઉપયોગ એ અંતિમ વિકલ્પ હોવો જોઈએ.

પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે લાકડી-ડંડા અને ટિયરગેસના સેલનો ઉપયોગ ઘણા સમયથી થતો રહ્યો છે. પરંતુ આ હેતુ માટે ડ્રોનનો ઉપયોગ કેમ કરાયો?

હરિયાણા પોલીસના ડીજીપી શત્રુજિત કપૂર પ્રમાણે, “ટિયરગેસનો ઉપયોગ હવાની દિશા પર આધારિત છે. ટિયરગેસનો ઉપયોગ ત્યાં સુધી અસરકારક નથી નીવડતો, જ્યાં સુધી હવાની દિશા ભીડ તરફ ન હોય. ડ્રોન આપણને રેન્જ અને જે સ્થળે ટિયરગેસના સેલ પાડવાના છે, એ સંબંધી સ્વતંત્રતા આપે છે.”

શત્રુજિત કપૂર પ્રમાણે ટિયરગેસ ગન હોય કે ડ્રોન બંનેથી સેલ છોડવા એ એક જ જેવી વાત છે.

તેઓ કહે છે કે, “ભીડ તમારા પર પથ્થરમારો કરી રહી છે. ભીડ લાકડી, સેંકડો સ્પાઇકવાળાં ટ્રેક્ટર સાથે છે. તેમને કાબૂમાં લેવાનું કામ એ સરળ નથી, તેથી અમે ટિયરગેસનો ઉપયોગ કર્યો.”

શત્રુજિત કપૂર પ્રમાણે હરિયાણા પોલીસ ડ્રોનનો ઉપયોગ ઘણા સમયથી સર્વેલન્સ, ટ્રાફિક પ્રબંધન વગેરે માટે કરતી રહી છે.

અમુક મહિના પહેલાં ડ્રોનનો ઉપયોગ દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે પર લેન ડ્રાઇવિંગ નિયમોનું ઉલ્લંઘન કરનારાની ઓળખ અને તેમના પર દંડ લાદવા માટે કરાયો હતો.

હરિયાણા પોલીસના ડીજીપી શત્રુજિત કપૂર પ્રમાણે, “આપણે ડ્રોનનો ઉપયોગ ત્યારે કરીએ છીએ જ્યારે હવાની દિશા યોગ્ય હોય. આવું કરવાથી ટિયરગેસ સેલ કેટલા અંતરે ફેંકવા તેના પર નિયંત્રણ રાખી શકાય છે. અંતરના કારણે અમે સેલ ફેંકી નથી શકતા. સૌથી તાકતવર સુરક્ષાકર્મી પણ એ 30-40 મીટર સુધી જ ફેંકી શકશે. આ સિવાય એ સેલ અમારી તરફ પાછા પણ ફેંકી શકાય છે, કારણ કે અમે બૅરિકેડિંગથી લગભગ 15 મીટરના અંતરે તહેનાત હોઈએ છીએ.”

“તેથી અમારી પાસે ડ્રોનનો ઉપયોગ કરવાનો જ એકમાત્ર વિકલ્પ છે. આ જ કારણે અમારે ટિયરગેસ સેલ ભીડની પાછળ છોડવા પડી રહ્યા છે. જો હવાની દિશા અમારી તરફ હોય તો એ ગૅસ પહેલાં ભીડ પર અસર કરશે અને અમારા સુધી નહીં પહોંચે. આવું જ થઈ રહ્યું છે. આ પ્રક્રિયાસંબંધી વિષય છે અને કોઈનેય આ વાત પર આપત્તિ ન હોવી જોઈએ.”

ડ્રોનના ઉપયોગ પર ઇન્ડસ્ટ્રીનો દૃષ્ટિકોણ

દિલ્હી સાથે જોડાયેલા હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસ ટ્રાફિક સંચાલન માટે ડ્રોનનો ઉપયોગ કરે છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દિલ્હી સાથે જોડાયેલા હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસ ટ્રાફિક સંચાલન માટે ડ્રોનનો ઉપયોગ કરે છે

બીજી તરફ ડ્રોનથી ટિયરગેસના સેલ છોડાયાની તસવીરો ડ્રોન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ પણ જોઈ.

ડ્રોન ફેડરેશન ઑફ ઇન્ડિયા પ્રમાણે દેશમાં લગભગ 300 કરતાં વધુ ડ્રોન સ્ટાર્ટઅપ છે. તે પૈકી લગભગ એક તૃતીયાંશ કે 40 ટકા ડ્રોનના ઉત્પાદન સાથે જોડાયેલાં છે, 40-50 ટકા ડ્રોન સર્વિસિ સાથે જોડાયેલાં છે. તેમજ લગભગ દસ ટકા ડ્રોન સાથે જોડાયેલી તાલીમ અને સોફ્ટવૅર સૉલ્યૂસન્સ સાથે સંબંધિત છે.

ડ્રોન ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ સ્મિત શાહ પ્રમાણે, “વાઇરલ તસવીરોને જોઈને ઇન્ડસ્ટ્રીમાં એવી વાતચીત થઈ રહી છે કે ડ્રોનનો ઉપયોગ ઘણો નવો, રચનાત્મક અને સાહસિક છે તેમજ ડ્રોનના વાજબી ઉપયોગ અંગે વાતચીત થવી જોઈએ. શું ડ્રોનથી ટિયરગેસના સેલ છોડાવા એ વાજબી છે કે નહીં, આ અંગે સમાજમાં ચર્ચા થવી જોઈએ અને કોઈ એક નિર્ણય સુધી પહોંચવું જોઈએ.”

સ્મિત શાહ પ્રમાણે હરિયાણા પોલીસે જે ડ્રોનનો ઉપયોગ કર્યો, તેની તસવીરો પરથી લાગે છે કે તે દસ-20 મિનિટ સુધી હવામાં રહી શકે છે.

મીડિયા રિપોર્ટો અનુસાર ઉપયોગ કરાયેલા ડ્રોનનું ઉત્પાદન હરિયાણાની એક પબ્લિક લિમિટેડ કંપનીએ કર્યું હતું.

શત્રુજિત કપૂરે એ જણાવવાનો ઇનકાર કરી દીધો કે આવાં કેટલાં ડ્રોનનો ઉપયોગ ખેડૂત પ્રદર્શન દરમિયાન કરાયો.

ભારતમાં વિકસતી ડ્રોન ઇન્ડસ્ટ્રી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ડ્રોનનો ઉપયોગ ખેતી, સંરક્ષણ, સર્વેલન્સ વગેરે જેવાં કામો માટે કરાય છે.

વર્ષ 2014માં ડ્રોનનો ઉપયોગ મુંબઈમાં પિત્ઝા ડિલિવરી માટે કરાયો હતો, જે બાદ ડ્રોનના ઉપયોગ પર પાબંદી લાદી દેવાઈ હતી.

સમય બદલાયો અને ડ્રોનની ઉપયોગિતાની ચર્ચા દરેક જગ્યાએ થવા લાગી.

વર્ષ 2021માં સરકાર ડ્રોનના ઉપયોગ માટે નવા નિયમ લઈને આવી જેનાથી આ ઇન્ડસ્ટ્રીને ભારતમાં એક નવી દિશા મળી. સરકારનું કહેવું છે કે ભારતમાં વિશ્વ માટે ડ્રોન બનાવવાનું સામર્થ્ય છે.

નવી ડ્રોન સુધારણા નીતિ અંતર્ગત વિદેશી ડ્રોનની આયાત પર રોક લદાઈ અને ડ્રોનના ભાગોને આયાત કરવાની મંજૂરી મળી.

સ્મિત શાહ પ્રમાણે આનાથી દેશમાં ડ્રોનના ઉત્પાદન, ઇન્ટેલેક્ચુઅલ પ્રૉપર્ટી રાઇટ્સ કે બૌદ્ધિક સંપદાના અધિકારને ઉત્તેજન મળ્યું.

રશિયા અને યુક્રેન યુદ્ધે ડ્રોનના મહત્ત્વને વિશ્વફલક પર છતું કરી દીધું છે.

ડ્રોનના આ ઉપયોગથી શરૂ થયેલી આ ચર્ચા હવે આગળ કઈ દિશામાં જાય છે એ જોવું રહ્યું.

રેડ લાઇન
રેડ લાઇન