બિલકીસબાનો કેસમાં ‘ગુજરાત સરકારે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખવી જોઈતી હતી’, દોષિતોને સજામાફી અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, સુચિત્ર મોહંતી
    • પદ, બીબીસી માટે

બિલકીસબાનો કેસમાં 11 દોષિતોની સજામાફી સામેની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ‘ગુજરાત સરકારે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખવી જોઈતી હતી.’

આ કેસની સુનાવણી જસ્ટિસ કે. એમ. જોસેફ અને બી. વી. નાગરત્નાની બૅન્ચ કરી રહી હતી.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, “સફરજનની તુલના નારંગી સાથે ન થઈ શકે અને એ જ પ્રકારે નરસંહારની સરખામણી એક હત્યા સાથે ન કરી શકાય.”

બૅન્ચે કહ્યું કે, “આ પ્રકારના નૃશંસ ગુનાઓમાં જ્યારે રાહત આપવા પર વિચાર કરવામાં આવે છે, ત્યારે તેનાથી સમગ્ર સમાજ પ્રભાવિત થાય છે અને આ પ્રકારના કેસમાં શક્તિઓનો ઉપયોગ કરતી વખતે જનહિતનું ધ્યાન રાખવું જોઈએ.”

બીબીસી ગુજરાતી

બિલકીસબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે, “જો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના નિર્ણયથી સહમત હતી, તો તેનો અર્થ એ નથી થતો કે રાજ્યે વિચારવું ન જોઈએ.”

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે, “આ નિર્ણય લેવા પાછળનું કારણ શું હતું.”

લાઇવ લૉ અનુસાર જસ્ટિફ જૉસેફે કહ્યું છે કે, “સવાલ એ છે કે શું સરકારે આ મામલે વિચાર કર્યો, એવાં કયાં તથ્યો હતાં જે આ નિર્ણયનો આધાર બન્યાં? આ મામલે ન્યાયિક આદેશ અનુસાર દોષીએ જીવનભર જેલમાં રહેવું જોઈએ, પરંતુ તેમને ઍક્ઝિક્યૂટિવ આદેશ પર મુક્ત કરી દેવામાં આવ્યા.”

“આજે બિલકીસ, કાલે તમે અને હું હોઈ શકીએ છીએ. જો તમે આ નિર્ણય પાછળનું કારણ નહીં જણાવી શકો, તો પછી અમારે જ નિર્ણય પર પહોંચવું પડશે.”

બીબીસી ગુજરાતી

શું છે મામલો?

દોષિતોની નિયત સજા પહેલાં જ મુક્તિના નિર્ણય સામે કરવામાં આવેલી અરજી પર ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. બૅન્ચે આ મામલાની હવે પછીની સુનાવણી બીજી મેના દિવસે કરશે.

ગુજરાત સરકારે 11 દોષિતોને મુક્ત કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે.

અગાઉ સરકારે જણાવ્યું હતું કે, ‘તમામ દોષિતોએ 14 વર્ષ અથવા તેનાથી વધારે સમય જેલમાં વિતાત્યો છે અને તેમના સારા વ્યવહારને જોતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે. સાથે આ નિર્ણય કેન્દ્ર સરકારની સહમતિ બાદ લેવામાં આવ્યો હતો.’

ગુજરાત સરકારે 10 ઑગસ્ટ 2022ને બળાત્કાર અને બાળકની હત્યાના મામલામાં આજીવન સજા કાપી રહેલા દોષિતોને મુક્ત કરવાનો આદેશ જાહેર કર્યો હતો, જેને લઈને દેશભરમાં ઘણી ટીકા થઈ અને સરકારની મંશા પર સવાલ પણ ઊઠ્યા હતા.

બીબીસી ગુજરાતી

શું હતો બિલકીસબાનો કેસ?

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોને હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.

એ વખતે બિલકીસની ઉંમર લગભગ 29 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.

બળાત્કાર ગુજારાયા બાદ અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકિસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.

બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

પતિ જાવેદ સાથે બિલકિસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.

બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું કે, “પોલીસ અને તંત્રે હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું જણાવતા નથી.”

આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.

આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકિસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી