બિલકીસબાનો કેસ: સુપ્રીમ કોર્ટ દોષિતોની મુક્તિ અંગે સુનાવણી માટે વિશેષ ખંડપીઠ રચશે

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, સુચિત્ર મોહંતી
    • પદ, બીબીસી માટે

ગુજરાતમાં 2002નાં રમખાણો વખતે બિલકીસબાનો પર બળાત્કારના કેસમાં તમામ 11 દોષિતોને ગુજરાત સરકારે 15 ઑગસ્ટે મુક્ત કર્યા હતા.

આ કેસના તમામ 11 દોષિતોને આજીવન કેદની સજા કરાઈ હતી. ગુજરાત સરકારે સજામાં છૂટની નીતિ મુજબ તેમને મુક્ત કર્યા હતા.

સર્વોચ્ચ અદાલત આ 11 દોષિતોની મુક્તિને પડકારતી અરજીની સુનાવણી માટે તૈયાર થઈ છે અને તેઓ વિશેષ ખંડપીઠની રચના કરશે.

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બૅન્ચે બિલકીસબાનો તરફથી હાજર રહેલા ઍડ્વોકેટ શોભા ગુપ્તાને ખાતરી આપી હતી કે આ મામલાની સુનાવણી માટે નવી બૅન્ચની રચના કરાશે.

10 ઑગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારે બળાત્કાર અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને મુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.

2002નાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના રણધિકપુર ગામમાં ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

આ પહેલાં પણ બિલકીસબાનોનાં વકીલ કેસની વહેલી સુનાવણીની અપીલ કરી ચૂક્યાં છે.

બીબીસી ગુજરાતી

સુપ્રીમ કોર્ટે સમીક્ષા અરજી ફગાવી દીધી હતી

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ 24 જાન્યુઆરીએ મુક્તિને પડકારતી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ શકી ન હતી.

દોષિતોની મુક્તિને પડકારતી અરજી ઉપરાંત બિલકીસબાનોએ સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ પર સમીક્ષાઅરજી પણ દાખલ કરી હતી.

જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને એક દોષિતની વહેલી મુક્તિ માટે આપવામાં આવેલી અરજી પર વિચાર કરવા જણાવ્યું હતું.

જોકે બિલકીસબાનોની આ સમીક્ષા અરજીને ગયા વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

મુક્ત કરાયેલા 11 દોષિતોને જેલમાં પાછા મોકલવા માટે સુપ્રીમ કોર્ટમાં કેટલીક જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી.

આ અરજી નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વુમન દ્વારા દાખલ કરવામાં આવી હતી, આ સમિતિમાં જનરલ સૅક્રેટરી એની રાજા, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસવાદી)નાં સભ્ય સુભાષિની અલી, પત્રકાર રેવતી લાલ, સામાજિક કાર્યકર અને પ્રોફેસર રૂપરેખા વર્મા અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા છે.

બીબીસી ગુજરાતી

શું છે સમગ્ર મામલો?

બિલકીસ બાનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.

એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.

બળાત્કાર ગુજારાયા બાદ અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.

તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.

બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવાયું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.

બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું કે, "પોલીસ અને તંત્રે હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતા નથી."

2002માં બિલકીસ પર જ્યારે સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો ત્યારે તેઓ ગર્ભવતી હતાં. એ વખતે તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્મમતાથી હત્યા કરી દેવાઈ હતી.

આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.

આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી