ઇઝરાયલી હુમલામાં પરિવારના પત્ની, પુત્ર, પુત્રી, પૌત્ર ગુમાવ્યા બાદ મોટા પુત્રને પણ ગુમાવનાર પત્રકારે શું કર્યું?

    • લેેખક, શાઇમા ખલીલ
    • પદ, બીબીસી ન્યૂઝ, જેરૂસલેમ

દક્ષિણી ગાઝામાં અલ-જઝીરાના ગાઝા બ્યૂરોના ચીફ વાએલ અલ-દાહદૂહના મોટા પુત્ર અને પત્રકાર હમઝા અલ હદાહદૂહનું ઇઝરાયલી હુમલામાં મૃત્યુ થયું છે.

આ પહેલા ઑક્ટોબર મહિનામાં વાએલ અલ-દાહદૂહના પરિવારના ચાર સદસ્યોનું પણ ઇઝરાયલી હુમલામાં મૃત્યુ થયું હતું.

તેમના પત્ની અમના, તેમના પૌત્ર ઍડમ, 15 વર્ષીય પુત્ર મહમૂદ અને સાત વર્ષીય પુત્રી શામનું ઇઝરાયલી હુમલામાં મૃત્યુ થયું હતું.

જે સમયે ઇઝરાયલી સેનાએ ડ્રોન વડે હુમલો કર્યો તે વખતે પત્રકાર હમઝા અલ દાહદૂહ અન્ય પત્રકારો સાથે ખાન યુનિસ અને રફાહ વચ્ચે રસ્તા પર ઊભા હતા.

પત્રકાર હમઝા અલ દાહદૂહ તેમના પિતાની જેમ જ કતારની સમાચાર સંસ્થા અલ-જઝીરા સાથે કામ કરતા હતા.

આ હુમલામાં ફ્રીલાન્સ પત્રકાર મુસ્તફા થુરાયાનું પણ મૃત્યુ થઈ ગયું હતું.

અલ-જઝીરાના સંવાદદાતા હિશામ ઝાકૂત અનુસાર, હમઝા સહિત પત્રકારોનો સમૂહ રફાહના ઉત્તર-પૂર્વીય વિસ્તાર મોરાજ તરફ જઈ રહ્યો હતો. ઇઝરાયલી સેનાએ તેને ‘હ્યૂમેનિટેરિયન ઝોન’ જાહેર કરેલો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં ઘણીવાર બૉમ્બમારો થયો છે.

ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોમાં થયેલા બૉમ્બમારાથી બચવા માટે મોટાભાગના ગાઝાના નિવાસીઓ આ વિસ્તારમાં શરણ લેવા માટે પહોંચ્યા હતા.

અલ જઝીરા અનુસાર, હમઝા એ વિસ્તારમાં થયેલા બૉમ્બમારા અંગે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવાના હતા.

પિતાએ શું કહ્યું?

અલ જઝીરાના લાઇવ ફૂટેજમાં હુમલા પછી એ કાર દેખાય છે જેમાં તેઓ સફર કરી રહ્યા હતા.

કેટલાક વીડિયોઝમાં એ પણ દેખાય છે કે હમઝાના પિતા વાએલ અલ-દાહદૂહ ખાન યુનિસના એક શબઘરમાં પોતાના પુત્રના શબ પાસે ઊભા છે અને તેમનો હાથ પકડીને રડી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

હમઝાને ગાઝા પટ્ટીના દક્ષિણી શહેર રફામાં દફન કરવામાં આવ્યા છે.

તેમના પિતા વાએલ અલ-દાહદૂહે કહ્યું હતું કે, “હમઝા માત્ર મારા દિલની નજીક જ ન હતા, પરંતુ એ મારું સર્વસ્વ હતા. તેઓ મારી આત્મામાં વસેલા હતા. આ આંસુ કોઈના ચાલ્યા જવાનાં છે, આ આંસુ દુ:ખનાં છે, આ માનવતાનાં આંસુ છે.”

તેમણે કહ્યું હતું કે, “હું દુનિયાને કહેવા માંગું છું કે તે જુએ કે ગાઝામાં શું થઈ રહ્યું છે?”

ગયા મહિને જ અન્ય એક હુમલાનું રેકૉર્ડિંગ કરતી વખતે વાએલ અલ-દાહદૂહ પોતે ઘાયલ થયા હતા અને તેમના કૅમેરામેન સમેર અબુ દક્કાનું મૃત્યુ થયું હતું.

આઠ બાળકોના પિતા અલ-દાહદૂહે ગાઝામાં યુદ્ધ અંગે રિપોર્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું.

ઇન્સ્ટાગ્રામ પર હમઝા અલ-દાહદૂહના 10 લાખ ફોલોઅર્સ હતા. માર્યા ગયા પહેલાં કરેલી તેમની છેલ્લી પોસ્ટમાં તેમણે તેમના પિતા વિશે લખ્યું હતું.

તેમણે લખ્યું હતું કે, “તમે હિંમતવાન અને ધીરજવાન છો. તમે નિરાશ ન થાઓ. એ વાતથી નિશ્ચિંત થઈ જાઓ કે તે ચોક્કસપણે તમારી કદર કરશે.”

અલ-જઝીરાએ શું કહ્યું?

અલ-જઝીરાએ હત્યાની નિંદા કરતા કહ્યું હતું કે ગાઝામાં પેલેસ્ટિનિયન પત્રકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

અલ જઝીરાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “પેલેસ્ટિનિયન પત્રકારોની કારને નિશાન બનાવવાના ઇઝરાયલનાં આ પગલાંની અલ-જઝીરા મીડિયા નેટવર્ક કઠોર નિંદા કરે છે.”

અલ-જઝીરાએ ઇઝરાયલ પર મીડિયાની સ્વતંત્રતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પુત્રના મૃતદેહને જોયા બાદ તેઓ થોડા કલાકોમાં જ ટીવી ચેનલ પર લાઇવ રિપોર્ટિંગ કરતા જોવા મળ્યા હતા.

બીબીસીએ આ મામલે ઇઝરાયલી સેનાનો સંપર્ક પણ કર્યો છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂના વરિષ્ઠ સલાહકાર માર્ક રેગેવે 'બીબીસી વર્લ્ડ ધિસ વીકેન્ડ'ને જણાવ્યું હતું કે, “ઇઝરાયલ જાણીજોઇને પત્રકારોને નિશાન બનાવતું નથી.”

તેમણે કહ્યું, “અમે મધ્ય-પૂર્વમાં એકમાત્ર દેશ છીએ, જ્યાં હકીકતમાં પ્રેસ સ્વતંત્ર છે. સમગ્ર ક્ષેત્રમાં આ એકમાત્ર દેશ છે જ્યાં મીડિયા ખુલીને લખી શકે છે અને સરકારો તથા નેતાઓની ટીકા કરી શકે છે.”

માર્ક રેગેવે કહ્યું, “એ કહેવું હાસ્યાસ્પદ છે કે ઇઝરાયલ જાણીજોઇને મીડિયાને નિશાન બનાવે છે. અમે એકમાત્ર દેશ છીએ જે સ્વતંત્ર પત્રકારત્વને ખરા અર્થમાં પ્રોત્સાહન આપે છે.”

7 ઑક્ટોબરે ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલા પછી ગાઝા પર ઇઝરાયલનો બૉમ્બમારો ચાલુ છે. ગાઝામાં યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 75થી વધુ પત્રકારોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં 22 હજારથી વધુ લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગનાં મહિલાઓ અને બાળકો છે.