You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દંગલગર્લ સુહાની ભટનાગરના મોતનું કારણ બનનારી બીમારી શું છે?
આમિર ખાનની કુશ્તી પર બનેલી ફિલ્મ દંગલમાં બબીતા ફોગાટના બાળપણની ભૂમિકા ભજવનાર સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે મૃત્યુ થયું.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમના પિતા સુમિત ભટનાગરે કહ્યું કે સુહાનીને ડર્મેટોમાયોસાઇટિસની બીમારી હતી.
સુહાનીને 7 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલ ખાતે દાખલ કરાયાં હતાં, જ્યાં તેમનો ઇલાજ થઈ રહ્યો હતો, પરંતુ 16 ફેબ્રુઆરીના રોજ બીમારીને કારણે સર્જાયેલી સમસ્યાને લીધે તેમનું મૃત્યુ થઈ ગયું.
ડર્મેટોમાયોસાઇટિસ એક અત્યંત દુર્લભ બીમારી છે, જેમાં માંસપેશીઓમાં સોજો ચડી જાય છે તેમજ ત્વચા પર ચકામાં પડી જાય છે.
ડૉક્ટરો અનુસાર યોગ્ય સમયે આ બીમારીની ઓળખ થઈ જાય અને વિશેષજ્ઞોની દેખરેખ હેઠળ તેનો ઇલાજ કરાવાયા તો આનાથી થતી સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
જોકે, કેટલાક કેસોમાં તે એટલી ઝડપથી શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગો પર અસર કરી શકે છે કે જે દર્દી માટે ઘાતક પણ નીવડી શકે છે.
શું છે ડર્મેટોમાયોસાઇટિસ?
દિલ્હીમાં ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર અંજુ ઝા જણાવે છે કે આ એક ઑટો ઇમ્યુન ડિસૉર્ડર છે. જેમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાનાં જ અંગો વિરુદ્ધ કામ કરવાનું શરૂ કરી દે છે.
શરીરમાં કેટલીક એવી ઍન્ટિબૉડી બનવા લાગે છે, જે માંસપેશી પર હુમલો કરીને તેને કમજોર કરવા માંડે છે. આનાથી માંસપેશી કમજોર થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધીરે ધીરે સમસ્યા જુદાં જુદાં અંગો સુધી ફેલાતી જાય છે અને તેના પર સોજો ચડી જાય છે.
આનાં લક્ષણો વિશે જણાવતાં ડૉ. અંજુ કહે છે કે, “દરેક દર્દીને અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે. ઘણી વાર ત્વચા પર ચકામાં પડી જાય છે. પાંપણ પર સોજો ચડી જાય છે. ઘણી વાર માત્ર કમજોરીનો જ અહેસાસ થાય છે. જેમ કે દર્દીને વાળ ઓળવા માટે હાથ ઉઠાવવા જેવાં કાર્યો કરવામાં તકલીફ પડી શકે છે. જાંઘના સાંધાની આસપાસ તકલીફ હોય તો ઊઠવા-બેસવામાં સમસ્યા નડી શકે છે.”
શરૂઆતમાં ચહેરા કે પાંપણ પર લાલ કે વાદળી રંગના ચકામાં પડવાં કે સાંધામાં દુખાવાની સમસ્યા સર્જાય છે. જોકે, બાદમાં ઘણા દર્દીઓને ચાલવા-ફરવામાં તકલીફ થવા લાગે છે અને ફેફસાંની માંસપેશીઓ પર આની અસર થવાથી શ્વાસ ચઢવા જેવી તકલીફ થાય છે.
અમેરિકાની જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર ડર્મેટોમાયોસાઇટિસ થવાનાં ચોક્કસ કારણો બાબતે સ્પષ્ટતા નથી. પરંતુ આનુવાંશિક જનીન, મોટી ઉંમરના લોકોમાં કૅન્સર, કોઈ પ્રકારનો ચેપ, દવા કે પછી વાતાવરણમાં કોઈ વસ્તુથી ઍલર્જી વગેરે આનાં કારણો હોઈ શકે.
તેમાં ત્વચા અને માંસપેશીઓ સુધી રક્ત પહોંચાડતી રક્તવાહિની (ધમનીઓ)માં સોજો ચડી જાય છે. આનાથી ત્વચા પર વાદળી કે લાલ રંગનાં ચકામાં પડી જાય છે, જેમાં દુખાવો અને ખંજવાળની સમસ્યા થાય છે.
ઘણી વાર કોણી, ઘૂંટણ કે પગની આંગળીમાં પણ ચકામાં કે વાદળી ડાઘ દેખાઈ શકે છે. નખની આસપાસ સોજો ચડી શકે છે, ત્વચા શુષ્ક થઈ શકે છે તેમજ વાળ પાતળા બની શકે છે.
સમસ્યા વધે તો ભોજન લેવામાં તકલીફ પડી શકે છે, અવાજ બદલાઈ શકે અને થાક, તાવ કે વજન ઘટવા જેવી સમસ્યઓનો સામનો કરવો પડી શકે છે.
કેવી રીતે કરાય છે ઓળખ?
પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારે દર્દીની મેડિકલ હિસ્ટ્રી અને શારીરિક તપાસ કરીને ખબર પડી શકે છે કે આ લક્ષણો પાછળ કયું કારણ જવાબદાર છે.
ડૉક્ટર અંજુ ઝા જણાવે છે કે પુષ્ટિ કરવા માટે બ્લડ ટેસ્ટ, ઇલેક્ટ્રોમાઇલોગ્રામ (ઇએમજી) અને બાયોપ્સીની મદદ લેવાય છે.
તેઓ જણાવે છે કે આ માટેની ચોક્કસ રીત પ્રભાવિત માંસપેશીઓની બાયોપ્સી (કેટલોક ભાગ કાઢીને પ્રયોગશાળામાં તપાસ) કરવાની છે.
ડૉક્ટર અંજુ ઝા જણાવે છે કે ડર્મેટોમાયોસાઇટિસ પાંચથી 14 વર્ષનાં બાળકો કે 40થી વધુ ઉંમરના લોકોને વધુ થાય છે.
તેમનું કહેવું છે કે બાળકોમાં ઘણી વાર આ બીમારી ખૂબ ઝડપથી પ્રસરે છે અને જ્યાં સુધી સમજાય ત્યાં સુધી તો ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે.
તેમનું માનવું છે કે બની શકે કે અભિનેત્રી સુહાનીની સાથે પણ આવું જ કંઈક થયું હશે. ઘણી વાર એવું બને છે કે શરીરને નુકસાન પહોંચાડતી ઇમ્યુન સિસ્ટમને કાબૂમાં રાખવા માટે ઇમ્યુનોસપ્રસેંટ (રોગપ્રતિકારક શક્તિને કમજોર બનાવતી દવા) અપાય છે, જેનાથી દર્દીને અન્ય બીમારી થવાનોય ખતરો વધી જાય છે.
યોગ્ય ઇલાજ જરૂરી
જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર લક્ષણોના આધારે જ ડર્મેટોમાયોસાઇટિસનો ઇલાજ કરાય છે.
જેમ કે માંસપેશીઓ અકડાઈ જવાની સમસ્યાની સ્થિતિમાં થૅરાપી અપાય છે. ત્વચા પર ચકામાં થતાં રોકવા માટે દવા અપાય છે. રોગપ્રતિકારક શક્તિને દબાવનારી દવાઓ પણ અપાય છે.
ડૉક્ટર અંજુ ઝા કહે છે કે, “ન માત્ર ડર્મેટોમાયોસાઇટિસ, પરંતુ કોઈ પણ પ્રકારનો ઑટો ઇમ્યુન ડિસૉર્ડર હોવાની સ્થિતિમાં તમારે સતત દવા લેવી પડે છે. એવું નથી થતું કે કોઈ એક દવાથી તરત જ દર્દી ઠીક થઈ જાય છે.”
તેઓ કહે છે કે, “પહેલાં તમારાં લક્ષણો સારી રીતે બતાવો. જ્યારે પણ ખબર પડે ત્યારે યોગ્ય ઇલાજ કરાવો. ઘણી વાર સ્ટિરૉઇડ પણ અપાય છે. લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે કે સ્ટિરૉઇડ ન લેવાં જોઈએ. પરંતુ યોગ્ય ડૉક્ટર, જેમ કે ડર્મેટોલૉજિસ્ટ કે રૂમેટોલૉજિસ્ટ પાસે જઈને તેમની સલાહથી યોગ્ય ઇલાજ કરાવવો જોઈએ.”