યાદશક્તિને ધારદાર બનાવતી છ બાબતો, અદ્ભુત સ્મરણશક્તિ ધરાવતા 81 વર્ષના વિજ્ઞાનીની ટિપ્સ

    • લેેખક, લૌરા પ્લિટ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

કારની ચાવી ક્યાં મૂકી હતી ત્યાંથી માંડીને દૂરના પિતરાઈ ભાઈની દીકરીનું નામ કે પછી જે ફિલ્મ આપણને બહુ જ ગમી હતી તેના અભિનેતાનું નામ, આવું બધું વર્ષો વીતતા જાય છે તેમ યાદ રાખવાનું વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે.

ન્યુરોલૉજિસ્ટ અને અમેરિકાની જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટી હૉસ્પિટલની સ્કૂલ ઑફ મેડિસિન ઍન્ડ હેલ્થના પ્રોફેસર તેમજ મગજ વિશેનાં 20 પુસ્તકોના લેખક રિચાર્ડ રેસ્ટેડના કહેવા મુજબ, સ્મૃતિલોપની આ પ્રક્રિયા અનિવાર્ય નથી.

શ્વેત કેશ અને અદ્ભુત યાદશક્તિ ધરાવતા 81 વર્ષના વિખ્યાત વિજ્ઞાની રિચાર્ડ રેસ્ટેક જણાવે છે કે જેમ આપણે શરીર માટે કસરત કરીએ છીએ તેમ સ્મૃતિ માટે પણ કસરત કરીએ તો દિમાગને સક્રિય અને કાર્યક્ષમ રાખી શકાય.

રિચાર્ડ રેસ્ટેકે સ્મૃતિ સંબંધી ટ્રેનિંગ અને તેને મજબૂત બનાવવાની કેટલીક મહત્ત્વની ટિપ્સ બીબીસી સાથેની વાતચીતમાં શેર કરી હતી.

નવલકથાઓ વાંચો

નૉન-ફિક્શન પુસ્તકો જ્ઞાન અને માહિતીનો ઉત્તમ સ્રોત હોય છે, પરંતુ સ્મૃતિને સક્રિય કરવાની વાત આવે ત્યારે નવલકથાઓ વધુ ઉપયોગી છે.

રિચાર્ડ રેસ્ટેક કહે છે, "સ્મૃતિની દૃષ્ટિએ નૉન-ફિક્શન પુસ્તકો વાંચવામાં વધુ ધ્યાન આપવું પડતું નથી. તમે અનુક્રમણિકા વાંચી લો અને તમને જેમાં રસ હોય તે પ્રકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો."

"બીજી બાજુ, સ્મૃતિના સંદર્ભમાં કલ્પના પર આધારિત કથાઓ, ખાસ કરીને ભેદભરમવાળી નવલકથાઓ ધ્યાનપૂર્વક વાંચવી પડે છે. તેમાં પાત્રો દેખાય છે અને અદૃશ્ય થઈ જાય છે. બીજા પ્રકરણમાં એવું પાત્ર આવે છે, જે ગૂમ થઈ જાય છે અને છેક દસમા પ્રકરણમાં ફરી દેખાય છે."

નૉન-ફિક્શનની સરખામણીએ નવલકથામાં કથા જાળવી રાખીને પાત્રો તથા કથાનકની વિગતો વચ્ચેની કડીઓ યાદ રાખવામાં સ્મૃતિ સંબંધે વધુ પ્રયાસ કરવા પડે છે.

શબ્દોને છબીઓમાં રૂપમાં યાદ રાખો

રિચાર્ડ રેસ્ટેક સૂચવે છે કે આ એક મૂળભૂત સિદ્ધાંત છે. દાખલા તરીકે, કોઈની અટક ગ્રીનસ્ટોન હોય તો તમે ઘાટા લીલા રંગની પથ્થરની કલ્પના કરી શકો.

આ રીતે તમારું દિમાગ તેને સરળતાથી યાદ રાખી શકશે.

"તમે એવું નહીં કરી શકો અને તમારી પાસે માત્ર શબ્દો જ હશે તો પછી કદાચ તમને એ યાદ નહીં આવે કે તે બ્લુસ્ટોન છે કે બ્લેકસ્ટોન."

રિચાર્ડ રેસ્ટેક એક અન્ય યુક્તિનો ઉપયોગ પણ કરે છે. તેમાં તેઓ બહુ પરિચિત સ્થળોનો માનસિક નકશો બનાવે છે અને તેને યાદ રાખવા સ્મૃતિ સાથે જોડે છે.

દૂધ કે બ્રેડ ખરીદવાનું યાદ રાખવાનું હોય તો રિચાર્ડ રેસ્ટેક માનસિક નકશા પરનાં બે સ્થાન સાથે એ શબ્દોને સુપરઇમ્પોઝ કરે છે. આ યુક્તિ પછી કામ અચૂક ચાદ રહે છે.

રિચાર્ડ રેસ્ટેક કહે છે, "હું કલ્પના કરું છું કે મારું ઘર તે સ્થળની બાજુમાં છે અને તેની ચીમનીમાંથી દૂધ નીકળીને શેરીઓમાં વહી રહ્યું છે. હું પુસ્તકાલય પાસેથી પસાર થાઉં છું, બારી બહાર જોઉં છું ત્યારે કલ્પના કરું છું કે છાજલીઓ પુસ્તકોને બદલે બ્રેડની સ્લાઈસથી ભરાયેલી છે."

દોસ્તો સાથે અને જાત સાથે માઇન્ડ ગેમ રમો

રિચાર્ડ રેસ્ટેકને કૌટુંબિક મેળાવડા અથવા પાર્ટીમાં ’20 સવાલ’ની રમત રમવી સૌથી વધુ ગમે છે. સ્મૃતિ સતેજ રાખવાના સંદર્ભમાં તે ઉત્તમ કવાયત છે.

આ રમતમાં એક ખેલાડી અથવા જૂથ હોય છે, જેમણે વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ વિશે વિચારવાનું હોય છે, જ્યારે બીજા ખેલાડી અથવા જૂથે 20 સવાલ પૂછીને અનુમાન કરવાનું હોય છે કે એવું શું છે જેનો જવાબ હકાર અથવા નકારમાં આપી શકાય.

આ રમતમાં મુશ્કેલી એ છે કે ખોટી કડી આપવાથી, પ્રશ્નોના પુનરાવર્તનથી બચવા અને એલિમિનેશન દ્વારા સાચો જવાબ મેળવવા માટે બન્ને ખેલાડીઓ કે જૂથોએ સવાલ તથા જવાબ બન્ને યાદ રાખવા પડે છે.

તમને કોઈ સ્પોર્ટ પસંદ હોય તો તમારી ફેવરિટ ટીમના તમામ ખેલાડીઓને યાદ રાખવાનો પ્રયાસ કરી શકાય. એ યાદ રહી જાય પછી તેમને વર્ણાનુક્રમમાં ગોઠવી શકો અને તમામ ખેલાડીઓને યાદ રાખી શકાય.

ટેકનૉલૉજીનો ઉપયોગ (ચતુરાઈથી) કરો

આપણે સુપરમાર્કેટમાંથી જે વસ્તુઓ ખરીદવી હોય તેની યાદી સ્માર્ટફોન પર બનાવવી અથવા ક્યારેય ખરીદી ન હોય તેવી વસ્તુનો ફોટો સ્માર્ટફોનમાં રાખવો એ પણ સારો વિચાર છે.

સેલફોન અને તેનાં જેવાં અન્ય ઉપકરણોના ઉપયોગથી આપણી સ્મૃતિ નબળી પડતી હોવા છતાં ટેકનૉલૉજીનો ઉપયોગ આપણે આપણા ફાયદા માટે કરી શકીએ.

દાખલા તરીકે, આપણે સુપરમાર્કેટમાં જઈએ ત્યારે આપણે શું ખરીદવાનું છે એ પહેલાં યાદ રાખવું જોઈએ અને સેલફોન પર બનાવેલી લિસ્ટનો ઉપયોગ બાદમાં જ કરવો જોઈએ, જેથી કશું ખરીદવાનું ભૂલી ન જવાય.

નવી પ્રોડક્ટ્સના સંબંધમાં પણ આવું જ કરવું જોઈએ. તે કેવી હતી એ યાદ રાખવાના પ્રયાસ અને એ ખરીદ્યા પછી, સેલફોન પરના એ ચીજના ફોટા સાથે તાળો મેળવવો જોઈએ.

અહીં મૂળ મુદ્દો સ્મૃતિનું સ્થાન ઉપકરણને આપવાનો નહીં, પરંતુ પહેલાં દિમાગનો ઉપયોગ કર્યા પછી તેનું પર્ફોર્મન્સ ચકાસવાનો છે.

ઝોકું ખાઈ લેવાથી શું યાદશક્તિ વધે?

કેટલાંક સ્થળોએ ઝોકું ખાઈ લેવું સારી બાબત ગણાતું નથી, પરંતુ યાદશક્તિ સાબૂત રાખવામાં ઝોકું ખાઈ લેવું જરૂરી હોવાનું વિવિધ અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું છે.

રિચાર્ડ રેસ્ટેક રોજ ઝોકું ખાઈ લે છે. તેમના કહેવા મુજબ, તેનાથી માહિતી શોષી કરવામાં, તેને મજબૂત બનાવવામાં અને સ્મૃતિને એન્કોડ કરવામાં મદદ મળે છે તથા બાદમાં તેને સંભારી શકાય છે.

રિચાર્ડ રેસ્ટેકના કહેવા મુજબ, "અમે વિદ્યાર્થીઓના બે જૂથ પર એક પ્રયોગ કર્યો હતો. એ પૈકીના એક જૂથને કશુંક જાણ્યા પછી ઝોકું ખાવાની છૂટ આપી હતી, જ્યારે બીજા જૂથને એવી છૂટ આપવામાં આવી ન હતી. અમે જોયું કે ઝોકું ખાધું હતું એ જૂથ તેણે જાણેલી માહિતી વધારે સારી રીતે યાદ રાખી શક્યું હતું."

20થી 40 મિનિટ સુધી ઝોકું ખાવાની ભલામણ કરવામાં આવે છે, એમ જણાવતાં રિચાર્ડ રેસ્ટેક કહે છે, "તમે લાંબો સમય ઊંઘશો તો તેનાથી તમારી રાતની નિંદર ખોરવાશે. તેથી એલાર્મ સેટ કરો અથવા તમને જગાડવા કોઈને કહો."

સારો આહાર લેવાથી સ્મરણશક્તિ વધે?

રિચાર્ડ રેસ્ટેકના કહેવા મુજબ, "ચોક્કસ ખાદ્યપદાર્થો કરતાં વધારે પડતી ચરબી, ક્ષાર જેવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ લેવાનું ટાળવું વધારે મહત્ત્વનું છે."

તેઓ કહે છે, “આ પ્રકારના ખાદ્યપદાર્થો યાદશક્તિ માટે ઉપયોગી નથી, કારણ કે તે, યાદશક્તિ સાથે જોડાયેલા વિસ્તારોમાં લોહીનું પરિભ્રમણ લાંબા ગાળે ઘટાડે છે. તેને કારણે હાયપરટેન્શન અને ડાયાબિટીસ થઈ શકે છે."

“આ બધું સ્મૃતિલોપની તકલીફનું કારણ બની શકે છે.”