"રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજાની સલામતી માટે ચિંતાજનક" એ કેસ જેમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસને ટકોર કરવી પડી

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"રક્ષક જ ભક્ષક બની જાય તો એ પ્રજાની સલામતી માટે ચિંતાજનક છે."

આ ટિપ્પણી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઇનીની ખંડપીઠની દ્વારા તારીખ12 સપ્ટેમ્બર, સોમવારે સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.

તારીખ 25 ઑગસ્ટ 2023ની મોડી રાતે શહેરના સાઉથ બોપલના રહેવાસી મિલન કેલા પોતાનાં પત્ની અને એક વર્ષના બાળક સાથે અમદાવાદ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી પોતાના નિવાસસ્થાન તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ઓગણજ ટોલનાકા આગળ તેમની ટેક્સીને રોકવામાં આવી અને બે કૉન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિઓની ટોળકીએ તેમની પાસેથી રૂપિયા 60 હજારનો તોડ કર્યો હતો.

પતિ અને પત્નીને બંનેને ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મુજબ બે કૉન્સ્ટેબલ અને એક ટીઆરબીના જવાને ઍરપૉર્ટથી ઘરે આવતાં દંપતિને આંતરીને તેમને ખોટી પોલીસ ફરિયાદમાં ફસાવી દેવાનું કહીને તેમની પાસેથી રૂપિયા 60 હજારની રકમ પડાવી હતી.

આ સંદર્ભમાં અમદાવાદ શહેરના સ્થાનિક સમાચાર પત્રો અને અન્ય મીડિયામાં આ સમાચાર પ્રમુખતા સાથે પ્રસિદ્ધ થયા હતા જેથી આ મામલાની ગંભીરતા જોતાં મીડિયા રિપોર્ટ્સના આધારે તારીખ 29 ઑગસ્ટ 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી અને તેની ઉપર સુનાવણી શરૂ કરવામાં આવી હતી.

આ સુઓમોટો પિટિશન દાખલ કર્યા બાદ સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલોને ટાંકીને પોલીસને આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ અંગેનો તપાસ રિપોર્ટ રજૂ કરાયો છે જે અંગે સોમવારે થયેલી સુનાવણી વખતે ઉપરોક્ત ગંભીર ટિપ્પણી હાઇકોર્ટની ખંડપીઠ દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર મામલો શું છે?

આ સમગ્ર ઘટનામાં જેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા તેઓ અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારની ઍર્કિડ ડિવાઇન નામની રહેણાક સ્કીમના રહેવાસી અને વ્યવસાયે વેપારી એવા 33 વર્ષીય મિલન કેલા છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઘટના વિશે આ માહિતી આપી હતી:

"મેં મારી સાથે ઘટેલી ઘટના સોલા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવી છે. મારો દીકરો બીમાર થઈ ગયો છે. હાલમાં તેને એડમિટ કરેલો છે. જેથી આ બાબતે વધારે વાત કરી શકું તેમ નથી."

"મારી સાથે થયેલી ઘટના બાદ આ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. આશા રાખીએ કે અમારી સાથે જે હૅરેસમેન્ટ થયું એ બીજા કોઈ સાથે થાય નહીં."

સોલા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં મિલન કેલાએ જણાવ્યું છે કે, "તારીખ 25 ઑગસ્ટ 2023ની રાતે પોણા એક વાગ્યાની આસપાસ હું, મારાં પત્ની પ્રિયંકા તેમજ મારો એક વર્ષનો દીકરો વિયાન્સ અમદાવાદ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી અમારા ઘરે સાઉથ બોપલ જઈ રહ્યાં હતાં."

"રાત્રીના સવા એક વાગ્યાની આસપાસ અમે ઓગણજ ટોલનાકાથી આગળ ઓગણજ સર્કલ તરફ પહોંચ્યા હતાં. તે સમયે એક બોલેરો ગાડીની બાજુમાં પોલીસ ડ્રેસમાં બેથી ત્રણ અને સાદા ડ્રેસમાં એક વ્યક્તિ ઊભી હતી."

"પોલીસ ડ્રેસમાં રહેલી વ્યક્તિએ અમારી ટૅક્સીને હાથ બતાવતા અમારી ગાડી ઊભી રાખી હતી."

આ વ્યક્તિઓએ અમારી પાસે આવીને અમને પૂછ્યું હતું કે, "તમે આટલા મોડા ક્યાંથી આવી છો? તમને ખબર નથી પડતી અત્યારે ડ્રાઇવ ચાલી રહી છે. તમે જાહેરનામાનો ભંગ કરેલ છે, જેથી તમારા વિરુદ્ધ ફરિયાદ કરવાની છે."

"આવું કહીને મને પોલીસ જીપમાં બેસાડી દીધો હતો. તે જ ટૅક્સીમાં મારાં પત્ની અને મારો દીકરો હતો. તેમાં એક સિવિલ ડ્રેસવાળી વ્યક્તિ અને એક પોલીસ ડ્રેસવાળી વ્યક્તિ બેસી ગઈ હતી."

"ત્યારબાદ ટેક્સીમાં બેસેલાં મારાં પત્નીનો તેમજ મારો મોબાઇલ ફોન લઈને સ્વિચ ઑફ કરી દીધો હતો અને તેમની પાસે રાખી લીધો હતો."

"ત્યારબાદ બંને ગાડીમાં અમોને કોઈ અજ્ઞાત જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં ગયા બાદ પોલીસ ડ્રેસમાં રહેલ વ્યક્તિએ અમારી પાસે રૂપિયા બે લાખની માગણી કરી હતી. ત્યારબાદ મને ધમકી આપી હતી કે, તમે પૈસા નહીં આપો તો તમને જેલમાં પૂરી દઈશું અને તમને ત્રણ વર્ષની સજા થશે."

આ વાત સાંભળીને હું ગભરાઈ ગયો હતો. મેં તેમને કહ્યું હતું કે, "મારી પાસે આટલા બધા પૈસા નથી. મારી પત્ની અને મારું નાનું બાળક મારી સાથે છે. જેથી હું દસ હજાર રૂપિયા આપી શકું છું."

"તમને આપી દઉં મને જવા દો." મારી વાત સાંભળીને તેઓ મારી સાથે રકઝક કરવા લાગ્યા હતા. તે દરમિયાન તેમણે મારી પાસે 60 હજાર લેવાનું નક્કી કર્યું હતું. જેથી મને ત્યાંથી જગતપુર ગણેશ ગ્લોરીમાં આવેલ એસબીઆઈના એટીએમમાં લઈ ગયા હતા. એટીએમમાંથી મારી પાસે 40 હજાર રૂપિયા ઉપડાવ્યા હતા.

"એટીએમમાંથી પૈસા ઉપાડી અમે ટેક્સી પાસે પહોંચ્યા હતા. જ્યાં મારાં પત્ની અને મારો દીકરો હતો ત્યાં ગયા બાદ અમારી પાસે બીજા 20,000 રૂપિયા માગ્યા હતા."

"જેથી મારી પત્ની પ્રિયંકાના ઍકાઉન્ટમાંથી ઑનલાઇન પેમેન્ટ ટેક્સી ડ્રાઈવરના ઍકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું."

"મારી પત્ની પ્રિયંકાએ 20,000 રૂપિયા ટેક્સી ડ્રાઇવરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ટેક્સી ડ્રાઇવરને એટીએમ લઈ ગયા હતા અને તેના ખાતામાંથી 20,000 રૂપિયા ઉપાડ્યા હતા."

''આ 20 હજાર રૂપિયા ટેક્સી ડ્રાઇવર પાસેથી લઈ મેં પોલીસ ડ્રેસ અને સાદા ડ્રેસમાં રહેલી વ્યક્તિઓને આપ્યા હતા. આમ કુલ મેં તેઓને 60 હજાર રૂપિયા આપ્યા હતા."

"ત્યારબાદ તેઓએ અમને ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેતાં નહીં, નહીંતર સારું નહીં થાય. ત્યારબાદ મારો અને મારાં પત્નીનો ફોન પરત આપી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા."

"અમે પણ અમારા ઘરે જવા નીકળી ગયા હતા. રાત્રે અમે ઘરે પહોંચ્યા ત્યારે મોડું થઈ ગયું હતું ત્યારબાદ સવારે અમારા પિતા સાથે ચર્ચા કરીએ અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા."

  • અમદાવાદ શહેરના સાઉથ બોપલના રહેવાસી પતિ, પત્ની અને એક વર્ષના બાળક સાથે એવું શું બન્યું કે, ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પીટિશન દાખલ કરવી પડી
  • અમદાવાદ ઍરપૉર્ટથી પરત આવી રહેલા દંપતિને ધમકાવી બે પોલીસ કૉન્સ્ટેબલ અને એક ટીઆરબીના જવાને 60 હજાર પડાવ્યા હતા
  • પોલીસના બે કૉન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓનો તોડકાંડ અમદાવાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આખા મામલામાં ગુજરાત હાઇકોર્ટ સ્વયં સંગ્યાનમાં લેવો પડ્યો છે
  • ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઇનીની ખંડપીઠની દ્વારા સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન "રક્ષક જ ભક્ષક બની જાય તો એ પ્રજાની સલામતી માટે ચિંતાજનક છે." એવી ટિપ્પણી કરવામાં આવી હતી.
  • ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અને IPCની જોગવાઈઓ હેઠળ બંને જવાબદાર પોલીસ કૉન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે

પોલીસનું શું કહેવું છે?

સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. એચ. સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે. કોર્ટમાંથી મુદ્દા માલ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફરિયાદી પૈસા પરત મેળવી શકાશે."

તારીખ 12 સપ્ટેમ્બર 2023ને સોમવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલી સુઓમોટો અરજીના સંદર્ભમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર શાહે કહ્યું હતું કે, " ગુજરાતનાં શહેરો અત્યંત સુરક્ષિત છે અને અડધી રાત્રે પણ મહિલાઓ નિરાંતે હરીફરી શકે છે."

ત્યારે ખંડપીઠે એવી ગંભીર ટકોર કરી હતી કે, "એમાં કોઇ શંકા નથી કે, ગુજરાતમાં પ્રજા સુરક્ષિત છે પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક થઈ જાય તો શું? પ્રસ્તુત કેસમાં આપણે ગુનેગારો સાથે ડીલ નથી કરી રહ્યાં પરંતુ અહીં તો રક્ષકો જ ભક્ષક બન્યા છે. અમને એ વાતની ચિંતા છે. સરકારે આ પરિસ્થિતિનું ધ્યાન રાખવું જોઇએ."

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકાર તરફથી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, "ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અને IPCની જોગવાઈઓ હેઠળ બંને જવાબદાર પોલીસ કૉન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે."

બીજી તરફ આ કેસમાં કોર્ટને સિનિયર ઍડવોકેટ શાલીન મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, " આ પરિસ્થિતિ અત્યંત ડરાવનારી છે. જો કોઈ મહિલા એકલી અથવા તો બાળક સાથે મુસાફરી કરી રહી હોય તો શું થાય?"

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે પણ કહ્યું હતું કે, " હા, કંઇ પણ થઈ શકે. એક કૉન્સ્ટેબલ કારમાં બેઠો હતો અને બીજો એટીએમમાં ગયો હતો." રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, " રાત્રિના સમયે મહિલા કૉન્સ્ટેબલ પણ પેટ્રોલિંગ કરતાં જ હોય છે પરંતુ આ બાબતે તેઓ વધુ માહિતી મેળવીને પણ કોર્ટને જણાવશે."

ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, "તો પછી તો તમારે મહિલા કૉન્સ્ટેબલની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી પડે. આગામી દિવસો તહેવારોના છે ત્યારે તો પોલીસ ઉપર વધુ દબાણ રહેશે."

આરોપી પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે

સરકાર તરફી વકીલએ કોર્ટમાં રજૂ કરેલી ઍફિડેવિટમાં જણાવ્યા અનુસાર, " ત્રણેય આરોપીઓ સામે લાંચ રુશવત અટકાવવાની કલમ 7, 12, 13, 13(2) અને IPC કલમ 506(1) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ અજાણી વ્યક્તિઓ સામે કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસમાં બહાર આવતા ત્રણેય આરોપીઓ ASI મુકેશ ભાઈ રમણભાઈ, પોલીસ કૉન્સ્ટેબલ અશોક જગમાલ ભાઈ, TRB જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.

મિરઝાપુરની ગ્રામ્ય કોર્ટ દ્વારા ત્રણેય આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આરોપીઓના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તપાસ અધિકારી દ્વારા આરોપીઓના વધારાના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જે મિરઝાપુર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા.

હાલમાં આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની ફરિયાદી મિલન કેલા તેમનાં પત્ની પ્રિયંકા અને ટેક્સી ડ્રાઇવર દીપક પટેલ દ્વારા ત્રણેય આરોપીની ઓળખ કરી બતાવેલી છે."

ઍફિડેવિટમાં વધુમાં માહિતી આપવામાં આવી છે કે, "એએસઆઇ મુકેશ અને પોલીસ કૉન્સ્ટેબલ અશોકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે TRB જવાન વિશાલને ટર્મિનેટ કરવામાં આવેલો છે. તપાસ અધિકારીએ તપાસ દરમિયાન વૈષ્ણોદેવી સર્કલ પાસેના ઓગણજ ટોલ બૂથ પરનાં સીસીટીવી ફૂટેજ તેમજ જગતપુર શાખા, અમદાવાદની સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના એટીએમના સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યાં હતાં.''

CCTV ફૂટેજના સંદર્ભમાં ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65 (B) (4) (C) હેઠળ જરૂરી પ્રમાણપત્ર પણ મેળવવામાં આવે છે. આ ઉપરાંત સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના બૅન્ક મૅનેજર, જગતપુર શાખા તેમજ HDFC બૅન્ક, મેમનગર શાખાના બ્રાન્ચ મૅનેજરને બૅન્ક સ્ટેટમેન્ટ્સ અને વ્યવહારોની વિગતો આપવાના હેતુથી રિમાઇન્ડર મોકલવામાં આવ્યું હતું.

"તપાસ અધિકારી દ્વારા સંબોધવામાં આવેલા આ સંદેશાવ્યવહારના અનુસંધાનમાં બંને બૅન્કો પાસેથી બૅન્ક સ્ટેટમેન્ટ મેળવવામાં આવ્યા છે. જે ફરિયાદીના જણાવ્યા અનુસારના વ્યવહારો સાબિત કરે છે. "

"તદનુસાર, બેંક ટ્રાન્ઝેક્શન રૂપિયા 40,000 (રૂપિયા 10,000 ચાર વખત ઉપાડ્યા) એટીએમ મારફત મિલનભાઈ ડુંગરભાઈ કેલા નામના ફરિયાદીના ખાતામાંથી બનાવની તારીખે ઉપાડવામાં આવ્યા છે. તેમજ ફરિયાદીનાં પત્ની પ્રિયંકાબેન મિલનભાઈ કેલાના બેૅન્ક ખાતામાંથી રૂપિયા 20,000 UPI મારફત ઉબેર ટેક્સીના ડ્રાઈવર દિપકભાઈ પટેલના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ આ રકમ ટેક્સી ડ્રાઈવરે આ ખાતામાંથી એટીએમ દ્વારા ઉપાડવામાં આવી હતી.

તમામ આરોપીઓ તેમજ ફરિયાદી, ફરિયાદીનાં પત્નીના કૉલ રેકૉર્ડ તેમજ સીડીઆર એકત્ર કરવામાં આવી રહ્યા છે. જે ગુનાના સ્થળે તેમની હાજરી પ્રસ્થાપિત કરે છે. તદુપરાંત, તપાસ અધિકારી દ્વારા એકત્ર કરાયેલા CCTV ફૂટેજને ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), ગાંધીનગરને મોકલવા જરૂરી છે.

રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવીટમાં આ ઘટના બાદ તા.1 સપ્ટેમ્બર 2023ના દિવસે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી ડિસિપ્લિનરી ઍક્શન અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.

પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા સૂચનોની માહિતી પણ એફિડેવીટમાં આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે પોલીસ કમિશનર દ્વારા ડીસીપી એ જાતે રાત્રે નાકાબંધી પોઇન્ટ પર ફરજિયાત મુલાકાત લેવાની રહેશે. આઉટ સ્ટેશનથી આવતા નાગરિકોને હેરાનગતિ ન થાય તે માટે નાઈટ રાઉન્ડ દરમિયાન ડેપ્યુટી પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

પોલીસ સ્ટેશનના તમામ ઇન્ચાર્જ અધિકારીઓને અધિકારીઓ અને હોમગાર્ડ જવાનોના રોલ કૉલની અમલવારી કરવા અને નાગરિકો સાથે યોગ્ય વર્તન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

નાઈટ રાઉન્ડમાં તમામ પોલીસ અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનોને તેમની ફરજ બજાવતી વખતે તેમના યુનિફૉર્મ પર નેમ પ્લેટ લગાવવાનો નિર્દેશ આપવામાં આવે છે. ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નાઈટ રાઉન્ડમાં પોલીસ અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનોને તેમના પૉઇન્ટ/પેટ્રોલિંગ રૂટ પર જ તેમની ફરજ ચુસ્તપણે બજાવવા સૂચના આપવામાં આવી છે.

જો કોઈ પોલીસ/હોમ ગાર્ડ અધિકારીઓ દ્વારા હેરાનગતિના સંદર્ભમાં કોઈ ફરિયાદ મળે, તો તરત જ તેની પૂછપરછ કરીને પગલાં લેવાના રહેશે.