સાપ પકડતા લોકો જ કેમ ઘણી વખત સાપને કારણે મરી જાય છે?

ભારતમાં સાપ પકડનારાને જ ઘણી વખત સાપ કેમ ડંખી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઝેવિયર સેલ્વાકુમાર
    • પદ, બીબીસી તામિલ

કોઇમ્બતૂરમાં સાત હજાર કરતાં વધુ સાપ પકડનારા સંતોષનું સર્પદંશથી મૃત્યુ થયું. આ કોઈ અપવાદરૂપ કિસ્સો નથી.

39 વર્ષીય સંતોષ ગત મહિને એક ઘરમાં ઘૂસી ગયેલો કોબ્રા પકડવા માટે ગયા હતા, ત્યારે તેણે ડંખ મારી દીધો હતો. એ પછી સંતોષને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ તેમનું અવસાન થયું હતું.

તબીબોના કહેવા પ્રમાણે, ઝેરને કારણે સારવાર દરમિયાન તેમનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું, એટલે તેમનું મૃત્યુ થયું હતું.

દક્ષિણ ભારત સહિત દેશભરમાં આ પ્રકારના કિસ્સા બનતા રહે છે. શોધકર્તાઓના કહેવા પ્રમાણે, સાપ પકડવાની પરિસ્થિતિ તથા તેમના વિશે માહિતી ન હોવાને કારણે આ મૃત્યુ થાય છે.

તામિલનાડુના વનવિભાગે સાપ પકડનારાઓને તાલિમ અને સાધન મળી રહે તે માટે પ્રયાસ હાથ ધર્યા છે.

સાપ પકડનારાઓનાં મૃત્યુ

એકભારતમાં સાપ પકડનારાને જ ઘણી વખત કેમ સાપ ડંખી જાય છે અને તેમનું મૃત્યુ થાય? કોબ્રા, રસલ વાઇપર, સાપ પકડવા વનવિભાગની મોબાઇલ ઍપ્લિકેશન, સાપનો ફોટો પાડવો જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Handout

ઇમેજ કૅપ્શન, સાપ પકડનારા સંતોષ

મુરલીધરન નામના શખ્સનું ગત વર્ષે કોઇમ્બતૂરમાં મૃત્યુ થયું હતું. આ સિવાય નિર્મલ નામના સાપ પકડનારાનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું. બંને સાપ પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું.

તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના નેલ્લીકુપ્પમના નિવાસી ઉમર અલીને ગત વર્ષે એપ્રિલ મહિનામાં ઝેરી સાપે ડંખ દીધો હતો. ઉમર અલી જ્યારે સાપને જંગલમાં છોડવા માટે જઈ રહ્યા હતા, ત્યારે સાપે દંશ માર્યો હતો.

વન્યજીવ પ્રેમી સંતોષના મિત્ર રાજને બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "સંતોષે ગત 20 વર્ષમાં સાત હજાર કરતાં વધુ સાપ પકડ્યા હતા અને તેમને જંગલમાં છોડ્યા હતા."

પરંતુ સંતોષનાં મૃત્યુ બાદ તેમનો પરિવાર ગરીબીની ગર્તામાં ધકેલાઈ ગયો છે. તેમને બે પુત્રીઓ છે, જેમાંથી એક વિકલાંગ છે.

રાજનનું કહેવું છે, "તામિલનાડુ સરકારે સંતોષના પરિવારને કોઈ ને કોઈ રીતે મદદ કરવી જોઈએ."

સાપ પકડનારા આદિવાસી અને સામાન્ય લોકો વચ્ચે શું તફાવત છે?

ભારતમાં સાપ પકડનારાને જ ઘણી વખત કેમ સાપ ડંખી જાય છે અને તેમનું મૃત્યુ થાય? કોબ્રા, રસલ વાઇપર, સાપ પકડવા વનવિભાગની મોબાઇલ ઍપ્લિકેશન, સાપનો ફોટો પાડવો જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Science Photo Library

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મનોજ કૃષ્ણગિરિ ગ્લોબલ સ્નેકબાઇટ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્સના સ્થાપક અને મુખ્ય સંચાલક વિજ્ઞાની છે. તેમણે સર્પદંશના સંશોધનમાં ડૉક્ટેરટ કર્યું છે અને ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ સાથે સંશોધનકાર્ય કરી રહ્યા છે.

મનોજ કૃષ્ણગિરિના કહેવા પ્રમાણે, દુનિયાભરમાં સર્પદંશની સૌથી વધુ ઘટનાઓ ઑસ્ટ્રેલિયામાં નોંધાય છે, પરંતુ તેનાથી મૃત્યુની સંખ્યા ભારતની સરખામણીમાં ખૂબ જ ઓછી છે.

આ તફાવતનું કારણ સમજાવતા મનોજ કહે છે કે ઑસ્ટ્રેલિયામાં સર્પદંશની સમસ્યાને પહોંચી વળવાની પદ્ધતિ તથા ઝેરના મારણની ઉત્તમ દવાઓ ઉપલબ્ધ છે.

મનોજ કૃષ્ણગિરિ ઉમેરે છે, જે આદિવાસીઓ પરંપરાગત રીતે સાપ પકડે છે તેમની તથા અન્યોની કાર્યપદ્ધતિમાં ઘણા તફાવત છે.

પરંપરાગત રીતે સાપ પકડતી ઇરુલર જાતિના લોકોને અમેરિકા અને થાઇલૅન્ડની સરકારોએ નિમંત્રણ આપીને સાપ પકડવા માટે બોલાવ્યા છે.

ભારતમાં 'સ્નેકમૅન' તરીકે વિખ્યાત રામુલસ વિટ્ટોગરના કહેવા પ્રમાણે, 'સાપ પકડવાની બાબતમાં ઇરુલર જાતિના લોકો અજોડ છે.'

ચેંગલપટ્ટુ જિલ્લાના નેમ્મેલી ખાતે સાપ પકડનારાઓની ઉરુલર સહકારી સમિતિ કાર્યરત છે, જેમાં 350 કરતાં વધુ સભ્યો છે. આ લોકો આસપાસના વનવિસ્તારોમાંથી સાપ પકડી, તેમનું ઝેર એકઠું કરે છે અને પછી સાપોને ફરી જંગલમાં છોડી દે છે.

સાપ પકડતી વખતે શું ભૂલ થાય છે?

ભારતમાં સાપ પકડનારાને જ ઘણી વખત કેમ સાપ ડંખી જાય છે અને તેમનું મૃત્યુ થાય? કોબ્રા, રસલ વાઇપર, સાપ પકડવા વનવિભાગની મોબાઇલ ઍપ્લિકેશન, સાપનો ફોટો પાડવો જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Handout

ભારતીય સરીસૃપ સંશોધન, શિક્ષણ અને સંરક્ષણ કેન્દ્રના સંસ્થાપક તથા સરીસૃપ વિજ્ઞાની રામેશ્વરન મરિયપ્પનનું કહેવું છે કે આદિવાસી સમાજ જે જાગૃકતા સાથે કામ કરે છે, એટલી સતર્કતાથી અન્ય લોકો પણ કામ કરે અને સાપ ડંખ મારે ત્યારે શું કરવું જોઈએ, તેના વિશે સમજણ કેળવે તો તેનાથી મૃત્યુદરને ઘટાડી શકાય છે.

રામેશ્વરન મરિયપ્પનનું કહેવું છે કે જ્યારે કોઈ જગ્યાએ સાપ દેખાય અને સર્પસંરક્ષક ત્યાં સુધી પહોંચે, ત્યારસુધીમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હોય છે. આથી સાપ ભય કે ગુસ્સામાં હોય તેની શક્યતા વધુ હોય છે.

તેઓ ઉમેરે છે કે વધુમાં સામાન્ય રીતે સાપ દેખાય એટલે વીડિયો ઉતારવાની લ્હાયમાં ઘણા લોકો એકઠા થઈ જાય છે, જે સાપોમાં માણસો પ્રત્યે ભય અને ગુસ્સો પેદા કરે છે, જેના કારણે સાપ પકડનારના જીવ ઉપર જોખમ ઊભું થાય છે.

બીબીસી તામિલ સાથે વાત કરતા રામેશ્વરન મરિયપ્પને કહ્યું, "સાપ પકડનારાઓએ એક વાત સમજવી જોઈએ કે આપણને સાપથી બચતા આવડવું જોઈએ અને આપણું જીવન પણ મહત્ત્વપૂર્ણ છે."

"નાનો કે મોટો ગમે તે પ્રકારનો સાપ ડંખે, કોઈપણ જાતની ઢીલ કર્યા વગર તત્કાળ હૉસ્પિટલે જવું જોઈએ."

રામેશ્વરન મરિયપ્પનનું માનવું છે કે 'સાપ પકડનાર'એ શબ્દ ખોટો છે, આને બદલે 'સાપને બચાવનાર' કે 'સર્પસંરક્ષક' એવો શબ્દપ્રયોગ કરવો જોઈએ.

રામેશ્વરન મરિયપ્પનનું માનવું છે કે 'સાપ પકડનાર' શબ્દ એવા લોકોને પણ ઝેરી સરીસૃપ પકડવા માટે પ્રેરિત કરે છે, જેમને સાપો વિશે મૂળભૂત જાણકારી કે અનુભવ પણ ન હોય.

સાપનો ફોટો પાડવો જરૂરી કેમ?

ભારતમાં સાપ પકડનારાને જ ઘણી વખત કેમ સાપ ડંખી જાય છે અને તેમનું મૃત્યુ થાય? કોબ્રા, રસલ વાઇપર, સાપ પકડવા વનવિભાગની મોબાઇલ ઍપ્લિકેશન, સાપનો ફોટો પાડવો જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Handout

વૈજ્ઞાનિક મનોજ કૃષ્ણગિરિના કહેવા પ્રમાણે, જ્યારે કોઈ વ્યક્તિને સર્પદંશ દે, તો તત્કાળ તેનો ફોટો પાડી લેવો જોઈએ, જેથી કરીને ડંખ મારનાર સાપ કઈ પ્રજાતિનો છે સહિતની માહિતી મળી રહે.

મનોજના કહેવા પ્રમાણે, રેટલ સ્નેક ઉપરાંતના સામાન્ય સાપોના દંશથી શરીરના એ ભાગ પર દુ:ખાવો, સોજો કે રંગમાં ફેરફાર થાય છે.

મનોજ કૃષ્ણગિરિ જેને ડંખ લાગ્યો હોય, તેને કોઈપણ જાતના ભય કે ડર વગર તત્કાળ હૉસ્પિટલે લઈ જવાની ભલામણ કરે છે, કારણ કે જો વ્યક્તિ ગભરાઈ જાય તો ઝેર લોહી મારફત ઝડપભેર આખા શરીરમાં ફેલાય જાય છે.

મનોજ કહે છે, 'કોબ્રાનો ડંખ લાગ્યો હોય અને વ્યક્તિને એક કલાકની અંદર યોગ્ય સારવાર મળી જાય તો તે બચી શકે છે.'

સાપ પકડનારાઓને વીમો આપવાની માગ

ભારતમાં સાપ પકડનારાને જ ઘણી વખત કેમ સાપ ડંખી જાય છે અને તેમનું મૃત્યુ થાય? કોબ્રા, રસલ વાઇપર, સાપ પકડવા વનવિભાગની મોબાઇલ ઍપ્લિકેશન, સાપનો ફોટો પાડવો જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘરમાં છૂપાયેલા કોબ્રાની ફાઇલ તસવીર

કૉઇમ્બતૂરના અમીન ગત 27 વર્ષથી સાપોને પકડે છે. તેઓ કહે છે, "મેં અત્યારસુધી જેટલા સાપ પકડ્યા છે, તેનો હિસાબ નથી રાખ્યો કે ન તો એમના વિશે મેં સોશિયલ મીડિયા ઉપર કોઈ માહિતી મૂકી છે."

અમીનનું કહેવું છે કે જે લોકો કશું સમજ્યા-વિચાર્યા વગર સાપ પકડવાનો પ્રયાસ કરે છે, તેમની ઉપર વનવિભાગે લગામ કસવી જોઈએ, જેથી તેઓ સોશિયલ મીડિયા ઉપર પોતાના વીડિયો પોસ્ટ ન કરે.

અમીનનું કહેવું છે, "મેં દિવસમાં ચાર-ચાર સાપ પકડ્યા છે. 27 વર્ષ પહેલાં જે ભય અને સતર્કતા સાથે પહેલી વખત સાપ પકડ્યો હતો, એવી જ રીતે આજે પણ પકડું છું. વનવિભાગે અમારા જેવા સાપ પકડનારાઓને ઓળખપત્ર અને પશ્ચિમી દેશોમાં ઉપયોગમાં લેવાય છે એવા આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવા જોઈએ."

"વનવિભાગે જેમને માન્યતા આપી હોય તેવા લોકો જ સાપ પકડી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ."

કેરળ અને કર્ણાટકમાં સાપ પકડનારાઓની મદદ કરવા; તથા તેમની જનતાની વચ્ચે સેતુરૂપ બનવા માટે ઍપ્સ વિકસાવવામાં આવી છે. ગુજરાતમાં પણ આ પ્રકારની ઍપ જાન્યુઆરી મહિનામાં લૉન્ચ કરવામાં આવી છે.

વન્યજીવ શોધકર્તા અને પર્યાવરણવિદ્દો પણ આ પ્રકારના સમન્વય માટેના પ્રયાસો હાથ ધરવા તામિલનાડુ સરકારને અપીલ કરે છે. બીબીસીએ આ અંગે તામિલનાડુ વનવિભાગના વડા અને મુખ્ય વનસંરક્ષક શ્રીનિવાસ રેડ્ડી સાથે વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું :

"સાપોને પકડનારાઓ વચ્ચે સમન્વય સ્થાપિત કરવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેરળની 'સર્પા' નામની વેબસાઇટ અને ઍપની તરજ ઉપર તામિલનાડુમાં પણ મોબાઇલ ઍપ તૈયાર કરવામાં આવી રહી છે."

શ્રીનિવાસ રેડ્ડીએ ઉમેર્યું, "સાપ પકડનારાઓને તાલીમ આપવા તથા તેમને જરૂરી ઉપકરણો ઉપલબ્ધ બને તે માટે એક યોજના ઘડી કાઢવામાં આવી છે. આ કામોને પૂર્ણ કરવામાં થોડો સમય લાગશે."

"આ યોજના સાપો તથા તેમને પકડનારઓ માટે લાભકારક હશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.