ટ્રેનમાં ગોમાંસ લઈ જવાની શંકાને કારણે મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ, શું છે સમગ્ર મામલો?

વૃદ્ધ સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે
ઇમેજ કૅપ્શન, વૃદ્ધ સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે
    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ઇગતપુરીની નજીક એક ઍક્સપ્રેસ ટ્રેનમાં ગોમાંસ લઈ જવાની આશંકા પર એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિને સાથે બેઠેલા મુસાફરોએ મારપીટ કરી હતી.

આ કથિત ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા પછી જીઆરપીએ તેની તપાસ શરૂ કરી છે.

વાઇરલ વીડિયોમાં એક ડઝન લોકો ટ્રેનની અંદર એક વ્યક્તિ પર હુમલો કરતા અને ગાળો આપતા નજરે ચડે છે.

જીઆરપીએ આપેલી માહિતી પ્રમાણે, જલગાંવ જિલ્લાના રહેવાસી હાજી અશરફ મનિયાર કલ્યાણમાં પોતાની દીકરીના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ઇગતપુરીની પાસે તેમના સાથી મુસાફરો વૃદ્ધ સાથે મારપીટ કરી કારણ કે મુસાફરોને શંકા થઈ કે મનિયાર ગોમાંસ લઈ જઈ રહ્યા છે.

72 વર્ષીય વૃદ્ધ સાથે મારપીટ

વૃદ્ધ પીડિતે ફરિયાદ નોંધાવ્યા પછી તેમનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી રહ્યાં છે

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

ઇમેજ કૅપ્શન, વૃદ્ધ પીડિતે ફરિયાદ નોંધાવ્યા પછી તેમનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિને તેમની આસપાસ બેઠા કેટલાક યુવાનો ગાળો આપતા નજરે ચડે છે અને વૃદ્ધ સાથે મારપીટ પણ કરે છે.

આ દરમિયાન મારપીટ કરનાર મુસાફરો ફોનથી વીડિયો બનાવતા પણ જોવા મળે છે. આ ઉપરાંત વૃદ્ધને કેટલીક ચેતવણી અને ધમકી પણ આપે છે.

રેલવેએ બીબીસીને જણાવ્યું કે આ ઘટના વિશે જીઆરપીને 31 ઑગસ્ટે ફરિયાદ મળી હતી. આ ફરિયાદમાં જણાવાયું કે હાજી અશરફ મનિયારની સાથે ઈગતપુરીની પાસે ટ્રેનમાં ગુંડાએ દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી.

આ ઘટના 28 ઑગસ્ટની છે જ્યારે હાજી અશરફ પોતાની દીકરીને મળવા માટે ટ્રેનથી કલ્યાણ જઈ રહ્યા હતા.

રેલવેને જાણકારી મળી કે જલગાંવના રહેવાસી 72 વર્ષીય અશરફ નામના મુસાફર 28 ઑગસ્ટના રોજ પોતાના દીકરીને મળવા માટે ધુલે-સીએસએમટી ઍક્સપ્રેસથી કલ્યાણ આવી રહ્યા હતા.

જીઆરપીએ કહ્યું કે અમને સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે ટ્રેનમાં અશરફની સાથે મુસાફરી કરી રહેલા બીજા મુસાફરો વચ્ચે સીટને કારણે દલીલ થઈ હતી. આ કારણે જ મુસાફરી કરી રહેલા બીજા લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો.

વૃદ્ધ પીડિતે શું કહ્યું?

જીઆરપીએ અફવા ન ફેલાવવા માટે અપીલ કરી હતી

ઇમેજ સ્રોત, GRP

ઇમેજ કૅપ્શન, જીઆરપીએ અફવા ન ફેલાવવા માટે અપીલ કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરિયાદી હાજી અશરફ અને તેમના પરિવારના લોકોની ફરિયાદ પર આ મામલે કુલ પાંચથી છ શંકાસ્પદ લોકોની ઓળખાણ કરવામાં આવી છે.

સેન્ટ્રલ રેલવેનાં ડીજી મનોજ નાના પાટીલે આપેલી જાણકારી પ્રમાણે ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

રેલવેએ બીબીસી સાથે જે માહિતી શૅર કરી છે તે પ્રમાણે ધુલે પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમને ઠાણે પોલીસ સ્ટેશન લઈ જવા માટે એક ટીમ રવાના થઈ ગઈ છે.

જીઆરપી આ મામલે આગળ કાયદાકીય કાર્યવાહી કરશે.

ફરિયાદ મળ્યાં પછી ચાલીસગામ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ બીજા એક વીડિયોમાં અફવા ફેલાવવાનો પ્રયત્ન થયો કે પીડિત વૃદ્ધે શરમને કારણે પોતાનો જીવ આપી દીધો છે. જોકે, રેલવેએ બીબીસીને જણાવ્યું કે જીઆરપીએ અપીલ કરી છે કે વૃદ્ધ વ્યક્તિ સુરક્ષિત છે અને આ મામલે કોઈ અફવા ફેલાવવામાં ન આવે.

ફરિયાદ નોંધાવ્યા પછી એક વીડિયો સામે આવ્યો જેમાં પીડિત અશરફ જણાવે છે કે તેઓ જીવિત છે અને સ્વસ્થ છે.

તેમણે કહ્યું, "મારું નામ અશરફ અલી સૈયદ હુસેન છે. હું ચાલીસગાંવનો રહેવાસી અને હાજી છું. હું જીવિત છું અને તમે લોકો જે મારા માટે ચિંતા કરી રહ્યા છો તે બદલ આભાર માનું છું. હું અપીલ કરું છું કે તમે કોઈ ખોટું પગલું ન લેશો."

સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

ટ્રેનમાં ગોમાંસ લઈ જવાના આરોપસર એક વૃદ્ધની સાથે મારપીટ કરવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઍક્સ પર શૅર કરીને ફૅક્ટ ચેકર મહંમદ ઝુબેરે લખ્યું, "હાજી અશરફ કલ્યાણ જનારી એક ટ્રેનથી પોતાની દીકરીને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગુંડાએ તેમની સાથે ખૂબ મારપીટ કરી અને ગાળો પણ આપી."

એઆઈએમઆઈએમના વરિષ્ઠ નેતા ઇમ્તિયાઝ જલીલ ટ્વીટ કર્યું, "આપણે માત્ર મૂક પ્રેક્ષક બનીને ન રહી શકીએ. હવે સમય આવી ગયો છે કે બધા જ ધર્મનિરપેક્ષ ભારતીય લોકો આ તાકતોને હરાવવા માટે સાથે આવે."

"આ લોકોના મનમાં કેટલું ઝેર ફેલાઈ ગયું છે. તે એક એવી વ્યક્તિ સાથે આવી હરકત કરવાનું કેવી રીતે વિચારી શકે જે તેમના દાદાની ઉંમરના છે."

અંગ્રેજી સમાચારપત્ર ધી હિંદુના એક અહેવાલ પ્રમાણે, આ ઘટના 28 ઑગસ્ટ 2024ની છે જ્યારે 72 વર્ષીય હાજી અશરફ ધુલે-છત્રપતિ શિવાજી ટર્મિનસ ઍક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણકારી મળી છે કે તેઓ ભેંસનું માંસ લઈ જઈ રહ્યા હતા જેના પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ નથી.

સમાચારપત્રના અહેવાલ પ્રમાણે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેને ધુલેથી ઠાણે લઈ જવામાં આવ્યા છે.

અહેવાલમાં આપેલી જાણકારી પ્રમાણે આરોપી ટ્રેનના એ જ ડબ્બામાં પ્રવાસ કરી રહ્યા હતા અને ધુલે જતી વખતે પોલીસે તેમની ઓળખાણ કરીને અટકાયત કરી હતી.

મુંબઈના વરિષ્ઠ જીઆરપી અધિકારીઓની માહિતી પ્રમાણે, આરોપી આ ઘટનામાં સામેલ છે તેની પુષ્ટિ થયા પછી તેમની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.